Explainer: અમેરિકા જવા ઈચ્છુક ભારતીયો ‘O-1’ અને 'આઈન્સ્ટાઈન વિઝા'ને શરણે, જાણો આ વિઝા કોને મળે
USA Visa O-1: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે અમેરિકામાંથી ગેરકાયદે ઘૂસણખોરોનો દેશનિકાલ કરવા માંગે છે. આ કારણસર તેઓ અમેરિકામાં પ્રવેશવા ઈચ્છુક વિદેશીઓને વિઝા મેળવવાની પ્રક્રિયા વધુ ને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે. અમેરિકા જવા માંગતા ભારતીયો માટે H1-B વિઝા અત્યાર સુધી સૌથી સરળ માર્ગ હતો. હવે ટ્રમ્પ વહીવટીતંત્રમાં એની બેફામ લ્હાણી બંધ થઈ ગઈ છે. જો કે, ભારતીયો પણ કંઈ ગાંજ્યા જાય એમ નથી. ડૉલરિયા દેશમાં દાખલ થવા માટે હવે ભારતીયોએ અમેરિકાના ‘O-1’ અને 'આઈન્સ્ટાઈન વિઝા' પર આંખ ઠારી છે. ચાલો જાણીએ કે, આ વિઝા શું છે અને કઈ રીતે તથા કોને મળે છે.
O-1 વિઝા કાયમી રહેઠાણનો અધિકાર આપતો નથી
H1-B વિઝાની જેમ ‘O-1’ પણ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. નોન-ઇમિગ્રન્ટ વિઝા એટલે એવો વિઝા જે વિઝાધારકને કાયમી રહેઠાણનો કે કામ કરવાનો અધિકાર આપતો નથી. પ્રવાસન, વ્યવસાય કે અભ્યાસ જેવા ચોક્કસ હેતુઓ માટે અમેરિકામાં કામચલાઉ પ્રવેશ મેળવવા માંગતા હોય અને ભવિષ્યમાં વતન પાછા ફરવાના હોય, એવા લોકોને અપાતા વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા કહેવાય છે. તેથી O-1 વિઝા એવા લોકો માટે છે જેઓ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત, કળા, શિક્ષણ, વ્યવસાય કે એથ્લેટિક્સ જેવા ક્ષેત્રોમાં 'અસાધારણ ક્ષમતા' દર્શાવે છે. આ વિઝા 1990ના ઇમિગ્રેશન એક્ટ હેઠળ સ્થાપિત કરાયા હતા.
O-1 વિઝાનો સફળતા રેશિયો પણ વધુ અને ખર્ચ પણ વધુ
- H1-B વિઝાથી વિપરિત O-1 વિઝા માટે કોઈ મર્યાદા (cap) નથી. અમેરિકા દ્વારા પ્રત્યેક દેશને દર વર્ષે અમુક નક્કી કરેલી માત્રામાં જ H1-B વિઝા અપાતા હોય છે, જેને cap કહેવામાં આવે છે. O-1 વિઝામાં આવી કોઈ મર્યાદા નથી.
- O-1 વિઝા શરૂઆતમાં ત્રણ વર્ષ માટે અપાય છે, પરંતુ તે અનિશ્ચિત સમય માટે લંબાવી શકાય છે.
- O-1 વિઝા મોંઘા છે. તેની અરજીનો ખર્ચ 10,000 ડૉલર (રૂ. 8.55 લાખ)થી લઈને 30,000 ડૉલર (રૂ. 25.6 લાખ) વચ્ચે આવે છે, જે H1-B વિઝા કરતા 10 ગણું વધુ ખર્ચાળ છે.
- H1-B વિઝાનો મંજૂરી દર માત્ર 37 ટકા છે, જ્યારે O-1 વિઝાનો મંજૂરી દર 93% છે. એટલે કે જો તમે O-1 વિઝા હેઠળ અમેરિકા જવા માટે અરજી કરો, તો તમારા વિઝા મંજૂર થવાની શક્યતા વધી જાય છે. તેથી અતિશય ખર્ચાળ હોવા છતાં આ વિઝા લોકપ્રિય થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ UAEએ વિદેશમાં વસતા ભારતીયો માટે પણ વિઝા ઓન-અરાઈવલ સુવિધા શરૂ કરી, જાણો નિયમ-શરતો
કયા વર્ષમાં કેટલા O-1 વિઝા અપાયા?
વર્ષ 2024માં અમેરિકા દ્વારા આખી દુનિયાના લોકોને કુલ 22,669 O-1 વિઝા અપાયા હતા. વર્ષ 2023માં આ આંકડો 18,894 હતો, જે વર્ષ 2020માં અપાયેલા 8,838 વિઝા કરતાં ઘણો વધારે છે. 2023માં 1,418 ભારતીયોને આ વિઝા અપાયા હતા, જે 2020માં અપાયેલા 487 વિઝા કરતાં ત્રણ ગણા છે.
O-1 વિઝા પગાર અને ડિગ્રી બાબતે પણ છૂટ આપે છે
આ વિઝા લેવા માટે અરજદાર પાસે ચોક્કસ લઘુતમ પગાર કે ડિગ્રી હોવી જરૂરી નથી. આમ તો આ વિઝાની મંજૂરી મળવામાં પણ મહિના લાગી શકે છે, પરંતુ જો વધારાના નાણાં ચૂકવો તો તમારી અરજીને પ્રાથમિકતા આપીને બે અઠવાડિયાથી ઓછા સમયમાં પ્રક્રિયા કરી અપાય છે. અલબત્ત, વધારાના નાણાં ચૂકવો એટલે વિઝા મળી જ જાય એવી કોઈ ગેરંટી નથી.
O-1 વિઝાનો ઉપયોગ કોણ વધુ કરી રહ્યું છે?
ટેસ્લા, માઇક્રોસોફ્ટ અને મેકકિન્સે જેવી ખમતીધર અમેરિકન કંપનીઓ ભારતીય પ્રતિભાઓની ભરતી કરવા માટે O-1 વિઝાનો ઉપયોગ કરે છે. આ કંપનીઓને આવા મોંઘા વિઝા પરવડે છે. યેલ અને હાર્વર્ડ જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પણ ભારતીય ફેકલ્ટીને નોકરી આપતી વખતે આ વિઝાનો ઉપયોગ કરે છે.
‘આઈન્સ્ટાઈન વિઝા’નું નામ આવું કેમ પડ્યું?
આ વિઝાને સત્તાવાર રીતે EB-1 એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની કેટેગરીમાં આવે છે, જેમાં EB-1, 2, 3, 4 અને 5 સુધીની કેટેગરી છે. જો કે, રાષ્ટ્રીય અને/અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અસાધારણ પ્રતિભા અને સિદ્ધિઓ બદલ પ્રશંસા/સન્માન પ્રાપ્ત કરનાર અતિ પ્રતિભાશાળી લોકોને મળતા વિઝા EB-1 કેટેગરીમાં આવે છે. આવા લોકોમાં નોબેલ, પુલિત્ઝર કે બુકર જેવા પુરસ્કાર વિજેતાઓ, ઓસ્કાર એવોર્ડ વિજેતાઓ, ઓલિમ્પિક મેડલ વિજેતાઓ, શૈક્ષણિક સંશોધકો અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા પ્રોફેસરોનો સમાવેશ થાય છે. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ પ્રકારના વિઝા પર જ જર્મનીથી અમેરિકા ગયા હોવાથી EB-1 વિઝાનું નામ ‘આઈન્સ્ટાઈન વિઝા’ પડી ગયું છે.
‘આઈન્સ્ટાઈન વિઝા’ મેળવવા માટે રજૂ કરવા પડતા પુરાવા
- જે-તે ક્ષેત્રમાં અરજદારના યોગદાન અને સફળતાનો પુરાવો માંગવામાં આવે છે.
- વિઝાના અરજદાર કોઈ પ્રતિષ્ઠિત સંસ્થાના સભ્ય રહ્યા હોય, તે સંસ્થામાં ઉચ્ચ પદે કામ કર્યું હોય, કે પછી સંસ્થામાં કોઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોય તો એનો પુરાવો જે-તે સંસ્થા પાસે માંગવામાં આવે છે.
- જાણીતા પ્રસાર (મીડિયા) માધ્યમોમાં અરજદાર વિશે છપાયેલા લેખો માંગવામાં આવે છે.
- અન્ય વ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટેની પેનલમાં રહ્યા હોય તો એની સાબિતી માંગવામાં આવે છે.
- અરજદાર સંશોધક હોય તો તેમના છપાયેલા લેખો માંગવામાં આવે છે.
- અરજદારના કાર્યને કળાત્મક પ્રદર્શનોમાં પ્રદર્શિત કરાયું હોય, તો તેના પુરાવા માંગવામાં આવે છે
- જે-તે ક્ષેત્રમાં ઉચ્ચ પગાર મળતો હોય તો તેનો પુરાવો પણ આપવો પડે છે.
મેલેનિયા ટ્રમ્પ પણ ‘આઈન્સ્ટાઈન વિઝા’ પર અમેરિકા આવેલા
‘આઈન્સ્ટાઈન વિઝા’ મેળવવા સૌથી મુશ્કેલ ગણાય છે. અમેરિકાના વર્તમાન ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ 'આઈન્સ્ટાઈન વિઝા' પર અમેરિકા આવ્યા હતાં. તેઓ મૂળ યુરોપના સ્લોવેનિયાના વતની છે. વર્ષ 2001 માં તેમનું નામ મેલેનિયા નૌસ હતું. એ સમયે તેઓ ન્યૂ યોર્કમાં મોડેલ તરીકે કામ કરતાં હતાં. આજ સુધીમાં સ્લોવેનિયાના ફક્ત પાંચ લોકોને EB-1 વિઝા અપાયા છે, મેલેનિયા એમાંના એક છે.
કયા ભારતીયને ‘આઈન્સ્ટાઈન વિઝા’ મળ્યા છે?
ભારતના મંગેશ ઘોગરેને વર્ષ 2023માં ‘આઈન્સ્ટાઈન વિઝા’ અપાયા હતા. મંગેશ ક્રોસવર્ડ પઝલ બનાવતા હતા. તેમણે બનાવેલી એક પઝલમાં તાજ મહાલનાં દર્શન થતાં હતાં અને એ પઝલ ન્યૂયોર્ક ટાઇમ્સ જેવા પ્રતિષ્ઠિત અખબારમાં છપાઈ હતી. આ સિદ્ધિ બદલ મંગેશને ‘આઈન્સ્ટાઈન વિઝા’ અપાયા હતા.