Get The App

'સ્ત્રી-ટુ'ની ધાંય ધાંય સફળતા, હવે સ્ટાર નહીં પણ સ્ટોરી હીરો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
'સ્ત્રી-ટુ'ની ધાંય ધાંય સફળતા, હવે સ્ટાર નહીં પણ સ્ટોરી હીરો 1 - image


- બોલિવૂડના કહેવાતા સુપરસ્ટાર્સની ફિલ્મો ઊંધામાથે પછડાઈ રહી છે અને 100 કરોડ રૂપિયાની કમાણી માંડ કરે ત્યારે સ્ત્રી-ટુની સફળતાએ સૌને ચોંકાવી દીધા છે

- 'સ્ત્રી 2' માટે લોકોને ભારે ઉત્સુકતા હતી કેમ કે 'સ્ત્રી 2'ની પ્રીક્વલ 'સ્ત્રી' લોકોને ગમેલી. ઓરિજિનલ 'સ્ત્રી' ઓછા બજેટમાં બનેલી.  માત્ર 25 કરોડમાં બનેલી 'સ્ત્રી'નું બોક્સ ઓફિસ કલેક્શન 181 કરોડ હતું તેથી સાત ગણાથી વધારે કમાણી કરીને આ ફિલ્મ સુપરડુપર હીટ સાબિત થયેલી.  'સ્ત્રી'ની સિક્વલ છ વર્ષ પછી આવી રહી હતી તેથી લોકોને રસ હતો પણ લોકોને આટલો રસ હશે તેની કલ્પના નહોતી. ટ્રેલર અને પ્રોમો જોઈને ફિલ્મ મજેદાર હશે એવી હવા જામી ગયેલી પણ કમાણી 300 કરોડ રૂપિયાની આસપાસ રહેશે એવું સૌને લાગતું હતું પણ 'સ્ત્રી ૨' એ રીલીઝ થયાના પહેલા જ દિવસથી બધી ધારણાઓને ખોટી પાડીને છવાઈ ગઈ છે. 

નવી રીલીઝ થતી હિન્દી ફિલ્મોને ખર્ચ કાઢવાનાં પણ ફાંફાં છે ત્યારે રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂર અભિનિત 'સ્ત્રી-ટુ' ફિલ્મે ધમાકો બોલાવી દીધો છે. ૧૨૦ કરોડ રૂપિયામાં બનેલી 'સ્ત્રી-ટુ'એ પાંચ ગણાથી વધારે કમાણી કરીને છાકો પાડી દીધો છે. અમર કૌશિક નિર્દેશિત સ્ત્રી અને સરકટા પુરૂષની કથા કહેતી કોમેડી હોરર 'સ્ત્રી-ટુ' ફિલ્મ હજુ અડીખમ છે. બે અઠવાડિયામાં જ વર્લ્ડ વાઈડ ૬૫૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી 'સ્ત્રી-ટુ'ની રોજિંદી કમાણીમાં ફરક નથી પડી રહ્યો એ જોતાં ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેશે એવું લાગે છે. 

હિન્દીમાં કહેવાતા સુપરસ્ટાર્સની ફિલ્મો ઉંધા માથે પછડાઈ રહી છે અને ૧૦૦ કરોડ રૂપિયા કમાણી કરી લે તો પણ સારું કહેવાય એવી હાલત છે ત્યારે 'સ્ત્રી-ટુ'ની સફળતાએ સૌને ચોંકાવી દીધા છે. 'સ્ત્રી-ટુ'ને આવી ધાંય ધાંય સફળતા મળશે એવી કોઈને કલ્પના નહોતી. તેનું કારણ એ કે, ફિલ્મમાં કોઈ કહેવાતા મોટા સ્ટાર જ નથી. 

રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સારા અભિનેતા ગણાય છે પણ સુપરસ્ટાર નથી મનાતા. શ્રધ્ધા કપૂર પર તો નિષ્ફળ એક્ટ્રેસનું લેબલ લાગી જ ગયું છે.  શ્રધ્ધાને નીપો ચાઈલ્ડ એટલે કે બાપના જોરે ફિલ્મોમાં આવી ગયેલી છોકરી ગણવામાં આવે છે તેથી તેનામાં સ્ટારડમ નથી. અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનરજી પણ સારા એક્ટર ખરા પણ તેમના નામે કોઈ ફિલ્મ જોવા ના આવે. અમર કૌશિક પણ બહુ સફળ ડિરેક્ટર નથી. અમર કૌશિકની 'સ્ત્રી'  ચાલી હતી પણ એ પછીની ફિલ્મો બહુ નથી ચાલી. બલ્કે છેલ્લી બે ફિલ્મો ભેડિયા અને મુંજયા તો ઉંધા માથે પછડાઈ હતી. 

જો કે 'સ્ત્રી-ટુ' માટે લોકોને ભારે ઉત્સુકતા હતી કેમ કે 'સ્ત્રી-ટુ'ની પ્રીક્વલ 'સ્ત્રી' લોકોને ગમેલી અને સફળ ફિલ્મ હતી. ઓરિજિનલ 'સ્ત્રી'ની કમાણી પણ જોરદાર હતી. તેનું કારણ એ હતું કે, 'સ્ત્રી' ઓછા બજેટમાં બનેલી ફિલ્મ હતી.  માત્ર ૨૫ કરોડમાં બનેલી 'સ્ત્રી'નું બોક્સ ઓફિસ કલેક્શન ૧૮૧ કરોડ હતું તેથી સાત ગણાથી વધારે કમાણી કરીને આ ફિલ્મ સુપરડુપર હીટ સાબિત થયેલી. 

'સ્ત્રી'ની સિક્વલ છ વર્ષ પછી આવી રહી હતી તેથી લોકોને રસ હતો પણ લોકોને આટલો રસ હશે તેની કલ્પના નહોતી. 'સ્ત્રી-ટુ'નું ટ્રેલર અને પ્રોમો જોઈને પણ આ ફિલ્મ મજેદાર હશે એવી હવા જામી ગયેલી પણ તેની કમાણી ૩૦૦ કરોડ રૂપિયાની આસપાસ રહેશે એવું સૌને લાગતું હતું પણ 'સ્ત્રી-ટુ' એ રીલીઝ થયાના પહેલા જ દિવસથી બધી ધારણાઓને ખોટી પાડીને છવાઈ ગઈ છે. 

'સ્ત્રી-ટુ'એ પહેલા જ દિવસે ૫૫.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરીને જબરદસ્ત ઓપનિંગ કર્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાં ને ફિલ્મનાં લક્ષણ ઓપનિંગમાં એ હિસાબે  'સ્ત્રી-ટુ' સફળ થશે તેનો સંકેત પહેલા દિવસે જ મળી ગયેલો. 

'સ્ત્રી-ટુ'એ પહેલા વીક-એન્ડમાં ૨૦૪ કરોડ અને પહેલા અઠવાડિયે ૩૦૭.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરીને ખર્ચો તો કાઢી જ નાંખેલો પણ સુપરહીટ પણ થઈ ગયેલી. 

'સ્ત્રી-ટુ'એ બીજા વીકમાં પણ સફળતાના ઝંડા રોપવાના ચાલુ રાખીને બીજા વીક એન્ડમાં લગભગ ૯૪ કરોડ રૂપિયાનો વકરો કરેલો. રસપ્રદ વાત એ છે કે, 'સ્ત્રી-ટુ' વીક-ડેઝમાં પણ જોરદાર કલેક્શન લાવી રહી છે. આ અઠવાડિયે સોમવારે ૨૦.૨૦ કરોડ, મંગળવારે ૧૨.૨૫ કરોડ અને બુધવારે ૧૦.૪૦ કરોડ રૂપિયાનો વકરો ફિલ્મે કર્યો છે. આ વીક-એન્ડમાં પણ  'સ્ત્રી-ટુ' બીજા ૮૦ કરોડ રૂપિયાની આસપાસ તો ખેંચી જ લેશે એ જોતાં આ અઠવાડિયે જ ૭૦૦ કરોડ રૂપિયાની કમાણી તો થઈ જશે. 

'સ્ત્રી-ટુ' ચાલી ગઈ તેનું કારણ ફિલ્મની સ્ટોરી, ટ્રીટમેન્ટ, સાંભળવું ગમે એવું સંગીત અને મુખ્ય કલાકારોની મસ્ત એક્ટિંગ છે. હિન્દી ફિલ્મોમાં જોવા મળતા હીરોના ટીપીકલ ગળે ના ઉતરે એવા સ્ટંટ સાથેની મારામારી, હીરોને લાર્જર ધેન લાઈફ બતાવતા વાહિયાત સ્ક્રીન-પ્લે કે વેવલાવેડા લાગે એવાં ઈમોશનલ સીન ફિલ્મમાં નથી. ફિલ્મ હોરર છે પણ લોકોને ભૂતના નામે ડરાવવાના બદલે કોમેડીનો ડોઝ આપીને ફિલ્મને એકદમ હલકીફુલ રખાઈ છે. લોકો બધું ભૂલીને ફિલ્મ મનોરંજન મેળવવા જાય છે અને  'સ્ત્રી-ટુ' ફિલ્મ મનોરંજનના મામલે સો ટચનું સોનું છે તેથી લોકોને ગમી ગઈ છે.  

'સ્ત્રી-ટુ'ની સફળતા એ વાતનો પુરાવો છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે સ્ટાર સિસ્ટમ ખતમ થઈ ગઈ છે અને હવે સ્ટાર નહીં પણ સ્ટોરી હીરો છે. કહેવાતા મોટા સ્ટાર્સના નામે લોકો ફિલ્મો જોવા જાય એ દિવસો પૂરા થઈ ગયા છે. લોકોને હવે ભરપૂર મનોરંજન જોઈએ છે અને થીયેચરમાં જવા માટે ખર્ચેલા રૂપિયાનું વળતર જોઈએ છે. પૈસા વસૂલ ના લાગે એવી ફિલ્મમાં ગમે તેવો મોટો કહેવાતો સ્ટાર જ કેમ ના હોય, લોકોને સ્ટોરીમાં રસ ના પડે એટલે લોકો ફરકતા પણ નથી. 

આ કારણે જ છેલ્લાં ત્રણેક વર્ષથી હિન્દીમાં કહેવાતા મોટા સ્ટારની ફિલ્મો ઉંધા માથે પછડાઈ રહી છે. સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, આમીર ખાન, રીતીક રોશન, વરૂણ ધવન જેવા મોટા ગણાતા સ્ટારના નામે હવે કોઈ ફિલ્મો જોવા જતું નથી. બોલીવુડના કહેવાતા દિગ્ગજો આ વાત સમજે ને સ્ટાર નહીં પણ સ્ટોરીને મહત્વ આપતા થાય તો  'સ્ત્રી-ટુ' જેવી સફળતા બીજી ફિલ્મોને પણ મળશે.

'સ્ત્રી-ટુ' હિન્દીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની શકે

'સ્ત્રી-ટુ' પાછળ લોકો ફિદા છે તેથી 'સ્ત્રી-ટુ' કમાણીના નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. અત્યારે જ 'સ્ત્રી-ટુ'  હિન્દીમાં ૨૦૨૪માં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે અને ભારતીય ફિલ્મોમાં કલ્કી પછી બીજા નંબરે છે. કલ્કીએ વર્લ્ડ વાઈડ ૧૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે 'સ્ત્રી-ટુ'ની કમાણી ૬૫૦ કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે. 'સ્ત્રી-ટુ' હજુ જોરદાર ચાલી રહી છે એ જોતાં કલ્કીને પછાડીને ૨૦૨૪માં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની શકે છે. 

હિન્દીમાં કમાણીમાં બીજી કોઈ ફિલ્મ 'સ્ત્રી-ટુ'ની નજીક પણ નથી. ૨૦૨૪માં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાં ૩૩૭ કરોડની કમાણી સાથે ફાઈટર બીજા નંબરે છે જ્યારે એ પછીની ફિલ્મો તો ૨૦૦ કરોડથી પણ ઓછી કમાણી કરનારી છે. 

હિન્દીમાં ઓલ ટાઈમ સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં 'સ્ત્રી-ટુ' અત્યારે નવમ નંબરે છે. આ લિસ્ટમાં દંગલ ૨૦૨૩ કરોડ રૂપિયાની કમાણી સાથે ટોપ પર છે. જવાન ૧૧૪૮ કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા જ્યારે પઠાણ ૧૦૫૦ કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા નંબરે છે. 

'સ્ત્રી-ટુ'એ આમિરખાનની દંગલ ફિલ્મની ૨૦૨૩ કરોડ રૂપિયાની કમાણીને આંબવા માટે ઘણી મજલ કાપવાની છે પણ જવાન અને પઠાણને પાછળ છોડીને ઓલટાઈમ કમાણીમાં બીજા નંબરની ફિલ્મ બની જશે એ નક્કી મનાય છે. 'સ્ત્રી-ટુ'ની કમાણીનો ગ્રાફ સતત જળવાયો છે એ જોતાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની શકે છે.

'સ્ત્રી-ટુ'ના રાઈટર નિરેન ભટ્ટ ગુજરાતી, લાખોની નોકરી છોડી લેખન તરફ વળ્યા

'સ્ત્રી-ટુ' ફિલ્મની સ્ટોરી ગુજરાતી નિરેન ભટ્ટે લખી છે. ૨૦૧૮માં રીલીઝ થયેલી 'સ્ત્રી'ના લેખક રાજ એન્ડ ડીકે (રાજ નિડિમોરુ અને ક્રિષ્ના ડીકે) હતા કે જેમણે ફેમિલીમેન, ફર્ઝી અને ગન્સ એન્ડ ગુલાબ્સ જેવી વેબ સીરિઝ બનાવી છે. 

'સ્ત્રી'ના ડાયલોગ સુમિત અરોરાએ લખેલા પણ 'સ્ત્રી'ની સિક્વલ માટે ડિરેક્ટર અમર કૌશિકે નિરેન ભટ્ટની પસંદગી કરી. 

અમર કૌશિક સાથે નિરેન ભટ્ટની જોડી બાલા ફિલ્મથી જામી. નિરેન ભટ્ટે અમર માટે બાલા, ભેડિયા, મુંજયા અને સ્ત્રી-ટુ એમ ચાર ફિલ્મો લખી છે. 'સ્ત્રી-ટુ'ની સિક્વલ 'સ્ત્રી-૩' પણ નિરેન ભટ્ટ જ લખી રહ્યા છે. 

મૂળ ભાવનગરના નિરેન ભટ્ટ એમ.ઈ. અને એમબીએ થયેલા છે. કોર્પોરેટ કંપનીમાં બિઝનેસ કન્સલ્ટન્ટ તરીકે મહિને લાખો રૂપિયાની નોકરી છોડીને ફિલ્મ રાઈટર બન્યા છે.  

૨૦૦૯માં ટીવી સિરિઝ લખવાથી શરૂઆત કરનારા નિરેન ભટ્ટે લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્માં'ના ૩૧૬૩ એપિસોડ લખ્યા છે અને ૨૦થી ગુજરાતી ફિલ્મોમાં ગીત લખ્યાં છે. 'બે યાર' અને  'રોંગ સાઈડ રાજુ' જેવી વખણાયેલી એવોર્ડ વિજેતા ફિલ્મો લખનારા નિરેન ભટ્ટે હિંદીમાં પણ અમર કૌશિકની ફિલ્મો સિવાય મેડ ઈન ચાઈના, લવયાત્રી જેવી ફિલ્મો તથા ઈનસાઈડ એજ, અસુર, રે વેબ સીરિઝ લખી છે.  

News-Focus

Google NewsGoogle News