અમેરિકામાં 26 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારીને હત્યા, પાર્થિવ દેહ માટે પિતાની ભાવુક અપીલ
Indian Student Shot Dead in US : અમેરિકામાં મૂળ ભારતીયો પર હુમલા સતત વધી રહ્યા છે. 20 જાન્યુઆરીએ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. યુવક મૂળ હૈદરાબાદનો હતો અને વર્ષ 2022માં ડિગ્રી હાંસલ કરવા માટે અમેરિકા ગયો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ યુવક ત્યાં નોકરી શોધી રહ્યો હતો.
હુમલાખોરો હજુ ફરાર
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર યુવકનું નામ રવિ તેજા હતું અને તેનો પરિવાર હૈદરાબાદની ગ્રીન હિલ્સ કોલોનીમાં રહે છે. સોમવારે સવારે રવિના પરિવારને સૂચના મળી કે તેમના પુત્રને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. કોણે અને કઈ પરિસ્થિતિમાં હુમલો કર્યો તેની હજુ સુધી જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. જોકે સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.
પિતાની ભાવુક અપીલ
નોંધનીય છે કે અમેરિકામાં અગાઉ પણ આવા ઘણા કેસ થયા છે. ગયા મહિને જ શિકાગોમાં તેલંગાણાના 22 વર્ષના સાઈ તેજાની હત્યા કરવામાં આવી હતી. એટલાન્ટામાં મૂળ ભારતીય શિક્ષક શ્રીરામ સિંહની પણ હત્યા કરવામાં આવી હતી, તેઓ 40 વર્ષથી અમેરિકામાં જ સ્થાયી થયા હતા.
રવિના પિતાએ રડતાં રડતાં સરકારને અપીલ કરી છે કે મારા પુત્રનો પાર્થિવ દેહ વહેલામાં વહેલી તકે ભારત લાવવામાં આવે. હું કશું કહી શકું તે પરિસ્થિતિમાં નથી.