તાલિબાનની નજર કાશ્મીર પર તો ભારતની બલુચિસ્તાન પર
- ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે, ઇકોનોમિક કોરિડોરમાં ત્રીજો દેશ જોડાશે એ નહીં ચલાવી લેવાય : પરંતુ ચીને અવળચંડાઈ શરૂ કરી છે
- તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સીપીઈસીમાં જોડાય તો ભારત માટે એક નવો મોરચો ખૂલી જાય. તાલિબાન કટ્ટરકવાદી આતંકવાદી સંગઠન છે. એક જમાનામાં અમેરિકાના ઈશારે સોવિયેત રશિયા સામે હથિયારો ઉઠાવનારા આતંકવાદીઓના બનેલા તાલિબાનને ચીન-પાકિસ્તાનના ઈશારે ભારત સામે હથિયારો ઉઠાવતાં જરાય શરમ ના આવે
ચીન- પાકિસ્તાનને જોડતા ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીઈપીસી) મુદ્દે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલે છે. ચીનની યોજના આ કોરિડોર પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માંથી પસાર કરવાની છે. આખું કાશ્મીર ભારતનું છે તેથી ભારત પોતાના વિસ્તારમાંથી ચીન-પાકિસ્તાનને કોઈ પ્રોજેક્ટ ના જ કરવા દે. આ મુદ્દે ઘર્ષણ ચાલુ છે ત્યાં ચીને 'રસ ધરાવતા' દેશોને આ પ્રોજેક્ટમાં જોડાવા ખુલ્લું નિમંત્રણ આપતાં ભારત ભડક્યું છે.
ભારતે સાફ શબ્દોમાં કહી દીધું છે કે, સીપીઈસીમાં કોઈ પણ ત્રીજો દેશ જોડાશે એ ભારત નહીં ચલાવી લે. આ કહેવાતા સીપીઈસીમાં બને રહેલા પ્રોજેક્ટ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલા વિસ્તારમાં બની રહ્યા છે. ભારત તેનો સતત જોરદાર વિરોધ કરે જ છે. હવે ત્રીજા દેશને આ પ્રોજેક્ટમાં સામેલ કરવા પ્રોત્સાહન આપવું એ સીધેસીધું ભારતના સાર્વભૌમત્વ અને ભૌગોલિક અખંડિતતા પર આક્રમણ છે તેથી કોઈ પણ સંજોગોમાં આ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય.
ચીને સીપીઈસીની જાહેરાત કરી એ દાડાથી ભારત તેનો ઉગ્રતાથી વિરોધ કરે છે. ચીન એ વિરોધને ઘોળીને પી ગયું છે. આ પ્રોજેક્ટનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે એ જોતાં 'રસ ધરાવતા' દેશોને આ પ્રોજેક્ટમાં જોડવા સામે ભારતના વિરોધને ચીન ગણકારે એવી શક્યતા ઓછી છે. ચીન ભૂતકાળમાં બન્યું છે એમ આ વિરોધને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે એવું બનવાની ગેરંટી છે પણ એ છતાં ભારતે વિરોધ કરવો જરૂરી છે કેમ કે સવાલ દેશની સુરક્ષાનો છે.
આ પ્રોજેક્ટના કારણે દેશની સુરક્ષા સામે મોટો ખતરો પહેલાંથી ઉભો થયેલો જ છે. ૬૦ અબજ ડોલરના ખર્ચે બનનારો સીપીઈસી ભલે આર્થિક વિકાસના નામે ઉભો કરાતો હોય પણ તેનો મૂળભૂત ઉદ્દેશ તો ચીનની સામ્રાજ્યવાદી માનસિકતા સંતોષવાનો જ છે. ચીનનો ડોળો સતત બીજા દેશોના વિસ્તારો પર હોય છે. બીજાના વિસ્તારો હડપ કરવાની માનસિકતા ધરાવતા ચીન ભારતના અનેક પ્રદેશો પોતાના હોવાનો દાવો કરે જ છે. સીપીઈસી ભારતને ઘેરવા શરૂ કરાયેલો પ્રોજેક્ટ છે તેથી દેશની સુરક્ષા પહેલેથી ખતરામાં છે.
હવે ત્રીજો દેશ જોડાય તો એ ખતરો અનેક ગણો વધી જાય કેમ કે ચીન-પાકિસ્તાનની યોજના અફઘાનિસ્તાનને સીપીઈસીમાં ભાગીદાર બનાવવાની છે. ચીન-પાકિસ્તાન સીપીઈસીના બહાને પીઓકેમાં તાલિબાનની એન્ટ્રી કરાવવા માગે છે. સીપીઈસીના બહાને તાલિબાનને કાશ્મીરમાં ઘૂસાડીને ભારતમાં આતંકવાદ ભડકાવવાની ચીન-પાકિસ્તાનની મેલી મુરાદ છે. પાકિસ્તાન વરસોથી કટ્ટરવાદીઓનો ઉપયોગ ભારત સામે કરે છે. આ રસ ધરાવતા દેશોને લેવાની વાત તેનું જ એક્સટેન્શન છે.
તાલિબાનની પીઓકેમાં એન્ટ્રી થાય તો શું થાય તેની વાત કરતાં પહેલાં પ્રોજેક્ટ શું છે અને તેના કારણે પહેલેથી જ દેશની સુરક્ષા સામે કેમ બહુ મોટો ખતરો ઉભો થયેલો છે તેની વાત કરવી જરૂરી છે.
ચીને ૨૦૧૩માં 'વન બેલ્ટ, વન રોડ' નામે યોજના જાહેર કરેલી. અત્યારે આ યોજના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ ચીને વિશ્વના ૭૦ દેશો તથા મોટાં સંગઠનોમાં રોકાણ કરીને આર્થિક સહકારના નવા યુગની શરૂઆત કરવાનું એલાન કરેલું. જૂના જમાનામાં સિલ્ક રોડ મારફતે એશિયા અને યુરોપના દેશો વચ્ચે વ્યાપાર થતો. ૬૪૦૦ કિલોમીટર લાંબા આ રોડના કારણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આર્થિક જ નહીં પણ સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક બાબતોનું પણ આદાનપ્રદાન થયું. ચીને આ સિલ્ક રોડને 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ ફરી ધમધમતો કરવાનું એલાન કરેલું.
આ જ યોજના હેઠળ સીપીઈસીની જાહેરાત કરાઈ. ભારતને ચીન બીજા દેશોમાં શું કરે છે તેની સાથે કંઈ લેવાદેવા નહોતી પણ સીપીઈસીની વાતથી ભારત ઉકળ્યું કેમ કે ચીને સીપીઈસી પીઓકેમાંથી પસાર કરવાની જાહેરાત કરી હતી. કાશ્મીર આખું ભારતનું છે તેથી ભારતનો વિરોધ યોગ્ય હતો અને છે.
સૈધ્ધાંતિક રીતે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ચીનના શિનઝિયાંગને જોડતો કોરિડોર છે. ગ્વાદરથી શરૂ થઈને ચીનના કાશગર સુધી મોટો રોડ બનશે, આ રોડની બંને તરફ આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળે એવાં બાંધકામ ઉભા કરાશે. મોટી ફેક્ટરીઓ, ઉદ્યોગો, વેરહાઉસીસ, રેલ્વે લાઈન વગેરે બધું ઉભું કરવાની ચીનની યોજના છે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પાસેનો ગિલગિટ બાલ્ટિસ્તાન સીપીઈસી માટે એન્ટ્રી ગેટ છે. અત્યારે પણ ચીન આ વિસ્તારમાં ઔદ્યોગિક પાર્ક, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, રેલવે લાઈન અને રસ્તા બનાવી રહ્યું છે.
આ બધું ઉભું કરીને ચીન પાકિસ્તાનને આર્થિક વિકાસમાં મદદ કરી રહ્યું હોવાનો દેખાવ કરી રહ્યું છે પણ અસલી ખેલ જુદો છે. ચીન પાકિસ્તાનના બલૂચિસ્તાનના ગ્વાદરમાં બંદર વિકસાવી રહ્યું છે ને તેની બિલકુલ પાસે આવેલા ઓરમારામાં નેવી બેઝ બનાવી રહ્યું છે. આ નેવી બેઝ પર તો ચીનનું લશ્કર ખડકાયેલું છે જ પણ વધારે સૈનિકોની જરૂર પડે તો ચીનના લશ્કરને રોડ માર્ગે કે દરિયાઈ માર્ગે પાકિસ્તાન પહોંચવામાં માત્ર ૪૮ કલાક લાગશે.
ચીન માટે ઓરમારા શરૂઆત છે કેમ કે ઓરમારામાં નેવી બેઝ બની જાય પછી ચીન ગિલગિટ-બાલ્તિસ્તાનમાં અને પીઓકેમાં પણ લશ્કરી થાણાં બનાવશે. ભારતના પોતાના બંને વિસ્તારોમાં લશ્કર ખડકીને ચીન ગમે ત્યારે ભારત પર ત્રાટકી શકે એવો કારસો કરી રહ્યું છે. કાશ્મીરમાં ચીન પહેલાં જ ઘૂસણખોરી કરી ચૂક્યું છે. અક્સાઈ ચીનનો વિસ્તાર ચીને હડપ કરેલો છે ને લેહ-લડાખ સરહદે ભારતને સતત પરેશાન કરે છે.
ચીનની માનસિકતા જોતાં એ ધીરે ધીરે કાશ્મીરના બીજા પ્રદેશોમાં ઘૂસણખોરી કરીને તેના પર કબજો કરવાનો પ્રયત્ન કરે જ તેથી ભારત માટે સીપીઈસી મોટો ખતરો છે. કાશ્મીરમાં એક તરફ પાકિસ્તાન ને બીજી તરફ ચીન આપણને પરેશાન કર્યા કરે એ ચીનની યોજના છે.
તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સીપીઈસીમાં જોડાય તો ભારત માટે એક નવો મોરચો ખૂલી જાય. તાલિબાન કટ્ટરકવાદી આતંકવાદી સંગઠન છે. એક જમાનામાં અમેરિકાના ઈશારે સોવિયેત રશિયા સામે હથિયારો ઉઠાવનારા આતંકવાદીઓના બનેલા તાલિબાનને ચીન-પાકિસ્તાનના ઈશારે ભારત સામે હથિયારો ઉઠાવતાં જરાય શરમ ના આવે. ચીનના ઈશારે કાશ્મીરમાં આતંકવાદીઓ ઘૂસાડીને તાલિબાન આપણું જીવવું હરામ કરી નાંખે તેમાં શંકા નથી. કાશ્મીરમાં ફરી લોહીની નદીઓ વહેવા લાગે.
તાલિબાન પીઓકેમાં આવે પછી ભારત માટે પીઓકે પાછું મેળવવાની શક્યતા સાવ ધૂંધળી થઈ જાય. પાકિસ્તાન, ચીન અને તાલિબાન ત્રણેયની પીઓકેમાં હાજરી હોય તો તેના પર કબજો કરવો મુશ્કેલ થઈ જાય. બલ્કે પીઓકેથી હાથ ધોઈ નાંખવા પડે. મોદી સરકાર આ ખતરાને કઈ રીતે ખાળે છે એ જોવાનું છે.
સીપીઈસી સામે બલોચ પ્રજાએ હથિયાર ઉઠાવ્યાં
સીપીઈસી સામે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પણ ઉગ્ર વિરોધ છે. બલૂચિસ્તાનનાં રાષ્ટ્રવાદી સંગઠનો છેલ્લા કેટલાક સમયથી સતત સીપીઈસીમાં કામ કરી રહેલા ચીના કામદારો પર હુમલા કરી રહ્યા છે. બલોચ લિબરેશન આર્મીએ ચીન સામેના જંગની આગેવાની લીધી છે. ૨૦૧૮ના નવેમ્બરમાં કરાચીમાં ચીનની કોન્સ્યુલેટ પર પણ હુમલો થયેલો.
ભારતે ચીન-પાકિસ્તાનને રોકવાં હોય તો બલોચ રાષ્ટ્રવાદીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. ચીન-પાકિસ્તાન તાલિબાનનો ઉપયોગ ભારત સામે કરવાની મેલી મુરાદ ધરાવે છે. તેનો જવાબ બલોચ લડવૈયાઓમાં છે. પાકિસ્તાનની સ્થાપના પહેલાંથી બલોચ રાષ્ટ્રની માંગ થતી હતી પણ અંગ્રેજોએ બલૂચિસ્તાન પાકિસ્તાનમાં ભેળવી દીધું. તેના વિરોધમાં બલોચ રાષ્ટ્રવાદીઓએ હથિયાર ઉઠાવ્યાં. પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી બંને વચ્ચે સંઘર્ષ ચાલે છે. પાકિસ્તાની લશ્કર અને બલોચ રાષ્ટ્રના સમર્થકો વચ્ચે પાંચ વાર મોટાં યુધ્ધ પણ થયાં છે. અમેરિકાની મદદથી પાકિસ્તાને બલોચ રાષ્ટ્રવાદીઓને હરાવી દીધા હતા. ચીનનો ડોળો બલૂચિસ્તાન પર છે કેમ કે ત્યાં ખનિજો તથા પેટ્રોલીયમનો ભંડાર છે. કુદરતી ગેસ અને ક્ડ ઓઈલ ઉપરાંત તાંબા, સલ્ફર, ફ્લોરાઈડની અને સોનાની ખાણો છે. પાકિસ્તાન આ કુદરતી સંપત્તિ લે છે પણ તેના વિકાસ માટે કશું કરતી નથી તેથી બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ગરીબ પ્રાંત છે. બલૂચિસ્તાનમાં શિયાઓની વસતી વધારે છે કેમ કે ઈરાનની નજીક છે. આ કારણે કટ્ટરવાદી મુસ્લિમોને બલોચ પ્રજા પસંદ નથી.
જો કે પાકિસ્તાન બલોચ પ્રજાના બળવાનો દબાવી શકતું નથી. લગભગ ૩.૫૦ લાખ ચોરસ કિલોમીટરના બલૂચિસ્તાનમાં સવા કરોડની વસતી છે. મોટા ભાગની વસતી આદિવાસી અને કબિલામાં ફેલાયેલી છે કે જ્યાં પાકિસ્તાન પહોંચી શકતું નથી.
બલોચ પ્રજાને મદદ કરીને ભારત અલગ રાષ્ટ્ર બનાવડાવીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે.