ભારત પરત આવ્યા વિના પણ રિન્યૂ થઈ જશે H-1B વિઝા! ટૂંક સમયમાં નિયમ બદલશે અમેરિકા
H-1B Visa Renewal Program: એચ-1બી વિઝા વિવાદ વચ્ચે અમેરિકા નવી પોલિસી રજૂ કરવા સજ્જ બન્યું છે. અમેરિકાએ એચ-1બી વિઝાધારકોના વિઝા અમેરિકા છોડ્યા વિના જ ઝડપથી રિન્યૂ કરતો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. નવી દિલ્હીમાં અમેરિકન એમ્બેસીએ જાહેર કરેલી નોટિફિકેશન અનુસાર, અમેરિકામાં એચ-1બી વિઝાધારકોએ હવે વિઝા રિન્યૂ કરાવવા માટે વતન પરત ફરવું પડશે નહીં.
એચ-1બી વિઝાધારકો માટે રિન્યૂઅલ પહેલ આ વર્ષથી જ લાગુ થશે. જે લાખો ભારતીય એચ-1બી વિઝાધારકોના વિઝા ઝડપથી રિન્યૂ કરી આપશે. અમેરિકામાં આ પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતાં તેને સમગ્ર દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
શું છે એચ-1બી વિઝા નિયમો
ભારતમાંથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ એચ-1બી વિઝા મારફત અમેરિકામાં કામ અને વસવાટ કરતાં હોય છે. વિઝા રિન્યૂ કરવા માટે તેઓએ પરત પોતાના વતન આવવું પડે છે. જો કે, આ નવા પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હજારો એચ-1બી વિઝાધારકોના વિઝા વતન પરત ફર્યા વિના જ ઝડપથી રિન્યૂ કરી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ H-1B વિઝા બંને દેશો માટે લાભકારી: ટ્રમ્પની શપથવિધિ પહેલા ભારતનું મોટું નિવેદન
એચ-1બી વિઝા રિન્યૂ પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે
એચ-1બી વિઝા રિન્યૂ પ્રક્રિયા નવા રિન્યૂઅલ પ્રોગ્રામ 2025 મારફત ઝડપી અને સરળ બનશે. જેના માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ લેવા માટે લાગતો સમય બચશે. એકબાજુ અમેરિકામાં એચ-1બી વિઝા મુદ્દે વિવાદ વકર્યો છે, જ્યારે બીજી બાજુ તેને સરળ બનાવતી પોલિસી ઘડવામાં આવી રહી છે.
એચ-1બી વિઝાધારકોમાં ભારતીયોનું પ્રમાણ વધુ
અમેરિકામાં એચ-1બી વિઝા ધરાવતા લોકોમાં ભારતીયોનું પ્રમાણ હંમેશાથી વધુ રહ્યું છે. 2022માં 3.20 લાખ એચ-1બી વિઝા મંજૂર થયા હતા, જેમાં 77 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા. 2023માં પણ 386000 વિઝામાંથી 72.3 ટકા વિઝા ભારતીયોને મળ્યા હતા.
અમેરિકન્સનો ભારે વિરોધ
એચ-1બી વિઝાના કારણે અમેરિકન્સની રોજગારી છીનવાઈ રહી હોવાનો આરોપ મૂકતાં ભારે વિરોધ દર્શાવાયો છે. અમેરિકાના નાગરિકો નવા રાષ્ટ્રપતિને ઇમિગ્રેશન અને એચ-1બી પોલિસી આકરી બનાવવા માગ કરી રહ્યા છે. અમેરિકાની ટૅક્નોલૉજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ભરતી એચ-1બી વિઝા હેઠળ કરે છે.
20 જાન્યુઆરીએ ટ્રમ્પ શપથ લેશે
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ લેશે. તેઓ છેલ્લા કેટલાક સપ્તાહથી ઇમિગ્રેશન પોલિસી અને એચ-1બી વિઝાને સમર્થન આપતાં નિવેદનો આપી રહ્યા હતા. જેના પગલે તેમના જ સમર્થકો અને અમેરિકાના નાગરિકો વચ્ચે બે ફાટ પડી છે. કેટલાક લોકોએ એચ-1બી વિઝાને સમર્થન આપ્યું છે, તો કેટલાકે તેનો વિરોધ કર્યો છે.