છોકરીઓની લગ્નની વયમાં વધારો, મોદી ના કરી શક્યા એ સુખુએ કરી બતાવ્યું

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
છોકરીઓની લગ્નની વયમાં વધારો, મોદી ના કરી શક્યા એ સુખુએ કરી બતાવ્યું 1 - image


- હિમાચલ પ્રદેશ વિધાનસભાએ છોકરીઓના લગ્ન માટેની વય ૨૧ વર્ષ કરવાની મંજૂરી આપી ઇતિહાસ રચી દીધો છે

- મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન વખતે એલાન કરેલું કે,  દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમનાં લગ્ન યોગ્ય વયે થાય એ જરૂરી છે. આ અંગેનો ખરડો લોકસભામાં પસાર કરીને રાજ્યસભામાં રજૂ કરી દેવાયો હતો પણ છેલ્લી ઘડીએ મોદી સરકાર ફસકી ગઈ. આ ખરડો સંસદીય સમિતીને સોંપી દેવાયો.  મોદી સરકારના યુ ટર્નથી ભાજપવાળા હેબતાઈ ગયા હતા.  મોદી સરકારે કૃષિને લગતા ત્રણ કાયદા બનાવીને સવા વરસ પછી ગુલાંટ લગાવીને કાયદા રદ કરી નાંખ્યા ત્યારે થયેલી એવી ના કહેવાય ને ના સહેવાય જેવી ભાજપના નેતાઓની હાલત થઈ ગયેલી.  

હિમાચલ પ્રદેશ વિધાનસભાએ છોકરીઓનાં લગ્ન માટેની ઓછામાં ઓછી વય ૨૧ વર્ષ કરવાના ખરડાને મંજૂરી આપીને ઈતિહાસ રચી દીધો.  ભારતમાં અત્યારે લગ્ન માટે છોકરાની ઉંમર ૨૧ વર્ષ કે વધારે હોવી ફરજિયાત છે જ્યારે  છોકરી ૧૮ વર્ષની થાય કે તરત તેનાં લગ્ન કરી શકાય છે. હિમાચલ પ્રદેશની સરકારે છોકરા અને છોકરી બંનેની લગ્નની ઉંમર ૨૧ વર્ષ કરીને બંનેને સમાન સ્તરે લાવી દીધાંજ છે. 

હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુખુની સરકારે ફેબુ્રઆરીમાં બજેટ સત્ર વખતે આ  ખરડો રજૂ કરેલો પણ એ વખતે ખરડો પસાર નહોતો થઈ શક્યો. આ વખતે સર્વાનુમતે ધ્વનિ મતથી ખરડો પસાર થઈ જતાં હવે રાજ્યપાલની સહીની ઔપચારિકતા બચી છે. રાજ્યપાલ આ ખરડા પર સહી કરશે તો હિમાચલ પ્રદેશ ભારતમાં છોકરીઓ માટે લગ્નની વય ૨૧ વર્ષ કરનારું દેશનું પહેલું રાજ્ય બની જશે. 

હિમાચલ પ્રદેશ વિધાનસભાનો ખરડો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મોં પર જોરદાર તમાચા સમાન છે કેમ કે મોદી સરકાર જે ના કરી શકી એ કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. નરેન્દ્ર મોદીએ ચાર વર્ષ પહેલાં મોટા ઉપાડે છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનું એલાન કર્યું હતું. 

મોદીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન વખતે એલાન કરેલું કે,  દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમનાં લગ્ન યોગ્ય વયે થાય એ જરૂરી છે તેથી સરકાર લગ્નની વય મર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરશે. મોદીએ આ આ જાહેરાત પછી મંત્રીઓ અને ભાજપના નેતાઓએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને મોદીનાં વખાણ કરવામાં કોઈ કસર નહોતી છોડી. 

સમાજવાદી પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ છોકરીઓની લગ્નની વય મર્યાદા વધારવાનો વિરોધ કર્યો હતો. ભાજપે તેને રાજકીય મુદ્દો બનાવી દીધો હતો. મોદીએ પ્રયાગરાજના કાર્યક્રમમાં આ નિર્ણયને ઐતિહાસિક ગણાવીને કહેલું કે,   દીકરીઓને પણ વધારે ભણવાની ઈચ્છા જાગી છે તેથી લગ્ન મોડાં કરવા માગે છે કે જેથી   ભણવા માટે વધારે સમય મળે.  આ કારણે અમે દીકરીઓ માટેની લગ્નની વયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. મોદીએ કટાક્ષ પણ કરેલો કે, જેમને વાંધો છે તેમને આ દેશની મહિલાઓ નહીં છોડે.  

મોદી સરકારે આ મુદ્દાનો શક્ય એટલો રાજકીય લાભ લેવાનું ચાલુ રાખેલું પણ ખરડો નહોતી લાવી.  ૨૦૨૧માં જયા જેટલીના વડપણ હેઠળની ટાસ્ક ફોર્સે  પ્રેગનન્સી દરમિયાન થતાં માતાઓનાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા  છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા વધારીને ૨૧ વર્ષ કરવાની ભલામણ કરી એટલે સરકારને આ મુદ્દો પાછો યાદ આવી ગયો હતો. તાત્કાલિક આ અંગેનો ખરડો તૈયાર કરી દેવાયો અને લોકસભામાં પસાર પણ કરી દેવાયો હતો. રાજ્યસભામાં પણ ખરડો રજૂ કરી દેવાયો હતો. 

મોદી સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની હતાં. સ્મૃતિએ રાજ્યસભામાં ખરડો પસાર રજૂ કરતી વખતે દાવો કરેલો કે, આ ખરડાથી માત્ર છોકરીની લગ્નની ઉંમરને લગતો કાયદો નથી બદલાવાનો પણ લગ્નને લગતા તમામ કાયદા, પ્રથા, રિવાજ વગેરે નકામું થઈ જશે. આ બધું જોતાં મોદી સરકાર ખરડો પસાર કરવા મક્કમ લાગતી હતી પણ છેલ્લી ઘડીએ મોદી સરકાર ફસકી ગઈ. ગમે તે કારણોસર આ ખરડો પસાર કરવા માટે મોદી સરકારે કોઈ પ્રયત્ન ના કર્યા અને ખરડો સંસદીય સમિતીને સોંપી દેવાયો.  

મોદી સરકારે અચાનક લીધેલા યુ ટર્નથી ભાજપવાળા હેબતાઈ ગયા હતા કેમ કે ભાજપવાળાએ આ નિર્ણયના ફાયદા ગણાવવામાં કે ગુણગાન ગાવામાં કોઈ કસર નહોતી છોડી. આ ઐતિહાસિક નિર્ણય બદલ મોદીનાં ઓવારણાં લેવામાં ભાજપવાળા વાંકા વળી ગયેલા ને મોદીએ એક ઝાટકે ખરડાને બાજુ પર મૂકી દીધો હતો.  મોદી સરકારે કૃષિને લગતા ત્રણ કાયદા બનાવીને સવા વરસ પછી ગુલાંટ લગાવીને કાયદા રદ કરી નાંખ્યા ત્યારે થયેલી એવી ના કહેવાય ને ના સહેવાય જેવી ભાજપના નેતાઓની હાલત થઈ ગયેલી.  

આ વાતને ચાર વર્ષ થઈ ગયાં પણ મોદી સાહેબ છોકરીઓની લગ્ન માટેની વય મર્યાદા વધારવાની વાત યાદ જ કરતા નથી. હિમાચલ પ્રદેશ વિધાનસભાએ ખરડો પસાર કરીને મોદી સરકારને એ વાત યાદ અપાવી દીધી છે. સુખુ સરકારે એ અહેસાસ પણ કરાવ્યો છે કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો ગમે તે કરી શકાય છે. 

મોદી સરકારે આ નિર્ણય અભરાઈ પર ચડાવી દીધો એ પાછળનું મુખ્ય કારણ તેની રાજકીય અસરોનો ડર હોવાનું મનાય છે. છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાનો નિર્ણય શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો કરાવે પણ ગ્રામીણ વિસ્તારોમાં તેની નકારાત્મક અસરો પડશે એવી ચેતવણી ભાજપના જ કેટલાક નેતાઓએ આપી હતી.  

ઉત્તર ભારતમાં રાજ્યોમાં ગામડાંમાં જ્ઞાતિવાદ અને સામાજિક સંકુચિતતાનો માહોલ છે. દીકરીઓને ઉતરતી ગણીને ઓછું ભણાવવાની, વહેલી પરણાવી દેવાની માનસિકતા પ્રવર્તે છે. છોકરીઓ માટે  લગ્નની વયમર્યાદા ૨૧ વર્ષ કરવાના નિર્ણયથી આ રાજ્યોમાં લોકો નારાજ થઈ જશે એ ડરે મોદી સરકારે આ ખરડો અભરાઈ પર ચડાવી દીધો હોવાનું મનાય છે.  

ભાજપ માટે ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું રાજ્ય છે. યુપીમાં જ્ઞાતિવાદી સંકુચિતતા ને દીકરીઓને ઉતરતી ગણવાની માનસિકતા સૌથી વધારે છે. ૨૦૨૨માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી હતી. એ પછી ૨૦૨૩માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ ને છત્તીસગઢમાં ચૂંટણી હતી. આ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પછડાટ ખાવી પડે એવા ડરને કારણે  ખરડો પડતો મૂકાયો હોવાની ચર્ચા ચાલી હતી.  કૃષિ કાયદા મુદ્દે કરેલી પીછેહઠ તાજી હતી તેથી ફરી પીઠેહઠ કરવાથી આબરૂનો ધજાગરો થઈ જશે એવો ડર પણ હશે.  

જો કે કારણ ગમે તે હોય પણ મોદીએ લાલ કિલ્લા પરથી એલાન કર્યા પછી પારોઠનાં પગલાં ભરેલાં એ હકીકત છે. હવે સુખુએ હિંમત બતાવી છે ત્યારે મોદી પણ લાલ કિલ્લા પરથી આપેલું વચન પૂરુ કરે એવી આશા રાખીએ. મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ બનાવીને તેમાં આ મુદ્દાને સમાવી લે તો પણ ચાલે.

છોકરીઓની લગ્નની વયમર્યાદા પહેલાં 15 વર્ષ હતી

ભારતમાં અંગ્રેજોના સમયમાં છોકરીઓની લગ્નની લઘુત્તમ ઉંમર ૧૫ વર્ષ હતી. આ કાયદો તમામ ધર્મનાં લોકોને લાગુ પડતો. આઝાદી પછી જવાહરલાલ નહેરુ સરકારે હિંદુ મેરેજ એક્ટ બનાવ્યો ત્યારે હિંદુ  છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા ૧૫ વર્ષ રાખી હતી.  મુસ્લિમો માટે અને મુસ્લિમ પર્સનલ લો બનાવાયો તેમાં છોકરી માસિક ધર્મમાં આવે ત્યારે લગ્ન કરે એવી જોગવાઈ હતી. આ ઉંમર ૧૫ વર્ષ જ મનાતી તેથી મુસ્લિમો અને અન્ય ધર્મનાં લોકો માટે પણ છોકરીઓ લગ્નની વય મર્યાદા ૧૫ વર્ષ જ હતી. ૧૯૭૮માં મોરારજી દેસાઈની સરકારે કાયદો સુધારીને મહિલાઓની લગ્નની વય ૧૫ વર્ષથી વધારીને ૧૮ વર્ષ કરી હતી.  

હવે સમય બદલાયો છે ત્યારે છોકરીઓનાં લગ્નની વયમર્યાદા ૨૧ વર્ષ કરવી જોઈએ. તેના કારણે સામાજિક રીતે ઘણાં હકારાત્મક પરિવર્તન આવશે અને દેશને પણ ફાયદો થશે. સૌથી મોટો ફાયદો એ થશે કે, છોકરીઓમાં શિક્ષણ વધશે તેથી આત્મનિર્ભરતા વધશે અને વસતી વધારા પર નિયંત્રણ આવશે. છોકરીઓમાં રોજગારી  વધતાં નાની વયે માતા બનવાનું પ્રમાણ અને એકથી વધારે બાળકો પેદા કરવાનું વલણ  ઘટશે.    શિક્ષિત માતા બાળકના ઉછેર, પોષણ વગેરેમાં વધારે સજાગ હોય છે તેથી તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.  

પુખ્તતાની વય અને લગ્નની ઉંમરનો વિરોધાભાસ દૂર કરવો પડે

છોકરીઓની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષની કરાય તેના કારણે કેટલાક કાયદાકીય સુધારા પણ કરવા પડે. ભારતમાં અત્યારે પુખ્તતા અંગેની કાનૂની જોગવાઈ અને લગ્નની સ્વતંત્રતાના મૂળભૂત બંધારણીય અધિકારમાં વિરોધાભાસ છે. ભારતમાં મેજોરિટી એક્ટ, ૧૮૭૫ પ્રમાણે ૧૮ વર્ષે વ્યક્તિ પુખ્ત વયની ગણાય છે પણ છોકરાઓને પુખ્ત વયના થવા છતાં લગ્નની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર મળતો નથી. આ અધિકાર તેમને ૨૧ વર્ષે મળે છે. છોકરીઓની લગ્નની વય વધારીને ૨૧ વર્ષ કરાય તો તેમના માટે પણ એ વિસંગતતા ઉભી થશે. 

સુપ્રીમ કોર્ટે ૨૦૦૬માં લતા સિંહ વર્સીસ ઉત્તરપ્રદેશના કેસમાં ચુકાદો આપેલો કે,  પુખ્ત મહિલા પોતાની પસંદગીની કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે કે પસંદગીની કોઈ પણ વ્યક્તિ સાથે રહેવા માટે સ્વતંત્ર છે. પુખ્તતાની વય ૧૮ વર્ષ છે જ્યારે લગ્ન માટેની વયમર્યાદા ૨૧ વર્ષ થાય તો પણ ગૂંચવાડો થશે.  છોકરી ૨૧ વર્ષ પહેલાં લગ્ન કરે તો બાળલગ્ન ગણાય પણ ૧૮ વર્ષની વય વટાવ્યા પછી કોઈની સાથે રહે તો કંઈ ના થાય એવી સ્થિત સર્જાશે. 

અત્યારે છોકરી ૧૮ વર્ષથી નાની હોય ને તેની સાથે કોઈ પુરૂષ સહમતિથી પણ શરીર સંબંધ બાંધે તો એ બળાત્કાર ગણાય છે. લગ્નની વય વધારવાનો કાયદો બદલાશે તો શું થશે એ ગૂંચવાડો છે અને એ પણ દૂર કરવો પડશે.

News-Focus

Google NewsGoogle News