ઓસ્ટ્રેલિયામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને ઝટકો, વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં વધારો ઝીંકાયો
Image: FreePik |
Australia Tightens Student Visa Rules: ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ પર ભારણ વધી શકે છે. ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા માટે જરૂરી નાણાકીય જરૂરિયાતોમાં વધારો કર્યો છે. આ પગલું લેવા પાછળનું કારણ વિદેશી વિદ્યાર્થીઓના વધતા ધસારાને કાબૂમાં લેતાં રેકોર્ડ માઈગ્રેશનમાં ઘટાડો કરવાનું છે.
નવો નિયમ શુક્રવારથી લાગૂ થશે. જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછું 29710 ઓસ્ટ્રેલિયન ડોલર (19576 ડોલર)નું ફંડ દર્શાવવાનું રહેશે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સાત માસમાં આ બીજી વખત વધારો કર્યો છે. અગાઉ ઓક્ટોબરમાં 21041 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારી 24505 ઓસ્ટ્રેલિયન ડોલરની બચત દર્શાવી પડશે.
ઓસ્ટ્રેલિયાએ 2022માં કોવિડ-19ના પ્રતિબંધો દૂર કરતાં માઈગ્રેશનનું પ્રમાણ વધ્યું હતું. જેના પગલે ઓસ્ટ્રેલિયાના રેન્ટલ માર્કેટમાં તેજી આવી છે. માર્ચમાં સરકારે સ્ટુડન્ટ વિઝા માટે અંગ્રેજી ભાષાની જરૂરિયાતમાં પણ વધારો કર્યો હતો. વધુમાં સરકારે 34 શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય અને લાયક ન હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ન લેવાનો નિર્દેશ કરતો પત્ર લખ્યો હતો.
ગૃહ બાબતોના મંત્રી ક્લેર ઓ’નીલએ સંકેત આપ્યો હતો કે, જો આ સંસ્થાઓ આ મામલે સાવચેતી નહીં રાખે તો ચોક્કસ પેનલ્ટી ફટકારવામાં આવી શકે છે.
ઈકોનોમીમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો ફાળો મહત્તમ
ઓસ્ટ્રેલિયાની ઈકોનોમીમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણનો ફાળો મહત્તમ છે. જેણે 2022-23માં 36.4 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. જો કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યાના પગલે દેશમાં રેન્ટલ ખર્ચ વધ્યો છે. નેટ ઈમિગ્રેશન 30 સપ્ટેમ્બર, 2023ના અંતે 60 ટકા વધી 548800 થયું છે.