સરકારી નોકરી છોડી વિદેશ ગયેલો ભારતીય યુવાન હુમલાનો શિકાર થતાં આજીવન પેરેલાઈઝ્ડ થયો
Indian Student Assault In Australia: ભારતમાં સરકારી નોકરી છોડી ગતવર્ષે ઓસ્ટ્રેલિયામાં માસ્ટર્સ ઓફ પ્રોફેશનલ એકાઉન્ટિંગનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થીના ઉજ્જવળ ભાવિના સ્વપ્નો ચકનાચુર થઈ ગયા છે. ભારતીય વિદ્યાર્થી દેવર્ષિ દેકા ઓસ્ટ્રેલિયામાં હુમલાનો શિકાર બનતાં આજીવન લકવાગ્રસ્ત બન્યો છે.
ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં યુનિવર્સિટી ઓફ ટસ્માનિયામાં અભ્યાસ કરી રહેલો દેવર્ષિ ગત નવેમ્બરે મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. ત્યારે સલામાન્કામાં રાત્રે હુમલાનો ભોગ બન્યો હતો. જેના લીધે તેને ગંભીર ઈજાઓ થતાં કોમામાં જતો રહ્યો હતો.
સાડા ત્રણ મહિના બાદ દેવર્ષિ ભાનમાં આવ્યો હતો. પરંતુ તે હલનચલન કરવા અક્ષમ બન્યો હતો. મગજમાં ગંભીર ઈજાઓ થતાં તેની ડાબી આંખમાં દેખાતું બંધ થયુ હતું, તેમજ તેના પગ પણ કામ કરી રહ્યા નથી. ડોક્ટર્સે તે આજીવન લકવાગ્રસ્ત રહેશે તેવુ નિદાન કર્યું છે.
તેના મિત્ર રિષભ કૌશિકે જણાવ્યું હતું કે, હાલ દેવર્ષિની સારવાર ઈન્સ્યોરન્સ કંપનીની મદદથી થઈ રહી છે. પરંતુ તે વિદેશી વિદ્યાર્થી હોવાથી નેશનલ ડિસેબિલિટી ઈન્સ્યોરન્સ સ્કીમનો લાભ લઈ શકતો નથી. તેને અને તેના પરિવારને આશા છે કે, તે એક દિવસ જરૂરથી ઉભો થશે.
સરકાર પાસે મદદ માગી
દેવર્ષિ હોસ્પિટલમાંથી રજા લીધા બાદ હોબાર્ટમાં રહેવા માગે છે. જો કે, તેના સપોર્ટ માટે સ્પેશિયાલિસ્ટ ઈક્વિપમેન્ટની જરૂર પડશે. જેની પાછળ હજારો ડોલરનો ખર્ચ થઈ શકે છે. જે તેને કે તેના વાલી અને સમુદાયને પણ પોસાય તેમ નથી. તેથી રિષભ કૌશિકે સરકાર પાસે મદદ માગી છે. જો સરકાર મદદ નહીં કરે તો તેને પરત ભારત જવાની ફરજ પડશે.