કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓમાં ફેલાઈ ચિંતા: ટ્રુડો સરકારે શરૂ કર્યો ગંદો ખેલ, ઈ-મેલથી માંગી આવી જાણકારી
India-Canada Tension: કેનેડા અને ભારત વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ત્રણ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. ભારતે કેનેડાની સરકાર પાસે ઉંડાણપૂર્વક તપાસની માંગ કરી છે અને ત્યાં પોતાના નાગરિકો પર વધી રહેલા હુમલાઓ અંગે પણ ચેતવણી આપી છે. બીજી તરફ કેનેડાએ ભારતીયોને હેરાન કરવા માટે નવી ગંદી રમત રમી છે. આ માટે ઔપચારિક ઈમેલ પણ મોકલવામાં આવ્યો છે. જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે.
અહેવાલ અનુસાર, કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે, તેમને અભ્યાસ પરમિટ, વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ફરીથી સબમિટ કરવા માટે એક ઈમેલ મળ્યા છે, જેમાં માર્કસ અને હાજરી સામેલ છે.
કેનેડા સરકારની નવી યોજના શું છે?
કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ માટેના સરકારી વિભાગ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) તરફથી આવેલા ઈમેલને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ચિંતામાં છે. જેમાંથી ઘણાંના વિઝા બે વર્ષ સુધી માન્ય છે. IRCC દેશમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે તેની નીતિઓને કડક બનાવી રહ્યું છે.
આ પણ વાંચો: હોસ્પિટલોની દાદાગીરી બંધ: ઈનહાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા લેવી ફરજિયાત નહીં
ભારતીય વિદ્યાર્થીઓએ શું કહ્યું?
ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'જ્યારે ઈમેલ મળ્યો ત્યારે અમને થોડો આઘાત લાગ્યો હતો. અમારા વિઝા 2026 સુધી માન્ય છે, તેમ છતાં તમામ દસ્તાવેજો ફરીથી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારી હાજરી, માર્કસ, અમે ક્યાં પાર્ટ-ટાઇમ કામ કરીએ છીએ વગેરેનો પુરાવો પણ જોઈએ છે.'
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે, જેમાં 4.2 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, ત્યારબાદ 3.3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં છે. ઈમેલના અચાનક પૂરથી વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય વિશે અનિશ્ચિત છે.