Get The App

વહીવટમાં પારદર્શકતાના દાવા વચ્ચે માહિતીના અધિકારમાં પીછેહટ

મનમોહનસિંહ સરકાર દરમિયાન RTI રેન્કિંગમાં બીજા ક્રમે રહેલું ભારત મોદી સરકારમાં ગબડીને છઠ્ઠા ક્રમે પહોંચી ગયું

Updated: Oct 13th, 2018


Google NewsGoogle News
વહીવટમાં પારદર્શકતાના દાવા વચ્ચે માહિતીના અધિકારમાં પીછેહટ 1 - image

ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના દાવા સાથે સાથે સત્તામાં આવેલી મોદી સરકાર પોતાના ઉપર ભ્રષ્ટાચારનો ડાઘ ન લાગ્યો હોવાના દાવા કરે છે પરંતુ ભ્રષ્ટાચારની નાબૂદી માટે ઘડવામાં આવેલાં આરટીઆઇ જેવા હથિયારોની ધાર જ બુઠ્ઠી કરવા માંગે છે

દેશમાં માહિતી અધિકારના કાનૂન (RTI)ને લાગુ થયે ૧૩ વર્ષ પૂરાં થયાં છે ત્યારે વર્તમાન મોદી સરકારના શાસનકાળ દરમિયાન આરટીઆઇ રેન્કિંગમાં ભારતની પરિસ્થિતિ કથળતી ચાલી છે.

૧૨૩ દેશોની યાદીમાં ભારત હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. વર્ષ ૨૦૧૧માં મનમોહનસિંહ સરકાર દરમિયાન ભારત આ યાદીમાં બીજા ક્રમે હતું.

વર્ષ ૨૦૧૧માં જ આરટીઆઇ ઉપર ગ્લોબલ રેટિંગની શરૂઆત થઇ હતી. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં પણ ભારત આ રેન્કિંગમાં બીજા નંબરે હતું પરંતુ એ પછીના વર્ષોમાં ભારતનું સ્થાન ગબડતું રહ્યું છે.  વર્ષ ૨૦૧૪માં ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું, તો ૨૦૧૬માં ચોથા સ્થાને પહોંચી ગયું અને ૨૦૧૭માં પાંચમા નંબરે આવી ગયું. હાલ આ યાદીમાં સ્લોવેનિયા, શ્રીલંકા, સર્બિયા, મેક્સિકો અને અફઘાનિસ્તાન બાદ ભારતનો નંબર આવે છે. અફઘાનિસ્તાન આ યાદીમાં ટોચના સ્થાને છે. 

આ રેટિંગ માનવાધિકારો ઉપર કામ કરતી વિદેશી એનજીઓ એક્સેસ ઇન્ફો યુરોપ અને સેન્ટર ફોર લૉ એન્ડ ડેમોક્રેસીનો સંયુક્ત પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ૧૨૩ દેશોમાં માહિતીના અધિકારના કાયદાની ખૂબીઓ અને ખામીઓની સમીક્ષા કરવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

આ યાદી તૈયાર કરવામાં ૧૫૦ પોઇન્ટ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. સંસ્થાઓ જુદાં જુદાં દેશોમાં આરટીઆઇ સુધી પહોંચવાના અધિકાર, ક્ષેત્ર, અરજી પ્રક્રિયા, અપવાદ અને નકાર, અપીલ, એપ્રુવલ અને સુરક્ષા તેમજ આરટીઆઇ પ્રચાર તંત્રના સર્વેક્ષણના આધારે આ લિસ્ટ તૈયાર કર્યું છે. 

વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ દરમિયાન ૨.૨૫ કરોડ લોકોએ આરટીઆઇ અંતર્ગત માહિતી માંગી. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૭માં આરટીઆઇ અંતર્ગત ભારતમાં કુલ ૬૬.૬ લાખ અરજીઓ આવી જેમાંની લગભગ ૭.૨ ટકા એટલે કે ૪.૮ લાખ જેટલી અરજીઓ ફગાવી દેવામાં આવી. જ્યારે ૧૮.૫ લાખ અરજી અપીલ માટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (સીઆઇસી) પાસે પહોંચી. આ દરમિયાન સીઆઇસીએ અરજકર્તાઓની અપીલ ઉપર ૧.૯ કરોડ રૂપિયાનો  દંડ પણ ફટકાર્યો છે. સૌથી વધારે ફરિયાદો રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટકમાં સામે આવી. 

બીજી બાજુ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા નામની એક વોચડોગ સંસ્થાના રિપોર્ટ અનુસાર દેશમાં મુખ્ય ઇન્ફોર્મેશન કમિશનર અને ઇન્ફોર્મેશન કમિશનરની ૩૦ ટકાથી વધારે જગ્યા ખાલી છે. આ રિપોર્ટ અનુસાર સીઆઇસી અને માહિતી પંચના ૧૫૬ પદોમાંથી રાજ્યસ્તરે લગભગ ૪૮ પદ ખાલી છે.

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને નાગાલેન્ડમાં રાજ્ય મુખ્ય માહિતી અધિકારીની નિમણૂક થઇ નથી. ઉપરાંત મધ્યપ્રદેશ, બિહાર, મણિપુર, મેઘાલય, સિક્કિમ અને ત્રિપુરામાં પણ ઇન્ફોર્મેશન કમિશનરોના પદ ખાલી છે. 

ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા એક અગ્રણી બિનસરકારી, બિનરાજકીય અને સ્વતંત્ર ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર, લાંચ અને સત્તાનો દુરુપયોગ ખતમ કરવો તેમજ  સુશાસન અને કાયદાના શાસનને પ્રોત્સાહન આપવાનો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત બીજી સૌથી મોટી વસતી ધરાવતા દેશ સાથે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. આ વ્યવસ્થાના કેન્દ્રમાં સામાન્ય જનતા છે. કોઇ પણ લોકતંત્રની સફળતા એમાં રહેલી છે કે દરેક નાગરિકની એમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને પ્રભાવી ભાગીદારી હોય. 

આ ભાગીદારી ત્યારે જ સાર્થક થઇ શકે જ્યારે લોકો સુધી માહિતી આસાનીથી પહોંચતી હોય. ગત જુલાઇમાં સુપ્રીમ કોર્ટે માહિતી પંચમાં ખાલી સ્થાનોને લઇને નારાજગી પણ વ્યક્ત કરી હતી. સર્વોચ્ચ અદાલતે સરકારને સવાલ કર્યો હતો કે ખાલી પદોને લઇને ૨૦૧૬માં નોટિફિકેશન જારી થયા બાદ પણ કેમ હજુ સુધી આ પદો ભરવામાં આવ્યાં નથી.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખાલી પદો ભરવા માટે બીજી વખત પણ જાહેરાત આપવામાં આવી હતી પરંતુ નિમણૂક ન થઇ શકી. એ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ અંગે સોગંદનામુ રજૂ કરવા કહ્યું હતું જેમાં આ પદો ખાલી હોવાના કારણો દર્શાવવાનું પણ કહ્યું હતું. 

વર્તમાન ભાજપ સરકાર ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના દાવાઓ સાથે જ સત્તામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર સહન ન કરવાના દાવા કરે છે. સાથે સાથે ભ્રષ્ટાચારને લઇને વિપક્ષી પાર્ટીઓ ઉપર સતત નિશાન સાધ્યા કરે છે.

ગયા વર્ષે નવી દિલ્હી ખાતે આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ગર્જના કરી હતી કે ભ્રષ્ટાચારના મામલે જે પણ પકડાશે એ બચી નહીં શકે. અગાઉની સરકારના ભ્રષ્ટાચારનો હવાલો આપીને સત્તામાં આવેલી મોદી સરકાર સતત એવા દાવા કરે છે કે તેના ઉપર હજુ સુધી ભ્રષ્ટાચારનું લાંછન લાગ્યું નથી.

પરંતુ ઘણાં લોકો મોદી સરકારના આ દાવા ઉપર સવાલ ઉઠાવી રહ્યાં છે. આવા લોકોનું કહેવું છે કે મોદી સરકાર ઉપર ભલે ભ્રષ્ટાચારના આરોપ ન લાગ્યાં પરંતુ મોદીરાજમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી સંસ્થાઓ જરૂર નબળી પડી ગઇ છે. 

ખરેખર તો ભ્રષ્ટાચારનો સફાયો કરવાના મામલે સરકારનો ઇરાદો એ વાતે જ જાહેર થઇ જાય છે કે ભ્રષ્ટાચારની જડ ઉપર પ્રહાર કરતા લોકપાલની નિમણૂકને લઇને મોદી સરકારે કાયમ ઉદાસિનતા જ દાખવી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક વખત ફટકાર છતાં મોદી સરકારે લોકપાલની ધરાર નિમણૂક જ કરી નથી. ઉપરાંત કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી) અને કેન્દ્રીય સતર્કતા પંચ (સીવીસી)ને લઇને પણ સરકાર સવાલોથી ઘેરાયેલી છે. 

માહિતીના અધિકાર કાયદા (આરટીઆઇ એક્ટ-૨૦૦૫) અંતર્ગત સીઆઇસીની રચના ૧૨ ઓક્ટોબર, ૨૦૦પના દિવસે  કરવામાં કરવામાં આવી હતી. આ કાયદા અનુસાર માહિતી પંચને આરટીઆઇ સાથે જોડાયેલી ફરિયાદોની તપાસ કરવાની સાથે દોષિત પક્ષ ઉપર દંડ લાગુ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

કોઇ પણ મામલે માહિતી પંચનો નિર્ણય અંતિમ અને બાધ્ય હોય છે. મતલબ કે પંચના ચુકાદાને આગળ પડકારી શકાતો નથી. માહિતી પંચમાં મુખ્ય ઇન્ફોર્મેશન કમિશનર ઉપરાંત ૧૦ ઇન્ફોર્મેશન કમિશનરોની નિમણૂકની જોગવાઇ છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન જોવામાં આવ્યું છે કે કામનો ભારે બોજ હોવા છતાં માહિતી અધિકારીઓની નિમણૂકમાં અત્યંત વિલંબ થઇ રહ્યો છે. 

આરટીઆઇ કાયદા અનુસાર મુખ્ય માહિતી અધિકારી અને અન્ય અધિકારીઓની નિમણૂક માટે વડાપ્રધાનની આગેવાની હેઠળ એક સમિતી રચવામાં આવે છે. એ પછી સમિતી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારના નામ ઉપર રાષ્ટ્રપતિ મહોલ લગાવે છે.

માહિતી અધિકારીને ચૂંટણી અધિકારી સમકક્ષ વેતન અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. એ સાથે જ અપેક્ષા રાખવામાં આવે છે કે આવા અધિકારીને કાયદા, લોકસેવા, મેનેજમેન્ટ, પત્રકારત્વ કે પ્રશાસનના ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોય. નિમણૂકની એ શરત પણ છે કે સંબંધિત વ્યક્તિ સંસદ કે વિધાનસભાનો સભ્ય ન હોય કે પછી કોઇ લાભના પદ ઉપર ન હોય. એ સાથે જ કોઇ રાજકીય પાર્ટી કે વેપારી સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિ પણ આ પદ માટે અયોગ્ય મનાય છે. 

માહિતી અધિકારીની નિમણૂક માટે ૬૫ વર્ષની વયમર્યાદા અને પાંચ વર્ષનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી પંચ જેવી લોકશાહની રક્ષક સંસ્થાને લઇને મોદી સરકારનું ઉદાસિન વલણ સત્તા સંભાળ્યાના પહેલા જ વર્ષે સામે આવી ગયું હતું. એ વખતે મુખ્ય માહિતી અધિકારી રાજીવ માથુર પોતાના પદેથી ૨૨ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ નિવૃત્ત થયા હતાં પરંતુ ગાઢ નિદ્રામાં પોઢેલી સરકારે આ પદ ભરવામાં કોઇ સક્રિયતા ન દાખવી.

છેવટે આ મામલે આરટીઆઇ કાર્યકર્તાઓએ દિલ્હી હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરવી પડી. જેની સુનાવણી બાદ સરકારે ૧૦ જૂન, ૨૦૧૬ના રોજ મુખ્ય માહિતી અધિકારીના પદે વિજય શર્માની નિમણૂક કરી. મતલબ કે લગભગ ૧૦ મહિના સુધી આ પદ ખાલી રહ્યું. એ વખતના અહવાલો અનુસાર માહિતી પંચ પાસે પેન્ડિંગ મામલાઓની સંખ્યા વધીને ૩૯ હજાર થઇ ગઇ હતી. 

આઝાદી બાદ આરટીઆઇ કાયદાની ગણના સામાન્ય માનવી માટે એક મહત્ત્વપૂર્ણ કાયદાના રૂપમાં કરવામાં આવે છે. આ કાયદા દ્વારા દેશની જનતાના સશક્તિકરણ અને સરકારની જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્ત્વની પ્રગતિ થઇ છે. છેલ્લા બાર વર્ષોમાં આ કાયદા દ્વારા સરકાર અને તેની સાથે જોડાયેલી કેટલીયે સંસ્થાઓના કારનામા લોકો સામે આવ્યાં છે. 

એ સાથે જ આરટીઆઇ માટે કામ કરતા કાર્યકર્તાઓની હત્યાની ખબરો પણ દેશના જુદાં જુદાં વિસ્તારોમાંથી આવતી રહી છે. સીઆઇસીને લઇને વર્તમાન સરકારની મૅશા સામે સવાલ ઉઠાવતા લોકોનું કહેવું છે કે આરટીઆઇ કાયદો જે ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો હતો એ ઉદ્દેશને જ સરકાર અવગણી રહી છે. 

મોદી સરકાર આરટીઆઇ એક્ટમાં સંશોધન લાવવા માંગે છે જે બિલ સંસદના મોનસૂન સત્રમાં રજૂ થવાનું હતું પરંતુ વિપક્ષોના વિરોધ બાદ સરકારે પીછેહઠ કરવી પડી. આ બિલ દ્વારા સરકાર કેન્દ્ર અને રાજ્યસ્તરે માહિતી અધિકારીઓની સેવાશરતોમાં ફેરફાર કરવા માંગે છે.

જેમકે કોઇ માહિતી અધિકારીનો કાર્યકાળ પાંચ વર્ષનો નહીં પરંતુ કેન્દ્ર સરકાર નક્કી કરે એટલો હોવો જોઇએ. મતલબ કે માહિતી અધિકારીએ સતત સરકારના દબાણ હેઠળ કામ કરવાનો વારો આવે. પ્રસ્તાવિત બિલ માહિતી અધિકારીના હાથ જ બાંધી દેતું હોવાના દાવા સાથે વિપક્ષો એનો વિરોધ કરી રહ્યાં છે. 

મોદી સરકાર એક તરફ ભ્રષ્ટાચારને ખતમ કરીને નવીન ભારત બનાવવાની વાતો કરે છે પરંતુ બીજી બાજુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે ઘડવામાં આવેલા હથિયારોને જ બુઠ્ઠાં બનાવી રહી છે. ખરેખર તો સરકારે વહીવટમાં પારદર્શકતાને ઉત્તેજન આપવું જોઇએ ઉલટું એ મામલે જ સરકારમાં ઇચ્છાશક્તિનો અભાવ વર્તાઇ રહ્યો છે. 


Google NewsGoogle News