ટ્રુડોની ડામાડોળ સત્તા બચાવવાનો પ્રયાસ, PR બાદ હવે ઈમિગ્રેશનના નિયમો કડક કરશે
Canada PM On Immigration Rules: કેનેડાના વડાપ્રધાન ટ્રુડો ખુરશી સંભાળવા માટે શીખ બાદ હવે કેનેડિયન્સને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે PR વિઝા પર કાપ મૂકવાની જાહેરાત બાદ હવે ઈમિગ્રેશન નિયમોને કડક બનાવવાની જાહેરાત કરી છે. કેનેડા સરકારે આગામી બે વર્ષ માટે ઈમિગ્રન્ટ્સ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, "અમે આગામી બે વર્ષમાં કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા જઈ રહ્યા છીએ, આ એક અસ્થાયી નિર્ણય છે, જે આપણી વસ્તી વૃદ્ધિને રોકવા અને આપણી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન કરવા માટે લેવામાં આવ્યો છે."
કોરોનાની નીતિ કેનેડા પર ભારે પડી
કોરોના મહામારી દરમિયાન વિશ્વભરના દેશોએ ટ્રાવેલિંગ અને વિદેશીઓ પર નિયંત્રણો લાદ્યા હતા. જો કે, એકમાત્ર કેનેડાએ વિદેશીઓ અને પ્રવાસીઓને વિઝા આપવાની પ્રક્રિયા અને પ્રવેશની મંજૂરી આપી હતી. જેના લીધે કેનેડામાં વિદેશીઓની સંખ્યા અનેકગણી વધી છે. પરિણામે તેના અર્થતંત્ર પર બોજો વધ્યો છે. ટ્રુડોએ જણાવ્યું કે, હવે એડજસ્ટમેન્ટ કરવાનો સમય આવી ગયો છે. કેનેડાને તેની વસ્તી સ્થિર કરવાની જરૂર છે. કેનેડિયનના હિત માટે આ પગલું લેવુ જરૂરી છે.
આ પણ વાંચોઃ કેનેડાના PRમાં 21% ના ઘટાડાની જાહેરાતથી ગુજરાતીઓ નિરાશ, ટ્રુડો સરકારનો ખરાબ નિર્ણય
વસ્તી વૃદ્ધિ રોકવા નિર્ણય
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે 2025-2027 ઇમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરી છે. આપણા દેશની આર્થિક સફળતા અને વિકાસ માટે ઇમિગ્રેશન પોલિસી જરૂરી છે. આપણા દેશની જરૂરિયાતો અનુસાર, આ યોજના વસ્તી વૃદ્ધિને રોકવામાં સફળ થશે, જેથી વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય.
PR માં ઘટાડો
કેનેડામાં નવી ઈમિગ્રેશન પોલિસી હેઠળ 2025માં માત્ર 3,95,000 લોકોને જ પરમેનન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આગામી વર્ષોમાં તેમાં વધુ ઘટાડો જોવા મળશે. 2026માં માત્ર 3,80,000 લોકોને અને પછી 2027માં 3,65,000 લોકોને પરમેનન્ટ રેસિડેન્સી આપવાની યોજના છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેનેડા હવે PR આપવા પર ઘટાડો કરી રહ્યું છે.
કેનેડાની રાષ્ટ્રીય આંકડાકીય એજન્સીએ જણાવ્યું હતું કે દેશની વસ્તી 2023થી 2024 સુધીમાં 3.2 ટકા વધવાનો અંદાજ છે, જે 1957 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. હવે અહીંની વસ્તી 41 મિલિયન થઈ ગઈ છે. આ વસ્તી વધારામાં બહારથી આવતા વસાહતીઓએ ફાળો આપ્યો છે. કેનેડા સરકારના આ પગલાંથી ઇમિગ્રન્ટ્સ માટે દેશમાં નોકરી મેળવવી અને સ્થાયી થવું મુશ્કેલ બનશે. અગાઉ, વડા પ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે, "અમે કેનેડામાં કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા જઈ રહ્યા છીએ. અમે કંપનીઓ માટે કડક નિયમો રજૂ કરી રહ્યા છીએ જેથી તેઓ સાબિત કરી શકે કે તેઓ શા માટે કેનેડિયન કામદારોને પ્રથમ સ્થાને રાખી શકતા નથી."