Get The App

પાકિસ્તાન આર્મી ચીફ સામે બળવોઃ ઈમરાનને ગાદી પર બેસાડવાનો પ્લાન

Updated: Mar 30th, 2025


Google News
Google News
પાકિસ્તાન આર્મી ચીફ સામે બળવોઃ ઈમરાનને ગાદી પર બેસાડવાનો પ્લાન 1 - image


- અમેરિકાની સંસદમાં મુનિર પર પ્રતિબંધનો ખરડો લવાયો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે આ માણસનો ઘડો લાડવો કરવાનો તખ્તો ઘડાયો છે

- ટ્રમ્પે મુનિરને ઘરભેગા કરવાના ઓપરેશનની જવાબદારી ઝેયલમ ખલિલઝાદને સોંપી છે. ખલિલઝાદ અમેરિકન રાજદ્વારી અને વિદેશ નીતિના નિષ્ણાત  છે. ખલીલઝાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખ તરીકેની પહેલી ટર્મ વખતે સપ્ટેમ્બર 2018થી ઓક્ટોબર 2021 સુધી અફઘાનિસ્તાન સમાધાન માટે યુએસના ખાસ પ્રતિનિધિ હતા અફઘાનિસ્તાનમાં ભરાઈ ગયેલા અમેરિકાને ટ્રમ્પ કોઈ રીતે બહાર નિકળવા માગતા હતા. ખલિલઝાદે એ વખતે ટ્રમ્પનું મિશન પાર પાડી આપેલું તેથી ટ્રમ્પ ખલિલઝાદના આશિક બની ગયા છે. 

મુસ્લિમ દેશોમાં ખલિલઝાદના જોરદાર કોન્ટેક્ટ્સ છે. ખલિલઝાદે જ પાકિસ્તાન આર્મીના ઓફિસરોને મુનિર સામે ઉભા કર્યાનું મનાય છે.  મુનિરે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પાકિસ્તાન આર્મીના અધિકારીઓને ધમકી આપેલી કે, ઈમરાન ખાનને મદદ કરનારાંની હાલત બગાડી નાંખીશ. મુનિરે એમ પણ કહેલું કે, હું ડૂબીશ તો તમને બધાંને સાથે લઈને ડૂબીશ. મુનિરે અધિકારીઓના પરિવારોને પણ ધમકીઓ આપેલી.

પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ અસીમ મુનિર બહુ મોટી મુસીબતમાં છે અને પાકિસ્તાનમાં લશ્કરી બળવાનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ અમેરિકાની સંસદમાં મુનિર પર પ્રતિબંધો માટેનો ખરડો દાખલ કરાયો છે ત્યારે બીજી તરફ પાકિસ્તાન લશ્કરના ટોચના અધિકારીઓએ મુનિરને રાજીનામું આપી દેવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. પાકિસ્તાન આર્મીના સંખ્યાબંધ કર્નલ, મેજર, કેપ્ટન સહિતના અધિકારીઓ અને સૈનિકોએ મુનિર પર લોકશાહીની હત્યાનો આરોપ મૂકીને સીધી ધમકી જ આપી છે કે, મુનિર રાજીનામું નહીં આપે તો અમારે બળનો ઉપયોગ કરીને લશ્કર પર કબજો કરવા માટે એક્શન લેવાં પડશે. 

લશ્કરી અધિકારીઓએ મુનિરને લખેલા પત્રમાં પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને રાજકીય વિરોધીઓને દબાવી દેવાનો અને મીડિયાને ચૂપ કરી દેવાનો આક્ષેપ પણ કર્યો છે. પત્રમાં પાકિસ્તાન આર્મીમાં બહુ મોટી કટોકટી હોવાનો દાવો કરીને કહેવાયું છે કે, મુનિરે પાકિસ્તાની લશ્કરને ૧૯૭૧ના યુદ્ધ પહેલાંની સ્થિતીમાં લાવીને મૂકી દીધું છે. ૧૯૭૧માં બાંગ્લાદેશની ચળવળ ચલાવનારાં સામે પાકિસ્તાન આર્મીને કારમી પછડાટ મળી હતી. અત્યારે અલગ બલુચિસ્તાન માટે લડી રહેલા ઉગ્રવાદીઓ પાકિસ્તાન આર્મીને ધૂળ ચટાડી રહ્યા છે. આ સંજોગોમાં મુનિર નહીં હટે તો ફરી પાકિસ્તાનના ભાગલા પડી જશે.

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસને હાઈજેક કરી એ ઘટનાનો ઉલ્લેખ કરીને અધિકારીઓએ કહ્યું છે કે, પાકિસ્તાને એ દિવસે આબરૂ જ નહીં પણ બલુચિસ્તાન પણ ગુમાવી દીધું. ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફના રાજકીય વિરોધને દબાવી દેવા પાકિસ્તાન આર્મી દ્વારા કરાઈ રહેલા અત્યાચારો અને ૨૦૨૪ની પાકિસ્તાનની ચૂંટણીમાં ઈમરાનની પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં કઠપૂતળી જેવા શાહબાઝ શરીફને ગાદી પર બેસાડી દેવાયા એ ઘટનાઓ મુનિર દ્વારા સત્તાના દુરૂપયોગના નાદાર નમૂના હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે.

અમેરિકાની સંસદમાં મુનિર પર પ્રતિબંધનો ખરડો લવાયો ને એ જ વખતે પાકિસ્તાન આર્મીના અધિકારીઓએ બગાવતની ચીમકી આપી એ યોગાનુયોગ નથી જ. અમેરિકાએ જ બધી બાજી ગોઠવીને મુનિરને ઘરભેગા કરવાનો તખ્તો ઘડયો છે એ નાના છોકરાને સમજાય એવી વાત છે. અમેરિકા મુનિરને ઘરભેગા કરવા માગે છે તેનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમરાન ખાન સાથેની દોસ્તી છે. ઈમરાન ખાન વડાપ્રધાન હતો ત્યારે ટ્રમ્પ સરકારે પાકિસ્તાન સાથેના સંબંદો સુધારવાના પ્રયત્નો કર્યા હતા. ટ્રમ્પે ઈમરાનને અમેરિકા બોલાવીને આ અંગે ચર્ચા પણ કરી હતી. ૨૦૨૦માં ટ્રમ્પ હારી ગયા અને બિડેન પ્રેસિડેન્ટ બન્યા પછી ફરી અમેરિકા-પાકિસ્તાનના  સંબધો બગડયા હતા. ઈમરાને બિડેનને કોરાણે મૂકીને રશિયાના વ્લાદીમિર પુતિન સાથેના સંબંધો મજબૂત કરવા માંડતાં બિડેન બગડયા હતા. બિડેને જનરલ બાજવા સાથે મળીને ઈમરાનને તગેડી મૂકવાનું કાવતરું ઘડયું હોવાનો આક્ષેપ ઈમરાને કરેલો. 

બિડેનની આ કાવતરામાં કહેવાતી ભાગીદારીની ઓડિયો ટેપ પણ વાયરલ થયેલી. પાકિસ્તાનના અમેરિકા ખાતેના રાજદૂત અસદ માજીદ ખાને અમેરિકાનું વિદેશ મંત્રાલય પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ કરતું હોવાનો ઉલ્લેખ ડિપ્લોમેટિક કેબલમાં કર્યો હતો. ઈમરાને બીજા આક્ષેપો પણ કરેલો પણ એ અલગ પ્રકરણ છે.  ટ્રમ્પ પ્રમુખ બનતાં પાછા ઈમરાન સાથે દોસ્તી નિભાવવા ઉંચાનીચા થઈ રહ્યા છે. એ માટે મુનિરને હટાવવા જરૂરી છે કેમ કે પાકિસ્તાનમાં નેતા બધા કઠપૂતળી છે. ટ્રમ્પને ખબર છે કે, અસલી સત્તા આર્મી પાસે છે તેથી મુનિર શાહબાઝ શરીફને ઉની આંચ નહીં આવવા દે ને ઈમરાનને જેલમાંથી બહાર નહીં આવવા દે. આર્મી પાકિસ્તાનતરફી થાય તો જ ઈમરાન પાછો ગાદી પર બેસી શકે તેથી ટ્રમ્પ મુનિરને જ ઘરભેગા કરી દેવા માગે છે. અમેરિકાને ડર છે કે, મુનિર પોતે પાકિસ્તાનની ગાદી પર બેસવા માગે છે તેથી રાજકીય વિરોધીઓને સાફ કરી રહ્યા છે. મુનિર અત્યારે ૫૭ વર્ષના છે તેથી આર્મી ચીફ તરીકે આરામથી બીજાં ત્રણેક વર્ષ ખેંચી કાઢશે. એ દરમિયાન બધા વિરોધીઓને પતાવી દઈને એટલા પાવરફુલ થઈ જશે કે કોઈ તેમને હલાવી જ ના શકે. જનરલ ઝીયાએ ૧૯૭૭માં બળવો કર્યો ત્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા. આસીમ મુનિર પણ એવું કરી શકે ને ટ્રમ્પ આ સ્થિતી આવવા દેવા નથી માગતા. 

ટ્રમ્પે આ ઓપરેશનની જવાબદારી ઝેયલમ ખલિલઝાદને સોંપી છે.  ખલિલઝાદ અમેરિકન રાજદ્વારી અને વિદેશ નીતિના નિષ્ણાત  છે. ખલીલઝાદે ૨૦૦૪થી ૨૦૦૫ સુધી અફઘાનિસ્તાનમાં રાજદૂત અને ૨૦૦૫થી ૨૦૦૭ સુધી ઇરાકમાં રાજદૂત તરીકે કામ કરેલું.

જ્યોર્જ ડબલ્યુ. બુશના શાસનમાં સંયુક્ત રાષ્ટ્રમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાજદૂત તરીકે ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી કામ કરનારા ખખલીલઝાદ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રમુખ તરીકેની પહેલી ટર્મ વખતે સપ્ટેમ્બર ૨૦૧૮થી ઓક્ટોબર ૨૦૨૧ સુધી અફઘાનિસ્તાન સમાધાન માટે યુએસના ખાસ પ્રતિનિધિ હતા અફઘાનિસ્તાનમાં ભરાઈ ગયેલા અમેરિકાને ટ્રમ્પ કોઈ રીતે બહાર નિકળવા માગતા હતા. 

ખલિલઝાદે એ વખતે ટ્રમ્પનું મિશન પાર પાડી આપેલું તેથી ટ્રમ્પ ખલિલઝાદના આશિક બની ગયા છે. 

મુસ્લિમ દેશોમાં ખલિલઝાદના જોરદાર કોન્ટેક્ટ્સ છે. ખલિલઝાદે જ પાકિસ્તાન આર્મીના ઓફિસરોને મુનિર સામે ઉભા કર્યાનું મનાય છે. 

મુનિરે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પાકિસ્તાન આર્મીના અધિકારીઓને ધમકી આપેલી કે, ઈમરાન ખાનને મદદ કરનારાંની હાલત બગાડી નાંખીશ. મુનિરે એમ પણ કહેલું કે, હું ડૂબીશ તો તમને બધાંને સાથે લઈને ડૂબીશ. મુનિરે અધિકારીઓના પરિવારોને પણ ધમકીઓ આપેલી તેથી મુનિર સામે ધૂંધવાટ હતો જ. ખલિલઝાદે આ ધૂંધવાટનો લાભ મુનિરનો ઘડોલાડવો કરવા માટે કરવાનું નક્કી કરી નાંખ્યું છે.

મુનિરનું મરીયમ નવાઝ સાથે અફેર, શરીફને ફાયદો કરાવવા ઈમરાન-બુશરાના ફોન ટેપ કરાવ્યા

પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં આસીમ મુનિરનું પંજાબ પ્રાંતનાં મુખ્યમંત્રી મરીયમ નવાઝ સાથે વરસોથી અફેર હોવાની ચર્ચા ચાલે છે. આસીમ મુનિર ૫૭ વર્ષના છે જ્યારે મરીયમ ૫૧ વર્ષની છે. 

મુનિરને લશ્કરી વડા તરીકે કોઈ પણ સંજોગોમાં માન સાથે સંબોધવા જરૂરી છે ત્યારે મરીયમ જાહેરમાં પણ આર્મી ચીફને 'આસીમ' કહીને બોલાવે છે.  આસીમ મુનિરને સીનિયોરિટીના કારણે ૨૦૧૮માં આઈએસઆઈના વડા બનાવાયા હતા પણ મરીયમ સાથેની મોહબ્બતના કારણે ઈમરાને તેમને તગેડી મૂક્યા હતા. શરીફ ખાનદાનને ફાયદો કરાવવા મુનિરે ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીની જાસૂસી કરાવીને ફોન ટેપ કરાવવા માંડયા હતા. 

ઈમરાનને ખબર પડી જતાં આર્મી ચીફ કમર જાવેદ બાજવાને કહીને આસિમની હકાલપટ્ટી કરાવી દીધી હતી. 

ઈમરાન ખાનને ૨૦૨૨મા એપ્રિલમાં પાકિસ્તાન આર્મીની મદદથી ઉથલાવી દેવાયા પછી શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા હતા. 

આસિમને મરીયમ સાથેના ગાઢ સંબંધોના કારણે નવેમ્બરમાં આર્મી ચીફ બનાવીને ભવ્ય પુનરાગમન કરાવાયું હતું. મુનિરે તેનો બદલો પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ખુલ્લેઆમ શરીફ ખાનદાનને મદદ કરીને આપ્યો હતો. મુનિરે ઈમરાન અને બુશરા બીબીના ફોન ટેપિંગની વિગતો આપીને બંનેને ભ્રષ્ટાચારના કેસોમાં ફિટ કરી દેવાનો તખ્તો પણ શરીફ સરકારને ઘડી આપ્યો છે. 

વર્તમાન વડાપ્રધાન શાહબાઝની ભત્રીજી અને નવાઝ શરીફની પુત્રી મરીયમે મુહમ્મદ સફદર અવાન સાથે લગ્ન કર્યાં છે. પાકિસ્તાન આર્મીના નિવૃત્ત ઓફિસર અવાન મરીયમ કરતાં ૧૦ વર્ષ મોટા છે. આ લગ્નથી મરીયમને ત્રણ સંતાનો છે.  આસિમ મુનિરને પણ સઈદા સાથેનાં લગ્નથી ૩ સંતાન છે. 

નેતા-અધિકારીઓની સેક્સ ટેપ્સનો ખજાનો ધરાવતા ઈમરાનને ખાસ ફૈઝને જેલમાં ધકેલ્યો

આસિમ મુનિરને ઈમરાન ખાને ફૈઝ હમીદને આઈએસઆઈનો ચીફ બનાવ્યો હતો. મુનિરે શરીફ ખાનદાન અને પોતાના જાની દુશ્મન ફૈઝ હમીદ સાથેનો હિસાબ સરભર કરવા ટોપ સિટી ગ્રુપ પાસે ૪ કરોડની ખંડણી કેસમાં ફિટ કરી દીધો છે. ગયા વરસે  ફૈઝ હમીદની ધરપકડ કરીને કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરાઈ હતી  પાકિસ્તાનના ઈતિહાસમાં આઈએસઆઈના વડા કે ભૂતપૂર્વ વડાની ધરપકડ કરાઈ હોય એવું પહેલી વાર બન્યું હતું.  

હમીદ સામે લશ્કરી દળોમાંથી નિવૃત્તિ ફરજિયાત પાળવાના થતા નિયમો નહીં પાળવાનો અને જમીનને લગતા કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂકાયો છે.

નવાઝ શરીફે જાહેરમાં આક્ષેપ મૂકેલો કે, ૨૦૧૭માં પોતાને સત્તામાંથી દૂર કરાયા તેનું કારણ હમીદ ફૈઝ, સુપ્રીમ કોર્ટના કેટલાક જજ અને કેટલાક લશ્કરી અધિકારી હતા. ફૈઝ હમીદ પહેલેથી ઈમરાનનો ખાસ હતો. ઈમરાનને સત્તામાં લાવવાની સ્ક્રિપ્ટ ફૈઝે લખી હતી. ફૈઝે બાજવાને ઇમરાનને સપોર્ટ કરવા મનાવ્યા હતા. પાછળથી ઈમરાન અને બાજવાના સંબંધો બગડતાં આર્મીએ ઈમરાનને ઘરભેગો કરી દીધો પણ ફૈઝ ઈમરાનનો ખાસ છે. 

ફૈઝ હમીદ બ્લેકમેઈલિંગનો બાદશાહ મનાય છે. પાકિસ્તાનના ટોચના નેતા અને અધિકારીઓનાં રંગરેલિયાંની ટેપ તેની પાસે હોવાનું કહેવાય છે. ફૈઝે એક્ટ્રેસીસ, મોડલ અને રૂપકડી યુવતીઓનો ઉપયોગ પાકિસ્તાની નેતાઓ અને અધિકારીઓની સેંકડો સેક્સ ટેપ બનાવી હતી. મુનિરે બ્લેકમેઈલિંગનો આ ખજાનો હાથ કરવા ફૈઝને જેલમાં ધકેલેલો, ફૈઝ ઈમરાનને ફાયદો કરાવવા આ સેક્સ ટેપનો ઉપયોગ ના કરે એટલે મુનિરે છેલ્લા ૪ મહિનાથી ફેઝ હમીદને લશ્કરી કસ્ટડીમાં રાખ્યો છે.

Tags :