Get The App

ઈઝરાયલ-ઈરાન યુધ્ધ આખા મિડલ ઈસ્ટને તબાહ કરી નાંખશે

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ-ઈરાન યુધ્ધ આખા મિડલ ઈસ્ટને તબાહ કરી નાંખશે 1 - image


- હિઝબુલ્લાહ સૌથી ખતરનાક ગણાય છે તેથી ઇઝરાયેલે તેના સફાયા માટે સખ્ત તાકાત લગાવીને વોકીટોકી બ્લાસ્ટ કરાવી ફફડાટ ફેલાવી દીધો હતો

- સાઉદી અરેબિયા, યુએઈ, બહરીન, કુવૈત સહિતના દેશો યુધ્ધમાં સીધા સામેલ થયા નથી ને થવા માંગતા પણ નથી પણ ઈરાન તેમને છોડે એવી શક્યતા નથી તેથી ગમે ત્યારે આ દેશો પણ યુધ્ધની લપેટમાં આવી જ જશે. ઈઝરાયલ ઈરાન તથા તેના પીઠ્ઠુઓ પર હુમલા કરવા સાઉદી સહિતના દેશોની એરસ્પેસનો ઉપયોગ કરે છે. ઈરાન પર બોમ્બમારો કરી રહેલાં ઈઝરાયલનાં ફાઈટર જેટ સાઉદી સહિતના દેશોના આકાશમાંથી પસાર થાય છે તેથી ભડકેલા ઈરાને સાઉદી સરકારને ખુલ્લી ધમકી આપી જ છે કે, ઈરાન ઈઝરાયેલને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી બંધ નહીં કરે તો સાઉદી તથા તેના સાથી દેશો પર પણ હુમલો કરવો પડશે. 

ઈઝરાયલ અને ઈરાનનું યુધ્ધ આખા મિડલ ઈસ્ટને સાફ કરી નાંખે એવો ખતરો તોળાઈ રહ્યો છે. ઈઝરાયલે ઈરાન પર સીધું આક્રમણ શરૂ કર્યું પછી ઈરાને વારંવાર ચેતવણીઓ આપી પણ ઈઝરાયલ તેને ઘોળીને પી ગયું છે તેથી ઈરાન પણ ઉંચુંનીચું થઈ રહ્યું છે. 

ઈરાન અને ઈઝરાયલ બંને દેશની પ્રજા યુધ્ધથી ત્રસ્ત છે પણ બંને દેશના શાસકોએ જંગને અહમનો મુદ્દો બનાવી દેતાં મિડલ ઈસ્ટની તબાહીનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું લાગી રહ્યું છે. 

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુધ્ધ અત્યારે આમ પણ અડધા મિડલ ઈસ્ટમાં તો ફેલાઈ જ ચૂક્યું છે અને ૭ દેશો યુધ્ધમાં સામેલ થઈ ચૂક્યા છે. મિડલ ઈસ્ટમાં કુલ ૧૬ દેશ છે તેમાંથી ઈઝરાયલ, ઈરાન, ઈરાક, સીરિયા, યમન, લેબેનોન અને પેલેસ્ટાઈન અત્યારે યુધ્ધગ્રસ્ત છે.  સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન, જોર્ડન, બહરીન,  તુર્કી ઈજીપ્ત અને સાયપ્રસ એ દેશો યુધ્ધથી અલિપ્ત છે પણ ક્યાં સુધી અલિપ્ત રહી શકશે એ સવાલ છે. આ દેશો પૈકી ઈજીપ્ત, સાયપ્રસ અને તુર્કી કદાચ બચી જાય પણ બાકીના દેશોમાં યુધ્ધની અસર થશે ને તબાહી પણ થશે. 

ઈઝરાયલ અને ઈરાન તો પોતે સામસામે આક્રમણ કરી રહ્યાં છે જ્યારે યુધ્ધમાં સંડોવાયેલા બીજા દેશોમાંથી ઈરાનના ઈશારે ઈઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે. વિશ્વમાં શિયા આતંકવાદીઓનું સૌથી મોટું સંગઠન હિઝબોલ્લાહ લેબેનોનમાંથી ઈઝરાયલ પર આક્રમણ કરી રહ્યું છે તો પેલેસ્ટાઈનના ગાઝા સ્ટ્રીપમાંથી હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જિહાદના આતંકી ધડબડાટી બોલાવી રહ્યા છે. 

હિઝબોલ્લાહ સૌથી ખતરનાક ગણાય છે તેથી ઈઝરાયલે તેના સફાયા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. તેના ભાગરૂપે ગયા મહિને ઈઝરાયલે લેબેનોન અને સીરિયામાં પેજર ને વોકીટોકી બ્લાસ્ટ કરાવીને ફફડાટ ફેલાવી દીધો હતો. 

લેબનોનની રાજધાની બૈરૂતમાં ઉપરાછાપરી પેજર ફાટયાં તેમાં ૧૨ લોકોનાં મોત થયેલાં ને ૪૦૦૦ કરતાં વધારે લોકો ઘાયલ થયેલાં. ઘાયલોમાં હજાર કરતાં વધારે લોકો તો એવાં હતાં કે જેમની આંખો ફૂટી જતાં આંધળા થઈ ગયા છે. એ પછી બીજા દિવસે ઈઝરાયલે હિઝબોલ્લાહના આતંકીઓ દ્વારા વપરાતાં વોકી ટોકીમાં બ્લાસ્ટ કરાવીને પોતાની તાકાતનો પરચો આપી દીધેલો. 

ઈરાનના પીઠ્ઠુ જેવા હુથી આતંકવાદીઓનો અડધા યમન પર કબજો છે. હુથી આતંકવાદીઓએ રેડ સીમાં આતંક મચાવ્યો છે. ઈઝરાયલ તથા તેના સાથી દેશોનાં જહાજો પર હુથી આતંકી હુમલા પર હુમલા કરી રહ્યા છે. હુથી આતંકીઓના સફાયા માટે ખુદ અમેરિકાએ મેદાનમાં આવવું પડયું છે કેમ કે માલ-સામાન લઈ જતાં જહાજો પરના હુમલાના કારણે આખી દુનિયાનો વ્યાપાર સખળડખળ થઈ રહ્યો છે. 

સીરિયામાં શિયાઓની વસતી નોંધપાત્ર છે તેથી તેમને બચાવવાના નામે ઈરાને વરસોથી લશ્કરી છાવણીઓ નાંખેલી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીરિયામાં લાંબા સમયથી જંગ ચાલે છે. હમાસના હુમલા પછી ઈરાને ઈઝરાયલ પર હુમલા સૌથી પહેલાં સીરિયામાંથી જ શરૂ કરેલા. વળતા જવાબમાં ઈઝરાયલે દમાસ્કસમાં ઈરાનના કોન્સ્યુલેટને ઉડાવી દીધું ત્યારથી જંગ ચાલે છે. 

વિશ્વમાં ઈરાન અને ઈરાક શિયાઓની બહુમતી ધરાવતા બે દેશો છે. આ પૈકી ઈરાન શિયાઓના કબજામાં છે પણ ઈરાક નથી. 

ઈરાનન સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામનેઈ ઈરાન અને ઈરાકને એક કરીને વિશાળ શિયા રાષ્ટ્ર બનાવવાનાં સપનાં જોઈ રહ્યા છે તેથી ઈરાન અત્યારે ઈરાક પર પણ કબજો કરવા મથે છે. ઈરાનનું લશ્કર અને મોટા પ્રમાણમાં શિયા આતંકીઓ ઈરાકમાં હાજર છે. 

ઈરાક પર કબજો કરવા ઈરાને શિયા સંગઠનોને એક કરીને પોપ્યુલર મોબિલાઈઝેશન યુનિટ્સ (પીએમયુ) બનાવ્યું છે. આ સંગઠનોમાં સૌથી શક્તિશાળી કતૈબ હિઝબોલ્લાહ છે. કતૈબ હિઝબોલ્લાહનો ઉપયોગ હજુ ઈરાને ઈઝરાયલ સામેના યુધ્ધમાં કર્યો નથી પણ ગમે ત્યારે કરી શકે છે. ઈરાકમાંથી હુમલા શરૂ થશે ત્યારે ઈઝરાયલ ઈરાકને પણ નિશાન બનાવશે એ જોતાં ઈરાક યુધ્ધમાં અલિપ્ત રહી શકે તેમ નથી. 

સાઉદી અરેબિયા, યુએઈ, બહરીન, કુવૈત સહિતના દેશો યુધ્ધમાં સીધા સામેલ થયા નથી ને થવા માંગતા પણ નથી પણ ઈરાન તેમને છોડે એવી શક્યતા નથી તેથી ગમે ત્યારે આ દેશો પણ યુધ્ધની લપેટમાં આવી જ જશે. ઈઝરાયલ ઈરાન તથા તેના પીઠ્ઠુઓ પર હુમલા કરવા સાઉદી સહિતના દેશોની એરસ્પેસનો ઉપયોગ કરે છે. 

ઈરાન પર બોમ્બમારો કરી રહેલાં ઈઝરાયલનાં ફાઈટર જેટ સાઉદી સહિતના દેશોના આકાશમાંથી પસાર થાય છે તેથી ભડકેલા ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સાઉદી સરકારને ખુલ્લી ધમકી આપી જ છે કે,  ઈરાન ઈઝરાયેલને હુમલા માટે તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનું બંધ નહીં કરે તો અમારે સાઉદી તથા તેના સાથી દેશો પર પણ હુમલો કરી નાંખશે. 

સાઉદી સહિતનાં દેશોનો ક્રૂડનો આખો વેપાર રેડ સી મારફતે ચાલે છે.  અરાઘચીએ ધમકી આપી છે કે. ઈરાકમાં રહીને કામ કરતા કતૈબ હિઝબોલ્લાહ સહિતના ઈરાની સમર્થિત આતંકવાદીઓ અને યમનનું હુથી મિલિટિયા સાઉદી અરેબિયા સામે મેદાનમાં ઉતરીને તેને ખેદાનમેદાન કરી નાંખશે તેથી સાઉદી ઈઝરાયલને મદદ કરવાનું બંધ કરે. સાઉદી સહિતનાં દેશો ઇઝરાયેલ માટે એરસ્પેસ ખોલીને તેને મદદ કરી રહ્યાં છે તેથી ઈરાન તેને યુદ્ધનું કૃત્ય ગણીને ઈરાન સીધો હુમલો પણ કરી શકે છે. 

ઈરાન ઝનૂની અને કટ્ટરવાદી છે એ જોતાં ગમે ત્યારે ગમે તે કરી શકે. ઈઝરાયલ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માને છે તેથી તેને પણ વારી શકાય તેમ નથી. 

અમેરિકા સહિતના દેશો બેવડાં ધોરણો અપનાવીને દેખાવ ખાતર ઈઝરાયલને યુધ્ધ રોકવા કહે છે પણ અંદરખાને મદદ કરે છે. ઈરાનને તો કોઈ ટોકવાવાળું કે રોકવાવાળું જ નથી એ જોતાં મિડલ ઈસ્ટ આ બંને દેશોના સનકી શાસકોની દયા પર છે.

અમેરિકાને યુધ્ધના બહાને ઈરાનનાં પરમાણુ કેન્દ્રોના સફાયામાં રસ 

વૈશ્વિક બાબતોના નિષ્ણાતોના મતે, અમેરિકા પોતાના ફાયદા માટે આ યુધ્ધનો ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બંધ કરાવવા માટે બહુ ઉધામા કર્યા પણ ઈરાને મચક ના આપી.  બરાક ઓબામાઓ ઈરાન સાથે સમજૂતી કરીને પ્રતિબંધો હટાવડાવ્યા હતા અને બદલામાં ઈરાને પોતાનાં પરમાણુ સંશોધન સેન્ટરોના નીરિક્ષણની મંજૂરી આપી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતાં જ ઈરાન પર અવિશ્વાસ કરીને પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો હોવાનું દોષારોપણ કરીને ૨૦૧૮માં પાછા પ્રતિબંધો મૂકી દીધા પછી ઈરાને પોતાનો પરમાણુ કાર્યક્રમ પાછો ધમધોકાર ચાલુ કરી દીધો છે. અમેરિકાના ગુપ્તચર તંત્રના રીપોર્ટ પ્રમાણે, ઈરાને પરમાણુ શસ્ત્રો બનાવવામાં ભારે પ્રગતિ કરી છે. પરમાણુ શસ્ત્રો બનાવવા માટે યુરેનિયન એનરિચમેન્ટ એટલે કે શુધ્ધિકરણ બહુ જરૂરી છે. યુરેનિયમનું ૯૦ ટકા એનરિચમેન્ટ થાય તો પરમાણુ બોમ્બ બની શકે. ઈરાને જંગી પ્રમાણમાં યુરેનિયન ભેગું કરેલું છે અને ૬૦ ટકા એનરિચમેન્ટના સ્તર સુધી પહોંચી ગયું છે તેથી ગમે ત્યારે ન્યુક્લીયર બોમ્બ તૈયાર કરી નાંખશે. 

અમેરિકા સીધી રીતે ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલો કરી શકે તેમ નથી તેથી ઈઝરાયલને સોપારી આપી છે. ઈઝરાયલ ઈરાનના હુમલાના જવાબને બહાને ઈરાનનાં પરમાણુ મથકો સાફ કરી નાંખે એ અમેરિકાનો ઉદ્દેશ છે તેથી અમેરિકા યુધ્ધને રોકવા માટે કોઈ પ્રયત્નો કરી નથી રહ્યું. 

મિડલ ઈસ્ટમાં અરાજકતા આખી દુનિયાના અર્થતંત્રને તોડી નાંખે

મિડલ ઈસ્ટની કુલ વસતી ૫૦ કરોડની આસપાસ છે. મિડલ ઈસ્ટમાં યમન અને ગાઝા જેવા દુનિયાના સૌથી ગરીબ મનાતા દેશો છે પણ મોટા ભાગના દેશો અતિ સમૃધ્ધ છે. 

સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, યુએઈ, બહરીન, ઈઝરાયલ વગેરે દુનિયાના અતિ ધનિક દેશો મિડલ ઈસ્ટમાં આવે છે. આ પૈકી કતાર, યુએઈ, સાઉદી અરેબિયા, બહરીન, ઈઝરાયલમાં તો માથાદીઠ આવક જ ૫૦ હજાર ડોલરથી વધારે છે. કતારમાં તો માથાદીઠ આવક ૧.૨૫ લાખ ડોલર (લગભગ ૧.૧૦ કરોડ રૂપિયા) છે. 

આ દેશો વિશ્વમાં ક્રૂડ ઓઈલના સપ્લાયમાં કેન્દ્રસ્થાને છે તેથી મિડલ ઈસ્ટમાં જરાય અસ્થિરતા સર્જાય કે તરત ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવા માંડે.  અશાંતિ અને અરાજકતા સર્જાય તેથી ક્રૂડ ઓઈલનો સપ્લાય પણ અવરોધાય તેથી આખી દુનિયાના અર્થતંત્ર પર અસર પડે. આ કારણે ઈઝરાયલ અને ઈરાનનું યુધ્ધ રોકાય એ દુનિયાના હિતમાં છે પણ અમેરિકા જેવા દેશો પોતાના સ્વાર્થમાં અને ઈરાન-ઈઝરાયલને શાસકો અહંકારમાં આંધળા  થઈને દુનિયા આખીને તબાહી તરફ ધકેલી રહ્યા છે.

News-Focus

Google NewsGoogle News