Get The App

શાસકોના ફાયદા માટેના યુદ્ધથી ઈઝરાયલ, ગાઝા, ઈરાનમાં લોકોમાં આક્રોશ

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
શાસકોના ફાયદા માટેના યુદ્ધથી ઈઝરાયલ, ગાઝા, ઈરાનમાં લોકોમાં આક્રોશ 1 - image


- લોકો ભડક્યાં છે તેનું મુખ્ય કારણ એ છે કે, શાસકો પોતાનાં બંકરોમાં બેસીને હુંકાર કર્યા કરે છે પણ યુદ્ધની કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યાં છે

- હમાસના કબજા હેઠળના ગાઝા સ્ટ્રીપમાં લોકો છેલ્લાં કેટલાંક વરસોથી શાંતિથી રહેતાં હતાં ત્યાં હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરીને આ શાંતિને ડહોળી નાંખી. ઈઝરાયલે પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેવા ગાઝા સ્ટ્રીપમાં કરેલા બોમ્બ મારામાં 42 હજાર લોકો માર્યાં ગયાં છે. બિનસત્તાવાર રીતે મૃતકોની સંખ્યા અઢી લાખની આસપાસ હોવાનું કહેવાય છે. ગાઝા સ્ટ્રીપમાં અંદર જઈ શકાય એવી હાલત નથી તેથી હજારો મૃતદેહો બોમ્બમારાનો ભોગ બનેલી  ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. બિનસત્તાવાર આંકડાને સાચો માનીએ તો ગાઝા સ્ટ્રીપની 10 ટકાથી વધારે વસતીનો સફાયો થઈ ગયો છે. 

ઈઝરાયલ અને હમાસ સહિતનાં કટ્ટરવાદી મુસ્સિમ સંગઠનો વચ્ચે ચાલી રહેલા યુધ્ધને એક વર્ષ પૂરું થઈ ગયું છે. આ યુધ્ધનો ક્યારે અંત આવશે એ નક્કી નથી ત્યારે યુધ્ધમાં સપડાયેલાં પ્રદેશનાં લોકોમાં ભયંકર આક્રોશ છે. રાજકારણીઓ પોતાના અંહકાર અને તુચ્છ રાજકીય હિતો તેમજ સત્તાલાલસાને સંતોષવા માટે યુધ્ધને લંબાવી રહ્યા છે અને લોકોની હાલત કફોડી કરી નાંખી છે એવી લાગણી બળવત્તર બનતી જાય છે.

ઈઝરાયલમાં તો યુધ્ધના એક વર્ષ પૂરું થવા નિમિત્તે યોજાયેલી શ્રધ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નેતાન્યાહુ  ભાષણ આપતા હતા ત્યારે લોકોએ 'શેમ ઓન યુ'નાં સૂત્રો પોકારતાં નેતાન્યાહુએ ભાષણ છોડીને ભાગવું પડયું હતું. યહૂદી પ્રજા અત્યંત લડાયક મનાય છે. પોતાના દેશ પર થતા હુમલા સામે એક થઈને લડવા માટે જાણીતી પ્રજા યુધ્ધ સામે આક્રોશ ઠાલવે તેનો અર્થ એ થયો કે, યુધ્ધના નામે ચાલી રહેલી રાજરમતને પ્રજા સમજી ગઈ છે. 

હમાસ સામે ગાઝા સ્ટ્રીપમાં એવો જ ભયંકર આક્રોશ છે. લોકોના ડરથી હમાસના નેતા ગાઝા સ્ટ્રીપમાં જઈ નથી રહ્યા. ઈરાનમાં શિયા નેતા  આયાતોલ્લાહ ખામનેઈ સર્વોચ્ચ નેતા મનાય છે. હમાસે ઈઝરાયલ પર કરેલા હુમલા સાથે ઈરાનને સીધો નાહવા નિચોવવાનો સંબંધ નહીં હોવા છતાં ઈઝરાયલને પાઠ ભણાવવા ઈરાન યુધ્ધમાં કૂદી પડીને ખુવારી વહોરી રહ્યું છે તેની સામે ઈરાનમાં પણ આક્રોશ છે. ઈરાનની પ્રજા પણ સોશિયલ મીડિયા પર ખામનેઈ સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. આ આક્રોશથી ડરેલા ખામનેઈ સર્વોચ્ચ વડાપદેથી ખસી જવા વિચારી રહ્યા હોવાનું કહેવાય છે. 

ઈઝરાયલ, ઈરાન, ગાઝા સ્ટ્રીપ વગેરે ઠેકાણે લોકો ભડક્યાં છે તેનું મુખ્ય કારણ એ છે કે, શાસકો તો પોતાનાં બંકરોમાં બેસીને હુંકાર કર્યા કરે છે પણ યુધ્ધની કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યાં છે. હમાસના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસ પર હુમલો કર્યો તેમાં ૧૫૦૦ ઈઝરાયલી માર્યા ગયેલા. હમાસના આતંકવાદી લગભગ ૨૫૦ જેટલા ઈઝરાયલીઓને ઉઠાવીને લઈ ગયા હતા. 

હમાસ આટલા મોટા પાયે હુમલાનું આયોજન કરી રહ્યું હોવાની ઈઝરાયલના જાસૂસી તંત્રને ગંધ સુધ્ધાં ના આવી તેના કારણે માર્યા ગયેલા લોકોના પરિવારજનોમાં આક્રોશ હતો જ. નેતાન્યાહુ ઘોરતા રહ્યા ને હમાસ મેથી મારી ગયું. નેતાન્યાહુ હુમલાને તો રોકી ના જ શક્યા હુમલાના વરસ પછી પણ હમાસના આતંકીઓ પાસેથી ઈઝરાયલીઓને છોડાવવામાં નિષ્ફળ રહ્યા છે.  

ગાઝા સ્ટ્રીપમાં લોકોના આક્રોશનું કારણ ઈઝરાયલના હુમલાના કારણે થયેલી ભયંકર તબાહી છે. હમાસના કબજા હેઠળના ગાઝા સ્ટ્રીપમાં લોકો છેલ્લાં કેટલાંક વરસોથી શાંતિથી રહેતાં હતાં ત્યાં હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરીને આ શાંતિને ડહોળી નાંખી. ઈઝરાયલે પોતાના નાગરિકોની હત્યાનો બદલો લેવા ગાઝા સ્ટ્રીપમાં કરેલા બોમ્બ મારામાં ૪૨ હજાર લોકો માર્યા ગયાં છે. ગાઝા સ્ટ્રીપમાં ૨૨ લાખ લોકો રહેતાં હતાં. તેમાંથી ૪૨ હજાર એટલે કે લગભગ બે ટકા વસતી યુધ્ધમાં સાફ થઈ ગઈ છે. આ સત્તાવાર આંકડો છે, બાકી બિનસત્તાવાર રીતે મૃતકોની સંખ્યા અઢી લાખની આસપાસ હોવાનું કહેવાય છે. ગાઝા સ્ટ્રીપમાં અંદર જઈ શકાય એવી હાલત નથી તેથી હજારો મૃતદેહો બોમ્બમારાનો ભોગ બનેલી  ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. બિનસત્તાવાર આંકડાને સાચો માનીએ તો ગાઝા સ્ટ્રીપની ૧૦ ટકાથી વધારે વસતીનો સફાયો થઈ ગયો છે. 

મોટા ભાગના પરિવારોએ કોઈ ને કોઈ વ્યક્તિને યુધ્ધમાં ગુમાવી છે. ઈઝરાયલે જરાય દયા બતાવ્યા વિના રહેણાંક વિસ્તારો પર પણ બોમ્બમારો કર્યો તેથી મરાયેલાં લોકોમાં અડધાથી વધારે મહિલાઓ અને બાળકો છે. હજારો ઘરોમાં એવી હાલત છે કે, કોઈએ પોતાના લાડકવાયા ગુમાવ્યા છે તો કોઈ ઘરમાં માતા ગુમાવીને સંતાનો નોંધારાં થઈ ગયાં છે. 

ઈઝરાયલે એવો જબરદસ્ત બોમ્બમારો કર્યો છે કે મોટા ભાગની ઈમારતો ખંડિયેર થઈ ગઈ છે. ઈઝરાયલના સતત બોમ્બમારાના કારણે લોકો પોતાનાં તૂટયાંફૂટયાં ઘરોમાં પણ રહી શકતાં નથી તેથી અહીંતહીં ભટક્યા કરે છે. માંડ દસેક ટકા લોકો એવાં છે કે જેમની પાસે રહેવા માટે થોડીઘણી સગવડ છે. બાકી ૯ લાખ લોકો તો ખુલ્લામાં પડયાં છે ને તેમને આપવા માટે ટેન્ટ પણ નથી કે ધાબળા પણ નથી. 

આખા પ્રદેશની વસતી બેઘર થઈ ગઈ હોય એવું પહેલી વાર બન્યું છે. રોજગારીની વાત તો ભૂલી જાઓ પણ લોકો પાસે ખાવા અનાજ નથી, પીવા પાણી નથી, વીજળી નથી, શૌચ માટે ટોઈલેટ્સ પણ નથી ને માથે સતત મોત ભમી રહ્યું છે. માણસ બહાર શૌચ કરવા જાય તો પણ મોતનો શિકાર બની જાય એવી હાલત છે. 

ગાઝા સ્ટ્રીપમાં ૯૨ ટકા રોડ ખતમ થઈ ગયા છે તેથી બહારથી રાહત મોકલાય તો પણ અંદર ફસાયેલાં લોકો સુધી પહોંચી શકતી નથી. ગાઝાના ૭૦ ટકા વોટર અને સેનિટેશન પ્લાન્ટ નાશ પામ્યા છે. ગાઝામાં અત્યારે ૪ કરોડ ટન કાટમાળ પડયો છે ને તેને ક્યારે ખસેડી શકાશે એ ખબર નથી. આ કાટમાળને ખસેડવા માટે ૬૫ કરોડ ડોલર (લગભગ રૃપિયા ૫૫૦૦ કરોડ) જોઈએ અને ૧૫ વર્ષ લાગે. 

ગાઝાનાં લોકોને તબાહીમાં ધકેલીને હમાસના નેતા તો કુવૈત ને સાઉદી અરેબિયાની ફાઈવ સ્ટાર હોટલોમાં પરિવારો સાથે જલસાથી રહે છે. યુધ્ધની આકરી કિંમત પ્રજા ચૂકવી રહી છે ને નેતા અય્યાશીઓ કરી રહ્યા છે. હમાસના બે-ચાર નેતા મરાયા પણ બીજા નેતા સલામત છે તેથી લોકો ભડકે એ સ્વાભાવિક છે. 

ઈરાનમાંશું સ્થિતી છે અને આ આખા યુધ્ધમાં શું રાજરમત ચાલી રહી છે, તેના કારણે કોને ફાયદો થઈ રહ્યો છે તેની વાત આવતી કાલે કરીશું.

નેત્યાનાહૂ ભ્રષ્ટાચારના કેસોથી બચવા યુદ્ધ લંબાવી રહ્યાનો આક્ષેપ

બેન્જામિન નેત્યાનાહૂ પોતાની સામેના ભ્રષ્ટાચારના કેસોથી બચવા માટે હમાસ સામેના યુધ્ધને લંબાવી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નેત્યાનાહૂ ૧૯૯૬થી ૧૯૯૯, ૨૦૦૯થી ૨૦૨૧ અને ૨૦૨૨થી અત્યાર સુધી કુલ ૮ વાર વડાપ્રધાન બન્યા છે. નેત્યાનાહૂ સામે વડાપ્રધાન તરીકેની ચોથી અને પાંચમી ટર્મ દરમિયાન લાંચ, છેતરપિંડી અને પ્રજા સાથે વિશ્વાસઘાતના કેસો ચાલી રહ્યા છે. ઈઝરાયલ પોલીસે ૨૦૧૬ના ડીસેમ્બરમાં નેત્યાનાહૂ સામે તપાસ શરૃ કરી પછી ભ્રષ્ટાચારના પ્રાથમિક પુરાવા મળતાં કેસ ચલાવવાની ભલામણ કરી હતી. ૨૧ નવેમ્બર, ૨૦૧૯ના રોજ નેત્યાનાહૂ સામે લાંચ લેવાનો, ફ્રોડ કરવાનો આરોપ મૂકાતાં વડાપ્રધાનપદેથી રાજીનામું ધરી દેવું પડેલું. 

નેત્યાનાહૂ અને તેમનાં પત્ની સારા બે બિઝનેસમેન પાસેથી વરસોથી મોંઘીદાટ ભેટો લઈને તેમને આર્થિક ફાયદો કરાવી આપતાં હોવાન આરોપ છે. નેત્યાનાહૂ સામે કુલ ૩ કેસ છે અને કુલ ૩૩૩ સાક્ષી છે. આ પૈકી નેત્યાનાહૂની અત્યંત નજીક રહી ચૂકેલા ત્રણ સાક્ષી એવા છે કે જે પોતાની સામેના આરોપો પાછા ખેંચવાના બદલામાં નેત્યાનાહૂ સામે જુબાની આપવા તૈયાર થઈ ગયા છે. નેત્યાનાહૂની જુબાની ૨ ડીસેમ્બરથી શરૃ થવાની છે. આ કેસમાં જજ તરીકે પોતાના માણસને મૂકવામાં નેત્યાનાહૂ સફળ રહ્યા છે. જજે 'દેશનાં હિતોને ખાતર' કોર્ટ બહાર સમાધાન કરી લેવા કહ્યું છે તેથી નેત્યાનાહૂ ભ્રષ્ટાચારના કેસમાં છૂટી જાય એવો તખ્ળતો તૈયાર કરાઈ રહ્યો છે. સમાધાન થાય એ પહેલાં પોતાની સામેના ભ્રષ્ટાચારના કેસ મીડિયામાં ના ચગે એટલે નેત્યાનાહૂ યુધ્ધ લંબાવી રહ્યાનું કહેવાય છે. 

ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકા-રશિયાને ચાંદી, શસ્ત્રોનું ધૂમ વેચાણ

ઈઝરાયલ અને આરબો વચ્ચેના યુધ્ધમાં અમેરિકા અને રશિયા એ બે દેશોને ચાંદી થઈ ગઈ છે. અમેરિકા ઈઝરાયલને જ્યારે રશિયા ઈરાન તથા તેનું સમર્થન ધરાવતા આતંકવાદી સંગઠનોને શસ્ત્રો વેચીને ધૂમ કમાણી કરી રહ્યું છે. હમાસના હુમલા પહેલાં ઈઝરાયલનો દર મહિનાનો લશ્કરી ખર્ચ ૧.૮ અબજ ડોલર હતો કે જે અત્યારે વધીને ૪.૭ અબજ ડોલર થઈ ગયો છે. 

ઈઝરાયલની સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના એક વર્ષમાં યુધ્ધ પાછળ ૨૭.૫ અબજ ડોલર ખર્ચ્યા હતા. એપ્રિલ પછી ઈરાન પણ યુધ્ધમાં કૂદતાં આ ખર્ચ બહુ વધી ગયો છે. આ વર્ષેે ઈઝરાયલનો યુધ્ધનો ખર્ચ ૬૦ અબજ ડોલરને પાર થઈ જશે એવું મનાય છે. આ પૈકી મોટા ભાગનાં નાણાં અમેરિકાના ખિસ્સામાં જાય છે કેમ કે અમેરિકા ઈઝરાયલને શસ્ત્રો પૂરાં પાડી રહ્યું છે. યુધ્ધના કારણે ઈઝરાયલના અર્થતંત્રને આગામી દાયકામાં ૫૦૦ અબજ ડોલરનો ફટકો પડશે. ઈઝરાયલની જીડીપી ૫૪૭ અબજ ડોલર છે એ જોતાં એક વર્ષની જીડીપી યુધ્ધમાં ધોવાઈ જશે. 

ઈરાન પણ યુધ્ધ પાછળ મહિને ૪ અબજ ડોલરની આસપાસ ખર્ચે છે ને આ રકમ રશિયા પાસે જાય છે.  ઈઝરાયલ અને ઈરાન બંને અત્યારે તેમની જીડીપીના ૫ ટકાથી વધારે રકમ યુધ્ધ અને લશ્કરી ખર્ચ પાછળ નાંખી રહ્યાં છે. યુક્રેન જીડીપીના ૩૭ ટકા યુધ્ધ પાછળ ખર્ચે છે. તેના સિવાય બીજો કોઈ દેશ યુદ્ધ અને લશ્કર પાછળ આટલી રકમ નથી ખર્ચી રહ્યો.

News-Focus

Google NewsGoogle News