Get The App

પાકિસ્તાન-અફઘાન વચ્ચે ડ્રગ્સની કમાણીમાં ભાગબટાઈ માટે યુદ્ધ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન-અફઘાન વચ્ચે ડ્રગ્સની કમાણીમાં ભાગબટાઈ માટે યુદ્ધ 1 - image


- છેલ્લાં 50 વર્ષથી આંતરિક લડાઈ અને આતંકવાદમાં સપડાયેલા અફઘાનિસ્તાનમાં થોડી ઘણી ખેતી થાય છે કે જે લોકોનાં પેટ ભરવા વપરાય છે

- તાલિબાનને અમેરિકાનો ડર ના રહ્યો એટલે ખુલ્લેઆમ કાબુલ ને કંદહારમાં બેસીને જ ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો. હવે રશિયન, ઈટાલિયન વગેરે ડ્રગ માફિયા સીધા તાલિબાનને મળે છે ને ડ્રગ્સ ખરીદીને બદલામાં હથિયારો ને રોકડા પણ આપે છે. ડ્રગ માફિયાઓ અને તાલિબાન બંને માટે આ સોદો ફાયદાનો છે કેમ કે પાકિસ્તાનના દલાલ આર્મી-આઈએસઆઈ અધિકારીઓને કમિશન નથી આપવું પડતું. પહેલાં પાકિસ્તાનની છત્રછાયામાં કરાચી બંદરેથી ડ્રગ્સ મોકલાતું પણ હવે તાલિબાન ઈરાનનાં ચાબહાર અને બંદાર અબ્બાસ બંદરો પરથી પોતાનો બધો સમાન મોકલે છે. ઈરાનના રશિયા સાથે ગાઢ સંબંધો છે તેથી રશિયન માફિયાઓને ઈરાનનાં બંદરો પરથી જોઈએ એટલો માલ લઈ જવાની છૂટ છે.

એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલે છે જ્યારે બીજી તરફ ઈઝરાયલ વર્સીસ મુસ્લિમોના જંગના કારણે મિડલ ઈસ્ટ સળગેલું છે ત્યાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધનો નવો મોરચો ખૂલી ગયો છે. ગયા અઠવાડિયે તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓએ ૧૬ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી નાંખી હતી. તેનો બદલો લેવા  પાકિસ્તાની એરફોર્સે અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા તેમાં ૫૦ લોકો ઢબી ગયેલાં. 

આ હુમલાનો જવાબ આપવા તાલિબાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ૧૯ સૈનિકોનો ખાતમો કરી દીધો. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેની સરહદને ડયુરાન્ડ લાઇન કહેવામાં આવે છે. તાલિબાન ડયુરાન્ડ લાઈન ઓળંગીને અંદર ઘૂસી ગયા અને પાકિસ્તાનના ઘણા વિસ્તારો પર કબજો પણ કરી લીધો હોવાનું કહેવાય છે. પાકિસ્તાનની બે ચોકી કબજે કરી હોવાનો પણ તાલિબાનનો દાવો છે. 

પાકિસ્તાન વિરૂધ્ધ અફઘાનિસ્તાનના યુદ્ધને પગલે આતંકવાદનો મુદ્દો ચર્ચામાં છે કેમ કે પાકિસ્તાન દુનિયા સામે એવું ચિત્ર ઉભું કરવા મથે છે કે, તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP) પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવે છે તેથી તેનો સફાયો કરવા પોતે અફઘાનિસ્તાનના વિસ્તારો પર હુમલા કરે છે. વાસ્તવમાં પાકિસ્તાન આખી દુનિયાને ઉલ્લુ બનાવે છે. 

તાલિબાન અને પાકિસ્તાનના લશ્કર વચ્ચે જે ઝગડો છે એ ડ્રગ્સની કમાણીમાં ભાગબટાઈનો છે. તાલિબાનનું અફઘાનિસ્તાન પર શાસન થયું પણ તાલિબાન પાસે કમાણીનું કોઈ સાધન જ નથી. અફઘાનિસ્તાન દુનિયાનો સૌથી મોટો ભૂખડી બારસ દેશ છે. છેલ્લાં ૫૦ વર્ષથી આંતરિક લડાઈ અને આતંકવાદમાં સપડાયેલા અફઘાનિસ્તાનમાં થોડી ઘણી ખેતી થાય છે કે જે લોકોનાં પેટ ભરવા વપરાય છે પણ બીજી કોઈ આર્થિક પ્રવૃત્તિ નથી. ફેક્ટરીઓ નથી, કંપનીઓ નથી કે કમાણીનાં બીજાં કોઈ સાધન પણ નથી. 

તાલિબાને કમાણી માટે ડ્રગ્સ ઉત્પાદનનો સહારો લીધો અને પાકિસ્તાન સાથેની સરહદે આવેલા આદિવાસી વિસ્તારોમાં અફીણ, ચરસની ખેતી કરાવવા માંડી. તાલિબાને પાકિસ્તાનના લશ્કર અને આઈએસઆઈની છત્રછાયામાં અફીણ ને ચરસમાંથી બીજાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરાવી.  આ ડ્રગ્સ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની મદદથી દુનિયાના બીજા દેશોમાં પહોંચતું. આઈએસઆઈ અને આર્મીના અધિકારીઓ તેમાંથી કમિશન ખાતા ને જે નાણાં બચે તેમાંથી આતંકવાદીઓ શસ્ત્રો ખરીદતા. આ શસ્ત્રો પણ આતંકવાદીઓ પાસે આઈએસઆઈ પાસેથી જ આવતાં હતાં ને તેમાં પણ આર્મી-આઈએસઆઈ દલાલી ખાતાં હતાં. 

તાલિબાન ડ્રગ્સના ધંધા માટે પાકિસ્તાન પર નિર્ભર હતું કેમ કે અમેરિકાનો ડર હતો. આકાશમાં અમેરિકાનાં ફાઈટર જેટ ફરતાં ને ક્યાંય પણ હિલચાલ દેખાય કે તરત બોમ્બ ફેંકીને ખુરદો બોલાવી દેતાં તેથી તાલિબાન ખુલ્લેઆમ બહાર નિકળી શકતા નહોતા. આ કારણે જખ મારીને પાકિસ્તાનીઓને કમિશન આપવું પડતું. 

અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી પછી તાલિબાનના હાથમાં સત્તા આવી ગઈ. તાલિબાનને અમેરિકાનો ડર ના રહ્યો એટલે ખુલ્લેઆમ કાબુલ ને કંદહારમાં બેસીને જ ડ્રગ્સનો ધંધો શરૂ કરી દીધો. હવે રશિયન, ઈટાલિયન વગેરે ડ્રગ માફિયા સીધા તાલિબાનને મળે છે ને ડ્રગ્સ ખરીદીને બદલામાં હથિયારો ને રોકડા પણ આપે છે. ડ્રગ માફિયાઓ અને તાલિબાન બંને માટે આ સોદો ફાયદાનો છે કેમ કે પાકિસ્તાનના દલાલ આર્મી-આઈએસઆઈ અધિકારીઓને કમિશન નથી આપવું પડતું. પહેલાં પાકિસ્તાનની છત્રછાયામાં કરાચી બંદરેથી ડ્રગ્સ મોકલાતું પણ હવે તાલિબાન ઈરાનનાં ચાબહાર અને બંદાર અબ્બાસ બંદરો પરથી પોતાનો બધો સમાન મોકલે છે. ઈરાનના રશિયા સાથે ગાઢ સંબંધો છે તેથી રશિયન માફિયાઓને ઈરાનનાં બંદરો પરથી જોઈએ એટલો માલ લઈ જવાની છૂટ છે. એ રીતે પણ તાલિબાન ફાયદામાં છે તેથી તેને પાકિસ્તાન સાથેના સંબધોમાં રસ નથી. 

તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP)નો અફઘાન-પાકિસ્તાન સરહદે આવેલા આદિવાસી કબિલાઓના વિસ્તારો પર કબજો છે. સૌથી વધારે અફીણ આ વિસ્તારમાં જ થાય છે પણ પાકિસ્તાન લશ્કરની તાકાત આ વિસ્તારોમાં ઘૂસીને અફીણની ખેતી રોકવાની નથી. આ વિસ્તારો કાગળ પર પાકિસ્તાનમાં છે પણ વાસ્તવમાં તાલિબાનના સમર્થકોના કબિલા અહીં રાજ ચલાવે છે. પાકિસ્તાનના સૈનિકોએ આ વિસ્તારોમાં ઘૂસવાની કોશિશ કરી ત્યારે ત્યારે અત્યાધુનિક હથિયારો, રોકેટ લોંચર વગેરેથી સજ્જ આ કબિલાનાં લોકોએ તેમનાં છોતરાં કાઢી નાખ્યાં છે તેથી પાકિસ્તાન તેમને કશું કરતું નથી પણ આ વિસ્તારમાંથી અફીણ લઈ જતા ટીટીપીના માણસોને નિશાન બનાવે છે.  

આ અફીણ તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પહોંચાડાય છે કે જ્યાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ધમધમે છે. પાકિસ્તાન આર્મી જેને ટીટીપીના કેમ્પ ગણાવે છે એ વાસ્તવમાં ડ્રગ્સ ફેક્ટરીઓ છે. તેમનો સફાયો કરી નાંખીશું તો ટીટીપીના આતંકીઓ પગ પકડતા આવશે ને આપણું કમિશન ચાલુ કરી દેશે એવી પાકિસ્તાનની ગણતરી છે પણ તાલિબાન પણ જીવ પર આવી ગયા છે. અફઘાનિસ્તાનમાં સત્તા ટકાવી રાખવા તેમને પણ નાણાં અને શસ્ત્રો બંનેની જરૂર છે તેથી પાકિસ્તાન આર્મી-આઈએસઆઈના અધિકારીઓને કોઈ પણ સંજોગોમાં કમિશન આપવા નથી માગતા તેની મોંકાણ છે. તાલિબાનને પોતાના બગલબચ્ચા જેવા ટીટીપીનું સરહદી વિસ્તારોમાં વર્ચસ્વ જળવાય તેમાં રસ છે કેમ કે તેની સાથે તેનાં આર્થિક હિતો સંકળાયેલાં છે. આ કારણે જ તાલિબાને પાકિસ્તાન સામે જંગ છેડવાનું સાહસ પણ કરી નાંખ્યું છે. તાલિબાને તેમાં કશું ગુમાવવાનું નથી કેમ કે એ લોકો વરસોથી આ રીતે આતંકવાદ ફેલાવવા ટેવાયેલા છે. લશ્કરી તાકાતની રીતે તાલિબાન પાકિસ્તાનને પહોંચી શકે તેમ નથી પણ તેનાથી તેમને ફરક પડતો નથી કેમ કે તાલિબાન ઘૂંટણ ટેકવવા ટેવાયેલા નથી. 

રશિયાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલ્યું ત્યારે અમેરિકાને લાગ્યું કે આખી દુનિયા પર દાદાગીરી કરવાનો પોતાનો ગરાસ લૂંટાઈ જશે એટલે અમેરિકાને રશિયાને ભગાડવા ઉભા કરેલા તાલિબાનીઓ છેલ્લા ૪૦ વર્ષથી લડયા જ કરે છે. પહેલાં રશિયા ને નાઈન ઈલેવનના હુમલા પછી અમેરિકાએ તેમને સાફ કરવા પૂરી તાકાત લગાવી દીધી પણ તાલિબાનને ખતમ ના કરી શક્યા તો પાકિસ્તાન તો બચ્ચુ છે. 

ટીટીપી પાસે 30 હજાર આતંકવાદીઓ હતા, હવે 10 હજાર જ બચ્યા

તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP) પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી વિસ્તારોમાં અડિંગો જમાવીને બેઠેલાં આતંકવાદી સંગઠનોનું બનેલું મોટું સંગઠન છે. ૨૦૦૭માં ટીટીપીની રચના વખતે તેમાં ૧૩ સંગઠનો હતાં અને ૨૫ હજાર આતંકવાદી તેની સાથે જોડાયેલા હતા. બૈતુલ્લાહ મહેસૂદ ટીટીપી ચીફ હતો અને ટીટીપીની રચના અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના લશ્કરને ભગાડવા માટે થઈ હતી.  

અમેરિકાએ ૨૦૦૯માં બોમ્બમારો કરીને બૈતુલ્લાહને પતાવી દીધો પછી હકીમુલ્લાહ મહેસૂદ ચીફ બનેલો. અમેરિકાએ તેનો પણ ૨૦૧૩માં ઘડોલાડવો કરી નાંખ્યો પછી ફઝલ હયાત ચીફ બનેલો. મૌલાના ફઝલુલ્લાહ તરીકે જાણીતા ફઝલને અમેરિકાએ ૨૦૧૮માં ડ્રોન એટેક કરીને ઉડાવ્યો ત્યારથી નૂર વલી મહેસૂદ તેનો ચીફ છે. 

નૂર વલી ચીફ બન્યો ત્યારે ટીટીપી પતી જવાના આરે હતું. અમેરિકાએ પીપીટીના આતંકવાદીઓને મારી નારીને પતાવી દીધેલા તેમાં માંડ ૩૦૦૦ જેટલા આતંકી બચેલા. પાકિસ્તાનના કોઈ વિસ્તારમાં ટીટીપીનો કબજો નહોતો ને નવી ભરતી થતી નહોતી. નૂર વલીના નસીબે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડવાનું નક્કી કર્યું તેમાં પોતે તો બચી જ ગયો પણ સંગઠન પણ બચી ગયું.  

અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા આવ્યા પછી તેમણે ભરપૂર મદદ કરી તેમાં ટીટીપી પાસે અત્યારે ૧૦ હજાર જેટલા આતંકવાદી હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના તાલિબાન તેમને ભરપૂર મદદ કરે છે તેથી હથિયારો કે દારૂગોળાની જરાય કમી નથી. તાલિબાનની મદદથી વઝિરિસ્તાન તથા બલુચિસ્તાનમાં ઘણા પ્રદેશો પર પણ ટીટીપીનો કબજો છે.

યુરોપમાં મળતું 95 ટકા હેરોઈન અફઘાન, વરસે 43 હજાર કરોડ રૂપિયાની કમાણી

અફઘાનિસ્તાનનો ઈતિહાસ અફીણની ખેતીનો છે અને અત્યારે લેટિન અમેરિકાના મેક્સિકો સહિતના દેશોને પાછળ છોડીને અફઘાનિસ્તાન દુનિયામાં સૌથી મોટો ડ્રગ્સ ઉત્પાદક દેશ બની ચૂક્યો છે. અફઘાનિસ્તાન વૈશ્વિક સ્તરે ગેરકાયદેસર રીતે વેચાતા હેરોઈનમાંથી ૯૦ ટકાથી વધુનું ઉત્પાદન કરે છે અને યુરોપિયન બજારમાં મળતા હેરોઈનમાંથી ૯૫ ટકાથી વધુ અફઘાનિસ્તાનમાંથી જાય છે. લેટિન અમેરિકામાં કોકેઈન બનાવવા માટે વપરાતા કોકાની ખેતી માટે જેટલી જમીનનો ઉપયોગ થાય છે તેના કરતાં વધુ જમીન અફઘાનિસ્તાનમાં અફીણના વાવેતર માટે વપરાય છે.

અફઘાનિસ્તાન વિશ્વ બજારના લગભગ ૮૪ ટકા ડ્રગ્સનું ઉત્પાદન કરે છે અને લગભગ ૫ અબજ ડોલર (૪૩ હજાર કરોડ રૂપિયા)ના ડ્રગ્સની નિકાસ કરે છે. આ પૈકી ૨૫ ટકા રકમ અફીણ વાવતા ખેડૂતોને આપી દેવામાં આવે છે જ્યારે બાકીની રકમ તાલિબાન સરકાર લઈ જાય છે. તાલિબાન સરકાર અફીણની હેરફેર સાથે સંકળાયેલા લોકો, કબિલાના વડાઓ વગેરેને પણ રકમ આપે છે તેથી તેની પાસે લગભગ ૬૦ ટકા જેવી રકમ રહે છે. અફઘાનિસ્તાનમાં લગભગ ૪ લાખ પરિવારો અફીણની ખેતી સાથે સંકળાયેલા હોવાનું મનાય છે.

News-Focus

Google NewsGoogle News