મુસ્લિમોના સર્વોચ્ચ નેતા બનવાની ખામનેઈની મહેચ્છા સામે ઈરાનીઓમાં આક્રોશ
- આયાતોલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી અને અંગત મહત્વાકાંક્ષાઓ સામે ઈરાનની પ્રજામાં ભારે રોષ છે. ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો છે ને ઝનૂને ચડીને ખામનેઈ ઈઝરાયલ સામે તેનો ઉપયોગ ના કરી દે તેની પણ ઈરાનીઓને ચિંતા છે. ઈરાન પરમાણુ શસ્ત્રો વાપરે તો ઈઝરાયલ અને અમેરિકા મળીને ઈરાનને ખેદાનમેદાન કરી નાંખે. ઈસ્લામ કે ખામનેઈની મહત્વાકાંક્ષાને કારણે આટલી મોટી કુરબાની આપવા ઈરાની પ્રજા તૈયાર નથી. અમેરિકાના ઈશારે લદાયેલાં યુએનનાં નિયંત્રણોના કારણે આર્થિક રીતે ઈરાનને ફટકો પડેલો જ છે ત્યાં ઈઝરાયલ સાથે યુધ્ધના કારણે વધારે તબાહી વહોરવાની પણ ઈરાનની પ્રજાની તૈયારી નથી.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ઈઝરાયલમાં બેન્જામિન નેતાન્યાહુ સામે બળવાનાં એંધાણ છે ત્યારે બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક વડા આયાતોલ્લાબ ખામનેઈની હાલત પણ ખરાબ છે. વરસ પહેલાં ઈઝરાયલમાં હમાસે હુમલો કર્યો ત્યારે ઈરાન ક્યાંય ચિત્રમાં નહોતું. ઈઝરાયલે પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેવા અને હમાસે બંદી બનાવેલા ઈઝરાયલીઓને છોડાવવા ગાઝા સ્ટ્રીપ પર હુમલો કર્યો ત્યારે પણ ઈરાનને યુધ્ધ સાથે કંઈ લેવાદેવા નહોતી પણ વરસ પછી યુધ્ધ ઈઝરાયલ વર્સીસ હમાસના બદલે ઈઝરાયલ વર્સીસ ઈરાનનું બનીને રહી ગયું છે.
ઈઝરાયલે હમાસના કબજાવાળા ગાઝા સ્ટ્રીપના વિસ્તારોને તો તબાહ કરી નાંખ્યા ને હવે ઈરાનનો વારો પાડી રહ્યું છે તેથી ઈરાનમાં આક્રોશ છે. ઈરાનની પ્રજાનું માનવું છે કે, દુનિયાભરના મુસ્લિમોના સર્વોચ્ચ ધાર્મિક વડા બનવાની લ્હાયમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામનેઈએ પારકી પીડા વહોરી લીધી છે અને તેની કિંમત ઈરાનની સામાન્ય પ્રજા ચૂકવી રહી છે.
ઈઝરાયલના બોમ્બ અને મિસાઈલથી સામાન્ય લોકોનાં જાનમાલ જઈ રહ્યાં છે જ્યારે ખામનેઈ સહિતના નેતા તો બંકરોમાં સલામત છે.
ઈરાન શિયાઓની બહુમતી ધરાવતો દેશ છે જ્યારે પેલેસ્ટાઈનમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે. હમાસ સહિતનાં સંગઠનો પણ સુન્ની સંગઠનો છે. તેમનો ઉદ્દેશ પણ સમગ્ર પેલેસ્ટાઈનમાં સુન્ની શાસન સ્થાપવાનો છે.
હમાસને મદદ કરનારા દેશો આખી દુનિયામાં ઈસ્લામનું શાસન સ્થાપવાની વાતો કરે તેનો મતલબ સુન્ની શાસન એવો થાય છે. કટ્ટરવાદી સુન્નીઓ બીજાં ધર્મનાં લોકોને સાફ કરી દેવા માગે છે તેમાં શિયા મુસલમાનો પણ આવી ગયા.
અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સહિતનાં સુન્ની સંગઠનો શિયાઓ સામે લડી રહ્યાં છે ને તેમની કત્લેઆમ પણ કરી રહ્યાં છે. આ સંજોગોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચેનો જંગ સુન્ની વર્સીસ યહૂદીઓનો જંગ હતો. તેમાં ઈરાને કૂદી પડવાની જરૂર જ નહોતી એવું ઈરાનીઓ માને છે. બીજાં સુન્ની રાષ્ટ્રો કશું કરતાં નથી અને ગાઝા સ્ટ્રીપનાં લોકોને અલ્લાહ ભરોસે છોડીને બેસી ગયાં છે ત્યારે ઈરાને પારકી પીડા વહોરીને મૂર્ખામી કરી છે એવું ઈરાનીઓ માને છે.
ખામનેઈ સહિતના શિયા કટ્ટરવાદી નેતાઓએ ઈરાનને જંગમાં નાંખ્યું તેનું કારણ મુસ્લિમોમાં સર્વોપરિતા સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા છે. ઈઝરાયલ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી સાઉદી અરેબિયા સહિતના સુન્ની મુસ્લિમ રાષ્ટ્રો ઈઝરાયલને તબાહ કરવા મથે છે પણ સફળ થયાં નથી.
ખામનેઈની મહત્વાકાંક્ષા આ પરાક્રમ કરીને મુસ્લિમોના મહાનતમ નેતા તરીકે અમર થઈ જવાની છે. ઈરાનીઓને ખામનેઈની મહત્વાકાંક્ષા પણ મૂર્ખામીની ચરમસીમા જેવી લાગે છે. શિયા ઈરાન ગમે તે કરે પણ સુન્ની મુસ્લિમો કદી ઈરાનને પોતાના નેતા તરીકે સ્વીકારશે જ નહીં.
ખામનેઈની મહત્વાકાંક્ષા સામે શિયા નેતાઓમાં પણ આક્રોશ હોવાથી ખામનેઈને નિવૃત્ત કરવાની હિલચાલ પણ શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. ખામનેઈના ઉત્તરાધિકારીની શોધખોળ પણ શરૂ કરી દેવાયાનું મનાય છે.
આયાતોલ્લાહ ખામનેઈની કટ્ટર વિચારસરણી અને અંગત મહત્વાકાંક્ષાઓ સામે ઈરાનની પ્રજામાં ભારે રોષ છે. ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો છે ને ઝનૂને ચડીને ખામનેઈ ઈઝરાયલ સામે તેનો ઉપયોગ ના કરી દે તેની પણ ઈરાનીઓને ચિંતા છે. ઈરાન પરમાણુ શસ્ત્રો વાપરે તો ઈઝરાયલ અને અમેરિકા મળીને ઈરાનને ખેદાનમેદાન કરી નાંખે. ઈસ્લામ કે ખામનેઈની મહત્વાકાંક્ષાને કારણે આટલી મોટી કુરબાની આપવા ઈરાની પ્રજા તૈયાર નથી. અમેરિકાના ઈશારે લદાયેલાં યુએનનાં નિયંત્રણોના કારણે આર્થિક રીતે ઈરાનને ફટકો પડેલો જ છે ત્યાં ઈઝરાયલ સાથે યુધ્ધના કારણે વધારે તબાહી વહોરવાની પણ ઈરાનની પ્રજાની તૈયારી નથી.
સંખ્યાબંધ આરબ રાષ્ટ્રોમાં ૨૦૧૦માં આરબ સ્પ્રિંગ નામે પરિવર્તન માટેનાં આંદોલન શરૂ થયેલાં. ટયુનિશિયા, અલ્જીરિયા, જોર્ડન, ઓમાન, સાઉદી અરેબિયા, ઈજીપ્ત, સીરિયા, જિબુતી, સુદાન, ઈરાક, બહરીન, લિબિયા, કુવૈત, મોરક્કો, મૌરિશાનિયા, લેબેનોન વગેરે દેશમાં થયેલાં આંદોલને ઘણાં વરસોથી જામેલા શાસકોને ઉખાડી ફેંક્યા હતા. ઘણાં દેશોના શાસકો સમજદાર હતા એટલે પોતાની નીતિઓમાં પરિવર્તન લાવીને પવન પ્રમાણે સઢ બદલી નાંખ્યો હતો. ઈરાનમાં પણ અત્યારે એવી જ સ્થિતી હોવાથી લોકમિજાજને પારખીને નીતિ બદલવાનો સમય આવી ગયો છે એવું ખામનેઈની નજીકનાં લોકોને પણ લાગે છે.
ખામનેઈ ૮૫ વર્ષના છે તેથી બિમારીના બહાને તેમને દૂર કરવા સર્વસંમતિ ઉભી કરાઈ રહી છે. ઈરાનનું લશ્કર રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ ખામનેઈને પડખે છે તેથી સૌથી પહેલાં તેમને મનાવવા જરૂરી છે.
ખામનેઈના લાખો ઝનૂની અને કટ્ટરવાદી સમર્થકો મુશ્કેલી ઉભી ના કરે એટલે ખામનેઈના બીજા નંબરના પુત્ર મોજતબા ખામનેઈને ઉત્તરાધિકારી બનાવવાની દરખાસ્ત પણ મૂકાઈ છે. આ દરખાસ્ત સ્વીકારીને નવા વરસમાં ખામનેઈને નિવૃત્ત કરી દેવાની દિશામાં અત્યારે તો પગલાં ભરાઈ રહ્યાં છે.
ઈરાન, ઈઝરાયલ અને ગાઝા સ્ટ્રીપનો જનાક્રોશ એ વાતનો પુરાવો છે કે, સામાન્ય લોકોને યુધ્ધ નહીં પણ શાંતિ જોઈએ છે અને શાસકો શાંતિની કિંમત ના સમજે તો લોકો ચૂપ નથી બેસી રહેતા.
આ ત્રણ દેશોના શાસકો આ વાત નહીં સમજે તો લોકો મેદાનમાં આવીને શાસકોને ઘરભેગા કરી દેશે. આ ત્રણેય દેશોના હિતમાં એ જરૂરી પણ છે કેમ કે યુધ્ધ હજુ વધુ લંબાશે તો વધારે તબાહી થશે.
આ તબાહી કેટલા દેશોને લપેટમાં લેશે અને કેવી હશે તેની વાત આવતી કાલે કરીશું.
સમૃધ્ધ મુસ્લિમ રાષ્ટ્રો ગાઝાના બેઘરોને સંઘરવા તૈયાર નથી
સાઉદી અરેબિયા સહિતનાં મુસ્લિમ રાષ્ટ્રો ગાઝા સ્ટ્રીપનાં લોકો તરફ સહાનુભૂતિ બતાવી રહ્યાં છે અને તેમના અધિકારોની વાતો કરે છે પણ તેમને સંઘરવા તૈયાર નથી. આરબ દેશો ઇઝરાયલની ટીકા કરવામાં બહાદુરી બતાવી રહ્યા છે પણ ગાઝા સ્ટ્રીપના બેઘર થયેલા પેલેસ્ટિનિયનોને પોતાને ત્યાં આશરો આપવા માટે એક પણ દેશ તૈયાર નથી. ઈઝરાયલના આક્રમણમાં ૨૩ લાખની વસતી ધરાવતા ગાઝા સ્ટ્રીપના ૨૦ લાખ લોકોનાં ઘર તબાહ થયાં છે. આ પૈકી ૯ લાખ લોકો એવાં છે કે જેમણે ખુલ્લામાં રહેવું પડે છે. સાઉદી અરેબિયા સહિતના દેશો માટે આ લોકોને એરલિફ્ટ કરીને લઈ જવા મુશ્કેલ નથી પણ કોઈ મુસ્લિમ દેશ તેમને આશરો આપવા તૈયાર નથી.
દુનિયામાં મુસ્લિમ રાષ્ટ્રોની સંખ્યા ૩૦થી વધારે છે. પેલેસ્ટાઈનના મુસ્લિમોની સંખ્યા ૪૫ લાખથી વધારે નથી. આ પૈકી તકલીફમાં ગાઝા સ્ટ્રીપના દસેક લાખ મુસ્લિમો છે. અતિ સમૃધ્ધ ૧૦ મુસ્લિમ રાષ્ટ્ર પોતાને ત્યાં લાખ-લાખ પેલેસ્ટાઈનીઓને આશરો આપે તો પણ ગાઝાનાં લોકોએ વલખાં ના મારવાં પડે પણ એવું કરવા કોઈ તૈયાર નથી.
ઇઝરાયલે આતંકીઓ સામેની કાર્યવાહીમાં ઘડોલાડવો ના થાય એટલે ઉત્તર ગાઝાના ૧૧ લાખ લોકોને નિકળી જવા કહ્યું હતું. ઈઝરાયલની ચીમકીના પગલે હજારો પેલેસ્ટિનિયનો ગાઝામાંથી નિકળીને ઈજીપ્ત સાથેની સરહદે ખડકાયેલા છે. ગાઝા સ્ટ્રીપ અને ઇજિપ્તની રાફેહ બોર્ડર ખુલે તો ઈજીપ્તમાં ઘૂસી જવાની તેમની ગણતરી છે પણ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તેહ અલ સિસીએ બોર્ડર ખોલવાની ના પાડી દીધી છે. તેના કારણે આ મુસ્લિમો સરહદે ફસાઈ ગયા છે.
શિયા-સુન્ની દુશ્મનાવટને કારણે મુસ્લિમ રાષ્ટ્રોને ઈરાનની જીત પસંદ નથી
મુસ્લિમ રાષ્ટ્રો દેખાવ ખાતર હમાસને પડખે છે પણ કોઈ દેશ ઈઝરાયલ સામે સીધો મુકાબલો કરવા તૈયાર નથી.
દુનિયાના ૫૭ મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (ઓઆઈસી)એ ઈઝરાયલની ટીકા કરી છે. મુસ્લિમ રાષ્ટ્રો ઈઝરાયલ પર ગાઝા સ્ટ્રીપના હુમલા રોકવા દબાણ કરી રહ્યા છે પણ સીધેસીધા ઈઝરાયલ સામે લડવાની તેમની તાકાત નથી.
ઈરાને તમામ મુસ્લિમ રાષ્ટ્રોને હમાસની મદદે આવવા હાકલ કરી પછી કોઈ મુસ્લિમ દેશે પ્રતિસાદ આપ્યો નહોતો. માત્ર લેબેનોન અને યમને ઈઝરાયલ પર આક્રમણ શરૂ કર્યું હતું.
તેનું કારણ શિયા અને સુન્નીઓનું રાજકારણ છે. લેબેનોન અને યમનમાં ઈરાનની પીઠ્ઠુ સરકારો હોવાથી તેમણે ઈઝરાયલ સામે મોરચો માંડયો. વિશ્વના સૌથી મોટા શિયા મુસ્લિમોના સંગઠન હિઝબુલ્લાહે લેબેનોનમાંથી ઉત્તર ઈઝરાયેલમાં આક્રમણ કર્યું છે.
યમનના હુથી કટ્ટરવાદીઓએ પણ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે પણ બીજાં મુસ્લિમ રાષ્ટ્રો યુધ્ધથી દૂર ભાગી રહ્યાં છે.
ઈઝરાયલ સામેના યુધ્ધમાં ઈરાન જીતી ના જાય એવું સાઉદી સહિતના મુસ્લિમ દેશો ઈચ્છે છે. ઈરાન જીતી જાય તો સુન્નીઓ જે ના કરી શક્યા એ શિયા ઈરાને કરી બતાવ્યું એવો પ્રચાર થાય અને શિયા મુસ્લિમો વધારે શક્તિશાળી સાબિત થાય. મુસ્લિમોમાં સુન્નીમાંથી શિયા બનવાનો પ્રવાહ શરૂ થાય. મુસ્લિમો ઈઝરાયલને સૌથી મોટો દુશ્મન માને છે તેથી ઈરાન મુસ્લિમોમાં હીરો બની જાય તેથી ઈરાનને નહીં જીતવા દેવા પૂરી તાકાત લગાવાઈ રહી છે.