કેનેડામાં ભયંકર અકસ્માતમાં 4 ગુજરાતીઓને કાળ ભરખી ગયો, પીડિતોમાં બે ભાઈ-બહેન હતા
ટેસ્લાનું ઈવી સળગ્યું, કારમાં પાંચ લોકો સવાર હોવાની આશંકા, એકનો જીવ બચ્યો
Four Gujarati Died In Canada Car Accident: કેનેડાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ટોરેન્ટો શહેરમાં કાર અકસ્માતમાં ગુજરાતના ચાર યુવાઓના મોતથી હડકંપ મચી ગયું છે. મળતી માહિતી અનુસાર એક ટેસ્લા કાર ડિવાઈડર સાથે ભટકાતાં અગનગોળો બની ગઇ હતી જેમાં ચારેય ગુજરાતીઓને કાળ ભરખી ગયો હતો. જોકે કેટલાક અહેવાલોમાં એવો દાવો છે કે એક પીડિત મહારાષ્ટ્રનો હોઈ શકે છે. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા પરંતુ રાહદારીઓની સુઝબુઝને કારણે એકનો જીવ બચાવી લેવાયો હોવાની જાણકારી મળી રહી છે.
પીડિતોની ઓળખ જાહેર કરાઈ
માહિતી અનુસાર મૃતકોમાં કેતા ગોહિલ (30), નિલ ગોહિલ (26) સામેલ છે જેઓ બંને ગુજરાતના દાહોદના રહેવાશી છે. આ બંને ભાઈ બહેન હતા. જ્યારે અન્ય એક પીડિતની ઓળખ આણંદ જિલ્લાના બોરસદના જયરાજ સિંહ સિસોદિયા તરીકે થઇ છે જે બોરસદના જ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમારનો ભાણેજ હોવાનું ખૂલ્યું છે. ચોથો મૃતક દિગ્વિજય પટેલ છે.
આ દુર્ઘટના દરમિયાન ભડ ભડ સળગી રહેલી કારમાંથી એક 20 વર્ષીય યુવતીનો આબાદ બચાવ થયો હતો. જેનો જીવ કંસ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ કારમાંથી બહાર ખેંચી લઈ બચાવ્યો હતો.
કારની બેટરીમાં લાગી હતી આગ
કાર થાંભલા સાથે અથડાતાં અચાનક આગ લાગી હતી. પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે કે, કારની બેટરીમાં આગ લાગી હતી. પોલીસ આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસી રહી છે. હાલ જાણકારી મળી નથી કે, કાર સેલ્ફ ડ્રાઈવ મોડ પર હતી કે, તેને કોઈ ડ્રાઈવર ચલાવી રહ્યો હતો.
ટેસ્લામાં આગની અનેક ઘટનાઓ
ટેસ્લા ઈવીએ અગાઉ પણ આગની ઘટનામાં કેટલાકના ભોગ લીધા છે. 14 ઓક્ટોબર, 2024માં ફ્રાન્સમાં એક માર્ગ અક્સ્માતમાં ટેસ્લામાં આગ લાગતાં ચાર લોકો જીવતા ભૂંજાયા હતા. વિવિધ દેશોમાં અનેક વખત ટેસ્લા કારમાં આગ લાગી હોવાના સમાચાર આવ્યા હતા. ઈલેક્ટ્રિક કાર નિર્માતાની પ્રસિદ્ધ સેમી-ઓટોનોમસ ડ્રાઈવિંગ સિસ્ટમમાં ખામીની પણ અનેક ફરિયાદો થઈ છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક પર અવાનવાર આ કારમાં સુરક્ષાના માપદંડો અંગે ટીકાઓ અને આક્ષેપો પણ થતાં હોય છે.