એન્જિનિયરિંગ પ્રત્યે વિદ્યાર્થીઓનો મોહભંગ થઇ રહ્યો છે
- ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના આંકડા અનુસાર એન્જિનિયરિંગની બેઠકોમાં છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો ઘટાડો
- એન્જિનિયરિંગનો વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ અને લાખો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ ગુણવત્તાભર્યું શિક્ષણ ન મળતું હોય અને ડિગ્રી હાથમાં આવ્યા બાદ પણ રોજગાર ન મળતો હોય ત્યારે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગથી મોઢું ફેરવવા લાગે એ સ્વાભાવિક છે
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના આંકડા દ્વારા બહાર આવ્યું છે કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સ્તરે એન્જિનિયરિંગની બેઠકો ઘટીને ૨૩.૨૮ લાખ થઇ ગઇ છે જે છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછી છે. અનેક એન્જિનિયરિંગ ઇન્સ્ટીટયૂટો બંધ થઇ રહી છે અને આ વર્ષે ૧.૪૬ લાખ બેઠકોનો ઘટાડો થાય એવું અનુમાન છે.
એવું લાગે છે કે એક સમયે યુવાનોમાં સૌથી આકર્ષક કેરિયર રહેલું એન્જિનિયરિંગ હવે પોતાની ચમક ખોઇ રહ્યું છે. દેખીતું છે કે વિદ્યાર્થીઓ હવે એન્જિનિયરિંગથી મોઢું ફેરવી રહ્યાં છે.
વર્ષ ૨૦૧૪-૧૫માં એન્જિનિયરિંગ ટોચે હતું ત્યારે દેશભરમાં માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં એન્જિનિયરિંગની આશરે ૩૨ લાખ બેઠકો હતી. એન્જિનિયરિંગમાં પડતીનો દોર સાત વર્ષ પહેલા શરૂ થયો અને એ પછી માંગ ન હોવાના કારણે અનેક એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવાની નોબત આવી.
વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે આશરે ૫૧૮ એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવી પડી. હકીકતમાં ૨૦૧૫થી દર વર્ષે આશરે ૫૦ એન્જિનિયરિંગ સંસ્થાઓ બંધ થઇ રહી છે.
આ વર્ષે પણ ૬૩ એન્જિનિયરિંગ ઇન્સ્ટીટયૂટો બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એન્જિનિયરિંગનો મોહ ઘટવાનું કારણ નોકરી ન મળવી છે.
એઆઇસીટીઇના રિપોર્ટ અનુસાર ૨૦૧૯માં માત્ર ૬ લાખ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટોને નોકરી મળી હતી. એ પછી કોરોનાકાળમાં તો નોકરી મળવામાં મોટો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા થોડા વર્ષોથી એન્જિનિયરિંગના શિક્ષણમાં રહેલી પાયાની ખામીઓ બહાર આવવા લાગી છે. નવી ટેકનિકો અને શિક્ષણ પદ્ધતિમાં આવી રહેલા બદલાવો સાથે સંસ્થાઓ તાલ મિલાવી શકતી નથી.
દેશના નવનિર્માણનો રોડમેપ પણ મોજૂદ નથી. એક રિપોર્ટ અનુસાર દેશના ૮૦ ટકાથી વધારે એન્જિનિયરો આજની કૌશલ્ય કેન્દ્રીય અર્થવ્યવસ્થામાં નોકરીને લાયક નથી.
ભારતમાં એકથી વધારે ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૭ ટકા છે જ્યારે ૪૦ ટકા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માત્ર એક ઇન્ટર્નશીપ કરે છે. માત્ર ૩૬ ટકા પોતાના કોર્સથી આગળ વધીને કોઇ પ્રોજેક્ટ કરે છે. પરિણામ એ છે કે જુદાં જુદાં પ્રકારની સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા જ તેઓ કેળવી શકતા નથી.
કોલેજોમાં વ્યવહારુ જ્ઞાાન ઓછું આપવામાં આવે છે અને સૈદ્ધાંતિક માહિતીના બોજથી વિદ્યાર્થીને લાદી દેવામાં આવે છે. એન્જિનિયરિંગના વિષયો ભણાવતા શિક્ષકો પાસે પણ પોતાના ક્ષેત્રને લગતું જ્ઞાાન મર્યાદિત છે.
માત્ર ૪૭ ટકા વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી પર વાત કરી શકે છે. બાકીના માત્ર પુસ્તકિયું જ્ઞાાન ગોખીને પરીક્ષા પાસ કરી લે છે. છેલ્લા એક દોઢ દાયકામાં દેશમાં એન્જિનિયરિંગ કોલેજોનો રાફડો ફાટયો જેમાં શિક્ષણ ઓછું અને તગડી ફી વસુલવામાં આવી. મોટી ફી લઇને પણ શિક્ષણનું સ્તર સુધારવા પર આ સંસ્થાઓએ ધ્યાન ન આપ્યું.
મોટા ભાગના માબાપો પોતાના સંતાનોને ડોક્ટર-એન્જિનિયર બનાવવાના સપના સેવતા હોય છે પરંતુ દેશમાં એન્જિનિયર બનાવતી સંસ્થાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે તે વિદ્યાર્થીઓને યોગ્ય એન્જિનિયર બનાવવામાં સક્ષમ નથી.
આમ તો અવારનવાર વિદેશોમાં ભારતીય એન્જિનિયરોની માંગ હોવાની ખબરો આવતી રહી છે તેમ છતાં હકીકત એ છે કે દેશની અનેક એન્જિનિયરિંગ કોલેજોમાંથી નીકળતા એન્જિનિયરો નોકરી મેળવવા માટે જરૂરી યોગ્યતા ધરાવતા નથી.
નેશનલ એમ્પ્લાયબિલિટી રિપોર્ટ અનુસાર ૮૦ ટકા એન્જિનિયરો રોજગાર મેળવવાને લાયક નથી. આ રિપોર્ટ અનુસાર શૈક્ષણિક અને ટ્રેનિંગની ગુણવત્તામાં મોટા સુધારો કરવાની જરૂર છે.
નિષ્ણાંતોના મતે આવું ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને રોજગાર ન મળે એ ગંભીર સમસ્યા છે. ખાસ તો એન્જિનિયરિંગ કોલેજોને સાવ આસાનીથી મળી જતી મંજૂરી વિશે પણ ઘણાં નિષ્ણાંતો સવાલ ઉઠાવે છે. ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ અભાવ છે.
વળી પૂરતી કાબેલિયત ન ધરાવતા અધ્યાપકોને નોકરીએ રાખી લેવામાં આવે છે જે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી શકતા નથી. નિષ્ણાંતો અન્જિનિયરિંગ કોલેજોના જૂના અભ્યાસક્રમને પણ વિદ્યાર્થીઓની નિષ્ફળતા માટે જવાબદાર ઠેરવે છે.
એવા રિપોર્ટ પણ અવારનવાર આવતા રહે છે કે દેશની અનેક એન્જિનિયરિંગ કોલેજોમાંથી નીકળતા એન્જિનિયરો નોકરી મેળવવા માટે જરૂરી યોગ્યતા ધરાવતા નથી.
નેશનલ એમ્પ્લાયબિલિટી રિપોર્ટ અનુસાર ૮૦ ટકા એન્જિનિયરો રોજગાર મેળવવાને લાયક નથી. આ રિપોર્ટ અનુસાર શૈક્ષણિક અને ટ્રેનિંગની ગુણવત્તામાં મોટા સુધારો કરવાની જરૂર છે.
નિષ્ણાંતોના મતે આવું ઉચ્ચ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને રોજગાર ન મળે એ ગંભીર સમસ્યા છે. એક સમય એવો હતો કે બીએ, બીકોમ કે વકીલાત ભણેલા લોકોને બેરોજગારીનો સામનો કરવો પડતો હતો જ્યારે આજે એ જ પરિસ્થિતિ એન્જિનિયરોની થઇ છે.
એન્જિનિયરોના બેરોજગાર રહેવા પાછળ સરકારની ઉદાસિનતા પણ મોટા પાયે જવાબદાર છે. દેશમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરીને બહાર આવે છે પરંતુ આટલી મોટી સંખ્યામાં બહાર આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર પાસે કોઇ પ્લાનિંગ જ નથી.
જરૂરત કરતા વધારે કોલેજો ખોલી દેવાથી અને માત્ર ડિગ્રી આપી દેવાથી આવા વિદ્યાર્થીઓ બેરોજગાર બની રહ્યાં છે. આજે પરિસ્થિતિ એવી છે કે બીઇ કે બીટેક થયેલા વિદ્યાર્થીઓ ચપરાસી કે ક્લાર્ક બનવા પણ તૈયાર છે.
દેશમાં અંગ્રેજીની લોકપ્રિયતા વધી રહી છે તેમ છતાં ઘણાં ખરાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી જ કમજોર કડી સાબિત થઇ રહી છે. એક રિપોર્ટ અનુસાર આશરે ૬૭ ટકા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સમાં અંગ્રેજી ભાષાના કૌશલ્યનો અભાવ છે. મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવા માટે અંગ્રેજી પાયાની જરૂરિયાત ગણાય છે.
બીજું એ કે ઘણી ખરી એન્જિનિયરિંગ કોલેજોના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ જ્ઞાાન અને કમ્યુનિકેશન સ્કીલ્સમાં ભારે કમી જોવા મળી છે. નિષ્ણાંતોના મતે મુંબઇ-પૂણે કે બેંગાલુરુ જેવા મોટા શહેરોના વિદ્યાર્થીઓને એટલી સમસ્યા નથી નડતી જેટલી નાના સેન્ટરોના વિદ્યાર્થીઓને નડે છે.
અત્યાર સુધી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ઝાઝી સમસ્યા નહોતી રહેતી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી એ ચિત્ર પણ બદલાયું છે. બીજું એ કે હવે આઇટી વિદ્યાર્થીઓને મળતા પેકેજમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કારણ એ જ છે કે મોટી સંખ્યામાં એન્જિનિયરો બહાર પડતા કંપનીઓ તેમના ઓછા પગારે નોકરીએ રાખી લે છે.
જોકે આઇટી ક્ષેત્રમાં પણ હવે કેમ્પસ પ્લેસમેન્ટમાં ખાસો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોના મતે જેમ જેમ ઓટોમેશન થતું જશે તેમ તેમ તમામ ક્ષેત્રોમાં નોકરીની સંખ્યા ઘટતી જશે. આઇટી ક્ષેત્રમાં નોકરીઓ ઘટતા વિદ્યાર્થીઓ હવે હોસ્પિટાલિટી, હેલ્થકેર, ઇ-કૉમર્સ અને સ્ટાર્ટઅપ કંપનીઓ તરફ વળવા લાગ્યા છે.
જોકે એ પણ હકીકત છે કે ટોચની કંપનીઓ હજુ પણ પ્રતિભાવાન એન્જિનિયરોની શોધમાં તો છે જ. મતલબ કે પ્રતિભાની કદર નથી થતી એમ કહેવું પણ યોગ્ય નથી.
વિકાસ, નવીન ઇન્ડિયા અને મેક ઇન્ડિયા જેવી યોજનાઓ વિશે માત્ર વાતો કરવાના બદલે સરકારે હવે ખરેખર શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં નક્કર પગલા લેવાની તાતી જરૂરિયાત છે. કોલેજોની સંખ્યા વધારવા કરતા જે કોલેજો અસ્તિત્ત્વમાં છે તેમની ગુણવત્તા સુધારવાની જરૂર છે.
કેટલાંક શિક્ષણશાસ્ત્રીઓ અભિપ્રાય આપે છે કે સરકારે એવો સર્વે કરવાની જરૂર છે કે હાલ અને ભવિષ્યમાં કેટલા એન્જિનિયરોની જરૂર છે અને એ પ્રમાણે કોલેજોને સીટો ફાળવવાની જરૂર છે.
ઉચ્ચ કક્ષાના શિક્ષણમાં અભ્યાસક્રમને આધુનિક અને સમય સાથે તાલ મિલાવી શકે એવો બનાવવાની જરૂર છે. આધુનિક અભ્યાસક્રમની સાથે વિદ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું વ્યવહારુ જ્ઞાાન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને ન્યાય આપી શકે તેવા શિક્ષકો ઊભા કરવાની જરૂર છે.
ખરેખર તો સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને તાલીમનો સુભગ સમન્વય સાધીને આગામી પેઢીને એવી રીતે તૈયાર કરવાની જરૂર છે કે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારની માંગ અને આપૂર્તિને અનુલક્ષીને પોતાની જાતને તૈયાર કરી શકે અને સ્પર્ધામાં ટકી શકે.
મનુષ્ય શિક્ષણ મેળવતો જાય તેમ તેમ તેની ક્ષમતા વધે છે અને નવા નવા રોજગારના રસ્તા પણ ખૂલે છે. એટલા માટે શિક્ષણ પાછળ થતા ખર્ચને પણ એક પ્રકારનું રોકાણ જ ગણવામાં આવે છે. પરંતુ જો ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ રોજગાર ન મેળવી શકે તો એ રોકાણ ખોટમાં ગયું એમ જ કહી શકાય.