અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ મામલે ભારત નંબર વન, 15 વર્ષ બાદ ચીનને પાછળ છોડવામાં સફળ
Donald Trump Latest News: અમેરિકામાં ભણવા જતાં વિદ્યાર્થીઓની સંખ્યા મામલે ભારતે બાજી મારી છે. 15 વર્ષ બાદ અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રમુખ સ્રોત રૂપે ભારતે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ચીન આ સંદર્ભે પ્રથમ ક્રમે હતું.
ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ 2024 પર ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, ભારતમાંથી 2024માં 3.3 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા ગયા છે. આ સંખ્યા વાર્ષિક ધોરણે 23 ટકા વધી છે. આ સાથે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારતે ચીનને પાછળ પાડી બાજી મારી છે.
યુકેમાં પણ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી
યુકેમાં પણ 2022-23માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 39 ટકા વધી હતી. 1.7 લાખ વિદ્યાર્થીઓ સાથે યુકેમાં સ્થળાંતરિત થયા હતા. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાં તેમણે જે રીતે ઇમિગ્રેશન પોલિસી અંગે પ્રચાર કર્યો હતો, તેને ધ્યાનમાં લેતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે પડકારો વધી શકે છે.
આ પણ વાંચોઃ કેનેડાથી 7000 વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરાશે, વિઝા લેવામાં હવે તમે પણ આવી ભૂલ ન કરતા
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 50 અબજ ડૉલરની આવક
અમેરિકાએ 2023માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મારફત 50 અબજ ડૉલરની કમાણી કરી છે. જેમાં ભારતીયોનો હિસ્સો 20 ટકા સાથે સૌથી વધુ રહ્યો છે. ગવર્નમેન્ટ યુનિવર્સિટીમાં 64.5 ટકા અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં 35.5 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. અમેરિકાના જીડીપીમાં ભારતીય વિદ્યાર્થીઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. તેમની પાસેથી 11.8 અબજ ડૉલરની કમાણી કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન મુદ્દે આકરું વલણ લેશે
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ચૂંટણી પ્રચારમાં અમેરિકન્સના સમર્થનમાં ઇમિગ્રેશન પોલિસી કડક કરવાનું નિવેદન આપ્યું હતું. સ્ટીફન મિલરની ઇમિગ્રેશન પોલિસી માટે ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ તરીકે નિમણૂક થઈ છે. મિલર ગેરકાયદે અને કાયદેસર રીતે ઇમિગ્રેશન પર લગામ મૂકી શકે છે. જેની અસર હજારો-લાખો ભારતીયો પર થઈ શકે છે. ટ્રમ્પે તેના અગાઉના કાર્યકાળમાં પણ ઇમિગ્રેશન મુદ્દે આક્રમક પોલિસી અપનાવતા ભારતીય પરિવારો માટે મુશ્કેલી વધી હતી.