જર્મની જવા ઈચ્છુક ભારતીયો માટે ખુશીના સમાચાર, હવે વધુ લોકોને આપશે સ્કિલ્ડ પ્રોફેશનલ વિઝા
Germany Skilled Indian Professionals Visa: વિદેશમાં સ્થાયી થવા અને વિદેશી ચલણમાં કમાણી કરવા પ્રચલિત ભારતીયો માટે જર્મનીમાં નોકરી કરવાની તકમાં વધારો કરવામાં આવ્યો છે. જર્મનીએ સ્કિલ્ડ ઈન્ડિયન પ્રોફેશનલ્સને વિઝા આપવાની સંખ્યામાં અનેકગણો વધારો કર્યો છે. બંને દેશો વચ્ચે પ્રોફેશનલ અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ સાથે જર્મનીએ કુશળ ભારતીય કર્મચારીઓ માટે ફાળવવામાં આવતાં વિઝાની મર્યાદા વાર્ષિક ધોરણે 20000થી વધારી 90000 કરી છે.
18માં એશિયા-પેસિફિક કોન્ફરન્સને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ આ જાહેરાત કરી હતી કે, "અમે આવનારા 25 વર્ષોમાં વિકસિત ભારતનો રોડમેપ બનાવ્યો છે. મને ખુશી છે કે આ મહત્વપૂર્ણ સમયમાં, જર્મન કેબિનેટે 'ફોકસ ઓન ઈન્ડિયા' ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે. જર્મનીએ કુશળ ભારતીય કર્મચારીઓ માટે વિઝાની સંખ્યા 20,000 થી વધારી 90,000 સુધી કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય કુશળ કામદારો માટે તક
જર્મનીની આ નવી વિઝા નીતિ ભારતના કુશળ માનવબળને જર્મનીમાં કામ કરવાની તક આપશે. અત્યારસુધી તે દર વર્ષે 20,000 લોકોને આ વિઝા ફાળવતો હતો. જે હવે 90,000 લોકોને વિઝા આપશે. જર્મનીમાં શ્રમની અછત દૂર કરવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને વધુ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારતીય પ્રોફેશનલ્સને જર્મનીમાં કામ કરવાની તક મળશે.
આ પણ વાંચોઃ કેનેડાના PRમાં 21% ના ઘટાડાની જાહેરાતથી ગુજરાતીઓ નિરાશ, ટ્રુડો સરકારનો ખરાબ નિર્ણય
જર્મનીમાં શ્રમની તંગી
જર્મની હાલમાં વૃદ્ધ વસ્તી સાથે વસ્તી વિષયક પરિવર્તનનો સામનો કરી રહ્યું છે, જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં શ્રમની તંગી વધી રહી છે. ભારતમાંથી કુશળ કામદારો માટે વિઝા મર્યાદામાં વધારો કરતાં જર્મની આ અછત દૂર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. તેના ઉદ્યોગો ઘરેલું પડકારો હોવા છતાં વિકાસશીલ રહે તે હેતુ સાથે આઇટી, એન્જિનિયરિંગ અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં કુશળ ભારતીય કામદારોની ભરતી કરશે.
ભારતીય કામદારો માટે સ્થળાંતરની સુવિધા
વિઝા ફાળવણીમાં વધારો ભારતીય પ્રોફેશનલ્સ માટે જર્મની જવાનો માર્ગ સરળ બનાવશે, સંભવિતપણે ઇમિગ્રેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે અને સરળ સ્થળાંતરની સુવિધા આપશે. આ વિકાસથી ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો થવાની પણ અપેક્ષા છે, જે શિક્ષણ, સંશોધન અને વ્યાવસાયિક તાલીમમાં ભાવિ સહયોગ માટે માર્ગ મોકળો કરશે.
વિઝા પ્રોસેસિંગ ટાઈમ પણ ઘટાડ્યો
થોડા સમય પહેલાં જ જર્મનીએ ભારતીયો માટે વિઝા પ્રોસેસિંગ ટાઈમ પણ ઘટાડ્યો છે. હવે માત્ર 15 દિવસમાં સ્કિલ્ડ ઈન્ડિયન પ્રોફેશનલ્સ વિઝા આપી રહ્યો છે. આ સિવાય બ્લૂ કાર્ડ જોબ માટે અરજી કરનારા ભારતીયો માટે જર્મન ભાષા પણ મરિજ્યાત કરવામાં આવી છે. હવે વિઝા અરજી માટે જર્મન ભાષા અનિવાર્ય નથી.