વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું અઘરું, ધડાધડ વિઝા અરજી થઈ રહી છે રદ, જાણો કારણ
USA F-1 Visa: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે યુએસએ જવું અઘરું બન્યું છે. અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા રિજેક્શનનું પ્રમાણ સતત વધી રહ્યું છે. અમેરિકાએ ગત નાણાકીય વર્ષ (ઑક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024)માં 41 ટકા સ્ટુડન્ટ વિઝા (F-1 વિઝા) અરજીઓ રદ કરી હતી. આ રિજેક્શન રેશિયો છેલ્લા એક દાયકામાં સૌથી વધુ છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેટા એનાલિસિસના માધ્યમથી જાણવા મળ્યું છે કે, 2023-24માં (યુએસ સરકારનું નાણાકીય વર્ષ 1 ઑક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધી) અમેરિકાને F-1 વિઝા માટે કુલ 6.79 લાખ અરજીઓ મળી હતી, જેમાંથી 2.79 લાખ (41%) નકારી કાઢવામાં આવી હતી. જ્યારે 2022-23માં કુલ 6.99 લાખમાંથી 2.53 લાખ અરજીઓ (36%) રદ કરવામાં આવી હતી.
વિઝાનું પ્રમાણ ઘટ્યું
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એફ-1 વિઝા માટે રિજેક્શન રેશિયો જાહેર કર્યો નથી. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર, 2024ના પ્રથમ નવ માસમાં ભારતીયોને મળતાં યુએસ સ્ટુડન્ટ વિઝાનું પ્રમાણ 2023ની તુલનાએ 38 ટકા ઘટ્યું છે. ગત નાણાકીય વર્ષમાં વિઝા રિજેક્શનની કુલ સંખ્યા (2.79 લાખ) છેલ્લા એક દાયકામાં સૌથી વધુ નોંધાઈ છે. 2023-24માં કુલ 4.01 લાખ F-1 વિઝા આપવામાં આવ્યા હતા, જે ગયા વર્ષ (4.45 લાખ) કરતાં ઓછા છે.
એફ-1 વિઝા રદ કરવા પાછળનું કારણ
એફ-1 વિઝા એ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વિઝા મંજૂર કરવા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. જેમાં વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ્સના વેરીફિકેશન ચુસ્તપણે કરી રહ્યા છે. તેમજ વિઝા ઇન્ટરવ્યૂ માટે વેઇટિંગ પિરિયડ પણ વધ્યો છે. તદુપરાંત ઇમિગ્રેશન ઑફિસરને પણ વિઝા હોવા છતાં ઇમિગ્રન્ટ્સની દેશમાં એન્ટ્રી કરતાં પહેલાં તમામ પાસાંઓને ચકાસવાનો આદેશ છે. જેના લીધે વિઝા રિજેક્શન રેશિયો વધ્યો છે. વધુમાં અમેરિકામાં અભ્યાસ અર્થે અપાતી વિવિધ સ્કોલરશિપ્સના લાભ પર પણ પ્રતિબંધ મૂકાતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકાનો બીજો વિકલ્પ શોધી રહ્યા છે.