Get The App

પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારીને ભારતે કશું ખોટું કર્યું નથી

Updated: Jan 30th, 2024


Google News
Google News
પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારીને ભારતે કશું ખોટું કર્યું નથી 1 - image


- પાકિસ્તાનને હાથનાં કર્યા હૈયે વાગી રહ્યાં છે, પોતે પોષેલો આતંકવાદ પોતાને ડસી રહ્યો છે તેથી ઘાંઘું થઈને ભારત પર દોષારોપણ કરી રહ્યું છે

- લતિફ ને કાસિમ દેવના દીકરા નહોતા પણ ખૂંખાર આતંકવાદી હતા.  સંખ્યાબંધ ભારતીયોના લોહીથી તેમના હાથ રંગાયેલા હતા તેથી બંનેને પતાવી દેનારે પુણ્યનું કામ કર્યું છે. અબુ કાસિમ ઉર્ફે રિયાજ અહમદ હાફિઝ સઈદનો ખાસ માણસ હતો.  કાસિમ ઘણા આતંકવાદી હુમલામાં સામેલ હતો. શાહિદ લતીફ તો પુરાના પાપી હતો.  2016માં પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા સહિતના સંખ્યાબંધ મોટા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ લતીફ મસૂદ અઝહરનો ખાસ માણસ હતો.

કેનેડા અને અમેરિકાના વાદે ચડીને હવે પાકિસ્તાને પણ ભારતે પોતાના દેશમાં ઘૂસીને પોતાના બે નાગરિકોની હત્યા કરી હોવાનો આક્ષેપ કરી નાંખ્યો છે. ભારતમાં આતંકવાદ ફેલાવતા પાકિસ્તાને ચોરી પર સિનાજોરી કરીને દાવો છે કે, ભારતની જાસૂસી સંસ્થા 'રો'ના એજન્ટોએ તેના નાગરિકો શાહિદ લતીફ અને રિયાઝ અહમદ ઉર્ફે અબુ કાસિમની હત્યા કરી છે. 

પાકિસ્તાનના વિદેશ સચિવ મુહમ્મદ સાયરસ કાઝીના આક્ષેપ પ્રમાણે, ભારત અને પાકિસ્તાન સિવાયના ત્રીજા દેશમાં રહેતા 'રો'ના અશોક કુમાર આનંદ અને યોગેશ કુમાર નામના એજન્ટે અબુ કાસિમ અને શાહિદ લતીફની હત્યા કરાવેલી. આનંદે મુહમ્મદ અબ્દુલ્લાહ અલી નામના પાકિસ્તાની પાસે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અબુ કાસિમની પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ના રાવલકોટમાં અલ-કુદુસ મસ્જિદમાં હત્યા કરાવેલી. 

યોગેશે મુહમ્મદ ઉમૈર નામના મજૂર મારફતે શાહિદની હત્યા માટે પાકિસ્તાનના કેટલાક શાર્પશૂટર્સને સોપારી અપાયેલી પણ કામ ના થતાં ઉમૈરે પોતે પાકિસ્તાન આવીને ૧૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સિયાલકોટની મસ્જિદમાં લતીફને ઢાળી દીધો. ઉમૈર અને અલી બંને ઝડપાઈ ગયા છે. તેમની પૂછપરછમાં સોશિયલ મીડિયા પર આઈએસઆઈએસનાં નકલી એકાઉન્ટ બનાવીને 'રો' શાર્પ શૂટર્સને પાકિસ્તાન સહિતના દેશોમાં ઘૂસીને હત્યાઓ કરાવડાવે છે તેનો ભાંડો ફૂટયો હોવાનો પાકિસ્તાનનો દાવો છે.

ભારતે પાકિસ્તાનની વાતોને હાસ્યાસ્પદ ગણાવી છે. આવી વાહિયાત વાતોનો જવાબ જ ના આપવાનો હોય પણ પાકિસ્તાનને ચૂપ કરવા રાજદ્વારી રીતે જવાબ આપવો જરૂરી છે. ભારતના મૌનને પાકિસ્તાન પોતાના આક્ષેપો સાચા છે તેમાં ના ખપાવી દે એટલે ભારતે ઔપચારિકતા પૂરી કરીને પ્રકરણ પતાવી દીધું. 

ભારતે સત્તાવાર રીતે શાહિદ લતિફ કે અબુ કાસિમને મરાવ્યા હોવાનો ઈન્કાર કર્યો છે પણ ભારતે તેમને મરાવ્યા હોય તો પણ જરાય ખોટું કર્યું નથી. લતિફ ને કાસિમ દેવના દીકરા નહોતા પણ ખૂંખાર આતંકવાદી હતા.  સંખ્યાબંધ ભારતીયોના લોહીથી તેમના હાથ રંગાયેલા હતા એ જોતાં બંનેને પતાવી દેનારે પુણ્યનું જ કામ કર્યું છે. 

અબુ કાસિમ ઉર્ફે રિયાજ અહમદ હાફિઝ સઈદનો ખાસ માણસ હતો. જાન્યુઆરી ૨૦૨૩માં ડાંગરીના આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ કાસિમ બીજા ઘણા આતંકવાદી  હુમલામાં સામેલ હતો. ૧ જાન્યુઆરીના રાજૌરીના  આતંકી હુમલામાં ૭ લોકો મરેલાં. તેના માટે કાસિમ જવાબદાર હતો.

શાહિદ લતીફ તો પુરાના પાપી હતો. ૨૦૧૬માં પંજાબના પઠાણકોટ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલા સહિતના સંખ્યાબંધ મોટા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ લતીફ મસૂદ અઝહરનો ખાસ માણસ હતો. પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓએ ૭ જવાનો અને એક નાગરિક મળીને ૮ લોકોની હત્યા કરી હતી. લતીફ પાકિસ્તાનમાં બેઠો બેઠો શું કરવું તેની સૂચના આપતો હતો. ૧૮ વર્ષની ઉંમરે આતંકવાદી બની ગયેલા લતિફે ૧૯૯૧માં હરરત-ઉલ-મુઝાહિદ્દીનના સભ્ય તરીકે ઘણી હત્યાઓ કરેલી.

૧૯૯૩માં હઝરતબાલ દરગાહ પર કબજો કરીને. ૪૦ જેટલા આતંકવાદી મહિના લગી ભરાઈ રહ્યા તેમાં લતિફ પણ હતો. મહિના પછી આતંકીઓને સેફ પેસેજ આપીને હેમખેમ જવા દેવાયા ત્યારે બીજા આતંકી પાકિસ્તાન ભાગી ગયેલા પણ લતીફ ભારતમાં રહી ગયેલો. કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકામાં થયેલી હિંદુઓની હત્યાઓનો લતીફ સૂત્રધાર હતો. ૧૯૯૩મા લતીફ પકડાયો પછી ૧૬ વર્ષ જેલમાં રહ્યો.

૧૯૯૯મા કંદહાર વિમાન અપહરણ કાંડ વખતે આતંકવાદીઓએ લતીફને છોડવા કહેલું પણ અટલ બિહારી વાજપેયીની સરકારે ઈન્કાર કરી દીધો હતો. ૨૦૧૦માં કોંગ્રેસ સરકારે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની ખંજવાળ મડાટવા ૨૪ આતંકવાદીઓને મુક્ત કર્યા ત્યારે લતીફ છૂટેલો. ભારતની જેલમાંથી છૂટયા પછી પાકિસ્તાન પાછા ફરેલા લતીફે પાછો આતંકવાદ શરૂ કરી દીધેલો. 

વાસ્તવમાં પાકિસ્તાનમાં એક પછી એક આતંકી મરી રહ્યા છે તેથી આર્મી, આતંકવાદી સંગઠનો અને આઈએસઆઈ  હચમચી ગયાં છે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારત વિરોધી આતંકવાદીઓને પતાવી દેવાય છે ને આર્મી-આઈએસઆઈ કશું કરી શકતાં નથી તેથી આતંકીઓ ભડક્યા છે. તેમને રાજી કરવા પાકિસ્તાન આ નાટક કરી રહ્યું છે ને ગમે તેને પકડીને ફાંસીને માંચડે લટકાવી દેશે. 

પાકિસ્તાને ભૂતકાળમાં ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવે છે એવું પોતાનું જૂઠાણું સાબિત કરવા સરબજીતસિંહ અને શેખ શમીમ જેવા નિર્દોષ ભારતીયોને ફાંસીના માંચડે લટકાવેલા જ છે. શેખ શમીમને ૧૯૮૯માં ભારત-પાકિસ્તાનની સરહદેથી ઝડપ્યો હોવાનો દાવો પાકિસ્તાની લશ્કરે કરેલો. તેની પાસે ટ્રાન્સમિટર હતું અને પાકિસ્તાનનાં લશ્કરી રહસ્યો ભારતીય લશ્કરને મોકલતો હતો તેવો આરોપ મૂકીને ૧૯૯૬માં ફાંસીની સજા ફટકારાઈ હતી. ૧૯૯૯માં અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે ફાંસીએ લટકાવી દેવાયેલો.

સરબજીત દારૂના નશામાં પંજાબ સરહદેથી પાકિસ્તાનમાં ઘૂસ્યો પછી પાકિસ્તાન લશ્કરના હાથે ચડી જતાં તેને પાકિસ્તાને ભારતીય આતંકવાદી ગણાવીને ૧૯૯૦માં લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ મૂકી દીધેલો. આ બે બ્લાસ્ટમાં ૧૪ લોકોનાં મોત થયેલાં તેથી સરબજીતને ૧૯૯૩માં પાકિસ્તાનની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. તેને બચાવવાના પ્રયત્નો ફળ્યા નહોતા. પાકિસ્તાને સરબજીતને ૨૦૧૩માં ફાંસી આપેલી. 

પાકિસ્તાને કુલભૂષણ જાધવ પર પણ ભારતીય જાસૂસ હોવાનો આરોપ મૂકીને ૨૦૧૬થી જેલમાં ગોંધી રાખ્યો છે. કુલભૂષણ સામે ગ્વાદર અને કરાચી બંદરો પર બોમ્બ બ્લાસ્ટનું કાવતરૃં ઘડવાનો આરોપ હોવાથી તેને પણ ફાંસીના માંચડે લટકાવી દેવાય એવી પૂરી શક્યતા છે. 

પાકિસ્તાનને હાથનાં કર્યાં હૈયે વાગી રહ્યાં છે. પોતે પોષેલો આતંકવાદ પોતાને ડસી રહ્યો છે તેથી ઘાંઘું થયેલું પાકિસ્તાન ભારત પર દોષારોપણ કરીને લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા ફાંફાં મારી રહ્યું છે. ભારતને તેનાથી કોઈ ફરક પડતો નથી.

ડોન બબલુએ સઈદના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ કરાવેલો!

પાકિસ્તાને પહેલી વાર ભારત પોતાને ત્યાં હુમંલા કરાવે છે એવા આક્ષેપ નથી કર્યા. પાકિસ્તાને ૨૦૨૨માં આક્ષેપ કરેલો કે 'રો'એ આતંકવાદીઓના સરદાર હફિઝ સઈદના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો. હફિઝ સઈદ લાહોરના પોશ જોહર ટાઉનમાં રહે છે. ૨૩ જૂન ૨૦૨૧ના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ સઈદના ઘરની બહાર થયેલા જબરદસ્ત વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયેલાં જ્યારે ૨૪ લોકો ઘાયલ થયેલાં. આ બોમ્બ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રોડ પર ચાર ફૂટ ઉંડો ને આઠ ફૂટ પહોળો ખાડો પડી ગયેલો. આજુબાજુની દુકાનો પણ ઉડી ગયેલી. બોમ્બ બ્લાસ્ટ માટે ૨૦૦ કિલો આરડીએક્સ વપરાયો હોવાનો દાવો પણ કરાયેલો. 

પાકિસ્તાનના તત્કાલિન ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે દાવો કરેલો કે, ઉત્તર પ્રદેશની જેલમાં બંધ ગેંગસ્ટર બબલુ શ્રીવાસ્તવ 'રો'નો એજન્ટ છે. તેની મદદથી 'રો'એ આ બ્લાસ્ટ કરાવ્યો હતો. પાકિસ્તાને આક્ષેપ કરેલો કે, સંજય કુમાર તિવારી નામનો 'રો'નો એજન્ટ બબલૂના ટેરર નેટવર્કનો સુપરવાઈઝર છે કે જે પાકિસ્તાનમાં રહેતા 'રો'ના એજન્ટ અસલમા ખાન સાથે સંપર્કમાં રહે છે. અસલમે સઈદના ઘરની બહાર બોમ્બ બ્લાસ્ટ કરાવનારા સમી ઉલ હક અને નવીદ અખ્તરને કામ સોંપેલું. તિવારી તેમનો હેન્ડલર હતો કે જેણે પાકિસ્તાનન બહાર બેઠાં બેઠાં કઈ રીતે બ્લાસ્ટ કરવો તેની સૂચના આપી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રી હીના રબ્બાની ખારે આ આક્ષેપના સમર્થનમાં મળેલા કહેવાતા પુરાવાનું ડોઝીયર પણ ભારતને આપેલું પણ પુરાવામાં કોઈ દમ નહોતો.

ભારત સામે તાલિબાન સહિત 3 આતંકી સંગઠનોને મદદનો આક્ષેપ

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ૨૦૨૦ના નવેમ્બરમાં ડોઝિયર બહાર પાડીને આક્ષેપ કરેલો કે, ભારત પાકિસ્તાનમાં આતંકવાદને પોષતું હોવાના નકારી ના શકાય એવા પુરાવા તેની પાસે છે. પાકિસ્તાને ભારત જમાત-ઉલ-અહરર, બલુચિસ્તાન લિબરેશન પાર્ટી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને આર્થિક અને વિસ્ફોટકો-હથિયારોની મદદ કરતું હોવાનો દાવો કરેલો. આ ત્રણેય સંગઠનોને યુનાઈટેડ નેશન્સે આતંકવાદી સંગઠન જાહેર કરેલાં છે. 

આ પૈકી જમાત-ઉલ-અહરર ૨૦૧૪માં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનથી અલગ પડેલું સંગઠન છે. તહરીક એ તાલિબાન પાકિસ્તાન બૈતુલ્લાહ મહસૂદે ૨૦૦૭માં બનાવેલું સંગઠન છે. ૨૦૧૪મા તેના વડા તરીકે ફઝલુલ્લાહ હતો. ફઝલુલ્લાહે ઉમર ખાલિદ ખોરાસાનીને તાલિબાનમાંથી કાઢી મૂકતાં તેણે પોતાના જૂના સંગઠન અહરર-ઉલ-હિંદના આતંકવાદીઓને ભેગા કરીને જમાત-ઉલ-અરહર બનાવ્યું. ૨૦૧૪માં વાઘા બોર્ડર પર ૬૦ લોકોનો ભોગ લેનારો બોમ્બ બ્લાસ્ટ આ સંગઠને કરાવેલો. 

બલૂચિસ્તાન લિબરેશન આર્મી ૨૦૦૦માં બનેલું સંગઠન છે કે જે પાકિસ્તાનથી અલગ બલૂચિસ્તાન દેશ બનાવવા લડે છે. અલગ બલૂચિસ્તાનની લડત છેક ૧૯૭૦ના દાયકાથી ચાલે છે અને ભારત તેને મદદ કરતું હોવાના આક્ષેપો પણ થયા કરે છે. રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીએ આ લડતને પોષી તેથી ભારત સામે પણ આંગળી ચીંધાય છે પણ તાલિબાનને ભારત મદદ કરે એ વાત જ હાસ્યાસ્પદ છે.

Tags :
News-Focus

Google News
Google News