જમીન વેચી, ઘર ગિરવે મૂક્યું.. દીવાલ કૂદીને અમેરિકામાં ઘૂસેલા યુવકોના પરિવાર પર હવે આર્થિક સંકટ
USA Deportation Of Indians: અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહીના ભાગરૂપે 104 ભારતીયોનો પહેલો કાફલો ગઈકાલે અમૃતસરમાં ઉતર્યો હતો. આ કવાયતથી ડંકી રૂટ મારફત વિદેશ ગયેલા લોકો પર તવાઈ આવી છે. આ પહેલા કાફલામાં મોટાભાગના લોકો હાલમાં જ ગેરકાયદે અમેરિકા પહોંચ્યા હતા. જેથી ડૉલરમાં કમાણીનું સ્વપ્ન એળે ગયું પણ પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો છે.
પોતાનું ઘર, જમીન ગિરવે મૂકી કે વેચીને ગેરકાયદે અમેરિકા ગયેલા લોકો ખાલી હાથે પાછા ફરતાં પરિવાર આર્થિક તંગીમાં મૂકાયો છે. તેમાં ઘણા લોકો પોતાના ઘરની આર્થિક સ્થિતિ સુધારવા ડંકી રૂટ મારફત અમેરિકા ગયા હતાં. આ ડિપોર્ટ કરવામાં આવેલા 104 લોકોમાં 37 ગુજરાતીઓ, 33 હરિયાણાના અને 30 પંજાબીઓ સામેલ હતા.
પરિવાર પર આર્થિક સંકટ
હરિયાણાના કરનાલમાં રહેતો આકાશ 26 જાન્યુઆરીએ જ અમેરિકા પહોંચ્યો હતો. તેણે ડંકી રૂટ મારફત અમેરિકા જવા 73 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ તેને 10 દિવસમાં જ પાછો મોકલી લેવામાં આવ્યો છે. અમેરિકા જવા માટે તેના પરિવારે જમીન વેચી દીધી હતી. દેવું પણ લીધું હતું. પરિવારને અપેક્ષા હતી કે,અમેરિકામાં કમાણી કરી પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. પરંતુ ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીએ તેમના સપના પર પાણી ફેરવી દીધું છે.
73 લાખ ખર્ચી 10 મહિને પહોંચ્યો અમેરિકા
આકાશનો ભાઈ શુભમ પણ ડંકી રૂટ મારફત અમેરિકા ગયો હતો. તે 73 લાખ રૂપિયા ખર્ચી એપ્રિલ, 2024માં અમેરિકા જવા નીકળ્યો હતો. પરંતુ દસ મહિના બાદ અમેરિકા પહોંચ્યો હતો. એજન્ટે 65 લાખમાં ડીલ નક્કી કરી હતી. પરંતુ બાદમાં રૂ.આઠ લાખ વધારાના પડાવ્યા હતા.
અમેરિકા જવા જમીન વેચી
24 વર્ષીય અરુણ પાલ હરિયાણાના ઘરૌંડાનો રહેવાસી છે. તેણે પોતાની અડધી એકર જમીન વેચી અમેરિકા જવાનું સપનું જોયું હતું. રૂ.45 લાખના ખર્ચે અરુણ ડંકી રૂટ દ્વારા 25 જાન્યુઆરીએ જ અમેરિકા પહોંચ્યો હતો. જો કે, તેને હવે ભારત પરત મોકલી દેવામાં આવ્યો છે. તેના પિતા મજૂરી કરે છે, ભાઈ લીબર્ટીમાં કામ કરે છે. પરિવારને આશા હતી કે, અરુણ અમેરિકા જઈ ડૉલરમાં કમાણી કરશે અને ઘરની આર્થિક સ્થિતિ સુધારશે.
મકાન વેચી અમેરિકા જવા નીકળ્યો
નીલોખેડીનો 45 વર્ષીય પરમજીત સિંહ પોતાની પત્ની, દીકરા-દીકરી સાથે ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યો હતો. જે 12 એકર જમીનનો માલિક હતો. તેની એક દીકરી અમેરિકામાં સ્ટુડન્ડ વિઝા પર હતી. પરંતુ આખો પરિવાર અમેરિકા સ્થાયી થવા માગતો હોવાથી તેણે પોતાનું મકાન અને પ્લોટ વેચી દીધો હતો. 19 જાન્યુઆરીએ જ આખો પરિવાર અમેરિકા પહોંચ્યો હતો. પરંતુ પોલીસે ધરપકડ કરી પાછા મોકલી દીધા.