કેનેડા જઈને ‘મિસ્ટર ઈન્ડિયા’ બની ગયા 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ! જાણો ક્યાં ગુમ થઈ ગયા
Canada Student Visa: કેનેડામાં ગત વર્ષે અભ્યાસ અર્થે આવેલા 20000 ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાં ક્યારેય જોવા મળ્યા નથી. સરકારી આંકડાઓ અનુસાર, ગતવર્ષે માર્ચ-એપ્રિલમાં કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રવેશ લેનારા આશરે 50000 વિદ્યાર્થીઓ 'મિસ્ટર ઈન્ડિયા' બન્યા છે. અર્થાત તેઓએ ક્લાસમાં ક્યારેય હાજરી આપી જ નથી.
કોલેજમાં રિપોર્ટિંગ ન કરનારામાં ભારતીયોનું પ્રમાણ વધુ
ગ્લોબ એન્ડ મેઈલ રિપોર્ટ અનુસાર, કોલેજ અને યુનિવર્સિટીમાં સતત ગેરહાજર રહેનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનું પ્રમાણ વધુ છે. આશરે 19582 ભારતીય વિદ્યાર્થીઓ ક્યારેય કોલેજમાં જોવા જ મળ્યા નથી. આ સમયગાળામાં સ્ટુડન્ટ વિઝા પર આવેલા 3276646 ભારતીય વિદ્યાર્થીઓએ અભ્યાસના અનુપાલનની જરૂરિયાતોને અનુસરી છે. જ્યારે 19582 વિદ્યાર્થીઓએ કોલેજ-યુનિવર્સિટીમાં રિપોર્ટિંગ કર્યું જ નથી. માર્ચ-એપ્રિલ, 2024માં એકત્રિત કરવામાં આવેલી માહિતી અનુસાર, 12553 ભારતીય વિદ્યાર્થીઓએ ઈન્સ્ટીટ્યુટ્સમાં રિપોર્ટિંગ કર્યુ ન હતું.
આ પણ વાંચોઃ H-1B વિઝામાં પાંચ મોટા ફેરફાર: અમેરિકામાં નોકરીનું સપનું જોતાં લોકોને મળશે લાભ
ગેરકાયદે અમેરિકામાં ઈમિગ્રેશનની શંકા
કેનેડાની કોલેજો-યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ ગેરકાયદે અમેરિકાની બોર્ડર ક્રોસ કરી હોવાની આશંકા સાથે કેનેડાના લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. તેણે કેનેડાની વિવિધ કોલેજો અને ભારતની બે કંપનીઓની તપાસ હાથ ધરી છે. જેના પર વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા અપાવી તેમને ગેરકાયદે અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવવાની સુવિધા આપતી હોવાની શંકા છે.
ભારત પાસે મદદ માગી
આ કેસમાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ભારત સરકારનો સંપર્ક સાધી જરૂરી મદદ કરવા સહાય માગી છે. ઈમિગ્રેશન એક્સપર્ટ અને ફેડરલના પૂર્વ અર્થશાસ્ત્રી હેન્રી લોટિને આ મામલે જણાવ્યું હતું કે, 'સ્ટુડન્ટ વિઝાનો ઉલ્લંઘન કરનારા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં જ વસી રહ્યા છે, અને તેઓ અહીં વધુ કમાણી કરવા અભ્યાસના બદલે કામને પ્રાધાન્ય આપી PR મેળવી રહ્યા છે. કેનેડામાં વસતાં કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી 6.9 ટકા લોકોએ કોલેજમાં રિપોર્ટિંગ કર્યું જ નથી.'
સ્ટુડન્ટ વિઝાની શરતોનું પાલન થવુ જરૂરી
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા મેળવવાની વિવિધ શરતો પૈકી એક શરત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કોલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યા બાદ હાજરી અનિવાર્ય છે. ઘણી કોલેજો અને યુનિવર્સિટીમાં 90થી 100 ટકા, તો ક્યાંક 80થી 100 ટકા હાજરી જરૂરી છે.