કેનેડામાં કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર, આજથી લઘુતમ પગારમાં વધારો
Canada Federal Minimum Wages Hike: કેનેડામાં વસતા અને કામ કરતાં ભારતીયો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેનેડાની સરકારે આજથી કર્મચારીઓ માટે લઘુતમ પગાર વધાર્યો છે. કેનેડાએ ફેડરલ અને પ્રોવિશલ મિનિમમ પગારમાં 2.4 ટકા અર્થાત્ 0.45 ડૉલર પ્રતિ કલાકનો વધારો કર્યો છે. હવે એક એપ્રિલથી કેનેડામાં કામ કરતાં કર્મચારીઓનો લઘુતમ પગાર કલાકદીઠ 17.30 ડૉલરથી વધારી 17.75 ડૉલર કર્યો છે.
કેનેડામાં બૅન્કો, પોસ્ટલ-કુરિયર, ટેલિકોમ્યુનિકેશન્સ સહિત ખાનગી સેક્ટર્સમાં કામ કરતાં કર્મચારીઓના પગારમાં 2.4 ટકાનો વધારો આજથી લાગુ થયો છે. આ પગાર વધારાનો લાભ કેનેડાના નાગરિકો ઉપરાંત ઇમિગ્રન્ટ્સ પણ લઈ શકશે.
કેનેડામાં 22 ટકા કામદારો ભારતીય
કેનેડા ઇમિગ્રન્ટ્સના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, કેનેડાના ટેમ્પરરી ફોરેન વર્કર્સમાં 22 ટકા ભારતીયો સામેલ છે. વર્ષ 2021માં 13.5 લાખ ભારતીયો કેનેડામાં વસે છે, જે દેશની કુલ વસ્તીના 3.7 ટકા છે.
ફુગાવો વધતાં પગાર વધાર્યો
કેનેડામાં ફુગાવાના આધારે દર વર્ષે એપ્રિલમાં લઘુતમ પગારમાં ફેરફાર કરવામાં આવે છે. કેનેડાનો ફુગાવો 2024ની સરેરાશ કરતાં વધી 2.4 ટકા નોંધાયો છે. નવા પગાર ધોરણના આધારે કોર્પોરેટ્સ અને સંસ્થાઓને તમામ કર્મચારીઓના પગાર વધારવા આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું અઘરું, ધડાધડ વિઝા અરજી થઈ રહી છે રદ, જાણો કારણ
ચાર પ્રોવિન્સમાં કેટલો પગાર વધ્યો
નોવા સ્કોટિયાઃ 15.30 ડૉલરથી 15.65 ડૉલર પ્રતિ કલાક
ન્યૂફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોર: $15.60થી $16.00 પ્રતિ કલાક
ન્યૂ બ્રુન્સવિક: $15.30થી $15.65 પ્રતિ કલાક
યુકોન: $17.59થી $17.94 પ્રતિ કલાક