વર્લ્ડ હેરિટેજ સાઈટ સેડો માઈન્સનો શોષણ, સેક્સ સ્લેવરીનો ઈતિહાસ
- જાપાને કોઇને છોડયા ન હતા : લાખો ટીનેજર્સ છોકરીઓ અને યુવતીઓને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજારવામાં આવતા હતા
- કોરીયન મજૂરો ભાગી ના જાય એટલે જાપાનીઓ કોરીયનોને પરિવાર સાથે ઉઠાવીને લાવતા. પુરૂષોને ખાણમાં મજૂરી માટે મોકલી દેવાતા અને તેમની યુવાન પત્નીઓને સેક્સ સ્લેવ તરીકે રાખીને અધિકારીઓઓનાં ઘરનાં કામ કરવાની સાથે સાથે અધિકારીઓ સાથે સેક્સ માણવા સુધીનું બધું કરવું પડતું. સેડો માઈન્સ તો જાપાને કોરીયનો પર ગુજારેલા અત્યાચારોનું એક નાનું પ્રકરણ છે. બાકી આપણે થથરી જઈએ એવી બહુ કથાઓ છે. જાપાને કોઈન છોડયાં નહોતાં. લાખો ટીનેજર છોકરીઓ અને યુવતીઓને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજારેલા ને કોરીયાનાં નાનાં નાનાં બાળકો પાસે જાપાનની ફેક્ટરીઓમાં બળજબરીથી મજૂરી પણ કરાવી હતી.
લાંબા વિવાદ પછી અંતે જાપાનની સેડો માઈન્સને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેની માન્યતા મળી ગઈ. જાપાનના સેડો ટાપુ પર આવેલી સોના-ચાંદીની ખાણોમાં અઈકાવા ખાણ સૌથી મોટી હતી.
૩૧ માર્ચ, ૧૯૮૯ સુધી જાપાન આ ખાણોમાંથી સોનું-ચાંદી કાઢતું હતું. જાપાને ૧૯૯૪માં સેડો માઈન્સને નેશનલ હિસ્ટોરિક સાઈટ ઓફ જાપાન જાહેર કરીને માઈન્સના પ્રવેશદ્વાર પાસે મ્યુઝીયમ બનાવી દીધું હતું. ૨૦૧૦માં જાપાને સેડો માઈન્સને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવાની માગ કરી હતી પણ દક્ષિણ કોરીયાના વિરોધને કારણે કોકડું ગૂંચવાઈ ગયું હતું.
કોરિયાની માગ હતી કે, જાપાન સેડો માઈન્સમાં કોરીયનો પર ગુજારાયેલા અત્યાચારોનો સ્વીકાર કરે તો જ વિરોધ પાછો ખેંચશે. યુનેસ્કોની કમિટીમાં દક્ષિણ કોરીયા સભ્ય હોવાથી તેની સહમતિ વિના વર્લ્ડ હેરિટેજ સાઈટનું ટેગ શક્ય નહોતું. લાંબી રકઝક પછી અંતે જાપાન તેના માટે અંશતઃ તૈયાર થયું છે. સેડો માઈન્સ મ્યુઝિયમમાં એક વિભાગ કોરીયન કામદારોને સમર્પિત હશે અને માઈન્સના શાફ્ટ વિભાગમાં કોરીયનોને મોતના ખતરા વચ્ચે ધકેલાતા હતા એવું દર્શાવાશે. દર વરસે ગુજરી ગયેલા કામદારો માટે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાશે. જાપાનની ખાતરી પછી દક્ષિણ કોરીયાએ વાંધો પાછો ખેંચતાં યુનેસ્કોએ સેડો માઈન્સને વર્લ્ડ હેરિટજ સાઈટ જાહેર કરી દીધી.
કોરીયાની સરકાર ભલે મની ગઈ પણ કોરીયાનાં ઘણાં સંગઠનો હજુય વિરોધ કરી રહ્યાં છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ગાજી રહ્યો છે.
આ વિરોધ વ્યાજબી પણ છે કેમ કે જાપાને ૧૯૧૦થી ૧૯૪૫ સુધી કોરીયા પર કબજો હતો ત્યારે અમાનવીય અત્યાચારો ગુજારેલા અને કોરીયનોનું અકલ્પનિય હદે શોષણ કરેલું. સેડો માઈન્સનો ઈતિહાસ પણ શોષણ અને અત્યાચારોથી ભર્યો પડયો છે.
સેડો માઈન્સમાંથી સત્તરમી સદીથી સોનું અને ચાંદી કઢાતાં હતાં પણ જાપાન દુનિયાને અંદર શું ચાલી રહ્યું છે તેની ખબર જ નહોતું પડવા દેતું. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના મોટા ભાગના યુવકોને યુદ્ધના મોરચે મોકલવા પડયા તેથી મજૂરોની અછત પડતાં જાપાને કોરીયાથી લોકોને લાવવા પડયા. જાપાનીઓ શરૂઆતમાં ૧૨૦૦ જેટલા કોરીયનોને પરિવારો સાથે ઉઠાવી લાવેલા અને બળજબરીથી મજૂર બનાવીને દિવસમાં ૧૪-૧૫ કલાક કામ કરાવતા. આ કામદારોને બદલામાં સાવ નગણ્ય રકમ અપાતી. તેમને પૂરતું ખાવાનું નહોતું અપાતું ને એક પણ દિવસની રજા નહોતી અપાતી. આ રીતે હજારો મજૂરો પાસે ૧૯૩૯થી ૧૯૪૫ સુધી છ વર્ષ લગી કામ કરાવાયેલું.
જાપાન પહેલી વાર કોરીયાથી મજૂરોને લાવ્યું ત્યારે ૧૨૦૦માંથી ૬૦૦થી વધારે મજૂરો ભાગી ગયેલા. કોરીયન મજૂરો ભાગી ના જાય એટલે બીજી વાર કોરીયનોને પરિવાર સાથે ઉઠાવીને લવાયેલા. મોટા ભાગનાં યંગ કપલ હતાં કે જેમાંથી પુરૂષોને ખાણમાં મજૂરી માટે મોકલી દેવાતા અને તેમની યુવાન પત્નીઓને ખાણના અધિકારીઓના ઘરે કામ કરવા મોકલાતી.
સેક્સ સ્લેવ તરીકે રખાતી યુવતીઓએ ઘરનાં કામ કરવાની સાથે અધિકારીઓ સાથે સેક્સ માણવા સુધીનું બધું કરવું પડતું. જાપાને મિલિટરી બ્રોધેલ્સમાં 'કમ્ફર્ટ વીમેન' રખાતી તેનો સ્વીકાર કર્યો પણ ખાણોમાં કામ કરતા કામદારોની પત્નીઓ કે ટીનેજર દીકરીઓનું પણ શોષણ કરાયું તેનો કદી સ્વીકાર ના કર્યો.
સેડો માઈન્સ તો જાપાને કોરીયનો પર ગુજારેલા અત્યાતારોનું એક નાનું પ્રકરણ છે. આપણે થથરી જઈએ એવી બહુ કથાઓ છે.
જાપાને કોઈન છોડયાં નહોતાં. લાખો ટીનેજર છોકરીઓ અને યુવતીઓને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજારેલા ને કોરીયાનાં નાનાં નાનાં બાળકો પાસે જાપાનની ફેક્ટરીઓમાં બળજબરીથી મજૂરી પણ કરાવી હતી. ૧૯૧૦થી ૧૯૪૫ દરમિયાન કોરીયામાં જાપાનનું શાસન હતું ત્યારે જાપાને કોરીયામાં સેંકડો ફેક્ટરીઓ નાંખેલી. આ ફેક્ટરીઓમાં આઠ-દસ વર્ષનાં બાળકો પાસે કાળી મજૂરી કરાવાતી હતી. માત્ર દિવસમાં એક વાર ખાવાનું આપવાના બદલામાં ૧૦-૧૦ કલાક કામ કરાવાતું.
બીજા વિશ્વયુધ્ધમાં હારી ગયા પછી જાપાને કોરીયા છોડવું પડયું ત્યાં સુધીમાં આ બાળકોનો વર્તમાન અને ભવિષ્ય બંને બરબાદ થઈ ગયાં હતાં. દક્ષિણ કોરીયા અને જાપાન વચ્ચે ૧૯૬૫માં કરાર થયા ત્યારે આ મુદ્દો ઉઠાવાયેલો પણ જાપાને હાથ અધ્ધર કરી નાંખેલા. અમેરિકા જાપાનની પડખે હતું તેથી કોરીયાને દબાવીને ૧૯૧૦થી ૧૯૪૫ સુધીના જાપાનના શાસન હતું ત્યારે થયેલી તમામ સમસ્યાઓ ઉકેલાઈ ગઈ હોવાના કરાર પર સહી કરાવી લીધી. તેના કારણે જાપાને ના બાળમજૂરોને વળતર આપ્યું કે ના 'કમ્ફર્ટ વીમેન' માટે કશું કર્યું.
હજુ કોરીયામાં જાપાનના અત્યાચારોના અવશેષ જેવા ૧૩૦૦ લોકો જીવે છે. કોરીયાની સરકારે પોતાની કંપનીઓ પાસેથી નાણાં લઈને આ બચી ગયેલા બાળમજૂરોને વળતર આપ્યું હતું. એ વખતે કોરીયામાં પ્લાન્ટ ધરાવતી જાપાનની કંપનીઓએ કોઈ પણ યોગદાન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધેલો.
જાપાને કદી આ અત્યાચારો અને શોષણ માટે માફી ના માગી. હિટલરના શાસન વખતે ઘણી જર્મન કંપનીઓએ પરાણે નાઝી વિચારધારાને સાથ આપેલો. અમેરિકાની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની એરિટાએ બ્લેક ગુલામ ગુજરી જાય ત્યારે તેના વિમાની રકમ તેમના ગોરા માલિકોને ચૂકવાતી એ માટે માફી માગી પણ જાપાને કદી કશું ખોટું કરાયું હોવાનો સ્વીકાર નથી કર્યો.
જાપાન અત્યારે બિલકુલ અલગ દેશ છે તેનો ઈન્કાર ના થઈ શકે. જાપાન દુનિયાભરના દેશોને મદદ કરે છે, ભૂતકાળમાં કરેલાં પાપોનું પ્રાયશ્ચિત કરીને માનવીય અભિગમ બતાવે છે એ બધું સાચું પણ તેના કારણે ઈતિહાસ નથી બદલાતો.
- કોરીયન 'કમ્ફર્ટ વુમન'એ દિવસમાં ૨૦ જાપાનીઓ સાથે સેક્સ માણવું પડતું
જાપાને કોરીયનો પર બહુ અત્યાચારો ગુજાર્યા હોવાના આક્ષેપો થાય છે. આ પૈકી કોરીયન ટીનેજર છોકરીઓ અને યુવતીઓને જાપાનના સૈનિકો સાથે સેક્સની ફરજ પાડીને 'કમ્ફર્ટ વીમેન' તરીકે ઉપયોગ કરાતો એ સહિતના ઘણા આક્ષેપો સાચા હોવાનું જાપાને સ્વીકાર્યું છે. બીજા વિશ્વયુધ્ધ વખતે જાપાનના સૈનિકો સાથે સેક્સ માણનારી છોકરીઓ-યુવતીઓ 'કમ્ફર્ટ વીમેન' કહેવાતી. 'કમ્ફર્ટ વીમેન'ની તકલીફોનો જાપાને સ્વીકાર કર્યો પણ બીજી લાખો યુવતીઓ મિલિટરી બ્રોધેલ્સની બહાર જાપાનીઓની હવસનો શિકાર બનેલી એ વાત જાપાને કદી ના સ્વીકારી.
દક્ષિણ કોરીયા પર જાપાનનો કબજો હોવાથી દક્ષિણ કોરીયામાં મિલિટરી બ્રોધેલ્સ બનાવીને ૧૫ વર્ષથી માંડી માંડીને ૨૫ વર્ષ સુધીની છોકરીઓને ઉઠાવી લાવીને 'કમ્ફર્ટ વીમેન' બનાવી દેવાતી. તેમને પરાણે સૈનિકો સાથે સેક્સની ફરજ પડાતી. બદલામાં નાણાં અપાતાં પણ એ રકમ નગણ્ય હતી. 'કમ્ફર્ટ વીમેન'ને દિવસમાં વીસ-વીસ સૈનિકો સાથે સેક્સની ફરજ પડાતી. સૈનિક કહે ત્યારે તેની સાથે સેક્સ માણવું પડતું. સેક્સ દરમિયાન અમાનવીય અત્યાચારો કરાતા. કોરીયાનાં બ્રોધેલ્સમાં ચીન, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, તાઈવાન વગેરે દેશોની યુવતીઓને પણ રખાયેલી પણ સૌથી વધારે કોરીયન છોકરીઓ હતી. કોરીયામાથી લગભગ ૨ લાખ જેટલી યુવતીઓને બળજબરીથી રખાયેલી. મોટા ભાગની 'કમ્ફર્ટ વીમેન' ગંભીર જાતિય રોગોનો ભોગ બનીને વિશ્વયુધ્ધ પતતાં સુધીમાં જ મરી ગયેલી પણ બચી ગયેલી મોટા ભાગની 'કમ્ફર્ટ વીમેન'ને પરિવાર અપનાવવા તૈયાર નહોતા. હજારો 'કમ્ફર્ટ વીમેન' પ્રેગનન્ટ હતી. સંતાનોને ઉછેરવા તેમની પાસે કોઈ આવક નહોતી તેથી તેથી તેમણે બાકીની જીંદગી સેક્સ વર્કર તરીકે પસાર કરવી પડી.
- સેડો માઈન્સના કારણે જાપાન બીજા વિશ્વયુધ્ધ પછી ઝડપથી બેઠું થયું
સેડો માઈન્સમાંથી અત્યાર સુધીમાં કેટલું સોનું અને ચાંદી કાઢયાં તેના આંકડા જાપાને કદી બહાર નથી પાડયા પણ વરસે ૧૫૦૦ કિલો સોનું અને ૨૫ ટન ચાંદી કાઢતું હોવાનું કહેવાય છે. જાપને માત્ર એક વાર આ આંકડો બહાર પાડેલો પણ દુનિયાના દેશોનું માનવું છે કે, જાપાન તેના કરતાં અનેક ગણું વધારે સોનું અને ચાંદી સેડો માઈન્સમાંથી કાઢતું હશે. જાપાને જાહેર કરેલા આંકડાને સાચો માનીને આજના ભાવના હિસાબે ગણો તો વરસે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું સોનું અને ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની ચાંદી થઈ.
સેડો માઈન્સ લગભગ ૪૦૦ વર્ષ સુધી ધમધમતી હતી એ જોતાં જાપાન તેમાંથી અબજો રૂપિયા કમાયું છે. સેડો માઈન્સની ટનલ કુલ મળીને લગભગ ૪૦૦ કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ પૈકી શરૂઆતનો લગભગ ૩૦૦ મીટર ભાગ સામાન્ય પ્રજા માટે ખોલીને મ્યુઝીયન બનાવાયું છે. સેડો માઈન્સનો ઈતિહાસ અને માઈન્સ કઈ રીતે કામ કરતી તેની વિગતોનું પ્રદર્શન મ્યુઝીયમમાં કરાયું છે.
સેડો માઈન્સ જાપાનની સમૃધ્ધિ માટે જવાબદાર ગણવામાં આવે છે. જાપાન બીજા વિશ્વયુધ્ધમાં ભારે ખુવારી પછી પણ થોડાંક વરસોમાં ફરી બેઠું થઈ ગયું તેનું કારણ સેડો માઈન્સનાં સોના-ચાંદી હતાં એવું કહેવાય છે. દુનિયાની ઈકોનોમીમાં એ વખતે સોનું કેન્દ્રસ્થાને હતું. જાપાન પાસે ભૂતકાળનું સોનું હતું જ. વધારામાં સેડો માઈન્સમાંથી દર વરસે સોનું નિકળ્યા કરતું. આ સોનુ વેચીને ઉભી કરેલી મૂડીમાંથી જાપાનનું નવનિર્માણ થયું.