કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીનું ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા ગૂંગળાઈને મોત
કાર્બન મોનોક્સાઈડ વધી જવાથી યુવકનું મોત થયું હતું
આ ઘટનામાં છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
Gujarati student dies in Canada: કેનેડામાં રહેતા ગુજરાતી યુવકના મોત સમાચાર સામે આવ્યા છે. મૂળ નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કેનેડાના ટોરેન્ટોમાં એમના ઘરનાં ગેરેજમાં મત્યુ થયું હતું. માહિતી અનુસાર, કાર ચાલુ રહી જતા કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા આ દુર્ઘટના ઘટી હતી.
છ લોકોમાંથી ગુજરાતી વિદ્યાર્થીનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામના વિદ્યાર્થીનું કેનેડામાં એમના ઘરનાં ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા ગૂંગળાઈને મોત થયું હતું. વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ કેનેડામાં ગુજરાતી યુવકનું ગુમ થયા બાદ મોત થયું હતું. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો. તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી. મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.