જર્મનીમાં 12માં ધોરણ પછી શિક્ષણ 'મફત', ભારતના વિદ્યાર્થીઓને આ રીતે મળી શકે છે સ્ટડી વિઝા
Image: Freepik |
Study in Germany: ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે, જે માસ્ટર ડિગ્રી મેળવવા માટે વિદેશી યુનિવર્સિટીમાં એડમિશન લે છે. જોકે, દર વર્ષે એવા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે, જે 12મા ધોરણ બાદ વિદેશ અભ્યાસ માટે જાય છે. અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશ અભ્યાસ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. પરંતુ, આ દેશોની યુનિવર્સિટીની ફી પણ ખૂબ વધારે હોય છે, જેના કારણે દરેક લોકો અહીં એડમિશન નથી લઈ શકતા.
આ જ કારણે ભારતીય વિદ્યાર્થીઓ એવા દેશમાં અભ્યાસ માટે જાય છે, જ્યાં ફી ઓછી હોય. આ કેટેગરીમાં સૌથી પહેલું નામ જર્મનીનું આવે છે, જે પોતાના વર્લ્ડ-ક્લાસ એજ્યુકેશન માટે જાણીતું છે. જર્મનીની સૌથી સારી વાત એ છે કે, અહીં સસ્તી કિંમતે શિક્ષણ મેળવી શકાય છે. આ જ કારણે દુનિયાભરના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવે છે. જો તમે પણ 12મા ધોરણ બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો, તો જર્મની તમારા માટે શ્રેષ્ઠ દેશ છે. ચાલો જાણીએ અહીં કેવી રીતે ફ્રીમાં અભ્યાસ કરી શકાય.
આ પણ વાંચોઃ અમેરિકામાં 10 લાખ ભારતીયોને ઝટકો, બર્થ રાઈટ અંગેના ટ્રમ્પના નિર્ણયથી ટેન્શન, જાણો મામલો
જર્મનીમાં કેવી રીતે ફ્રીમાં અભ્યાસ કરવો?
હકીકતમાં, જર્મનીની પબ્લિક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં નથી આવતી. પબ્લિક યુનિવર્સિટી એવી સંસ્થા છે, જ્યાં સરકાર ખુદ ફંડ આપે છે. અહીં જર્મન વિદ્યાર્થીની સાથે-સાથે વિદેશી વિદ્યાર્થીઓને પણ ફી નથી આપવી પડતી. જોકે, ભારતીય વિદ્યાર્થીઓએ પબ્લિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે દરેક શૈક્ષણિક વર્ષની શરુઆતમાં સેમેસ્ટર ફી આપવી પડે છે, જે 100થી 350 યુરો હોય છે. આ ટ્યુશન ફી હોય છે, જેના કારણે સરળતાથી ફક્ત સામાન્ય રકમ ચૂકવીને અભ્યાસ કરી શકાય છે.
જર્મનીમાં કેવી રીતે મળશે એડમિશન?
જર્મનીમાં અભ્યાસનો પ્લાનિંગ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને સૌથી પહેલાં કોર્સ પસંદ કરવાનો રહેશે. આ કામમાં 'જર્મન એકેડમિક એક્સચેન્જ સર્વિસ' (DAAD) મદદરૂપ સાબિત થશે. DAADની વેબસાઇટ પર તમામ યુનિવર્સિટી અને કોર્સની વિગતો મળી જશે. ત્યારબાદ તમે તમારો કોર્સ અને યુનિવર્સિટી સિલેક્ટ કરીને એડમિશન માટે અપ્લાય કરી શકો છો. એકવાર એડમિશન મળી જાય બાદમાં ઑફર લેટર દ્વારા વીઝા માટે ઍપ્લાય કરવાનું રહેશે. જેવો વિઝા મળી જાય, તમે જર્મની જઈ શકો છો.