Get The App

સાળાની રેવ પાર્ટી પર રેડ, સેક્સ કાંડ પછી કેટીઆર નવા વિવાદમાં

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
સાળાની રેવ પાર્ટી પર રેડ, સેક્સ કાંડ પછી કેટીઆર નવા વિવાદમાં 1 - image


- વિવાદાસ્પદ પાર્ટીનો આયોજક બીઆરએસના કાર્યકરી પ્રમુખ કે.ટી.રામારાવનો સાળો રાજપકાલા છે જે કે.ટી.આરની પત્ની શૈમીલાનો પિતરાઈ છે

- તેલંગાણા પોલીસે જનવાડાના આલિશાન ફાર્મહાઉસમાં ચાલી રહેલી વીવીઆઈપી રેવ પાર્ટી પર દરોડો પાડીને ૩૫ લોકોને જેલભેગા કરતાં ખળભળાટ મચ્યો છે.  આ રેવ પાર્ટીનો આયોજક ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવનો સાળો રાજ પકાલા છે. પોલીસે ૧૦.૫ લિટર વિદેશી દારૂ અને ડ્રગ્સ પકડયું છે તથા ૨૫ પુરૂષો અને ૧૪ મહિલાઓ મળીને કુલ ૩૫ લોકોની રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી હોવાનો ખુલાસો કર્યો છે. તેલુગુ મીડિયામાં ચાલી રહેલી ગોસિપ પ્રમાણે માલેતુજાર નબિરા, બિઝનેસમેન, ફિલ્મ સ્ટાર્સ, એક્ટ્રેસ અને હાઈ પ્રોફાઈલ એસ્કોર્ટ ગર્લ્સ પકડાઈ છે તેથી પોલીસ નામ જાહેર કરતી નથી. 

તેલંગાણામાં સાઈબરાબાદ પોલીસે જનવાડામાં આવેલા આલિશાન ફાર્મહાઉસમાં ચાલી રહેલી વીવીઆઈપી રેવ પાર્ટી પર દરોડો પાડીને ૩૫ લોકોને જેલભેગા કરતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે ૧૦.૫ લિટર વિદેશી દારૂ અને ડ્રગ્સ પકડયું છે તથા ૨૫ પુરૂષો અને ૧૪ મહિલાઓ મળીને કુલ ૩૫ લોકોની રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસે પકડાયેલા લોકો કોણ છે તેની વિગતો આપી નથી પણ તેલુગુ મીડિયામાં ચાલી રહેલી ગોસિપ પ્રમાણે માલેતુજાર નબિરા, બિઝનેસમેન, ફિલ્મ સ્ટાર્સ અને હાઈ પ્રોફાઈલ એસ્કોર્ટ ગર્લ્સ પકડાઈ છે તેથી પોલીસ નામ જાહેર કરતી નથી. 

કેટલાક લોકોના ડ્રગ્સ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોવાનું પણ પોલીસે કહ્યું છે પણ સૌથી મોટો ઘડાકો એ કર્યો છે કે, આ પાર્ટીનો આયોજક તેલંગાણાં ૧૦ વર્ષ સુધી સત્તા ભોગવનારી ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ)ના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવનો સાળો રાજ પકાલા છે. રાજ પકાલા કેટીઆરની પત્ની શૈમિલાનો પિતરાઈ ભાઈ છે અને ઈવેન્ટ્સ નાઉ નામે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. પકાલા સામે અત્યારે તો પરમિટ વિના શરાબ પિરસવા તથા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે પણ ભવિષ્યમાં બીજા કેસ પણ નોંધાઈ શકે છે. 

રાજ પકાલાની રેવ પાર્ટી સાથે કેટીઆરને સીધી કોઈ નિસબત નથી પણ યોગાનુયોગ ૨૫ દિવસ પહેલાં જ તેલંગાણાની કોંગ્રેસ સરકારનાં મંત્રી કોન્ડા સુરેખાએ કે.ટી. રામારાવ સામે અત્યંત ગંભીર આક્ષેપો કરેલો.  સુરેખાએ દાવો કરેલો કે, તેલુગુ-તમિલ ફિલ્મોની ટોચની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના એક્ટર નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ માટે કેટીઆર જવાબદાર હતો. કેટીઆર સામંથા સાથે સેક્સ સંબંધો બાંધવા માગતો હતો પણ સામંથા તાબે ના થતાં કાવાદાવા કરીને નાગા ચૈતન્ય સાથે ડિવોર્સ કરાવી દીધા.

સુરેખાના કહેવા પ્રમાણે, ડ્રગ્સનો બંધાણી કેટીઆર હૈદરાબાદમાં ફિલ્મી હસ્તીઓ, ધનિકો સહિતની સેલિબ્રિટીઝ માટે રેવ પાર્ટીઓ કરે છે. આ રેવ પાર્ટીઓમાં શરાબ અને ડ્રગ્સની રેલમછેલ હોય છે. 

વિદેશી અને દેશી હાઈ પ્રોફાઈલ કોલ ગર્લ્સને બોલાવાય છે. જેને તેમની સાથે અય્યાશીઓ કરવી હોય તેમને સગવડ કરી અપાય છે. રેવ પાર્ટીઓમાં આવતી એક્ટ્રેસના વાંધાજનક સ્થિતીમાં વીડિયો ઉતારીને કેટીઆર તેમને પોતાની સાથે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડે છે.

સુરેખાના આક્ષેપોને કેટીઆર તથા તેની પાર્ટીએ તો વાહિયાત ગણાવેલા જ પણ તેલુગુ ફિલ્મ સ્ટાર્સે પણ સુરેખાની ઢોકળી ધોઈ નાંખેલી. આ વાતને મહિનો પણ થયો નથી ત્યાં કેટીઆરનો સાળો રેવ પાર્ટી કરતો ઝડપાયો તેના કારણે સુરેખા સાવ મોં માથા વિનાની વાતો કરીને હવામાં તીર નહોતાં છોડતાં એવું લાગે છે. સુરેખા કેટીઆરને ડ્રગ્સ, સેક્સ, બ્લેકમેઈલિંગ સાથે જોડીને તેની વ્યક્ગિતત ઈમેજ બગાડવા મથી રહ્યાં છે એવી વાતો થયેલી પણ હવે લાગે છે કે, સુરેખા મેડમની વાતોમાં દમ છે. પકાલા પહેલાં પણ કેટીઆર માટે આ પ્રકારની પાર્ટીઓ યોજતો હશે એવું માનવા માટે હવે નક્કર કારણો છે. 

રાજ પકાલા કેટીઆર સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. કેટીઆરના પિતા કેસીઆર મુખ્યમંત્રી ને કેટીઆર પોતે તેલંગાણા સરકારમાં મંત્રી હતો ત્યારે મોટા ભાગના સરકારી કાર્યક્રમોનું આયોજન પકાલાની ઈવેન્ટ્સ નાઉ જ કરતી હતી. હૈદરાબાદમાં ૧૦ હજાર મીટરની મેરેથોનથી માંડીને આઈટી એક્સ્પો સુધીના દર વર્ષે યોજાતા સંખ્યાબંધ સરકારી કાર્યક્રમોનો કોન્ટ્રાક્ટ પકાલાની કંપની પાસે જ હતો. તેના પરથી પકાલાની કેટીઆર સાથેની નિકટતા સ્પષ્ટ છે.

તેલંગાણામાં કોંગ્રેસની સરકાર આવી પછી કેટીઆર નવરો થઈ ગયો છે તેથી પકાલા પણ નવરો થઈ ગયો છે. આ સંજોગોમાં મીટર ચાલુ રાખવા પકાલાએ રેવ પાર્ટીઓનો જૂનો ધંધો ચાલુ કર્યો હોય એવી પૂરી શક્યતા છે. પકાલાના જે ફાર્મહાઉસમાં રેવ પાર્ટી ચાલતી હતી એ પણ વાસ્તવમાં કેટીઆરનું હોવાનું કહેવાય છે તેથી કેટીઆર શંકાના દાયરામાં છે જ. 

કમનસીબે આ પ્રકારના આક્ષેપોમાં કશું આગળ થતું નથી. સુરેખાએ એવો પણ આક્ષેપ કરેલો કે, કેટીઆર એક્ટ્રેસીસના ફોન પણ ટેપ કરાવતો હતો. આ ફોન ટેપિંગમાં એક્ટ્રેસની કોઈ નબળી કડી હાથ લાગી જાય તો તેને આધારે એક્ટ્રેસને બ્લેકમેઈલ કરીને પોતાની સાથે સેક્સ માણવાની ફરજ પાડતો હતો. કેટીઆરના આ અત્યાચારોના કારણે ઘણી એક્ટ્રેસ હૈદરાબાદ છોડીને જતી રહી છે. 

સુરેખા રેંજીપેંજી મહિલા નથી પણ પોતે તેલંગાણા સરકારમાં મંત્રી છે. તેમણે કરેલા આક્ષેપોને ગંભીરતાથી લઈને રેવંત રેડ્ડી તેની તપાસ કરાવી શક્યા હોત. કેસીઆરના દસ વર્ષના શાસન દરમિયાન કેટીઆરે કઈ કઈ એક્ટ્રેસના ફોન ટેપ કરાવ્યા હતા તેની તપાસ કરાવવી બહુ અઘરી નથી. આવા ફોન ટેપિંગના સત્તાવાર રેકોર્ડ ના હોય પણ કેટીઆરની નજીકના પોલીસોને પકડો એટલે બધું બહાર આવે. 

કે.ટી. રામારાવના સાઉથની એક્ટ્રેસીસ સામંથા અને રકુલ પ્રિત સિંહ સાથે સંબધો હોવાની વાતો પણ ચાલી હતી. રકુલ પ્રિત સિંહને કેટીઆરની મહેરબાનીથી મોટાં બેનરોની ફિલ્મો મળતાં તેલુગ સિનેમામાં ટોચની એક્ટ્રેસ બની ગયેલી એવા આક્ષેપ થતા હતા. રકુલ અને કેટીઆર હૈદરાબાદના પોશ વિસ્તારમાં લોધા બિલ્ડર્સે બનાવેલી બિલ્ડિંગના પેન્ટહાઉસમાં રોજ મળે છે એવા સમાચાર ૨૦૧૭માં તેલુગુ મીડિયામાં છપાયા હતા. 

રેવંત રેડ્ડી સરકાર આ બધા આક્ષેપોની તપાસ કરાવી શકે તેમ હતી પણ તેમણે કોઈ તપાસ કરાવી નથી. 

રેવંતે પોતે ૨૦૧૭માં સનબર્ન ડીજે શોમાં ડ્રગ્સ વેચાતું હોવાના આક્ષેપો કરેલાય તેની પણ તપાસ કરાવી નથી. આ સંજોગોમાં કેટીઆરના સાળા સામેનો કેસ પણ દબાઈ જાય ને તેમાં કશું આગળ ના થાય એવી પૂરી શક્યતા છે. રાજકારણીઓ એકબીજાના પાપ ઢાંકીને અસ્તિત્વ ટકાવી રાખે એ નવી વાત નથી. તેમાં પણ રેવંત રેડ્ડી તો મૂળ કેટીઆરની પાર્ટીના જ કુળના છે. 

કેટીઆરના પિતા કેસીઆરની છત્રછાયામાં મોટા થયેલા છે તેથી  બે આંખોની શરમ રાખીને કેટીઆર સામે કશું ના કરે ને રાજ પકાલાને પણ નાના નાના કેસો કરીને છટકી જવા દેવાય એવી પૂરી શક્યતા છે. 

- કેટીઆરનો સાળો પકાલા સનબર્ન શોના વિવાદમાં પણ ફસાયેલો

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ૨૦૧૭માં કેટીઆરની પાર્ટી છોડીને ર્કાંગ્રેેસમાં જોડાયા ત્યારે રાજ પકાલા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. એ વખતે દેશભરમાં સનબર્ન ડીજે શોનો વિવાદ ચગ્યો હતો. મૂળ ગોઆમાં શરૂ થયેલા સનબર્ન શોના નામે યુવકોને શરાબ અને ડ્રગ્સ વેચવાનો ધંધો કરાતો હોવાના આક્ષેપ થયા હતા. મોટા પ્રમાણમાં વિદેશી કોલગર્લ્સ અને એસ્કોર્ટ ગર્લ્સ ઉતરી પડતી હોવાના આક્ષેપ પણ થયા હતા. સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલમાં અશ્લીલતા પિરસાતી હોવાનો આક્ષેપ કરીને હિંદુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ કરતાં દેશભરમાં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો પણ હૈદરાબાદમાં આ શો યોજાયો હતો.

 તેલંગાણામાં ત્યારે કેસીઆરની સરકાર હતી. રેવંત રેડ્ડીએ આક્ષેપ મૂકેલો કે, કેસીઆરના દીકરા કેટીઆરે પોતાના સાળા રાજ પકાલાને આર્થિક ફાયદો કરાવવા હૈદરાબાદમાં સનબર્ન શોને મંજૂરી આપી હતી કેમ કે શોની આયોજક પકાલાની કંપની ઈવેન્ટ્સ નાઉ હતી. આ શોની ટિકિટો ૧૨થી ૧૫ વર્ષના ટીનેજર્સને પણ વેચવામાં આવી હતી. તેમને શરાબ, સેક્સ અને ડ્રગ્સની લત લગાડવાનું ગંદુ કામ રાજ પકાલાએ કર્યું હતું. 

સત્તાવાર રીતે પકાલાની ઈવેન્ટ્સ નાઉ આ શોની આયોજક નહોતી તેથી પકાલાએ રેવંત રેડ્ડીને બદનક્ષી બદલ નોટિસ આપી હતી પણ રેવંતે પદડા પાછળ પકાલા જ હોવાની વાત પકડી રાખી હતી. પકાલાએ રેવંત પર કદી કેસ કર્યો નહીં એ જોતાં રેવંતની વાત સાચી હતી એવું લાગે છે.

- રેવ પાર્ટીમાં કેટીઆર પત્ની શૈમિલા સાથે હાજર હતો પણ રેવંતે જવા દીધો ? 

હૈદરાબાદની રેવ પાર્ટીમાં કેટીઆર તથા તેની પત્ની શૈમિલા પણ હાજર હતો પણ રેવંત રેડ્ડીના ઈશારે પોલીસે તેને જવા દીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સંજય કુમાર બાંદીએ પોતે આ આક્ષેપો કર્યા છે અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. 

 મુખ્યમંત્રી રેવંત રેડ્ડી કેસીઆર પરિવાર સાથેના જૂના સંબંધોની શરમ રાખીને કેટીઆરનાં કરતૂતોને છાવરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 

કોંગ્રેસમાં કેટીઆરના ફોન ટેપિંગ મુદ્દે રેવંત રેડ્ડી સરકારની નિષ્ક્રિયતા સામે પણ આક્રોશ છે. કેટીઆરના પિતા કેસીઆર મુખ્યમંત્રી હતા ત્યારે કેટીઆર સંખ્યાબંધ એક્ટ્રેસ સહિતની સેલિબ્રિટીઝના ફોન ટેપ કરાવતો હતો એ મુદ્દો ચગેલો પણ રેવંત રેડ્ડી આ આક્ષેપોની ગંભીરતાથી તપાસ જ નથી કરાવતા એવું કોંગ્રેસના નેતા કહે છે.

 એક્ટ્રેસ  રકુલ અને સામંથાના ફોન ટેપ થતા હતા તેના પુરાવા પણ હોવાના દાવા કેટલાંક મીડિયાએ કર્યાહતા પણ રેવંતે તેમાં પણ કોઈ રસ બતાવ્યો નથી.

News-Focus

Google NewsGoogle News