કેનેડામાં સ્પાઉસ વિઝા પર જતાં લોકો માટે ખુશીના સમાચાર, સરકારે OPWના નિયમોમાં કર્યા સુધારા
Canada Open Work Permits: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાં બાદ કેનેડાએ ઈમિગ્રેશન પ્રત્યે નરમ વલણ દર્શાવતો નિર્ણય જાહેર કર્યો છે. જેનાથી ત્યાં વસતાં લાખો પરણિત ભારતીયોને ફાયદો થશે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે ઓપન વર્ક પરમિટ્સ (OPW) માટેના નિયમોમાં સુધારો કર્યો છે.
નવા નિયમો હેઠળ, કેનેડામાં ફૂલટાઈમ સિવાય અન્ય સ્ટડી પ્રોગ્રામ હેઠળ આવેલા વિદ્યાર્થીઓના જીવનસાથી પણ ઓપન વર્ક પરમિટ્સ માટે અરજી કરી શકશે. નવો નિયમ 21 જાન્યુઆરી, 2025થી અમલી બનશે. જેમાં સ્ટડી પ્રોગ્રામનો ગાળો અને વધુ માગ ધરાવતાં નોકરી ક્ષેત્રના આધારે ઓપન વર્ક પરમિટ્સ આપવામાં આવશે. જેથી હવે કેનેડા ભણવા જતાં લાખો ભારતીય વિદ્યાર્થીઓ પોતાના પાર્ટનરને કેનેડામાં કમાણી કરવા લાવી શકશે.
આ શરતોને આધિન મળશે કામ કરવા મંજૂરી
નવા ઓપન વર્ક પરમિટ્સ પ્રોગ્રામ હેઠળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જીવનસાથી કેનેડામાં કામ કરવા મંજૂરી મેળવી શકશે. તેના માટે વિદ્યાર્થી 16 મહિના કે તેથી વધુ સમયનો માસ્ટર કે ડોક્ટરલ પ્રોગ્રામમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. અથવા પસંદગીના પ્રોફેશનલ પ્રોગ્રામમાં પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનસાથી પણ ઓપન વર્ક પરમિટ માટે અપ્લાય કરી શકશે.
આ પણ વાંચોઃ કેનેડા જઈને ‘મિસ્ટર ઈન્ડિયા’ બની ગયા 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ! જાણો ક્યાં ગુમ થઈ ગયા
વિદેશી કામદારોના જીવનસાથીને પણ મળશે આ વિઝા
સરકાર દ્વારા પ્રાધાન્ય અથવા શ્રમિકોની અછત ધરાવતા ક્ષેત્રોમાં કાર્યરત કામદારોના જીવનસાથી ફેમિલી ઓપન વર્ક પરમિટ હેઠળ અરજી કરી શકશે. નેચરલ અને અપ્લાય્ડ સાયન્સ, કંસ્ટ્રક્શન, હેલ્થકેર, નેચરલ રિસોર્સિસ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને મિલિટ્રી સેક્ટર્સ સહિતના ક્ષેત્રોમાં કામ કરતાં કામદારોના જીવનસાથીને ઓપન વર્ક પરમિટ મળશે. જીવનસાથી માટે વર્ક પરમિટ અપ્લાય કરતી વખતે કામદાર પાસે ઓછામાં ઓછા 16 માસની વર્ક પરમિટ હોવી જરૂરી છે.
અન્ય કોઈ વર્ક વિઝા મળશે નહીં
IRCC અનુસાર, જે લોકોએ ઓપન વર્ક વિઝા હેઠળ કામ મેળવ્યું હશે, તેઓ અન્ય કોઈપણ પ્રકારની વર્ક પરમિટ મેળવી શકશે નહીં. તેમજ જે લોકો જૂના નિયમો હેઠળ કામ કરી રહ્યા છે. તેઓના વિઝા રિન્યૂ નવા નિયમોને આધિન થશે.