નેતાજીનાં અસ્થિ ભલે લવાય, મોતનું સસ્પેન્સ કદી નહીં ઉકેલાય
- સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્રની મોદી સરકારને નેતાજીના અસ્થિ ભારત લાવવા અપીલ
- 1964માં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ કહેલું કે નેતાજી પ્લેન ક્રેશમાં બચી ગયા હતા ને સલામત સ્થળે જતા રહેલા. પ્લેન ક્રેશના એક વર્ષ પછી મે 1946માં સીઆઈએના એક એજન્ટે મોકલેલા સંદેશામાં આ વાત કહેલી. સીઆઈએ છેક 1964 સુધી નેતાજી પર નજર રાખતી હતી. સીઆઈએના 1964ના અહેવાલ પ્રમાણે નેતાજી એક ધાર્મિક સંગઠન ચલાવતા હોય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ હતી. રશિયામાં નેતાજીને સાઈબીરિયા મોકલી દેવાયા હોવાની વાત પણ ચાલેલી. મંચુરીયા રશિયાના કબજામાં હતું તેથી નેતાજી મંચુરીયા જતા રહેલા અને સોવિયેત રશિયાના લશ્કરે તેમને પછી રશિયા લઈ જઈને વરસો સુધી મહેમાન તરીકે સાચવેલા એવું કહેવાય છે.
ભારતના આઝાદીના ઈતિહાસના મહાન લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુનો મુદ્દો પાછો ચગ્યો છે. સુભાષબાબુનાં કહેવાતાં અસ્થિ જાપાનના રેન્કોજી બૌધ્ધ મંદિરમાં છેલ્લાં ૭૯ વર્ષથી સચવાયેલાં છે. નેતાજીના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝે પત્ર લખીને ૧૮ ઓગસ્ટ, ૨૦૨૪ પહેલાં નેતાજીનાં અસ્થિ ભારત પાછાં લાવવા નરેન્દ્ર મોદી સરકારને વિંનતી કરી છે.
બોઝનું કહેવું છે કે, નેતાજીનું ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ સિંગાપોરથી જાપાન જતી વખતે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હોવાનું સૌએ સ્વીકારી જ લીધું છે ત્યારે હવે તેમનાં અસ્થિને જાપાનમાં રાખવાના બદલે ભારત પાછાં લઈ આવવાં જોઈએ. બોઝે તો ભારત સરકાર નેતાજીના મૃત્યુ અંગે છેલ્લુ સત્તાવાર નિવેદન બહાર પાડીને નેતાજીના મૃત્યુ અંગેના રહસ્ય પર કાયમ માટે પડદો પાડી દેવા પણ અપીલ કરી છે.
બોઝના કહેવા પ્રમાણે, મોદી સરકારે નેતાજીના મોતનું રહસ્ય ઉકેલવા રચાયેલાં ૧૦ તપાસ પંચના અહેવાલ જાહેર કરી દેવાયા પછી સ્પષ્ટ છે કે, નેતાજીનું ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ નિધન થયું હતું. આ સંજોગોમાં સરકારે અંતિમ નિવેદન આપીને નેતાજીના મોત અંગે ચાલતી ખોટી વાતો, અફવાઓ, જૂઠાણાં પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ.
મોદી સરકાર ચંદ્રકુમાર બોઝના પત્રનો જવાબ આપીને સુભાષબાબુનાં કહેવાતાં અસ્થિ જાપાનથી લઈ આવીને નેતાજીને સત્તાવાર મૃત જાહેર કરે છે કે નહીં એ જોવાનું રહે છે પણ સરકાર સત્તાવાર નિવેદન આપશે તો પણ તેના કારણે નેતાજીના મોતનું સસ્પેન્સ ખતમ નહીં થાય. નેતાજી વિશે જે વાતો ચાલી રહી છે એ પણ બંધ નહીં થાય કેમ કે સુભાષબાબુનું મોત રહસ્યમય છે જ.
સુભાષબાબુનું જે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાતું તે પ્લેનમાં સુભાષબાબુની સાથે તેમના બીજા નજીકના સાથી પણ જવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમના કોઈ નજીકના સાથીને ચડવા નહોતા દેવાયા. ચોવીસે કલાક નેતાજી સાથે રહેતા લોકોને પણ રવાના કરી દેવાયા હતા. નેતાજીના શરીરનાં અંતિમ દર્શન માટે પણ નજીકની કોઈ વ્યક્તિને નજીક નહોતી જવા દેવાઈ. આ કારણે નેતાજીની કહેવાતી અંતિમ પળોમાં કોઈ તેમની સાથે નહોતું.
નેતાજીની સાથે પ્લેનમાં ગયેલા એક માત્ર ભારતીય હબીબ ઉર રહેમાને પોતે નેતાજીના મૃતદેહને જોયો હોવાનું એક તપાસ પંચને કહેલું પણ એ ૧૯૫૬માં કહેલું તેથી તેની વિશ્વસનિયતા પણ શંકાસ્પદ હતી. બીજું એ કે, નેતાજી જે પ્લેન ક્રેશમાં ગંભીર રીતે દાઝી ગયેલા તેમાં હબીબને હાથ પર થોડા દાઝવા સિવાય કોઈ ઈજા નહોતી થઈ. આ કારણે હબીબ સત્ય છૂપાવી રહ્યા હોવાનું મનાતું હતું. જાપાને નેતાજીને સિંગાપોરથી સબમરીનમાં રશિયા મોકલી દીધા હોવાનું મનાતું હતું. જાપાનમાં સુભાષબાબુને ઈન્ડિયન સમુરાઈ કહેવામાં આવતા. જાપાનીઓ નેતાજીને બહુ માન આપતા તેથી તેમને સલામત સ્થળે મોકલી અપાયેલા.
સુભાષબાબુના અસ્તિત્વનું રહસ્ય આ કારણે ઘેરું બન્યું અને નેતાજી દંતકથાઓનો વિષય બની ગયા. એક દંતકથા એવી છે કે, નેતાજી દેશ આઝાદ થયો એ પહેલાં જ ભારત આવી ગયેલા. બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લેવાનાન કારણે નેતાજી ઈંગ્લેન્ડના વોર ક્રિમિનલ હતા તેથી અંગ્રેજ સરકારની સજાથી બચવા બનારસમાં ગુમનામી બાબાના નામે સાધુના વેશમાં રહેલા. ૧૯૪૮માં મહાત્મા ગાંધી અને પછી ૧૯૬૪મા જવાહરલાલ નહેરૂની અંતિમયાત્રામાં એ હાજર રહેલા એવી વાતો પણ ચાલેલી.
૧૯૬૪માં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએએ કહેલું કે નેતાજી પ્લેન ક્રેશમાં બચી ગયા હતા ને સલામત સ્થળે જતા રહેલા. પ્લેન ક્રેશના એક વર્ષ પછી મે ૧૯૪૬માં સીઆઈએના એક એજન્ટે મોકલેલા સંદેશામાં આ વાત કહેલી. સીઆઈએ છેક ૧૯૬૪ સુધી નેતાજી પર નજર રાખતી હતી. સીઆઈએના ૧૯૬૪ના અહેવાલ પ્રમાણે નેતાજી એક ધાર્મિક સંગઠન ચલાવતા હોય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ હતી. રશિયામાં નેતાજીને સાઈબીરિયા મોકલી દેવાયા હોવાની વાત પણ ચાલેલી. હાલમાં ચીનમાં આવેલું મંચુરીયા રશિયાના કબજામાં હતું તેથી નેતાજી મંચુરીયા જતા રહેલા. સોવિયેત રશિયાના લશ્કરે તેમને રશિયા લઈ જઈને વરસો સુધી મહેમાન તરીકે સાચવેલા એવું કહેવાય છે.
જાપાનના લશ્કરી અધિકારીઓ આઝાદ હિંદ ફોજના સીનિયર ઓફિસર જે.આર. ભોંસલેને ૧૯ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ નેતાજીના મૃત્યુના સમાચાર આપવા ગયા ત્યારે ભોંસલેએ રહસ્યમય સ્મિત કર્યું હતું એવું કહેવાય છે. ભોંસલેને જનરલ ઈસોદા કંઈ જાણતા નથી એવી ખબર નહોતી તેથી ભોંસલેએ જાપાનના જનરલ ઈસોદાને કહેલું કે, નેતાજીનું મોત થયું નથી પણ આખી વાર્તા બનાવાઈ છે.
ગાંધીજીએ પણ પ્લેન ક્રેશની ઘટના અંગે શંકા વ્યક્ત કરેલી પણ હબીબ સાથે વાત કર્યા પછી તેમણે નેતાજીનું મોત થયું છે એ પ્રકારનું નિવેદન આપેલું. આઝાદ હિંદ ફોજનાં કેપ્ટન લક્ષ્મી સેહગલે ૧૯૪૬માં કહેલું કે, નેતાજી ચીનમાં છે. ચીનથી નેતાજી ભારત આવેલા અને એક પ્રવાસીએ તેમને મુંબઈમાં બોમ્બે એક્સપ્રેસમાં થર્ડ ક્લાસ એપાર્ટમેન્ટમાં જોયાનો દાવો પણ કરેલો. સરકારથી બચવા સુભાષબાબુ સામાન્ય લોકોની જેમ થર્ડ ક્લાસમાં પ્રવાસ કરતા હોવાનો દાવો કરાયેલો.
ઉત્તર બંગાળના શૌલમારીમાં સુભાષવાદી જનતા નામે આશ્રમ સ્થાપીને સુભાષબાબુ રહેતા હોવાની વાતો પણ ચાલી હતી. બરેલીમાં ૧૯૫૬થી ૧૯૫૯ દરમિયાન શ્રીમદ શારદાનંદજી તરીકે રહ્યા હોવાનું પણ કહેવાય છે. નેતાજીના જીંદગીનું અંતિમ લક્ષ્ય ભારતની આઝાદી હતું. દેશ આઝાદ થઈ ગયો હોવાથી એ તપસ્યામાં લાગી ગયેલા એવું પણ કહેવાય છે.
વાજપેયી સરકારે રચેલા મુખરજી પંચે ૨૦૦૫માં તેના અહેવાલમાં નેતાજીનું પ્લેન તૂટી પડયું હોવાની વાતને હમ્બગ ગણાવેલી. આ અહેવાલ આવ્યો ત્યારે મનમોહનસિંહની સરકાર આવી ગયેલી તેથી તેણે આ તારણને બકવાસ ગણાવીને આખા અહેવાલને અભરાઈ પર ચડાવી દીધો.
સુભાષબાબુ વિશે આવી તો સંખ્યાબંધ કથાઓ છે અને એ કથાઓ પર કદી પૂર્ણવિરામ મૂકાવાનું નથી.
નેતાજી જીવતા હોવાની આશંકાથી બોઝ પરિવારની જાસૂસી કરાયેલી
નેતાજી જીવતા હોવાની આશંકા જવાહરલાલ નહેરૂ સરકારને પણ હતી. થોડાં વરસે પહેલાં એક બ્રિટિશ અખબારે ધડાકો કરેલો કે જવાહરલાલ નહેરૂ અને તે પછી આવેલી કોંગ્રેસની સરકારોએ વીસ વર્ષ લગી નેતાજીના પરિવારની જાસૂસી કરાવી હતી. ઈન્ટેલિજન્સ બ્યુરોના એકદમ ગુપ્ત દસ્તાવેજોના હવાલાથી અપાયેલા અહેવાલ પ્રમાણે સરકારી નેતાજીના પરિવારનાં કોલકાત્તાના બે મકાનો પર ચોવીસે કલાક જાસૂસો નજર રાખતા હતા છેક ૧૯૬૮ લગી આ જાસૂસી ચાલુ રહી હતી.
નેતાજીના ભાઈ સરતચંદ્ર તથા તેમના પિતરાઈઓનાં ઘરોની પણ જાસૂસી કરાતી, તેમના ટેલીફોન ટેપ કરાતા હતા. બોઝ પરિવારનાં લોકો ક્યાં ક્યાં જાય છે ને કોને કોને મળે છે તેની રજેરજ માહિતી લઈને સીધી જવાહરલાલ નહેરૂને મોકલાતી. સુભાષબાબુના પરિવારે ઓસ્ટ્રિયામાં રહેતાં નેતાજીનાં પત્ની એમિલીને લખેલા પત્રો પણ ફોડીને જોવાતા એવા દાવો પણ કરાયો હતો.
આ જાસૂસીનું કારણ નેતાજીના મોત અંગેનું સસ્પેન્સ હતું. અંગ્રેજોને આશંકા હતી કે, નેતાજીએ જર્મની અને જાપાનને બ્રિટિશ સેના સામે લડવામાં તન,મન, ધનથી મદદ કરેલી. આ કારણે નેતાજી બ્રિટિશ લશ્કરના હાથે ના ઝડપાય એટલે જાપાન સરકારે નેતાજીનું પ્લેન દુર્ઘટનામાં મોત થયું હોવાની વાર્તા બનાવીને નેતાજીને સલામત જગાએ મોકલી આપ્યા હતા. બ્રિટિશ સરકારે આ આશંકા નહેરૂ સરકારને જણાવી તેથી નહેરૂ સરકાર બોઝ પરિવારની જાસૂસી કરતી કે જેથી સુભાષબાબુ પરિવારના સંપર્કમાં હોય તો તરત જાણ થઈ જાય.
નેતાજીના પ્લેન ક્રેશ, મૃતદેહનો ફોટો નહીં હોવાથી પરિવારે અસ્થિ ના સ્વીકાર્યા
જાપાન બીજા વિશ્વ યુધ્ધમાં હારી ગયું પછી ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ સુભાષચંદ્ર બોઝ સિંગાપોરથી તાઈવાન જતા હતા ત્યારે રસ્તામાં તેમનું પ્લેન તૂટી પડયું તેમાં તેમનું અવસાન થયું હોવાનું જાપાન સરકારે સત્તાવાર નિવેદન આપ્યું હતું.
આ નિવેદન પ્રમાણે ખરાબ રીતે દાઝી ગયેલા નેતાજીને તાઈહોકુ આર્મી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. થોડાક કલાક પછી મોતને ભેટેલા નેતાજીના અગ્નિસંસ્કાર તાઈહોકુમાં જ કરાયેલા. તેમનાં અસ્થિને ટોકયો મોકલાયાં ને પછી રેન્કોજી મંદિરમાં રખાયેલાં.
જાપાન સરકારે નેતાજીના પરિવારને અસ્થિ મોકલવાની તૈયારી બતાવી હતી પણ નેતાજીનો પરિવાર તેમના મોતની વાત માનવા તૈયાર નહોતો તેથી અસ્થિ ના સ્વીકાર્યાં. આ કારણે આજેય નેતાજીનાં અસ્થિ રેન્કોજી મંદિરમાં છે.
નેતાજીના પરિવારે કેટલાક વિચારવા જેવા વાંધા ઉઠાવેલા. આ પૈકી સૌથી મોટો મુદ્દો એ હતો કે, નેતાજીનો મૃતદેહ કોઈએ જોયો નહોતો કે ખરાબ રીતે દાઝી ગયેલા નેતાજીના શરીરના ફોટા પણ કોઈએ જોયા નહોતા. પ્લેન તૂટી પડયું તેના કે નેતાજી ઘાયલ થયા તેના કોઈ ફોટા જ ઉપલબ્ધ નથી.
નેતાજીના મૃતદેહના ફોટા ઉપલબ્ધ નથી, તેમનું કોઈ ડેથ સટફિકેટ પણ ઈશ્યુ કરાયું નથી. બીજા વિશ્વયુધ્ધ પછી જાપાન અમેરિકાને શરણે જતું રહેલું. અમેરિકા અને બ્રિટન એક જ હતાં. બ્રિટનની તપાસમાં જે વિગતો બહાર આવેલી એ પ્રમાણે જાપાને સત્તાવાર નિવેદન આપ્યું હતું તેથી તેની વિશ્વસનિયતા શંકાસ્પદ છે.