Get The App

વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માગો છો? આ બાબતોને ધ્યાનમાં રાખશો તો થશે ફાયદો

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
Education Loan


Education Loan For Foreign Study: મોટાભાગના ભારતીયો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ તેના ઊંચા ખર્ચાઓના કારણે ઘણા લોકો આ સપનું સાકાર કરી શકતા નથી. દેશની ટોચની બેન્કો અને નાણાકીય સંસ્થાઓ વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન આપી રહી છે. જો કે, એજ્યુકેશન લોન મામલે યોગ્ય સમજણ કે જાગૃતિ ન હોય તો ઊંચા વ્યાજદરો અને આકરી જોગવાઈઓની માયાજાળમાં ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. એજ્યુકેશન લોન લેતાં પહેલાં આ વિગતોને હંમેશા ધ્યાનમાં રાખો...

1. સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોન વચ્ચેનો તફાવત સમજો

એજ્યુકેશન લોન બે પ્રકારની હોય છે, એક સિક્યોર્ડ અને બીજુ અનસિક્યોર્ડ. સિક્યોર્ડ લોનમાં બેન્કની પાસે કોઈપણ પ્રકારની એસેટ ગીરો પેટે મૂકવી પડે છે. જેમાં વ્યાજના દર નીચા હોય છે. જ્યારે અનસિક્યોર્ડ લોનમાં કોઈ પણ એસેટ ગીરો મૂક્યા વિના લોન મળે છે. પરંતુ તેમાં વ્યાજના દર ઊંચા અને કેટલીક શરતો પણ હોય છે.

2. લાયકાતના માપદંડો ચકાસો

એજ્યુકેશન લોન માટે અરજી કરતાં પહેલાં વિદ્યાર્થીએ પોતાની અને પોતાના પરિવારના લાયકાતના માપદંડો અવશ્ય ચકાસવા જોઈએ. જેમાં એકેડેમિક બેકગ્રાઉન્ડ઼, એડમિશન ટેસ્ટનો સ્કોર, એજ્યુકેશન ખર્ચ અને માતા-પિતાની આવક પણ જરૂરી છે, કારણકે, એજ્યુકેશન લોનમાં સહ-અરજદારો તરીકે માતા-પિતાની જરૂર પડે છે. આ સિવાય પિતાના લોહીના સંબંધો ધરાવતા કાકા-ફોઈ પણ સહ-અરજદાર બની શકે છે.

આ પણ વાંચોઃ અમેેરિકામાં અભ્યાસ બાદ કામ કરવા આ વિઝા મેળવવા જરૂરી નહીંતર નહીં મળે કામ

3. જુદી-જુદી બેન્કોના વ્યાજના દર ચકાસો

એજ્યુકેશન લોન લેતી વખતે જો તમે સિક્યોર્ડ લોન લેવા જઈ રહ્યા હોવ અને તમામ પુરાવાઓ અને દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો સરકારી બેન્કોને પ્રાધાન્ય આપી શકો છો. તેમાં પણ જુદી-જુદી બેન્કોમાં વ્યાજના દર જુદા-જુદા હોય છે. આ સિવાય અન્ય ખાનગી બેન્કો અને નાણાકીય સંસ્થાઓના વ્યાજના દરો પણ ચકાસ્યા બાદ લોન લેવાનો આગ્રહ રાખવો.

4. લોનની રકમ

બેન્કો પોતાની મર્યાદાનુસાર લોનની રકમ મંજૂર કરે છે. જેથી વ્યાજના દરો વિશે માહિતી મેળવવાની સાથે તમે કેટલી લોન લેવા સક્ષમ છો, તેની પણ ચકાસણી કરવી જોઈએ. ઘણી બેન્ક વિદેશમાં અભ્યાસના તમામ ખર્ચને મંજૂરી આપે છે, જ્યારે અમુક બેન્ક ખર્ચના 80 ટકા રકમ મંજૂર કરે છે.

5. જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો

લોન માટે અરજી કરતાં પહેલાં બેન્કોમાં શું શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તેની તપાસ કરી તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો. જેમાં યુનિવર્સિટીના એડમિશન લેટર, માતા-પિતાના આઈટી રિટર્ન, ગિરો મૂકવાની સંપત્તિના દસ્તાવેજો, આઈડી પ્રુફ, ખર્ચ-ફીનો લેટર, વગેરે સામેલ છે.

6. મોરેટોરિયમ પીરિયડ પણ સમજો

એજ્યુકેશન લોનમાં મોરેટોરિયમ પીરિયડનો લાભ મળે છે. જેમાં વિદ્યાર્થી પોતાના અભ્યાસ દરમિયાન કોઈ લોન કે વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ હોય છે. પરંતુ અભ્યાસ પૂર્ણ થયાના 6 કે 12 મહિના બાદ જ લોનના ઈએમઆઈ શરૂ થાય છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ બેન્કો વિદ્યાર્થીને નોકરી શોધવાનો સમય પણ આપે છે.

વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માગો છો? આ બાબતોને ધ્યાનમાં રાખશો તો થશે ફાયદો 2 - image


Google NewsGoogle News