વેનેઝુએલામાં માદુરો ત્રીજી વાર જીતતાં અમેરિકાને કેમ મરચાં લાગ્યાં ?
- વેનેઝુએલાનાં પરિણામોને આવકારવા બદલ સોશિયલ મીડિયા પર પણ કમલા હેરિસ પર પસ્તાળ પડી રહી છે. કમલા અમેરિકા સાથે ગદ્દારી કરી રહ્યાં છે એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યાં છે કેમ કે અમેરિકાના શાસકોએ માદુરોને વિલન ચિતરી દીધા છે તેથી અમેરિકનો માદુરોને દુશ્મન માને છે. માદુરોએ એક સમયે વેનેઝુએલામાં કઠપૂતળી સરકાર ચલાવતા અમેરિકાને લાત મારીને તગેડી મૂકનારા હ્યુગો શાવેઝના રસ્તે ચાલીને વેનેઝુએલામાંથી અમેરિકાનો ટાંટિયો સાવ જ કાઢી નાંખ્યો છે. વેનેઝુએલા પાસે દુનિયામાં સૌથી મોટા પેટ્રોલીયમ ભંડાર છે. અમેરિકાનો ડોળો વરસોથી આ ભંડારો પર છે પણ માદુરો અમેરિકાને ઘૂસવા જ નથી દેતા.
દક્ષિણ અમેરિકાના નાનકડા દેશ વેનેઝુએલાના પ્રમુખપદે નિકોલસ માદુરો સળંગ ત્રીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા તેના કારણે અમેરિકામાં બબાલ થઈ ગઈ છે. અમેરિકાની સરકારમાં જ માદુરોને મામલે શિયાળ તાણે સીમ ભણી ને કૂતું તાણે ગામ ભણી જેવો ઘાટ થઈ ગયો છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને માદુરો ગરબડ કરીને જીત્યા હોવાનો આક્ષેપ કર્યો છે. બ્લિન્કેનના કહેવા પ્રમાણે, માદુરોને વિજેતા જાહેર કરાયા એ વેનેઝુએલાની પ્રજાનો મત કે ઈચ્છા નથી.
બીજી તરફ અમેરિકાનાં વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે લખ્યું છે કે, અમેરિકા વેનેઝુએલાની પ્રજાએ પ્રમુખપદની ઐતિહાસિક ચૂંટણીમાં આપેલા જનાદેશની સાથે છે. વેનેઝુએલાની પ્રજાની ઈચ્છાને માન આપવું જોઈએ અને ઘણા બધા પડકારો છતાં વેનેઝુએલાનાં લોકોને વધુ લોકશાહીપૂર્ણ. સમૃધ્ધ અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે કામ કરતાં રહીશું.
કમલા હેરિસે સીધેસીધો જ અમેરિકાની સરકારના વલણનો છેદ ઉડાડી દીધો તેની સામે રાજકીય વિશ્લેષક ગંથેર ઈગલમેને ટ્વિટ કરેલી કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે નહીં ચૂંટાય તો અમેરિકા પણ વેનેઝુએલા બની જશે. મસ્કે આ ટ્વિટને સમર્થન આપીને લખ્યું છે કે, હેરિસ અમેરિકાનાં નવાં પ્રમુખ બનશે તો અમેરિકા માટે વાસ્તવિક રીતે મોટો ખતરો ઉભો થશે.
મસ્ક અને ઈગલમેન બંને ટ્રમ્પના સર્ટિફાઈડ ચમચા છે એટલે કમલા હેરિસની બદબોઈ કરે તેમાં નવાઈ નથી પણ સોશિયલ મીડિયા પર પણ કમલા પર પસ્તાળ પડી રહી છે. કમલા આડકતરી રીતે માદુરોની જીતને સમર્થન આપીને અમેરિકા સાથે ગદ્દારી કરી રહ્યાં છે એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યાં છે કેમ કે અમેરિકાના શાસકોએ માદુરોને વિલન ચિતરી દીધા છે તેથી અમેરિકનો માદુરોને અમેરિકાના દુશ્મન માને છે.
માદુરો સામ્યવાદીઓ તરફ ઢળેલા છે. માદુરોએ એક સમયે વેનેઝુએલામાં કઠપૂતળી સરકાર ચલાવતા અમેરિકાને લાત મારીને તગેડી મૂકનારા હ્યુગો શાવેઝના રસ્તે ચાલીને વેનેઝુએલામાંથી અમેરિકાનો ટાંટિયો સાવ જ કાઢી નાંખ્યો છે. વેનેઝુએલા પાસે દુનિયામાં સૌથી મોટા પેટ્રોલીયમ ભંડાર છે. અમેરિકાનો ડોળો વરસોથી આ ભંડારો પર છે પણ માદુરો અમેરિકાને ઘૂસવા જ નથી દેતા.
વેનેઝુએલામાં મોટા ભાગનો સમય સમાજવાદીઓનું શાસન રહ્યું પણ ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં બે વાર કાર્લોસ પેરેઝ સત્તા પર આવ્યા તેનો લાભ લઈને અમેરિકા વેનેઝુએલામાં ઘૂસી ગયું હતું. અમેરિકા તરફી પેરેઝે વેનેઝુએલામાં અમેરિકાની મોટી કંપનીઓને એન્ટ્રી આપી. આ કંપનીઓએ પેટમાં ઘૂસીને પગ પહોળા કરવાની નીતિ અપનાવીને પેટ્રોલીયમ ક્ષેત્ર પર કબજો કરી લીધો હતો.
અમેરિકાની કંપનીઓના આવવાથી વેનેઝુએલામાં અમેરિકા સહિતના દેશો જેવી લક્ઝુરીયસ કાર ને હાઈ-ફાઈ સ્ટોર આવ્યા. શરૂઆતમાં આ બધું સારું લાગ્યું પણ ૧૯૯૦ના દાયકામાં તેની ખરાબ અસરો શરૂ થઈ. અમેરિકાની કંપનીઓ ધિકતી કમાણી કરતી જ્યારે દેશની આર્થિક હાલત બગડતી જતી હતી તેથી આક્રોશ પેદા થયો. તેનો લાભ લઈને હ્યુગો શાવેઝે બોલિવર ક્રાન્તિ કરીને ૧૯૯૯માં સત્તા કબજે કરી.
હ્યુગો શેવેઝ પ્રમુખ બન્યા પછી તેમણે અમેરિકાની મોટી ઓઈલ કંપનીઓને તેમનું રોકાણ પાછું આપીને લાત મારીને તગેડી મૂકી તેથી અમેરિકા ભડક્યું. અમેરિકાએ વેનેઝુએલા પર નિયંત્રણો લાદ્યાં પણ શાવેઝે મચક ના આપી. વેનેઝુએલાની કુલ આવકના ૯૫ ટકા ક્રૂડઓઈલ નિકાસમાંથી મળતી. અમેરિકાએ ક્રૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકાવ્યો તો શાવેઝે મકાઈ, જુવાર, શેરડી, કોફી, કેળાં જેવી ખેતપેદાશો આધારિત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વિકસાવીને રોજગારી ઉભી કરી. વેનેઝુએલામાં કોલસા, લોખંડ, બોક્સાઇટ અને સોનાનો જથ્થો આવેલો છે. શાવેઝે તેના આધારિત અર્થતંત્ર વિકસાવ્યું. પેટ્રોલિયમ, ખેત પેદાશો, ખનીજો, બાંધકામનાં સાધનો, દવાઓ, પશુ ખાણદાણ, વિવિધ મશીનરીઓની નિકાસ કરીને શાવેઝે અર્થતંત્રને જમાવ્યું. શાવેઝે રશિયા-ચીનની પણ મદદ લીધી. તેના કારણે અમેરિકાનાં નિયંત્રણો છતાં વેનેઝુએલા ટકી ગયું.
શાવેઝ ૨૦૧૩માં ગુજરી ગયા ત્યાં સુધીમાં વેનેઝુએલા અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટ ગાઢ બની ગયેલી. શાવેઝને ઉથલાવવા અમેરિકાએ બહુ ફાંફાં મારી જોયેલાં પણ ફાવ્યા નહોતા. શાવેઝ ગુજરી જતાં અમેરિકાને વેનેઝુએલામાં ઘૂસવાની તક દેખાઈ તેથી હિંસા ભડકાવી દીધી. શાવેઝના સ્થાને આવેલા માદુરો સામે અમેરિકા પ્રેરિત હિંસક પ્રદર્શનો થયાં તેમા સંખ્યાબંધ લોકો મરી ગયાં.
માદુરોએ ૨૦૧૪માં ચૂંટણી કરાવી તેમાં જંગી બહુમતીથી જીતી ગયા પણ અમેરિકાને પોતાની કઠપૂતળી સરકાર જોઈતી હતી તેથી લોકોને ભડકાવ્યાં. માદુરો આ બળવાને ના ગાંઠયા એટલે ૨૦૧૬માં અમેરિકાએ વિપક્ષી નેતા ખુઆન ગાઇદો પાસે બળવો કરાવીને તેમને વચગાળાના પ્રમુખ જાહેર કરાવી દીધા અને માદુરોને દેશમાંથી હાંકી કાઢવાનું એલાન પણ કરી દીધું.
ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક ગાઈદોને વેનેઝુએલાના પ્રમુખ તરીકે માન્યતા આપી દીધી. અમેરિકાના પગલે બ્રાઝિલ, કોલંબિયા અને યુરોપિયન યુનિયને ગાઇદોના નેતૃત્ત્વવાળી નેશનલ એસેમ્બલીને સમર્થન જાહેર કર્યું. ભારતે પોતાના વિદેશ નીતિને વળગી રહેતા ગાઇદોની સરકારને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો. રશિયા અને ચીન માદુરોના પડખે ઉભાં રહેતાં બે છાવણીઓ પડી ગઈ છે. નિકોલા માદુરોએ પ્રમુખપદ છોડવાનો ઇન્કાર કર્યો ને વેનેઝુએલાનું લશ્કર પણ તેમના પડખે રહેતાં અમેરિકાના બધા દાવ ઉંધા વળી ગયા. અમેરિકાએ અત્યારે પણ માદુરોને હરાવવા પૂરી તાકાત લગાવી દીધેલી પણ ફાવ્યું નહીં એટલે માદુરો ગરબડ કરીને જીત્યા છે એવું જાહેર કરી દીધું છે. માદુરોને તેનાથી કોઈ ફરક પડતો નથી. માદુરો છેલ્લાં ૧૧ વર્ષથી સત્તામાં છે ને લે બુધું ને કર સીધું કરીને પોતાના વિરોધીઓને સાફ કરીને સત્તા પરની પકડ મજબૂત બનાવી છે. અમેરિકાએ ૨૦૧૮માં ફરી તોફાનો ભડકાવ્યાં ત્યારે વેનેઝુએલાની હાલત ખરાબ થઈ ગયેલી. મોંઘવારી અને આર્થિક બેહાલી એ હદે વધી ગયેલી કે, ફૂગાવો વધીને ૪૦૦ ટકાએ પહોંચ્યો હતો. એક લિટર દૂધ લેવું હોય તો રૂપિયા ૮૦ હજાર ને એક કિલો માંસ જોઇતું હોય તો ૩ લાખ રૂપિયા ખર્ચવા પડતા હતા. મોટા પ્રમાણમાં લોકો વેનેઝુએલા છોડીને ભાગી ગયેલાં. માદુરોએ ભારે મહેનત કરીને વેનેઝુએલાને આર્થિક સંકટમાંથી બહાર કાઢયું.
માદુરોએ વેનેઝુએલાની વર્ચ્યુઅલ એટલે ડિજિટલ કરન્સી લોંચ કરીને દુનિયામાં વર્ચ્યુઅલ કરન્સી લોંચ કરનારો પહેલો દેશ બનાવ્યો. વેનેઝુએલાની વર્ચ્યુઅલ કરન્સીને પેટ્રોને પેટ્રોલિયમ ઉપરાંત તેની પાસે સોના-ડાયમંડના ભંડોરા સાથે જોડવામાં આવી હતી.
અમેરિકા હજુય વેનેઝુએલાને દુનિયાના ભિખારી દેશોમાં જ ગણે છે. વેનેઝુએલાની ૫૩ ટકા વસતી કારમી ગરીબીમાં સબડતી હોવાનો દાવો કરે છે પણ માદુરો અમેરિકાને ગણકાર્યા વિના રાજ કરી રહ્યા છે.
વેનિસ જેવું લાગતું હોવાથી વેનેઝુએલા નામ પડયું
વેનેઝુએલાની શોધ અમેરિકાના શોધક કોલંબસે કરેલી. કોલંબસ ૧૪૯૮માં વેનેઝુએલાનો આંટો મારી ગયો પછી બીજા જ વર્ષે કોલંબસે ચીંધેલા માર્ગ પર અલોન્સા ડી ઓજેદા અને અમેરિગો વેસ્યુકીઓ નામના ખલાસીઓ હોડીમાં બેસીને ઊતર્યા. તળાવ પર ઘર બાંધીને રહેતા લોકોને જોઈને તેમને સરોવર કાંઠે વસેલા ઈટાલીના વેનિસની યાદ આવી જતાં વેનેઝુએલા નામ પાડયું. વેનેઝુએલામાં મૂળ કારીબ અને અરાવાક લોકો રહેતા હતા. એ પછી વિદેશી પ્રજાઓનું આગમન શરૂ થયું. તેમાં સ્પેનિશ પ્રજાએ શાસન સ્થાપી દીધું.
સ્પેને ત્રણ સદી સુધી વેનેઝુએલાની પ્રજા પાસે કોકો, શેરડી તથા કીમતી મોતીની ખેતી કરાવીને ભારે શોષણ કર્યું. આ કારણે લોકોમાં આક્રોશ હતો ત્યાં ૨૬ માર્ચ, ૧૮૨૨ના રોજ આવેલા વિનાશક ધરતીકંપે ભારે તબાહી મચાવી. એ વખતે સર્જાયેલી અંધાધૂંધીમાં સિમોન બોલિવર રાષ્ટ્રીય હીરો તરીકે ઉભરી આવ્યા.
બોલિવરે વેનેઝુએલા જ નહીં કોલંબિયા, પનામા, ઇક્વાડોર, પેરુ અને બોલિવિયામાં આઝાદીની આગ પ્રસરાવી. સ્પેન અને સ્થાનિક લોકો વચ્ચે ભારે જંગ થયો.
કારાબોલો યુધ્ધ તેમાં નિર્ણાયક બન્યું ને તેમા સ્થાનિક લોકો જીતતાં ૫ જુલાઈ, ૧૮૧૧ના રોજ કોલંબિયા, પનામા અને ઇક્વાડોર અને વેનેઝુએલા જેવા પ્રદેશોએ સ્પેનથી સ્વતંત્ર થઈને સંઘની રચના કરી. ૧૯૩૦માં વેનેઝુએલા આ સંઘમાંથી અલગ પડીને સ્વતંત્ર દેશ તરીકે ઓળખાયો.
બોલ્ડ અને બ્યુટીફુલ સુંદરીઓનો દેશ, નાઈટ લાઈફ માટે પ્રખ્યાત શહેરો
વેનેઝુએલા દેશ વિશ્વ સુંદરીઓના દેશ તરીકે જાણીતો છે. વેનેઝુએલા જેટલી વિશ્વ સુંદરીઓ બીજા કોઈ દેશે નથી આપી. સાત મિસ યુનિવર્સ, છ મિસ વર્લ્ડ, સાત મિસ ઈન્ટરનેશનલ અને બે મિસ અર્થ મળીને વેનેઝુએલાની સુંદરીઓએ કુલ ૨૨ ટાઈટલ જીત્યાં છે.
બોલ્ડ અને બ્યુટીફુલ સુંદરીઓ ઉપરાંત વેનેઝુએલા પાસે કુદરતી સૌંદર્ય પણ ભરપૂર પ્રમાણમાં છે. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. વેનેઝુએલાની ૯૦ ટકા વસતી શહેરોમાં રહે છે. શહેરોમાં અદભૂત નાઈટ ક્લબ્સ અને બાર છે કે જ્યાં વેનેઝુએલાની સુંદરીઓ ગ્રાહકોનું બધી રીતે મનોરંજન કરે છે તેથી બીજા દેશોથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ વેનેઝુએલા આવે છે.