સેક્સ ચેન્જ કરીને છોકરી બનનારો એલન મસ્કનો દીકરો કેમ ચર્ચામાં ?
- વિવિયન છોકરા તરીકે જન્મી હતી પણ તેનામાં છોકરીઓના લક્ષણ વધારે હોવાથી સેક્સ ચેન્જ કરાવી છોકરી બની ગઈ હવે બાપ-બેટી વચ્ચે જીભોજોડી શરૂ થઈ છે
- વિવિયન છોકરા તરીકે જન્મી હતી અને તેનું મૂળ નામ ઝેવિયર હતું. તેનામાં છોકરીઓનાં લક્ષણ વધારે હોવાથી 18 વર્ષનો થતાં સેક્સ ચેન્જ કરાવીને છોકરી બની ગઈ. વિવિયને મસ્ક સરનેમ પણ છોડી દીધી છે અને પોતાની માતા જેનિફર જસ્ટિનની વિલસન સરનેમ પોતાના નામ પાછળ લગાવે છે. 2022માં વિવિયને કેલિફોર્નિયાની કોર્ટમાં અરજી કરીને પોતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. એલન મસ્કે પોતાના માટે પોતાના જોડિયા દીકરામાંથી મોટો દીકરો ઝેવિયર મરી ગયો હોવાનું જાહેર કર્યું છે.
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક અને તેની ટ્રાન્સજેન્ડર દીકરી વિવિયન જેન્ના વિલસન વચ્ચેની જીભાજોડીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. વિવિયન છોકરા તરીકે જન્મી હતી પણ તેનામાં છોકરીઓનાં લક્ષણ વધારે હોવાથી સેક્સ ચેન્જ કરાવીને છોકરી બની ગઈ. વિવિયને મસ્ક સરનેમ પણ છોડી દીધી છે અને પોતાની માતા જેનિફર જસ્ટિનની વિલસન સરનેમ પોતાના નામ પાછળ લગાવે છે. ૨૦૨૨માં વિવિયને કેલિફોર્નિયાની કોર્ટમાં અરજી કરીને પોતાનું નામ પણ બદલી નાંખ્યું હતું. એ વખતે પણ વિવિયન ચર્ચામાં આવેલી પણ પછી એ ચર્ચા શમી ગઈ હતી.
એલન મસ્કે થોડા દિવસ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના માટે પોતાના જોડિયા દીકરામાંથી મોટો દીકરો (વિવિયન) મરી ગયો હોવાનું કહ્યું તેના કારણે વિવિયન પાછી ચર્ચામાં આવી ગઈ છે. મસ્કે કટાક્ષ કરેલો કે, વિવિયનને 'વોક માઈન્ડ વાયરસ'એ મારી નાંખેલો. અમેરિકન સ્લેન્ગમાં 'વોક માઈન્ડ વાયરસ' શબ્દ પોતાને બહુ હોંશિયાર માનતા લોકો માટે વ્યંગમાં વપરાય છે. મસ્કે એવો દાવો પણ કરેલો કે, કોરોના વખતે કોરાનાની સારવારના બહાને જૂઠું બોલીને વિવિયનનું સેક્સ ચેન્જ ઓપરેશન કરવાની મંજૂરી લઈ લેવાયેલી. મસ્કે સેક્સ ચેન્જ ઓપરેશન કરીને લોકોને નપુંસક અને બિનફળદ્રુપ બનાવી દેવાય છે એવી કોમેન્ટ પણ કરી હતી.
મસ્કના કહેવા પ્રમાણે ઝેવિયર જન્મથી જ ગે હતો અને પોતાની મસ્તીમાં જ રહેનારો હતો પણ છોકરી કદી નહોતો. ઝેવિયર ચાર વર્ષનો હતો ત્યારે જ પોતાને આ વાતની ખબર પડી ગયેલી. ઝેવિયરના મગજમાં છોકરી હોવાનું ઠસાવીને તેને છોકરી બનાવી દેવાયો. આ પ્રકારની માનસિકતા ડાબેરી વિચારધારા ધરાવતાં લોકોનું વર્ચસ્વ ધરાવતી કહેવાતી હાઈ-ફાઈ સ્કૂલોના કારણે ફૂલીફાલી હોવાનો દાવો પણ મસ્કે કરેલો.
વિવિયને વળતો ઈન્ટરવ્યૂ આપીને મસ્કને બેદરકાર અને ક્રૂર ગણાવ્યો છે. વિવિયનના કહેવા પ્રમાણે, મસ્ક પોતાની આત્મશ્લાઘામાં રચ્યાપચ્યા રહેનારા માણસ છે અને બહુ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. વિવિયનના કહેવા પ્રમાણે, મસ્કે કદી તેની કે બીજાં સંતાનોની કદી કાળજી લીધી નથી પણ વિવિયનની માતા જસ્ટિન અને આયાઓના ભરોસે સંતાનોને થોડી દીધેલાં. બીજી તરફ નાનપણમાં પોતે છોકરીઓ જેવાં લક્ષણ બતાવે તો મસ્ક ગુસ્સે થઈ જતા. મસ્ક તેને મર્દાના બનવા કહેતા. વિવિયનનો અવાજ છોકરીઓ જેવો તીણો હતો પણ મસ્ક તેને કાળજીપૂર્વક છોકરાઓ જેવો જાડો અવાજ કાઢવા કહેતા. મસ્ક તેનાં કપડાંની પસંદગી વિશે કે છોકરીઓ સાથે મિત્રતા વિશે પણ નારાજગી બતાવતા.
વિવિયને એવો દાવો પણ કર્યો છે કે, મસ્ક તેને ગુજરી ગયેલી માને છે પણ વાસ્તવમાં પોતે જ તેમને છોડી દીધા હતા. મસ્ક સાથે રહેવામાં પોતે ગૂંગળામણ અનુભવતી તેથી ૧૮ વર્ષની થતાં જ પોતે મસ્કને છોડીને સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું અને મસ્ક સરનેમ છોડીને માતાની અટક અપનાવી લીધી.
મસ્ક અને વિવિયને બંને સામે ઘણું બધું કહ્યું છે. તેના કારણે મીડિયાનો આ મુદ્દો ઉછાળવા માટે મોટો મુદ્દો મળી ગયો છે. મસ્ક દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે તેથી તેમની અંગત જીંદગી વિશેની વાતોમાં બધાંને રસ પડે જ. આ કારણે પણ મીડિયા આ મુદ્દાને ચગાવી રહ્યું છે. અલબત્ત તેના માટે મસ્ક પોતે જ જવાબદાર છે. મસ્કે જ મીડિયાને કોઠી ધોઈને કાદવ બહાર કાઢવાની તક આપી છે.
મસ્કે દીકરી વિશે કોઈ કોમેન્ટ ના કરી હોત તો આ મુદ્દો ચગવાનો જ નહોતો. વિવિયને બે વર્ષ પહેલાં સેક્સ ચેન્જ ઓપરેશન કરાવી લીધું હતું અને ઝેવિયરમાંથી વિવિયન જેન્ના બની ગઈ હતી એ જોતાં મસ્કની જીંદગીનું એ પ્રકરણ પતી ગયું હતું.
મસ્ક દીકરો દીકરી બની ગયો તેના કારણે એ મરી ગયો એવું માનતા હોય તો તેના માટે બોલવાની કે એ પ્રકરણ ઉખેળવાની જરૂર જ નહોતી પણ મસ્કને કદાચ પોતે નિષ્ફળ બાપ છે તેનો ડંખ કોરી ખાતો હશે. પોતે પૈસા કમાવવાની લ્હાયમાં દીકરાને પોતાની માન્યતાઓ પ્રમાણે ના ઉછેરી શક્યા તેમાં દીકરો હાથથી ગયો તેનો અફસોસ થતો હશે પણ આ વાત સ્વીકારવામાં ઈગો નડતો હશે તેથી જાહેરમાં સ્વીકારી નહીં શકતા હોય તેની ભડાશ આ રીતે કાઢી હશે.
એલન મસ્ક અને વિવિયનનો વિવાદ બાપ-દીકરી કે બાપ-દીકરા વચ્ચેનો વિવાદ છે પણ અમેરિકાના સમાજમાં આ પ્રકારની વાતો સામાન્ય છે. ભારત કે બીજા રૂઢિચુસ્ત દેશોમાં કોઈ છોકરો કે છોકરી સજાતિય સંબંધોમાં રસ ધરાવતાં હોય તો પણ લોકોના મોંમાંથી હાયકારો નિકળી જાય છે પણ અમેરિકામાં સજાતિય સંબંધો પણ સામાન્ય છે અને સેક્સ ચેન્જ કરીને જાતિ બદલવી પણ મોટો મુદ્દો નથી. વિવિયને મસ્કને બીજાં પર અધિકાર જમાવનારી વ્યક્તિ ગણાવ્યા છે તેમાં પણ કશું નવું નથી.
વિવિયનની માતા જસ્ટિને ભૂતકાળમાં મસ્કને આલ્ફા મેલ ગણાવેલા. જસ્ટિને મસ્ક સાથેનું તેનું લગ્નજીવન સારું નહોતું અને મસ્ક પોતાને ગુલામની જેમ રાખવા માગતો હતો, પોતાને ટ્રોફી વાઈફ તરીકે રાખવા માગતો હતો, પોતાના પર આધિપત્ય જમાવવા માગતો હતો એવું કહ્યું જ છે. જસ્ટિને એલન મસ્કને નિષ્ફળ પતિ ગણાવેલા જ્યારે વિવિયને નિષ્ફળ પિતા ગણાવ્યા છે પણ વાત એકની એક છે.
મસ્કની અંગત જીંદગી રંગીન, ટોચની એક્ટ્રેસીસ સાથે અફેર, 11 સંતાનોના પિતા
એલન મસ્કની અંગત જીંદગી અત્યંત રંગીન છે. મસ્કે ૨૦૦૦માં જસ્ટિન વિલસન સાથે પહેલાં લગ્ન કર્યાં અને છ સંતાનોનો પિતા બન્યો. ૨૦૦૮માં જસ્ટિન સાથે ડિવોર્સ પહેલાં જ મસ્કનું બ્રિટિશ અભિનેત્રી તાલુલાહ રિલી સાથે અફેર ચાલુ થઈ ગયેલું. ૨૦૧૦માં મસ્કે રીલીથી ડિવોર્સ લીધા પણ ૨૦૧૧માં ફરી બંનેએ લગ્ન કરી લીધાં. ૨૦૧૨માં મસ્કનું એક્ટ્રેસ અંબર હર્ડ સાથે અફેર ચાલુ થયું. રીલીને ખબર પડતાં ૨૦૧૪માં મસ્કે રીલીથી ડિવોર્સી લેવા અરજી કરી પણ બંને સાથે રહેતાં હતાં. ૨૦૧૬માં રીલી સાથે ડિવોર્સ થયા પછી મસ્ક અંબર હર્ડ સાથે જાહેરમાં દેખાવા માંડયો પણ ૨૦૧૭માં બંને અલગ થઈ ગયાં.
મસ્કનું કેનેડિયન મ્યુઝિશીયન ગ્રાઈમ્સ સાથે અફેર હર્ડ સાથેના બ્રેક-અપ માટે કારણભૂત મનાતું હતું. ૨૦૧૮માં ગ્રાઈમ્સે પોતાના મસ્ક સાથેના સંબંધોની જાહેરાત કરી.
૨૦૨૦ના મેમાં ગ્રાઈમ્સ-મસ્કના પહેલા દીકરાનો જન્મ થયો. ૨૦૨૧ના ડીસેમ્બરમાં મસ્ક અને ગ્રાઈમ્સ સરોગસીથી દીકરીનાં માતા-પિતા બન્યાં. ગ્રાઈમ્સ અને મસ્ક અલગ થઈ ગયેલાં પણ દીકરીના જન્મ સુધી સાથે રહેલાં. દીકરીના જન્મ પછી તરત મસ્કે ગ્રાઈમ્સ સાથે બ્રેક-અપની જાહેરાત કરી. ત્રણ મહિના પછી પાછા બંને વચ્ચે સંબધો બંધાયા. ૨૦૨૩ના સપ્ટેમ્બરમાં ગ્રાઈમ્સે દીકરાને જન્મ આપ્યો. મસ્કે તેના પિતા હોવાનો ઈન્કાર કરતાં ઓક્ટોબરમાં ગ્રાઈમ્સે કેસ કરતાં મસ્કે કોર્ટ બહાર સમાધાન કર્યું.
મસ્કના તેની કંપની ન્યુરાલિંકની ઓપરેશન્સ એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ્સની ડિરેક્ટર શિવોન ઝિલ્સ સાથે લાંબા સમયથી સંબંધો હતા. ૨૦૨૨ના જુલાઈમાં શિવોને આઈવીએફથી જોડિયા દીકરાઓને જન્મ આપેલો. ૨૦૨૪માં શિવોને ત્રીજા સંતાનને જન્મ આપ્યો.
આ સિવાય ગુગલના સ્થાપક સર્ગેઈ બ્રિન્સની પત્ની નિકોલ શાનહાન અને ઓસ્ટ્રેલિયન એક્ટ્રેસ નતાશા બેસ્સેટ્ટ સાથે પણ મસ્કનું અફેર હતું. મસ્ક સાથેના અફેરના કારણે નિકોલના સર્ગેઈ સાથે ડિવોર્સ થઈ ગયા.
વિવિયનની માતા લેખિકા, કોલેજમાં એલન મસ્કના પ્રેમમાં પડેલી
વિવિયનની માતા જેનિફર જસ્ટિન વિલસન કેનેડિયન લેખિકા છે. જસ્ટિન અને મસ્ક કેનેડાની ઓન્ટેરિયો યુનિવર્સિટીમાં સાથે ભણતાં હતાં ત્યારે પ્રેમમાં પડેલાં. જસ્ટિને કેનેડામાં અંગ્રેજી સાહિત્યમાં ડીગ્રી મેળવ્યા પછી થોડો સમય જાપાનમાં શિક્ષિકા તરીકે કામ કરેલું પણ એલન મસ્ક અમેરિકામાં સ્થાયી થતાં જસ્ટિન પણ અમેરિકા આવી ગઈ.
એલને જસ્ટિન સાથે ૨૦૦૦માં લગ્ન કર્યાં. ૨૦૦૨માં તેમનું પહેલું સંતાન જન્મ્યું પણ બે મહિનામાં જ ગુજરી ગયું. જસ્ટિન એ પછી ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશનની મદદથી ફરી માતા બની અને ૨૦૦૪માં જોડિયા પુત્રોને જન્મ આપ્યો. છોકરી બની ગયેલો વિવિયન જોન્સ મોદો દીકરો હતો કે જેનું નામ પહેલાં ઝેવિયર હતું. ૨૦૦૬માં જસ્ટિને ટ્રિપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને જન્મ આપ્યો.
આ રીતે જસ્ટિન એલન મસ્ક સાથેના લગ્નજીવનથી છ સંતાનોની માતા બની. ૨૦૦૮માં જસ્ટિન અને એલન મસ્કના ડિવોર્સ થઈ ગયા પછી બાળકો બંનેની સંયુક્ત કસ્ટડીમાં છે.
જસ્ટિનની પહેલી નોવેલ બ્લડએન્જલ ૨૦૦૫માં પબ્લિશ થઈ હતી. ૨૦૦૭માં અનઈનવાઈટેડ પબ્લિશ થઈ કે જે એડલ્ટ રીડર્સ માટે હતી. જસ્ટિનની એ પછી ચાર બુક પબ્લિશ થઈ છે. જસ્ટિલ એટલી સફળ કે લોકપ્રિય લેખિકા નથી પણ ધનિક હોવાથી તેની બુક પબ્લિશ થતી રહે છે.