શ્રેષ્ઠ જીવનશૈલી અને આર્થિક સુરક્ષાની તલાશ! આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડવાની તૈયારીમાં

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
Migration

Image: FreePIk


Indian Migration For Foreign Lifestyle: એક બાજુ ભારત વિશ્વમાં ઝડપથી ઉભરતી ઈકોનોમી તરીકે વિકસી રહ્યો છે, જ્યારે બીજી બાજુ ભારતીયોમાં વિદેશનું આકર્ષણ પણ વધી રહ્યું છે. બહેતર જીવનશૈલી અને આર્થિક સુરક્ષાની શોધમાં દરવર્ષે લાખો ભારતીયો વિદેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. હાલમાં જ જારી એક રિપોર્ટમાં આ વર્ષે 4300 કરોડપતિઓ ભારતની નાગરિકતા છોડે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ધનિકો ભારત છોડશે

હેન્લી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2024માં અપાયેલી જાણકારી મુજબ આ વર્ષના અંત સુધીમાં ભારતમાંથી 4,300 કરોડપતિઓ દેશ છોડીને વિદેશ સ્થાયી થઈ જશે. જો કે, આ સંખ્યા ગયા વર્ષે 5,100 ધનિકોના સ્થળાંતર કરતાં ઘટી છે, પણ સમગ્ર વિશ્વમાં દેશ છોડીને જતા ધનિકોની યાદીમાં ભારત અગ્ર સ્થાને છે. આ વલણ પાછળનું કારણ ભૌગોલિક રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા અને સામાજિક અશાંતિથી પ્રભાવિત છે.

આ પણ વાંચોઃ અમેરિકા ભણવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સ્ટેપ્સ અનુસરી ઝડપથી વિઝા મેળવો

યુએઈ અને અમેરિકા ટોચની પસંદગીના દેશો

ભારતીય ધનિકો માટે યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ) હજી પણ ટોચની પસંદગીનો દેશ રહ્યો છે. એક અનુમાન મુજબ આ વર્ષે અહીં વિશ્વભરના 6700 જેટલા ધનિકો સ્થળાંતર કરી શકે છે. યુએઈનું મુખ્ય આકર્ષણ તેની ઝીરો ટેક્સ નીતિ, ગોલ્ડન વિઝા યોજના, વૈભવી જીવનશૈલી અને વ્યૂવહાત્મક સ્થિતિ છે. નિષ્ણાતોના મતે યુએઈની વેલ્થ મેનેજમેન્ટ ઈકોસિસ્ટમનો ઝડપી વિકાસ, સંપત્તિના રક્ષણ અને વધારા માટે નવી યોજનાઓની જોગવાઈ વિશ્વભરના ધનિકોને અહીં આકર્ષી રહ્યા છે.

ભારતીયો પણ પોર્ટુગલ, ગ્રીસ, સ્પેન અને માલ્ટા તેમજ કેરેબિયન જેવા દેશોની રોકાણ આકર્ષવાની યોજનાઓને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આ વર્ષે વિશ્વભરના 1,28,000 ધનિકો સ્થળાંતર કરવાના છે.

1.20 લાખ ધનિકોએ દેશ છોડ્યો

ગયા વર્ષે વિશ્વના 1,20,000 ધનિકોએ પોતાના દેશોમાંથી સ્થળાંતર કર્યું હતું, જે એક રેકોર્ડ હતો. ભારતના ધનિકોના સ્થળાંતર કરવા માટેના મુખ્ય કારણ બહેતર જીવનશૈલી, સુરક્ષિત માહોલ અને ઉત્તમ આરોગ્ય તેમજ શૈક્ષણિક સેવાઓ રહ્યા છે. ચીન, યુકે અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોના અનુભવથી જોઈ શકાય છે કે આર્થિક અને રાજકીય સ્થિરતા વઘુ આવક ધરાવતા જૂથને જાળવી રાખવા મહત્વના પરિબળો છે. રિપોર્ટથી સાબિત થાય છે કે વિશ્વના તમામ દેશોના ધનિકો પ્રોત્સાહક નીતિઓથી આર્થિક લાભ અને ઉત્તમ સેવા આપનાર દેશો પ્રત્યે વધુ આકર્ષાય છે.

શ્રેષ્ઠ જીવનશૈલી અને આર્થિક સુરક્ષાની તલાશ! આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડવાની તૈયારીમાં 2 - image


Google NewsGoogle News