Get The App

યોગીનો સપાટો, 168 ખૂંખાર અપરાધી એન્કાઉન્ટરમાં ઠાર

Updated: Dec 11th, 2022


Google NewsGoogle News
યોગીનો સપાટો, 168 ખૂંખાર અપરાધી એન્કાઉન્ટરમાં ઠાર 1 - image

- બે યુવતીઓની હત્યા કરનારાઓને યુપી પોલીસે કોઈપણ લપ્પન છપ્પનમાં પડયા વગર તાત્કાલિક ન્યાય કરીને બંનેને ઉપર પહોંચાડી દીધા તેની પ્રસંશા થઈ રહી છે

- પ્રિંસે યાદવે એક્સ-ગર્લફ્રેન્ડ આરાધનાની હત્યા કરીને લાશના પાંચ ટુકડા કરીને કૂવામાં ફેંકી દીધા હતા. સૂફિયાને પાડોશમાં રહેતી ૧૯ વર્ષની નિધી ગુપ્તાને ચોથા માળેથી ફેંકીને હત્યા કરી હતી. પોલીસ બંને માર્યા ગયા. યુપી પોલીસે બંને હત્યારાનો તાત્કાલિક ન્યાય કરીને ઉપર પહોંચાડી દીધા તેની પ્રસંશા થઈ રહી છે. શ્રધ્ધાનો હત્યારો આફતાબ પણ આવા જ ન્યાયને લાયક છે એવો મત વ્યક્ત થઈ રહ્યો છે. 

દિલ્હીમાં શ્રધ્ધા વાલકરની હત્યા કર્યા પછી તેની લાશના ૩૫ ટુકડા કરનારો આફતાબ પૂનાવાલ પૂછપરછમાં પોલીસને રમાડી રહ્યો છે એવા સમાચાર આપણે રોજ વાંચીએ છીએ. આફતાબ જે ચાલાકીથી રમત રમી રહ્યો છે એ જોતાં શ્રધ્ધાની ઠંડે કલેજે ક્રૂરતાથી હત્યા કરનારા આફતાબને સજા થશે કે કેમ એ વિશે પણ શંકા છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. 

આ વીડિયોમાં ઉત્તર પ્રદેશમાં બે અલગ અલગ કિસ્સામાં યુવતીઓની હત્યા કરનારા પ્રિંસ યાદવ અને સૂફિયાનની યુપી પોલીસે શું વલે કરી તેની વાત છે. પ્રિંસે પોતાની એક્સ-ગર્લફ્રેન્ડ આરાધનાની હત્યા કરીને તેની લાશના પાંચ ટુકડા કરીને કૂવામાં ફેંકી દીધા હતા. સૂફિયાને પોતાની પાડોશમાં રહેતી ૧૯ વર્ષની નિધી ગુપ્તાને ચોથા માળેથી ફેંકીને હત્યા કરી નાંખી હતી. પોલીસ એન્કાઉન્ટરમાં પ્રિંસ અને સૂફિયાન બંને માર્યા ગયા.

યુપી પોલીસે બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડયા વિના યુવતીઓની હત્યા કરનારા બંને હત્યારાનો તાત્કાલિક ન્યાય કરીને બંનેને ઉપર પહોંચાડી દીધા તેની પ્રસંશા થઈ રહી છે. શ્રધ્ધાનો હત્યારો આફતાબ પણ આવા જ ન્યાયને લાયક છે એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે. 

આ વીડિયોના કારણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચર્ચામાં છે. યોગીએ યુપીમાં ગુનાખોરીને રોકવા માટે ચલાવેલા અભિયાનની પ્રસંશા થઈ રહી છે. ભારતમાં જે રીતે અપરાધ વધી રહ્યા છે એ જોતાં યોગીનો રસ્તો જ શ્રેષ્ઠ છે એવો મત પણ લોકો વ્યક્ત થઈ રહ્યાં છે. કાયદાની રીતે યોગી સરકારે અપનાવેલો રસ્તો યોગ્ય નથી એ કહેવાની જરૂર નથી. આ રીતે પોલીસ કાયદો હાથમાં લઈને આરોપીઓને મારવા માંડે તો ન્યાયતંત્રની જરૂર જ ના રહે એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે પણ લોકો આ ન્યાયને વધાવી રહ્યાં છે.

ભારતમાં ન્યાયતંત્રમાં કોઈ પણ કેસનો નિકાલ થતાં વરસો નિકળી જાય છે. એ દરમિયાન આરોપી સરકારી ખર્ચે જિંદગી પસાર કર્યા કરે છે ને મોટા ભાગના કેસોમાં તો નિર્દોષ છૂટી જાય છે તેથી ન્યાય થતો જ નથી. તેના બદલે યુપી પોલીસ તાત્કાલિક ન્યાય કરીને અપરાધીઓને ઠેકાણે પાડે તેમાં કશું ખોટું નથી એવું સૌનું માનવું છે. 

યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે યુપીની ઈમેજ બહુ ખરાબ હતી. યુપીમાં જંગલરાજ અને ગુંડારાજ ચાલે છે એવું મનાતું હતું. તેના કારણે બહારના રોકાણકારો યુપીમાં પગ મૂકતાં પણ ગભરાતા હતા. યોગીએ આ ઈમેજ બદલવાનું નક્કી કરીને યુપી પોલીસને કોઈ પણ ભોગે કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કાબૂમાં લેવાનો આદેશ આપેલો. ગુનેગારોને સુધરી જવા ચેતવણી આપવી અને એ પછી પણ ના સુધરે તો ઉઠાવીને જેલમાં ધકેલી દેવા એવો સ્પષ્ટ આદેશ યોગી તરફથી અપાયો હતો. 

પોલીસ પકડવા જાય ત્યારે શરણે થવાના બદલે પ્રતિકાર કરે તો ડરવાના બદલે સામે ગોળીબાર કરીને અપરાધીઓનાં ઢીમ ઢાળી દેવાં એવો સ્પષ્ટ આદેશ યોગી તરફથી મળ્યા પછી યુપી પોલીસે સપાટો બોલાવી દીધો છે. યુપી પોલીસે ગુનેગારોને શોધી શોધીને જેલમા નાંખવા માંડયા છે. ઘણા ખૂંખાર અપરાધી શરણે થતા નથી ને પોલીસને ડરાવવા ગોળીઓ છોડે છે. 

પોલીસ પણ ડર્યા વિના તેમનો મુકાબલો કરીને તેમનો ખાતમો કરી રહી છે. પોલીસે સત્તાવાર રીતે આપેલા આંકડા પ્રમાણે યુપીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦ હજાર કરતાં વધારે એન્કાઉન્ટર થયાં છે ને તેમાં પોલીસે ૧૬૮ ખૂંખાર અપરાધીઓને એનકાઉન્ટરમાં પતાવી દીધા છે. આ આરોપીઓ સામે હત્યા, બળાત્કાર, લૂંટ, ધાડ સહિતના સંખ્યાબંધ ગંભીર અપરાધ નોંધાયેલા હતા. તેમના માથે ૭૫ હજાર રૂપિયાથી શરૂ કરીને ૫ લાખ રૂપિયા સુધીનાં ઈનામ હતાં. વરસોથી ગુના કરતા હોવા છતાં રાજકારણીઓ અને અધિકારીઓની છત્રછાયાના કારણે તેમને કંઈ નહોતું થતું. યોગીએ તેમને શોધી શોધીને રામનામ સત્ય હૈ કરાવી દીધું છે. 

યુપી પોલીસ અપરાધીઓને સીધા ઉપર પહોંચાડીને કાયદો હાથમાં લઈ રહી છે, ગુંડાગીરી કરી રહી છે એવા આક્ષેપો પણ થયા છે પણ આ આક્ષેપોમાં દમ નથી. પોલીસ બને ત્યાં સુધી અપરાધીઓને પકડવા જ પ્રયત્ન કરે છે. તેનો પુરાવો એ છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં એન્કાઉન્ટરમાં ૪૫૫૭ અપરાધી પકડાયા છે. પાંચ વર્ષમાં યુપી પોલીસે ૨૨,૨૩૪ અપરાધીઓને પકડયા તેમાંથી ૨૦ ટકા જેટલા અપરાધી તો એનકાઉન્ટરમા જ પકડાયા છે. 

પોલીસ ગુંડાઓની જેમ બધાંને પતાવવા નિકળી હોય તો એન્કાઉન્ટર પતે પછી આ અપરાધીઓને પતાવી શકી હોત. પોલીસના ગોળીબારમાં ઘાયલ થવાથી કે ગોળીઓ પતી જવાથી નવરા થઈ ગયેલા અપરાધી મુકાબલો કરી શકે એવી સ્થિતીમાં જ નહોતા. પોલીસ તેમને ઉપર પહોંચાડી શકી હોત  પણ તેના બદલે પોલીસે તેમને પકડીને કાયદા પ્રમાણે કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટર્સ અંગે નક્કી કરેલી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરીને પોલીસ કાર્યવાહી કરે છે. તેના કારણે છેલ્લાં પાંચ વર્ષમાં યુપી પોલીસે કરેલું એક પણ એન્કાઉન્ટર શંકાસ્પદ નથી ઠર્યું કે સુપ્રીમ કોર્ટે તેના માટે તપાસનો આદેશ આપવો પડયો નથી. 

યુપી પોલીસની કાર્યવાહીમાં માત્ર અપરાધીઓ જ મરે છે એવું નથી. યુપી પોલીસના જવાનો પણ તેમાં મરે જ છે. પાંચ વર્ષમાં ગુનેગારો સાથેના એન્કાઉન્ટર્સમાં ૧૩ પોલીસો મરાયા છે અને ૧૩૭૫ પોલીસોને ગોળીઓ વાગતાં ઘાયલ થયા છે. આ પૈકી ઘણા તો કાયમી રીતે અપંગ પણ બની ગયા છે.  

પોલીસ તેનાથી ડગ્યા કે ડર્યા વિના ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ અપરાધીઓને જેલભેગા કરવાના અને ના માને તો એન્કાઉન્ટર કરીને ખાતમો બોલાવી દેવાના અભિયાનને આગળ ધપાવી રહી છે. યોગી સરકારે અપરાધીઓને નાથવા બનાવેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઉપરાંત શહેરો તથા જિલ્લાઓની પોલીસ પણ પૂરી તાકાતથી તૂટી પડી છે. પોલીસના અભિયાનમાં ઉદયભાણ યાદવ ઉર્ફે ગૌરી યાદવ, બલરાજ ભાટી જેવા ખૂંખાર અને કુખ્યાત અપરાધી પતી ગયા છે.

યુપીમાં મેરઠ ઝોન ગુનાખોરીનો અડ્ડો ગણાય છે. પોલીસે મારેલા ૧૬૮ ખૂંખાર અપરાધીમાંથી ૬૪ તો એકલા મેરઠમાં જ મરાયા છે. મેરઠ ઝોનમાંથી પાંચ વર્ષમાં ૬૪૯૪ અપરાધીઓની ધરપકડ થઈ છે એ જોતાં ધરપકડમાં પણ મેરઠ ટોપ પર છે. મેરઠ પછી આગ્રા અને વારાણસી ૨૦-૨૦ એન્કાઉન્ટર ડેથ સાથે બીજા નંબરે છે. પોલીસ ખૂંખાર અપરાધીઓને ગેંગસ્ટર્સ એક્ટ હેઠળ અંદર કરી દે છે કે જેથી લાંબા સમય લગી જેલમાં સબડયા કરે છે. યુપીમાં ખંડણીખોરીનો ધંધો પણ ધમધોકાર ચાલે છે. આ ખંડણીખોરોને ભીંસમાં મૂકવા પોલીસ ગુંડા એક્ટ હેઠળ જેલમાં ધકેલ્યા પછી તેમની સંપત્તિઓ જપ્ત કરી રહી છે. પોલીસ અત્યાર લગીમાં ૫૦ હજાર અપરાધીઓની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. 

યુપી પોલીસના અભિયાન સામે માનવાધિકારવાદીઓ બૂમાબૂમ કરે છે પણ યુપી પોલીસને કોઈ ફરક પડતો નથી. ઉપર યોગી આદિત્યનાથ બેઠા છે તેથી પોલીસ નચિંત થઈને રોજનાં પાંચના હિસાબે એન્કાઉન્ટર કરીને યુપીમાંથી ગુનાખોરીની ગંદકી સાફ કરી રહી છે. યુપી પોલીસ યુપીને ગુજરાત કે મહારાષ્ટ્ર જેવાં દેશના બીજાં રાજ્યોની જેમ શાંતિથી રહી શકાય એવા રાજ્યોની હરોળમાં લાવવા મથી રહી છે. 

યુપી પોલીસનું ઓપરેશન લંગડા, ૪૦૦૦ અપરાધી અપંગ થયા

ઉત્તર પ્રદેશ પોલીસે નાના નાના ગુનાઓને રોકવા માટે બિનસત્તાવાર રીતે ઓપરેશન લંગડા શરૂ કર્યું છે. ઓપરેશન લંગડા હેઠળ જેમના માથે ૭૫ હજાર સુધીનાં ઈનામ હોય એવા અપરાધીઓને પોલીસ એન્કાઉન્ટરમાં પતાવી દેતી નથી પણ પગમાં ગોળી મારે છે કે જેથી આખી જંદગી અપંગ બની જાય, ગુના કરવાને લાયક ના રહે. પોલીસ સત્તાવાર રીતે રીપોર્ટ આપે ત્યારે  પોલીસે તેમને રોકવા પ્રયત્ન કર્યો તો સામે હુમલો કર્યો તેથી પોલીસે સ્વબચાવમાં પગમાં ગોળી મારી દીધી એ કારણ રજૂ કરી દેવાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસે આ રીતે ૪૦૦૦ જેટલા અપરાધીઓને લંગડા કરી દીધા છે. આ પૈકી મોટા ભાગના અપરાધીઓ ચોરી, લૂંટ, ધાડ, મારામારી, ખંડણીખોરી વગેરે અપરાધ સાથે સંકળાયેલા છે.  પોલીસનું કહેવું છે કે, આટલા મોટા પ્રમાણમાં ગુનેગારોને પગમાં ગોળી મરાઈ તેના પરથી સ્પષ્ટ છે કે, પોલીસ નિયમોનુ પાલન કરે છે. પોલીસનો ઈરાદો એન્કાઉન્ટરમાં અપરાધીઓને મારી નાંખવાનો નથી પણ પકડવાનો હોય છે. અપરાધીઓ ભાગવાનો પ્રયત્ન કરે ત્યારે નાછૂટકે ગોળી મારવી પડે છે.


Google NewsGoogle News