પુતિનને જીવલેણ રોગ કે ઝેલેન્સ્કીએ હત્યાના કાવતરાના વટાણા વેર્યા?
- પુતિનની તબિયત લથડી ગઈ હોવાની વાતો નવી નથી. આ પ્રકારની વાતો લાંબા સમયથી ચાલે છે ને થોડા સમય પહેલાં તો પુતિન ગુજરી ગયા હોવાની વાત પણ ચાલી હતી
- પશ્ચિમના મીડિયામાં તો એવા અહેવાલ પણ છપાયા છે કે, મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના સર્જન યેવજેની સેલિવાનોવ પુતિનની સારવાર કરવા બ્લેક સીના કિનારે આવેલા પુતિનના મહેલમાં નિયમિત રીતે જાય છે. એક રીપોર્ટમાં દાવો કરાયેલો કે, પુતિન સાયકોસિસનો શિકાર છે. સાયકોસિસમાં વ્યક્તિ વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. સાયકોસિસના રોગીને વાસ્તવિકતા શું છે તે જ ખબર પડતી નથી અને અલગ જ દુનિયામાં રહે છે. પુતિન પણ વાસ્તવિકતા ભૂલીને પોતે સર્વસત્તાધીશ અને આખી દુનિયાના ભાગ્યવિધાતા હોય એ રીતે વર્તી રહ્યા છે એવું પશ્ચિમનું મીડિયા કહે છે. પુતિનના અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધો રહ્યા છે અને કદાચ હજુય છે. આ કારણે પુતિન કોઈ ભયંકર ગુપ્ત રોગનો શિકાર બન્યા હોવાની વાતો પણ ચાલ્યા કરે છે.
રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવાની મથામણ વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ ધડાકો કર્યો છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની તબિયત લથડી ગઈ છે અને પુતિન બહુ જલદી પ્રભુને પ્યારા થઈ જવાના છે. મતલબ કે, ગુજરી જવાના છે. ઝેલેન્સકીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પુતિનના મોત સાથે જ રશિયા-યુક્રેનના યુધ્ધનો પણ અંત આવી જશે.
ઝેલેન્સ્કીના દાવા પ્રમાણે તો પુતિન તેમના અંતિમ શ્વાસ સુધી સત્તામાં રહેવા માંગે છે અને તેમની મહત્વકાંક્ષા માત્ર યુક્રેન પર કબજો કરવા પૂરતી મર્યાદિત નથી પણ આખા પશ્ચિમ સાથે જંગ કરીને યુરોપ પર કબજો કરવાની છે. પશ્ચિમ એટલે કે વેસ્ટમાં આવેલા દેશોમાં યુરોપ અને અમેરિકાના દેશો આવે છે તેથી પુતિનનો ડોલો અમેરિક-યુરોપના દેશો સામે જંગ છેડવાનો છે એવું ઝેલેન્સ્કીનું કહેવું છે.
ઝેલેન્સ્કીએ પુતિન ખરાબ તબિયતના કારણે ગુજરી જવાના છે એવું કહ્યું પણ પુતિનને શું રોગ છે, આ રોગ કેટલો ભયંકર છે અને ક્યા આધારે પોતે પુતિન લાંબું નહીં ખેંચે એવો દાવો કરે છે તેનો ફોડ નથી પાડયો તેથી પુતિનની તબિયતના મામલે અફવાઓનું બજાર ગરમ છે. મીડિયા અને સોશિયલ મીડિયામાં પુતિનને પાર્કિન્સન્સ ડીસીઝ કે કેન્સર જેવો જીવલેણ રોગ હોવાનાં પડીકાં ફરતાં થઈ ગયાં છે.
પુતિનની તબિયત લથડી ગઈ હોવાની વાતો નવી નથી. આ પ્રકારની વાતો લાંબા સમયથી ચાલે છે ને થોડા સમય પહેલાં તો પુતિન ગુજરી ગયા હોવાની વાત પણ ચાલી હતી પણ પછી પુતિન સદેહે હાજર થતાં આ વાતોની હવા નિકળી ગઈ હતી. એ પહેલાં પણ પુતિનને કેન્સર અને પાર્કિન્સન જેવી બીમારીઓ હોવાના દાવા કરાયા છે.
પશ્ચિમના મીડિયામાં તો એવા અહેવાલ પણ છપાયા છે કે, મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના સર્જન યેવજેની સેલિવાનોવ પુતિનની સારવાર કરવા બ્લેક સીના કિનારે આવેલા પુતિનના મહેલમાં નિયમિત રીતે જાય છે. બે વર્ષ પહેલાં આ અહેવાલ આવ્યો ત્યારે દાવો કરાયેલો કે, થાઇરોઇડ કેન્સરના નિષ્ણાત સેલિવાનોવ ૩૫ વખત પુતિનને ટ્રીટમેન્ટ માટે ગયા છે. પુતિનને થાઇરોઇડ કેન્સર ઉપરાંત પીઠના અસહ્ય દુઃખાવાની હોવાની અફવા અવારનવાર આવતી રહી છે.
એક રીપોર્ટમાં તો દાવો કરાયેલો કે, પુતિન સાયકોસિસનો શિકાર છે. સાયકોસિસ અને ન્યુરોસિસ બંને માનસિક રોગ છે. ન્યુરોસિસ હળવી માનસિક વિકૃત્તિ મનાય છે કે જેમાં એન્ઝાઈટી સહિતનાં લક્ષણો જોવા મળે છે. સાયકોસિસ એ પછીનું સ્ટેજ છે કે જેમાં વ્યક્તિ વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. સાયકોસિસના રોગીને વાસ્તવિકતા શું છે તે જ ખબર પડતી નથી અને અલગ જ દુનિયામાં રહે છે.
પુતિન પણ વાસ્તવિકતા ભૂલીને પોતે સર્વસત્તાધીશ અને આખી દુનિયાના ભાગ્યવિધાતા હોય એ રીતે વર્તી રહ્યા છે એવું પશ્ચિમનું મીડિયા કહે છે. પુતિનના અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધો રહ્યા છે અને કદાચ હજુય છે. આ કારણે પુતિન કોઈ ભયંકર ગુપ્ત રોગનો શિકાર બન્યા હોવાની વાતો પણ ચાલ્યા કરે છે.
રશિયા આ બધી વાતોને નકારતું રહે છે. રશિયનોમાં ડર પેદા કરવા તથા પુતિનની ઈમેજ બગાડવા માટે અમેરિકા સહિતના પશ્ચિમના દેશો આ બધાં જૂઠાણાં ફેલાવ્યા કરે છે એવો રશિયાનો દાવો છે. પુતિન લાંબું નથી જીવવાના એવી વાતો કરીને પશ્ચિમના દેશો રશિયનોને પુતિન સામે બગાવત માટે ઉશ્કેરી રહ્યા છે એવું પણ રશિયા માને છે.
પુતિન જાહેરમાં જે રીતે વર્તે છે એ જોતાં રશિયાની વાતોમાં દમ લાગે છે. છેલ્લા લગભગ એક દાયકાથી પુતિનની તબિયત ખરાબ હોવાની વાતો ચાલ્યા કરે છે પણ પુતિન અડીખમ છે. એકદમ લાલ ટામેટા જેવા અને મિલિટરી ઓફિસર જેવી અક્કડ ચાલે ચાલતા પુતિનને જાહેરમાં જોયા પછી તો તેમને નખમાં પણ રોગ હોય એવું ના લાગે. પુતિન આજ સુધી જાહેરમાં કદી બોલતાં થોથવાયા નથી કે લથડયા નથી. જેની તબિયત ખરાબ હોય તેની કેવી હાલત થાય તેનું જીવતું જાગતું ઉદાહરણ જો બિડેન છે.
જો બિડેન અમેરિકાના પ્રમુખ હતા ત્યારે વારેઘડીએ બધું ભૂલી જતા હતા. ક્યારેક પોતાની આસપાસ કોઈ ના હોય એ રીતે ખોવાઈ જતા ને જગાડવા પડતા. વિદેશી વડાઓને ભળતાં નામે જ સંબોધન કરી દેતા ને બીજા ઘણા લોચાલાપસી કરી નાંખતા હતા. પુતિનના કિસ્સામાં કદી એવું થયું નથી. બલ્કે ત્રણેક મહિના પહેલાં જ પુતિને મોસ્કોમાં પોતાની સત્તાવાર ઓફિસ ક્રેમલિનમાં બેસીને સળંગ ૫ કલાક સુધી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પુતિન દર વરસના છેલ્લા દિવસોમાં મેરેતોન પ્રેસ કોન્ફરન્સ કરે છે ને ત્રણ-ચાર કલાક સુધી પત્રકારોના સવાલોના જવાબ આપે છે. આ વખતે પુતિને લગભદ ૫ કલાક સુધી જરાય થાક્યા વિના મીડિયાના સવાલોના જવાબ આપ્યા. બિમાર વ્યક્તિ આ રીતે જવાબો ના આપી શકે એ જોતાં પુતિનની તબિયત વિશેની વાતો માની શકાય એવી નથી.
નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે, પુતિનને કોઈ જીવલેણ રોગ છે જ નહીં પણ યુરોપના દેશો પોતાના પરના ખતરાને ટાળવા માટે પુતિનને પતાવી દેવા માગે છે. અમેરિકા પણ તેમાં સાથ આપી રહ્યું છે પણ ટ્રમ્પ સારા દેખાવા માટે શાંતિની વાતો કરી રહ્યા છે. ઝેલેન્સ્કી નશેડી છે ને હંમેશાં ડ્રગ્સના નશામાં જ હોય છે. ડ્રગ્સના નશામાં જ તેણે વટામા વેરી દીધા ને પુતિન જલદી મરી જવાના છે એવો બફાટ કરી દીધો.
આ વાતમાં કેટલો દમ છે એ ખબર નથી કેમ કે ઝેલેન્સ્કી ડ્રગ્સ એડિક્ટ છે એવી વાતો પણ અમેરિકાના જૂઠાણાંનો જ એક ભાગ છે.
પુતિનની ખરાબ તબિયતનો વીડિયો એઆઈથી બનાવાયાની શક્યતા
પુતિનને પાર્કિન્સન ડીસિઝ હોવાનો દાવો કરનારાંએ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ કર્યો છે. આ ફોટોમાં પુતિન રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ સાથેની વાતચીત દરમિયાન ટેબલનો એક ખૂણો પકડીને બેઠેલા દેખાય છે. આ ફોટો ૨૦૨૨માં થયેલી સોઈગુ-પુતિનની ૧૨ મિનિટની વાતચીતના વીડિયોમાંથી લેવાયો છે. વીડિયોમાં પુતિનના વર્તન અંગે છ બાબતો તરફ ધ્યાન દોરાયું છે.
પહેલી બાબત એ કે, પુતિન ખુરશીમાં બિમાર માણસ હોય તેમ સાવ ઢીલાઢાલા થઈને બેઠા છે. એકદમ લશ્કરી મિજાજના પુતિન જાહેરમાં હંમેશાં એકદમ ટટ્ટાર બેઠેલા જોવા મળે છે પણ આ તસવીરમાં એ પુતિન નથી દેખાતા. બીજી બાબત એ કે, મોં અને ગળા પર પુતિનની ચામડી લબડી ગયેલી છે. ત્રીજી બાબત એ કે, પુતિન સર્ગેઈને સામે મૂકેલા ટીવીમાંથી વાંચી વાંચીને સૂચનાઓ આપે છે. ચોથી બાબત એ કે, પુતિન બોલતાં બોલતાં વારંવાર થોથવાય છે. પાંચમી બાબત એ કે, તેમના પર સતત ધૂ્રજ્યા કરે છે. છઠ્ઠી બાબત એ કે. આખા ૧૨ મીનિટના વીડિયોમાં પુતિન સતત ટેબલનો ખૂણો પકડીને બેઠા છે કે જેથી હાથની ધ્રુજારીને છૂપાવી શકાય.
બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ૨૦૨૨ની બેઠકમાં પણ પુતિન ખુરશીને જમણા હાથથી ચુસ્તપણે પકડી રાખી હતી. પુતિન જમણા પગને વારંવાર ઉપર અને નીચે ખસેડી રહ્યો હતો. એક્સપર્ટ્સનું કહેવું છે કે, પુતિન પોતાના હાથની ધ્રુજારી રોકવા માટે ખુરશીને ચુસ્તપણે પકડી રાખતા હતા.
જો કે પુતિનનો વીડિયો સાચો જ છે એવું છાતી ઠોકીને ના કહી શકાય. આ વીડિયો એઆઈ દ્વારા બનાવાયો હોવાની શક્યતા પણ છે.
હિટલર પણ પાર્કિન્સન્સ ડીસિઝનો શિકાર, રોગનો કોઈ ઈલાજ નથી
પુતિનને થયેલો પાર્કિન્સન્સ ડીસીઝ ૧૯૩૩થી ૧૯૪૫ સુધી નાઝી જર્મનીના ચાન્સેલર અને સરમુખત્યાર હિટલરને પણ હતો એવું કહેવાય છે. પાર્કિન્સન્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને લગતો રોગ છે. પાકન્સન રોગ એક પ્રકારની મગજને લગતી બીમારી છે. પાર્કિન્સન્સનો ભોગ બનેલી વ્યક્તિને સતત હાથમાં ધ્રુજારી આવ્યા કરે છે. ચાલવામાં મુશ્કેલી, શરીરમાં કંપન, જડતા, સંકલન અને સંતુલનની સમસ્યા પણ થાય છે તેથી વ્યક્તિ સામાન્ય રીતે વર્તી શકતી નથી. આ સમસ્યાનો કોઈ ઉપાય નથી, મોત જ તેનો અંત છે.
હિટલરે પોતે ગુજરી જ જવાનો છે તેથી દુનિયા પણ ભાડમાં જાય એમ સમજીને વિશ્વને બીજા વિશ્વ યુધ્ધ તરફ ધકેલી દીધું હતું. પાકન્સન્સથી પીડિત હિટલરે ૩૦ એપ્રિલ, ૧૯૪૫ના રોજ બર્લિનના ફુહરરબંકરમાં માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. હિટલરની લાંબા સમયની પ્રેમિકા ઈવા બ્રાઉને પણ સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી. બીજા દિવસે, ૧ મેના રોજ જર્મન રેડિયો પર હિટલરના મૃત્યુના સમાચારની જાહેરાત કરવામાં આવી હતી.
પુતિન પણ એ જ રસ્તો અપનાવી રહ્યા છે એવું પશ્ચિમના નિષ્ણાતો કહે છે. તેમનું કહેવું છે કે, પુતિન કોઈ પણ સંજોગોમાં યુધ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી. બલ્કે યુરોપને પણ યુધ્ધમાં ઢસડવાના પ્રયત્નો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના વોલોદીમિર ઝેલેન્સ્કીને યુધ્ધવિરામ માટે તૈયાર કરી દીધા પણ પુતિન નવી નવી શરતો મૂક્યા કરે છે તેથી યુધ્ધ અટકતું જ નથી.