હવે અંગ્રેજી ન આવડતું હોય તેવા લોકો પણ ન્યૂઝીલૅન્ડ જઈ શકશે, ખાસ લોકોને અપાઈ છૂટ
New Zealand Visa Policy: જો તમે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવા તથા કામ કરવા માગો છો, તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. ન્યૂઝીલૅન્ડે પોતાના ગોલ્ડન વિઝા સંબંધિત નિયમો સરળ કર્યા છે. જેમાં હવે ન્યૂઝીલૅન્ડ જવા માટે અંગ્રેજી ભાષા અનિવાર્ય રહેશે નહીં. ગોલ્ડન વિઝામાં સુધારો કરવા પાછળનો હેતુ ધનિકોને ન્યૂઝીલૅન્ડ તરફ આકર્ષિત કરવાનો છે. જેથી તેની અર્થવ્યવસ્થાને વેગ મળે. જેથી હવે ન્યૂઝીલૅન્ડ માટે વર્ક વિઝા કે, પરમેનન્ટ રેસિડન્ટ મેળવવા માટે હવે અંગ્રેજી ભાષાની જરૂરિયાત દૂર થઈ છે. આ બદલાવ એક એપ્રિલથી લાગુ થશે.
એક્ટિવ ઇન્વેસ્ટર પ્લસ વિઝાની બે કેટેગરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રોકાણ મર્યાદા વધારવામાં આવશે. આ અંગે માહિતી ન્યૂઝીલૅન્ડના પ્રવાસી બાબતોના મંત્રી એરિક સ્ટેનફોર્ડે આપી હતી. તેમણે જણાવ્યું કે, અંગ્રેજી ભાષા જાણવાની જરૂરિયાત દૂર કરવા ઉપરાંત રોકાણકારોને રોકાણના માધ્યમથી ન્યૂઝીલૅન્ડમાં રહેવાની મંજૂરી આપતાં દિવસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં રોકાણકારે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછું 50 લાખ ન્યૂઝીલૅન્ડ ડૉલરનું રોકાણ કરવાનું હોય છે. આ રોકાણ સીધું કે મેનેજ ફંડ મારફત કરી શકે છે. જેમાં વિઝાધારકોને ન્યૂઝીલૅન્ડમાં 21 દિવસ રહેવાની મંજૂરી મળે છે. તેની બીજી કેટેગરીમાં પાંચ વર્ષમાં ઓછામાં ઓછું 1 કરોડ ન્યૂઝીલૅન્ડ ડૉલરનું રોકાણ કરવા પર ઓછામાં ઓછા 105 દિવસ રહેવા મંજૂરી મળે છે. જેમાં બૉન્ડ, સ્ટોક, નવી સંપત્તિના બાંધકામ, કોમર્શિયલ-બિઝનેસ એસેટ્સમાં રોકાણ કરી શકે છે.
ન્યૂઝીલૅન્ડનો મંદીને દૂર કરવાનો પ્રયાસ
ન્યૂઝીલૅન્ડમાં ગતવર્ષે 2024માં આર્થિક મંદી જોવા મળી હતી. હવે તે આ મંદીને દૂર કરી પોતાના ઘટતાં વ્યાજદરોનો લાભ લઈ આર્થિક મોરચે સુધારો કરવા માગે છે. જો કે, નાણાકીય ભીડના કારણે અડચણો વધી છે. આથી ન્યૂઝીલૅન્ડે વિદેશી રોકાણ સંબંધિત નિયમોમાં સુધારા કર્યા છે. વિદેશી રોકાણકારો માટે સિંગલ વિન્ડોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સ્કીલ્ડ પ્રોફેશનલ્સને આકર્ષવા માટે રિમોર્ટ વર્કિંગની સુવિધા પણ આપી રહ્યું છે.
વિદેશીઓનું વાર્ષિક 57 કરોડ ડૉલરનું રોકાણ
ન્યૂઝીલૅન્ડમાં એક્ટિવ ઇન્વેસ્ટર્સ પ્લસ વિઝા પોલીસી હેઠળ ધનિકો વાર્ષિક રૂ. 57 કરોડ ડૉલરનું રોકાણ કરતા હતા. પરંતુ 2022માં તેના નિયમોમાં ફેરફાર થતાં લોકોએ રોકાણ ઘટાડ્યું હતું. 2022થી અત્યારસુધીમાં આ કેટેગરીમાં માત્ર 43 અરજીઓ જ મંજૂર થઈ છે. જેમાં અત્યારસુધીમાં માત્ર 54.5 કરોડ ડૉલરનું જ રોકાણ નોંધાયું છે. આ ઘટાડો દૂર કરવા ન્યૂઝીલૅન્ડે ફરી એકવાર આ કેટેગરીના વિઝા પોલિસીમાં સુધારો કર્યો છે.