અમેરિકામાં સ્છય્છ વર્સીસ DOGE, ભારતીયો વિરૂદ્ધ માહોલ પેદા કરવાની મથામણ
- 'અમેરિકન કલ્ચર'ની ઝાટકણી કાઢીને કહ્યું કે, વિદેશથી આવનારાં લોકોના કારણે યુએસ અર્થતંત્ર મહાન બન્યું છે
- ભારતીયો વિરૂદ્ધ માહોલ બનાવવા પાછળ રાજકારણ છે એ કહેવાની જરૂર નથી. આ રાજકારણના પ્રણેતા ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પણ કહેવાની જરૂર નથી. ટ્રમ્પે અમેરિકાને ફરી મહાન બનાવવાના નામે ભારતીયો વિરૂધ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર નહોતી છોડી. લૌરા સહિતનાં લોકો જે ભાષા બોલી રહ્યાં છે એ ભાષા ટ્રમ્પની જ છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમિગ્રન્સ્ટ માટે દરવાજા બંધ કરવા સહિતનો ઘણો બકવાસ કરેલો પણ હવે સત્તામાં આવ્યા પછી ટ્રમ્પને એ વલણ લેવું પરવડે તેમ નથી કેમ કે વિદેશીઓ માટે દરવાજા બંધ કરાય તો અમેરિકાની મોટી મોટી કંપનીઓને તાળાં મારવાં પડે.
અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સના મુદ્દે ઘમાસાણ મચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી જીતવા માટે મેક અમેરિકા ગ્રેટ અગેઈન (MAGA) સૂત્ર આપેલું. જો કે હવે ટ્રમ્પ પ્રમુખ બને એ પહેલાં ટ્રમ્પના સમર્થકોમાં બે ફાંટા પડી ગયા છે તેમાં MAGA વર્સીસ DOGE નો જંગ છેડાઈ ગયો છે. કેટલાક રાજકીય વિશ્લેષકો તેને સિવિલ વોર એટલે કે આંતરિક યુધ્ધ પણ ગણાવી રહ્યા છે. આ યુધ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પે DOGE છાવણીનો ખુલ્લો પક્ષ લેતાં ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપનારો મોટો વર્ગ ટ્રમ્પને પણ ગાળો આપી રહ્યો છે.
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અંગે સીનિયર એડવાઈઝર નિમવાની જાહેરાત કરી તેની સામે જમણેરી કટ્ટરવાદી લૌરા લૂમરે વાંધો લઈને ભારતીયો સામે ઝેર ઓકવા માંડયું તેનાથી વિવાદની શરૂઆત થઈ. લૌરા સહિતનાં કહેવાતાં અમેરિકન રાષ્ટ્રવાદીએ મેક અમેરિકા ગ્રેટ અગેઈન (MAGA) નો રાગ છેડીને જાહેર કરી દીધું કે, ટ્રમ્પે આકરા ઈમિગ્રેશન કાયદા બનાવીને તમામ વિદેશીઓ માટે અમેરિકાના દરવાજા બંધ કરી દેવા જોઈએ. ટ્રમ્પે એચ-વન બી વિઝા પણ બંધ કરી દેવા જોઈએ કે જેથી ભારતીયો અમેરિકામાં ઘૂસીને અમેરિકનોની નોકરી ના છિનવી શકે. લૌરાએ તો ૭૬નો આઈક્યુ ધરાવતા ભારતીયોને બેસ્ટ અને બ્રિલિયન્ટ ગણાવીને ચેતવણી આપી છે કે, ભારતીયો માટે દરવાજા બંધ ના કર્યા તો અમેરિકનોને ખાઈ જશે.
લૌરાના બકવાસ સામે વિવેક રામાસ્વામી મેદાનમાં આવતાં યુધ્ધ છેડાઈ ગયું. વિવેકને ટ્રમ્પે નવા રચાનારા ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ના ચેરમેન બનાવ્યા છે. રામાસ્વામીએ શ્રેષ્ઠતાના બદલે સાધારણતાની પૂજા કરનારા 'અમેરિકન કલ્ચર'ની ઝાટકણી કાઢીને કહ્યું કે, વિદેશથી આવનારાં લોકોના કારણે યુએસ અર્થતંત્ર મહાન બન્યું છે. વિવેકે કટાક્ષ પણ કર્યો કે, ગણિતના ઓલિમ્પિયાડ ચેમ્પિયનના બદલે પ્રોમ ક્વીનનું સન્માન કરનારી કે હોશિયાર વિદ્યાર્થીઓને પદવી આપવાના બદલે સ્પોર્ટ્સ કલ્ચર (જોક)ની ઉજવણી કરવાથી અમેરિકામાં શ્રેષ્ઠ એન્જિનિયરો પેદા નહીં થાય.
રામાસ્વામીના કટાક્ષથી લૌરાની ગેંગ ભડકી અને વિવેક પર તૂટી પડી પછી એલન મસ્ક વિવેકની વહારે આવ્યા. મસ્કે એચ-વન બી વિઝાની તરફેણ કરીને કહ્યું છે કે, એચ-વન બી વિઝા ના હોત તો મારા કે વિવેક સહિતના લાખો ટેલેન્ટેડ લોકો અમેરિકામાં ના આવ્યા હોત. આ ટીપ્પણી પછી મસ્ક પર પસ્તાળ પડવી શરૂ થઈ. મસ્ક પોતાની કંપનીના ખર્ચ બચાવવા ભારતીયોને નોકરીએ રાખવા માટે એચ-વન બી વિઝાની તરફેણ કરે છે એવી ટીકાઓનો મારો ચાલી રહ્યો છે.
વિવેક રામાસ્વામીએ 'અમેરિકન કલ્ચર'ની ટીકા કરી એ મુદ્દે પણ લોકો તૂટી પડયાં છે. ભારતીય મૂળનાં અમેરિકન નિકી હેલી સહિતનાં ઘણાં ટોચનાં લોકોએ વિવેક રામાસ્વામીની ઝાટકણી કાઢીને લૌરાને ટેકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર તો વિવેક-મસ્કની જોડીને બેફામ ગાળો પડી રહી છે. સામે મસ્કની છાવણી પણ એ જ ભાષામાં જવાબ આપી રહી હોવાથી જોરદાર જંગ જામ્યો છે.
આ વિવાદ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, પોતે એચ-વન બી વિઝાની વિરૂદ્ધ નથી. ટ્રમ્પની સ્પષ્ટતા પછી ભારતીયો માટે અમેરિકાના દરવાજા બંધ નહીં થાય એ નક્કી છે તેથી રાહત થઈ કહેવાય પણ આ જંગ અમેરિકા જવા માગતા ભારતીયો માટે શુભ સંકેત તો નથી જ, લૌરા લૂમર સહિતનાં લોકો અમેરિકામાં ભારત વિરોધી માહોલ પેદા કરવા મથી રહ્યાં છે. અમેરિકાની કંપનીઓને ભારતીયોને નોકરીએ રાખવામાં ફાયદો છે તેથી કંપનીઓ તરફથી ભારતીયોની અવગણના કરાય એવી કોઈ શક્યતા નથી પણ અમેરિકામાં રહેતા ભારતીયો ટ્રોલનો શિકાર બને કે કનડગતનો ભોગ બને એ શક્યતા નકારી ના શકાય.
ભારતીયો વિરૂદ્ધ માહોલ બનાવવા પાછળ રાજકારણ છે એ કહેવાની જરૂર નથી. આ રાજકારણના પ્રણેતા ડોનાલ્ડ ટ્રમ્પ છે એ પણ કહેવાની જરૂર નથી. ટ્રમ્પે અમેરિકાને ફરી મહાન બનાવવાના નામે ભારતીયો વિરૂધ્ધ ઝેર ઓકવામાં કોઈ કસર નહોતી છોડી. લૌરા સહિતનાં લોકો જે ભાષા બોલી રહ્યાં છે એ ભાષા ટ્રમ્પની જ છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમિગ્રન્સ્ટ માટે દરવાજા બંધ કરવા સહિતનો ઘણો બકવાસ કરેલો પણ હવે સત્તામાં આવ્યા પછી ટ્રમ્પને એ વલણ લેવું પરવડે તેમ નથી કેમ કે વિદેશીઓ માટે દરવાજા બંધ કરાય તો અમેરિકાની મોટી મોટી કંપનીઓને તાળાં મારવાં પડે.
અમેરિકાનું અર્થતંત્ર ભારતીયો સહિતના વિદેશીઓ પર ચાલે છે. અમેરિકા ટેકનોલોજીમાં સર્વોપરિતાના જોરે દુનિયા પર રાજ કરે છે પણ અમેરિકાની શિક્ષણ પધ્ધતિ એવી નથી કે, આ સર્વોપરિતાને ટકાવી રાખવા માટે જરૂરી ટેલેન્ટ સતત પેદા કર્યા કરે. અમેરિકન યુથ તો ડ્રગ્સ, સેક્સ, પાર્ટી, પોપ કલ્ચર, ગન કલ્ચરની પાછળ દોડીને બરબાદ થઈ રહ્યું છે તેથી અમેરિકાએ જાત જાતના વિઝા પ્રોગ્રામ ચલાવીને વિદેશથી હોંશિયાર લોકોને બોલાવવા પડે છે.
ટ્રમ્પ કે બીજો કોઈ પણ પ્રમુખ આ સિસ્ટમને બંધ કરી શકે તેમ નથી. લૌરા લૂમર જેવાં લોકોને પણ આ વાતની ખબર જ છે પણ રાજકીય મહત્વાકાંક્ષાઓને સંતોષવા લોકોમાં ઉન્માદ પેદા કરવો પડે. ભારતમાં સત્તાને ખાતર મુસ્લિમ વિરોધી માનસિકતાને પોષાઈ એ જ રીતે અમેરિકામાં ભારત અને ભારતીયો વિરૂધ્ધ માહોલ પેદા કરાઈ રહ્યો છે. તેની પાછળનો ઉદ્દેશ સત્તા જ છે. ભારતમાં સત્તા મળી પછી ઈદની ઉજવણી ને સેવૈયાં ખાવાની વાતો થવા માંડી ને મસ્જિદમાં અઝાન શરૂ થતાં જ ભાષણ અટકાવવાના ડ્રામા થાય છે એ રીતે અમેરિકામાં પણ સત્તા મળતાં જ લૌરા લૂમર સહિતનાં લોકો પણ ઠંડાં પડી જશે.
- ચેન્નાઈના મિડલ ક્લાસ પરિવારના શ્રીરામે મસ્કને મદદ કરી, મસ્કે મોટો હોદ્દો અપાવ્યો
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મુદ્દે સીનિયર સલાહકાર નિમ્યા તેની સામે અમેરિકામાં વિરોધના કારણે શ્રીરામ ચર્ચાસ્પદ બની ગયા છે. માઈક્રોસોફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક, સ્નેપ સહિતની બિગ ટેક કંપનીઓમાં કામ કરી ચૂકેલા શ્રીરામ અમેરિકામાં પત્નિ આરતી સાથે મળીને કરાતા પોડકાસ્ટ સો ગુડ ટાઈમ્સ શોને કારણે થોડા ઘણા જાણીતા હતા પણ ૨૦૨૨માં એલન મસ્કે ટ્વિટર ટેકઓવર કરી ત્યારે લાઈમલાઈટમાં આવેલા. શ્રીરામે મસ્કને ટ્વિટરમાં મોટા પાયે ફેરફારોમાં મદદ કરી હતી. મસ્કે તેનો બદલો શ્રીરામને અમેરિકાની સરકારમાં મહત્વનો હોદ્દા અપાવીને વાળ્યો હોવાનું મનાય છે.
ચેન્નાઈના મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા શ્રીરામને નાની ઉંમરે જ કોડિંગનો ચસકો લાગી ગયેલો. દીકરાની ધગશ જોઈને પિતાએ કોમ્પ્યુટર લાવી આપ્યું પછી લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને શ્રીરામ જાતે જ કોડિંગ શીખી ગયેલા.
કોલેજમાં આવ્યા ત્યાં સુધીમાં તો શ્રીરામ કોડિંગના ચેમ્પિયન બની ગયા હતા. શ્રીરામ તમિલનાડુમાં એન્જીનિયરિંગ કર્યા પછી માસ્ટર્સ કરવા અમેરિકા આવ્યા ને અમેરિકામાં જ રહી ગયા. શ્રીરામે અમેરીકામાં ટોચની ટેક કંપનીઓમાં કામ કર્યું પછી વેન્ચર કેપિટલ ફર્મ એન્ડરીસ્સેન હોરોવિત્ઝમાં પાર્ટનર બન્યા.
શ્રીરામ અને તેમનાં પત્નિ આરતી રામમૂર્તિ કોલેજમાં ભણતાં હતાં ત્યારે ૨૦૦૩માં પહેલી વાર કોડિંગ પ્રોજેક્ટ પર સાથે કામ કરતી વખતે યાહૂ ચેટ રૂમ મારફતે મળેલાં. ધીરે ધીરે બંને પ્રેમમાં પડયાં પણ પરિવારનો વિરોધ હોવાથી ૨૦૧૦માં ભાગીને લગ્ન કરી લીધેલાં.
- રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા લૌરા ૪૭ વર્ષ મોટા ટ્રમ્પની નજીક આવી
શ્રીરામ કૃષ્ણનની નિમણૂક પછી ભારત અને ભારતીયોની વિરૂદ્ધ વલણ લેનારી લૌરા લૂમર ડોનાલ્ડ ટ્રમ્પની નવી પ્રેમિકા હોવાનું કહેવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ૭૮ વર્ષના છે જ્યારે લૌરા ૩૧ વર્ષની છે તેથી બંનેની ઉંમરમાં ૪૭ વર્ષનો ફરક છે પણ લૌરાએ પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે ટ્રમ્પ સાથે સંબંધો બાંધ્યા હોવાનું કહેવાય છે. ટ્રમ્પ અને લૌરાના સંબધોની શરૂઆત ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે ૨૦૧૭માં જ થઈ ગઈ હોવાનું કહેવાય છે.
ટ્રમ્પ સાથે ગાઢ અંગત સંબંધોના કારણે લૌરા ૨૦૨૦ની હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સની ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીની ઉમેદવાર બનવામાં સફળ રહી હતી. લૌરા હારી ગઈ હોવા છતાં રીપબ્લિકન પાર્ટીની પ્રાયમરીમાં ૨૦૨૨માં ઉભી રહી ત્યારે પણ ટ્રમ્પે તેને ભરપૂર મદદ કરી હતી. રીપબ્લિકન પાર્ટીએ સત્તાવાર રીતે કહેલું કે, લૌરા લૂમરને પાર્ટી સાથે કંઈ લેવાદેવા નથી કે પાર્ટીએ તેને કોઈ જવાબદારી આપી નથી છતાં લૌરા સતત ટ્રમ્પ સાથે ફરતી હતી. ટ્રમ્પ રોકાયા હોય ત્યાં જ રોકાતી હતી. તેના પરથી બંનેના સંબધો એકદમ અંગત છે એ સ્પષ્ટ થઈ જાય.
લૌરાને ટ્રમ્પ જીત્યા પછી પોતાને મહત્વના હોદ્દા પર નિમશે એવી આશા હતી પણ ટ્રમ્પે તેને દૂર રાખી છે. ટ્રમ્પ હજુ ચાર વર્ષ પ્રમુખ રહેવાના છે તેથી લૌરાને ગમે ત્યારે તક મળી શકે છે. આ કારણે લૌરા ટ્રમ્પ સામે ખુલ્લેઆમ નથી પડી રહી પણ તેમની નિમણૂકો સામે વાંદો ઉઠાવીને ઉંચાનીચા કરી રહી છે.