ગિલગિટ-બાલ્ટિસ્તાનને પચાવી પાડવા પાકિસ્તાનની હિલચાલ
- પીઓકે અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાના પાકિસ્તાનના પગલાનો ભારતે ભારે વિરોધ કર્યો
- પાકિસ્તાન ઘણાં સમયથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ રીતે ત્યાં ચૂંટણી કરાવવી એ તેની આ હિલચાલનો જ ભાગ છે એટલું જ નહીં, ચીનનો મહત્ત્વાકાંક્ષી ચાઇના પાક કોરિડોર આ પ્રદેશમાં થઇને જ પસાર થાય છે
ભારતને પરેશાન કરવાની એકેય તક ન છોડતું પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુદ્દે ઉશ્કેરણીજનક હિલચાલ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પીઓકેમાં ચૂંટણીઓ યોજી હતી જેમાં ઇમરાન ખાનની જ પાર્ટીને ૨૫ બેઠકો મળી છે.
જોકે ભારતે પાકિસ્તાનની આ હિલચાલનો ભારે વિરોધ કર્યો છે અને વિદેશ ખાતાએ પાકિસ્તાનને સત્તાવાર રીતે ચેતવણી આપી છે કે પીઓકેમાં પાકિસ્તાનની સરકારે યોજેલી ચૂંટણી ગેરકાયદેસર છે. પીઓકે ભારતના અખંડ કાશ્મીરનો હિસ્સો છે અને એ પ્રદેશ પાકિસ્તાને તુરંત ખાલી કરી દેવો જોઇએ.
હકીકતમાં પાક અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે એ આખી દુનિયા જાણે છે તેમ છતાં પાકિસ્તાન આવા અટકચાળા કરીને વિવાદ ઊભા કરે છે.
ભારતના કેટલાક પ્રદેશોને લઇને પાકિસ્તાને દાયકાઓથી એવા વિવાદ ઊભા કર્યાં છે જેના કારણે ક્ષેત્રીય શાંતિ જોખમમાં મૂકાઇ છે.
કાશ્મીરને લઇને પાકિસ્તાનના ધમપછાડા તો જગજાહેર છે પરંતુ ઘણાં લોકોને એ ખ્યાલ નથી કે કાશ્મીરના અમુક હિસ્સા ઉપરાંત પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાન નામના પ્રદેશો ઉપર પણ ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે.
સૌથી પહેલા તો ગિલગિટ-બાલ્ટિસ્તાન વિવાદ વિશે સમજીએ. જમ્મુ-કાશ્મીરનો જે હિસ્સો પાકિસ્તાને પચાવી પાડયો છે એમાં એક હિસ્સો પાક અધિકૃત કાશ્મીર છે તો બીજો હિસ્સો ગિલગિટ-બાલ્ટિસ્તાન છે.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના પશ્ચિમ છેડે ગિલગિટ નામનો પ્રદેશ આવેલો છે અને તેની દક્ષિણે બાલ્ટિસ્તાન સ્થિત છે. આ પ્રદેશ વળી પાછો નાનોસૂનો નથી પરંતુ આશરે ૭૨ હજાર ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આ સમગ્ર વિસ્તાર ૪ નવેમ્બર ૧૯૪૭થી પાકિસ્તાનના કબજામાં છે.
આઝાદી પહેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીર રજવાડાનો જ ભાગ હતાં પરંતુ આ વિસ્તાર અંગ્રેજોએ ત્યાંના મહારાજા પાસેથી ૧૮૪૬થી લીઝ પર લીધો હતો. આ પ્રદેશ ઉઁચાઇ પર આવેલો છે અને ત્યાંથી દેખરેખ રાખવી આસાન હોવાના કારણે અંગ્રેજો માટે આ પ્રદેશ મહત્ત્વનો હતો. અહીંયા ગિલગિટ સ્કાઉટ્સ નામની સેનાની ટુકડી તૈનાત કરવામાં આવી હતી.
ભારતને આઝાદી આપ્યા બાદ અંગ્રેજો દેશ છોડીને જવા લાગ્યા તો તેમણે આ પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિ સિંહને પાછો આપી દીધો. હરિસિંહે બ્રિગેડિયર ઘંસાર સિંહને આ પ્રદેશના ગવર્નર બનાવ્યાં. યાદ રહે કે ભાગલા વખતે કાશ્મીરના રાજા હરિ સિંહે ભારત કે પાકિસ્તાન બેમાંથી એકેય સાથે જોડાવાનો ઇન્કાર કર્યો હતો.
પરંતુ ૧૯૪૭માં પાકિસ્તાની સેનાએ કાશ્મીર પર હુમલો કર્યો તો ૩૧ ઓક્ટોબરે મહારાજા હરિસિંહે કાશ્મીરના ભારત સાથેના વિલયની સમજૂતિ પર હસ્તાક્ષર કરી દીધાં. એ રીતે ગિલગિટ-બાલ્ટિસ્તાન પણ ભારતનો હિસ્સો બની ગયા.
પરંતુ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેલી સેનાના કમાન્ડર કર્નલ મિર્ઝા હસન ખાને બળવો કર્યો અને પ્રદેશને કાશ્મીરથી આઝાદ જાહેર કરી દીધો. મોકાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાને આક્રમણ કરીને ગિલગિટ-બાલ્ટિસ્તાન પર ગેરકાયદેસર કબજો જમાવી લીધો.
યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરમાં કઠપૂતળી સરકારની રચના કરી દીધી જેનું નિયંત્રણ સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાં હતું. ૧૯૪૯માં પીઓકેની આ કઠપૂતળી સરકારે ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ પાકિસ્તાનને હવાલે કરી દીધો.
પાકિસ્તાનને તો કોઇ મહેનત વગર આ કુદરતી સંપત્તિથી સમૃદ્ધ પ્રદેશ હાથમાં આવી ગયો. હકીકતમાં પાકિસ્તાન આ પ્રદેશનો ઉપયોગ તેના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક ઉદ્દેશોને પાર પાડવા જ કરતું આવ્યું છે.
પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજકીય દરજ્જો આપવાનો પણ ઇન્કાર કરી દીધો. આ પ્રદેશને કબજા હેઠળ રાખવાનો તેનો ઇરાદો તેના મતોને જમ્મુ-કાશ્મીરના જનમત સંગ્રહમાં કરવા માટે જ રહ્યો છે. ૧૯૭૦માં પાકિસ્તાને આ પ્રદેશનું નામ પણ છીનવી લીધું અને સમગ્ર પ્રદેશને નોર્ધર્ન એરિયા નામ આપ્યું.
દાયકાઓ સુધી આ પ્રદેશના લોકો પર પાકિસ્તાની સરકારનું રિમોટ કંટ્રોલ શાસન ચાલતું રહ્યું. આ પ્રદેશમાં ન તો કદી ચૂંટણીઓ યોજાતી કે ન તો અહીંયાના લોકોની સમસ્યાઓ પર કોઇ ધ્યાન આપવામાં આવતું. પાંખી વસતી ધરાવતો આ વિસ્તાર અત્યંત દુર્ગમ હોવાના કારણે લોકો પાસે પાકિસ્તાની સરકારના કાવાદાવા સામે લડવા માટે કોઇ સાધનો નહોતા અને પરિણામે આ વિસ્તાર પાકિસ્તાનની અનધિકૃત કોલોની બનીને રહી ગયો.
ગિલગિટ-બાલ્ટિસ્તાનની અખૂટ કુદરતી સંપત્તિ હડપવા માટે પાકિસ્તાને અહીંયાની ડેમોગ્રાફી બદલવાની શરૂ કરી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લોકો અને પખ્તુનીઓને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વસાવવાના શરૂ કર્યાં.
પાકિસ્તાનમાં સરકારો બદલાતી રહી, રાજકીય સમીકરણો બદલાતા રહ્યાં. ક્યારેક લોકશાહીનું સરમુખત્યારશાહીએ હરણ કર્યું તો ક્યારેક લોકશાહીએ સરમુખત્યારશાહીને પરાજિત કરી. પરંતુ ગમે તે પરિસ્થિતિમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના સારા દિવસો ન આવ્યાં.
૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાનના તત્કાલિન સેનાપતિ પરવેઝ મુશર્રફે નોર્ધર્ન લાઇટ ઇન્ફન્ટ્રીના મજબૂર સૈનિકોને ભારતની તોપોને હવાલે કરી દીધા હતાં. આ બટાલિયનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનના યુવાનોની જબરજસ્તી ભરતી કરાવવામાં આવે છે.
અહીંયાના લોકોએ તેમના પ્રદેશનું નામ નોર્ધર્ન એરિયાથી પાછું ગિલગિટ-બાલ્ટિસ્તાન કરવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડયો. આ પ્રદેશના લોકોનો વિરોધ વધ્યો ત્યારે ૨૦૦૯માં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ગિલગિટ-બાલ્ટિસ્તાન એમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગવર્નન્સ ઓર્ડર જારી કર્યો જે અંતર્ગત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક વિધાનસભા બનાવવાનો અને ગિલગિટ-બાલ્ટિસ્તાન કાઉન્સિલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મુખ્યમંત્રી અને ગવર્નર બંને હોય છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોને ચૂંટણી દ્વારા વિધાનસભા તેમજ મુખ્યમંત્રી ચૂંટવાનો અધિકાર તો મળ્યો છે પરંતુ ગવર્નરની વરણી સીધા રાષ્ટ્રપતિ કરે છે. કોઇ પણ બાબતે અંતિમ નિર્ણય લેવાની સત્તા ગવર્નર પાસે હોય છે.
જોકે તમામ નિર્ણયો લેવાની અંતિમ સત્તા કાઉન્સિલ પાસે છે અને આ કાઉન્સિલના અધ્યક્ષ પાકિસ્તાનના વડાપ્રધાન હોય છે. મતલબ કે સ્વાયત્તતાના નામે આ પ્રદેશમાં હુકમ તો પાકિસ્તાનની સરકારનો જ ચાલે છે.
ભલે સાત દાયકાથી ગિલગિટ-બાલ્ટિસ્તાન પાકિસ્તાનના કબજામાં હોય પરંતુ ત્યાંના નાગરિકોને પાકિસ્તાની નાગરિક ગણવામાં આવતા નથી. આ પ્રદેશના લોકોને બીજા દરજ્જાના લોકો માનવામાં આવે છે.
પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા કાર્યકારી સરકારની રચના થાય છે અને પછી એ સરકારની દેખરેખ હેઠળ જ ચૂંટણી યોજાય છે. વર્ષ ૨૦૦૯થી ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી તો યોજાતી રહી પરંતુ ત્યાં ચૂંટણી પહેલા કાર્યકારી સરકારની રચના નહોતી થતી.
ગયા વર્ષે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કાર્યકારી સરકાર રચીને ચૂંટણી યોજવાનો ચુકાદો આપ્યો ત્યારે પણ ભારતે એનો સખત વિરોધ કર્યો હતો પરંતુ ભારતના વિરોધને ધરાર અવગણીને પાકિસ્તાને ત્યાં ચૂંટણીઓ યોજી.
ભારતે કહ્યું છે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના અભિન્ન અંગ છે એટલા માટે ત્યાંની સ્થિતિમાં ફેરફાર કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી.
આમ તો પાકિસ્તાન ઘણાં સમયથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને તેનો પાંચમો પ્રાંત બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને આ રીતે ત્યાં ચૂંટણી કરાવવી એ તેની આ હિલચાલનો જ ભાગ છે.
હકીકતમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન પર કાયદેસરનો અધિકાર જમાવવાની તેની મેલી મુરાદ પાછળ ચીન રહેલું છે. પાકિસ્તાને ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મોટો ભાગ ચીનને આપી રાખ્યો છે.
ચીનનો મહત્ત્વાકાંક્ષી ચાઇના પાક કોરિડોર આ પ્રદેશમાં થઇને જ પસાર થાય છે. ભારતનો ચીનની યોજના માટેનો વિરોધ પણ એ જ કારણે છે.
હવે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવીને ચીનનો ફાયદો કરાવવા માંગે છે. ભૌગોલિક સ્થિતિના કારણે ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પ્રદેશ ભારત અને પાકિસ્તાન ઉપરાંત ચીન માટે પણ ભારે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. અમેરિકા અને રશિયાની પણ આ પ્રદેશ પર નજર રહી છે.
અમેરિકા અહીંયા પોતાનો બેઝ સ્થાપવા માંગતું હતું. તો પાકિસ્તાને એક સમયે ગિલગિટને રશિયાને આપવાની રજૂઆત પણ કરી હતી. ખરેખર તો ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો જ પાકિસ્તાન સાથે જવા માટે રાજી નથી.
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશો પાછા મેળવવા માટે પગલા લેવાની ચેતવણી આપી ચૂક્યું છે. પાકિસ્તાન તેના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કોઇ કાવાદાવા કરે એ પહેલા તેને પાઠ ભણાવવાની જરૂર છે.
આમ પણ ભારતીય સેના સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના દાંત ખાટા કરી ચૂકી છે. એવામાં ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાછા મેળવવાનો સમય આવી ગયો છે.