વિદેશ જવાનું સપનું જોતાં ગુજરાતીઓ માટે ગુડ ન્યૂઝ, ન્યૂઝીલેન્ડે વિઝાના નિયમોમાં કર્યા ફેરબદલ
New Zealand Changes Visa Rules : ન્યૂઝીલેન્ડમાં ઈમિગ્રેશન પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે વિઝાના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યા છે. નોકરી કરવા માટે ન્યૂઝીલેન્ડ આવતા લોકો માટે સરળતા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બે વર્ષનો અનુભવ હશે તો પણ મળશે નોકરી
હવેથી ન્યૂઝીલેન્ડમાં નોકરી કરવા જતાં લોકોએ માત્ર વર્ષનો અનુભવ ( વર્ક એક્સપિરિયન્સ ) બતાવવાનો રહેશે, અત્યાર સુધી ત્રણ વર્ષનો અનુભવ બતાવવો પડતો હતો.
સિઝનલ વર્કર્સ માટે પણ મોટો નિર્ણય
આ સિવાય ન્યૂઝીલેન્ડ જતાં સિઝનલ વર્કર્સ માટે હવે બે નવા રસ્તા ખોલવામાં આવ્યા છે. અનુભવી સિઝનલ વર્કર્સ માટે ત્રણ વર્ષ માટે મલ્ટી-એન્ટ્રી વિઝા તથા ઓછા કુશળ લેબર્સ ( શ્રમિક ) માટે સાત મહિનાના સિંગલ એન્ટ્રી વિઝાની શરૂઆત કરવામાં આવી છે.
હવે પોતાના બાળકોને ન્યૂઝીલેન્ડ લાવવા માંગતા AEWV ધારકોએ વાર્ષિક 55,844 ન્યૂઝીલેન્ડ ડોલરની કમાણી કરવી પડશે. આ લઘુતમ સીમા 2019થી બદલવામાં આવી નથી.
એક વર્ષના વધારાના વિઝા મળશે
આટલું જ નહીં સ્કિલ લેવલ 4 અને 5 હેઠળ આવતા વિઝાના સમયગાળાને બે વર્ષથી વધારીને ત્રણ વર્ષ માટે કરી દેવામાં આવ્યા છે. અત્યારે જે નોકરિયાતો ત્યાં બે વર્ષના વિઝા પર રહે છે તેઓ પણ એક વર્ષનો વિસ્તાર માંગી શકશે.
ન્યૂઝીલેન્ડમાં નોકરી કરવા જતાં લોકો માટે જ નહીં, નોકરી આપતા લોકો માટે પણ નિયમો હળવા કરવામાં આવ્યા છે. સ્કિલ લેવલ 4 અને 5 હેઠળ નોકરી આપનારાઓએ હવે 21 દિવસના કામની અવધિનું પાલન કરવાની જરૂર નથી. આટલું જ નહીં પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીમાં સ્થાનિક લોકોને રાખવાની માપદંડને પણ 35 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યું છે.
ત્રણ વર્ષ માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળી જશે
જે વિદ્યાર્થીઓ ન્યૂઝીલેન્ડમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. તેમના માટે પોસ્ટ સ્ટડી વર્ક વિઝામાં પણ ફેરબદલ કરવામાં આવ્યા છે. જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને થશે. વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા પ્રમાણે ત્રણ વર્ષ માટે રહેવા તથા કામ કરવાના વિઝા આપવામાં આવશે.