અમેરિકામાં ગુજરાતીનો ડંકો, ધ્રૂવી પટેલ બની 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024', અભિનેત્રી બનવાનું છે સપનું
Dhruvi Patel Wins Miss India Worldwide 2024: અમેરિકામાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ્સની વિદ્યાર્થિની ધ્રુવી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ જીત્યો છે. આ જીતની ખુશી વ્યક્ત કરતા ધ્રુવી પટેલે જણાવ્યું હતું કે, 'બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની મારી ઈચ્છા છે. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ એક અમૂલ્ય સન્માન છે.' ન્યુ જર્સીના એડિસનમાં આયોજિત સમારોહમાં ધ્રુવીને મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024ની આ રેસમાં સુરીનામની લિસા અબ્દોએલહકને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી. નેધરલેન્ડની માલવિકા શર્મા સેકન્ડ રનર અપ રહી હતી. મિસિસ કેટેગરીમાં ત્રિનિદાદ અને ટોબેગોની સુઆન મોટેટ વિજેતા રહી હતી, જ્યારે સ્નેહા નામ્બિયાર પ્રથમ અને યુનાઇટેડ કિંગડમની પવનદીપ કૌર બીજા ક્રમે રહી હતી.
કિશોરવયના વર્ગમાં ગ્વાડેલુપની સિએરા સુરેટને મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નેધરલેન્ડની શ્રેયા સિંઘને ફર્સ્ટ રનર અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે સુરીનામની શ્રદ્ધા ટેડજોને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.
આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નેતૃત્ત્વ ભારતીય મૂળના નીલમ અને ધર્માત્મા સરન કરે છે. આ સ્પર્ધા આ વર્ષે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે.
આ પણ વાંચો: યુદ્ધના એલાન વચ્ચે અનેક એરલાઇન્સનો મોટો નિર્ણય, વિદેશ જનારા લોકો ખાસ વાંચી લો
ધ્રુવી પટેલ કોણ છે.
અહેવાલો અનુસાર, ગુજરાત મૂળની ધ્રુવી પટેલ ક્વિનીપિયાક યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ઈન્ફોર્મેશન સિસ્ટમ્સની વિદ્યાર્થીની છે. ઈન્સ્ટાગ્રામ પર ધ્રુવીના 18.6 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે પોતાના ઘરેથી 3D ચેરિટીઝ નામની એક નોન પ્રોફિટ સંસ્થા ચલાવે છે. સ્વયંસેવીની સાથે, તે જરૂરિયાતમંદો માટે ફૂડ ડ્રાઇવ અને ભંડોળ એકત્ર કરવાનો પણ પ્રયાસ કરે છે. ધ્રુવી પટેલ યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ચેરિટી સંસ્થાઓમાં યોગદાન આપે છે.