ટ્રમ્પની ધમકીથી સાઉદી ફસકી ગયું, હવે 'બ્રિક્સ'માં નહીં જોડાય
- ટ્રમ્પે બ્રિક્સના 9 દેશોને ખુલ્લી ધમકી આપી હતી કે જો તમે ડોલર સામે પડશો તો અમેરિકામાં આવતા તમારા માલ ઉપર 100 ટકા કસ્ટમ ડયુટી લગાવી દઈશું
આ પહેલાં આર્જેન્ટિનાએ પણ સાઉદી જેવો દાવ કરેલો. ગયા વર્ષે ઓગસ્ટમાં યોજાયેલી સમિટમાં આર્જેન્ટિનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ છેલ્લી ઘડીએ આર્જેન્ટિનાએ વિચાર માંડી વાળેલો. આર્જેન્ટિના 1 જાન્યુઆરી, 2024થી બ્રિક્સનું સંપૂર્ણ સભ્ય બનવાનું હતું પણ આર્જેન્ટિનાની ચૂંટણીમાં જેવિયર મિલેઈએ વિજય મેળવ્યો પછી તેમણે સાફ શબ્દોમાં કહી દીધેલું કે, હવે બ્રિક્સમાં આર્જેન્ટિના નહીં જોડાય.
સાઉદી અરેબિયા જોડાઈ રહ્યું નથી તેનાં કારણો સમજી શકાય તેમ છે. અમેરિકા અને સાઉદી વચ્ચેનો વ્યાપાર બહુ બહોળો નથી પણ સાઉદી અરેબિયા ભવિષ્યનું વિચારીને અમેરિકા સાથે સંબધો બગાડવા નથી માગતું.
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ડોલરની સર્વોપરિતા સામે પડકાર ઉભો કરવા મથતા બ્રિક્સના દેશોને ખુલ્લી ધમકી આપી ત્યારે જ નક્કી હતું કે, હવે પછી બીજા દેશો બ્રિક્સના સભ્ય બનતાં ખચકાશે. આ ધારાણા સાવ સાચી પડી છે કેમ કે, અત્યાર લગી 'બ્રિક્સ'માં જોડાવા થનગનતું સાઉદી અરેબિયા પાણીમાં બેસી ગયું છે અને 'બ્રિક્સ'માં જોડાવાનો વિચાર માંડી વાળ્યો છે.
સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી પણ 'બ્રિક્સ'ના પ્રમુખ રશિયાને પત્ર લખીને કહી દીધું છે કે, પોતે 'બ્રિક્સ'ના સભ્ય બનવાની દરખાસ્તને હાલ પૂરતી મોકૂફ રાખી છે. મતલબ કે, હમણાં 'બ્રિક્સ'માં જોડાવાનો પોતાનો કોઈ ઈરાદો નથી. સાઉદી અરેબિયાએ રશિયાને પોતે કેમ જોડાવા નથી માગતું એ માટે કારણ આપ્યું નથી પણ તેની જરૂર પણ નથી.
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા પછી ટ્રમ્પે 'બ્રિક્સ'ના ૯ દેશોને ખુલ્લી ધમકી આપી હતી કે, ડોલર સામે પડયા તો તમારું આવી બન્યું સમજજો. કોઈ દેશે વૈશ્વિક વ્યાપારમાં ડોલરની જગાએ બીજી કરન્સીની વાત કરી છે તો અમેરિકામાં આવતા તમારા માલ પર ૧૦૦ ટકા કસ્ટમ્સ ડયુંટી ઠોકી દઈશું. સાઉદી ટ્રમ્પની આ ધમકીથી ફફડી ગયું છે એ કહેવાની જરૂર નથી ને આ તો હજુ શરૂઆત છે. ટ્રમ્પ હજુ પ્રમુખ બન્યા નથી ને 'બ્રિક્સ'ના સભ્યો કે બીજા કોઈ દેશોના માલ પર કોઈ ડયુટી ઠોકી નથી છતાં આ ફફડાટ છે તો ટ્રમ્પ ગાદી પર બેસીને ધડાધડ ડયુટી ઠોકવા માંડશે પછી શું થશે એ વિચારવાની જરૂર છે.
સાઉદી અરેબિયા આમ તો 'બ્રિક્સ'માં જોડાવા મુદ્દે પહેલેથી ફૂંકી ફૂંકીને આગળ વધતું હતું. આ કારણે જ રશિયા દ્વારા સત્તાવાર નિમંત્રણ છતાં કોઈ નિર્ણય લેતું નહોતું. ઓક્ટોબરમાં રશિયાના કાઝાન શહેરમાં બ્રિક્સ સમિટ મળ્યું ત્યારે સાઉદીના બ્રિકસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થશે એવું લાગતું હતું. બ્રિક્સ સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી , ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સહિત વિશ્વના બે ડઝન નેતાઓની હાજરીમાં સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતે હાજર રહીને બ્રિકસમાં જોડાઈ જશે એવો માહોલ જમાવી દેવાયેલો પણ પ્રિન્સ સલમાન કાઝાન આવ્યા જ નહીં. તેના બદલે તેમણે પોતાના વિદેશ મંત્રીને મોકલી દીધા.
વિદેશ મંત્રી પણ છેક છેલ્લા દિવસે એટલે કે સમિટના સમાપન વખતે હાજરી પુરાવીને રવાના થઈ ગયા. સાઉદી બ્રિક્સમાં જોડાશે કે નહીં એ મુદ્દે મીડિયા દ્વારા સવાલો કરાયા પણ તેમણે મગનું નામ મરી પાડયું જ નહીં. સમિટમાં પણ તેમણે સાઉદી જોડાશે કે નહીં એ અંગે ફોડ પાડીને વાત કરી નહીં તેના પરથી જ નક્કી થઈ ગયેલું કે, સાઉદી અરેબિયા ઢચુપચુ છે.
સાઉદી અરેબિયાએ આ પહેલાં પણ આવો દાવ કરેલો. બ્રિક્સના મૂળ સભ્યોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા છે. સાઉદી અરેબિયાની ફેબ્રુઆરી ૨૦૨૪થી સત્તાવાર રીતે બ્રિક્સનું સભ્ય બની જશે એવી જાહેરાત પણ કરાયેલી પણ સાઉદી અરેબિયાએ છેલ્લી ઘડીએ રાવણ કાઢીને જાહેર કરી દીધેલું કે, પોતે હમણાં બ્રિક્સમાં જોડાઈ રહ્યું નથી.
આ પહેલાં આર્જેન્ટિનાએ પણ આવો દાવ કરેલો. ગયા વર્ષે ઓગસ્ટમાં યોજાયેલી સમિટમાં આર્જેન્ટિનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ છેલ્લી ઘડીએ આર્જેન્ટિનાએ વિચાર માંડી વાળેલો. આર્જેન્ટિના ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી બ્રિક્સનું સંપૂર્ણ સભ્ય બનવાનું હતું પણ આર્જેન્ટિનાની ચૂંટણીમાં જેવિયર મિલેઈએ વિજય મેળવ્યો પછી તેમણે સાફ શબ્દોમાં કહી દીધેલું કે, હવે બ્રિક્સમાં આર્જેન્ટિના નહીં જોડાય. સાઉદી અરેબિયા જોડાઈ રહ્યું નથી તેનાં કારણો સમજી શકાય તેમ છે. અમેરિકા અને સાઉદી વચ્ચેનો વ્યાપાર બહુ બહોળો નથી પણ સાઉદી અરેબિયા ભવિષ્યનું વિચારીને અમેરિકા સાથે સંબધો બગાડવા નથી માગતું. સાઉદી અરેબિયા છેલ્લાં કેટલાંક વરસોમાં ક્રૂડ ઓઈલ આધારિત પોતાની ઈકોનોમીને છોડીને બીજા ધંધા પણ કરવા માગે છે. પેટ્રોલીયમની ડીમાન્ડ ઘટી રહી છે તેથી આજે નહીં તો કાલે આ ધંધો બંધ થવાનો જ છે એ સમજી ગયેલા પ્રિન્સ સલમાને સાઉદીને ફાયનાન્સિયલ સર્વિસીસનું હબ બનાવવાનું નક્કી કર્યું છે. અમેરિકાની મદદ વિના એ શક્ય બનવાનું નથી. આ ઉપરાંત દુનિયાભરના ધનિકો સાઉદીમાં આવીને રહે ને રોકાણ કરે એવું પણ પ્રિન્સ સલમાન ઈચ્છે છે. દુનિયામાં સૌથી વધારે ધનિકો અમેરિકામાં છે એ જોતાં સાઉદીને અમેરિકાનો સાથ જોઈએ જ. આ સિવાય પ્રિન્સ સલમાન સાઉદીમાં અત્યાધુનિક સિટી ડેવલપ કરવા માગે છે તેમાં પણ ટેકનોલોજીના સહકારથી માંડીને રોકાણ સુધી બધા મોરચે અમેરિકાની મદદની જરૂર પડે જ. બ્રિક્સના રવાડે સાઉદી ચડે તો આ મદદ બંધ થઈ જાય તેથી શાણપણ વાપરીને સાઉદીએ બ્રિક્સમાં જોડાવાનો વિચાર માંડી વાળ્યો છે.
ભારત અત્યારે બ્રિક્સમાં સંપૂર્ણ સક્રિય છે પણ ભવિષ્યમાં ભારતે પણ આ પ્રકારની પસંદગી કરવી જ પડશે. ટ્રમ્પ ભૂરાંટા થઈને ભારતના માલ પર ડયુટી ઠોકવા માંડે તો આપણે પણ બ્રિક્સથી છેડો ફાડવો પડે એવું બને.
ટ્રમ્પની 'બ્રિક્સ'ના 9 દેશોને ખુલ્લી ધમકી, ડોલર સામે પડયા તો આવી બનશે
ટ્રમ્પ સહિતના અમેરિકનોને લાગે છે કે, ચીન અમેરિકાને પછાડીને દુનિયામાં સૌથી મોટી આર્થિક તાકાત બનવા માગે છે. ચીન અને રશિયા ભેગાં મળીને વિશ્વના આર્થિક વ્યવહારોમાં અમેરિકાનું વર્ચસ્વ ખતમ કરીને ડોલરના બદલે નવી કરન્સી લાવવા માગે છે. સ્વાભાવિક રીતે જ અમેરિકા પોતાના વર્ચસ્વ સામેનો પડકાર સહન ના જ કરે તેથી 'ડોનાલ્ડ ટ્રમ્પે 'બ્રિક્સ'ના ૯ દેશોને ખુલ્લી ધમકી આપી છે કે, વૈશ્વિક વ્યાપારમાં ડોલરની જગાએ બીજી કરન્સી લાવવાની હિલચાલ બંધ કરી દેજો. જે પણ દેશ આ હિલચાલમાં જોડાશે એ દેશના માલસામાન પર અમેરિકામાં આવતા તમારા ૧૦૦ ટકા કસ્ટમ્સ ડયુંટી ઠોકી દઈશું.'
ટ્રમ્પ 'બ્રિક્સ' સંગઠનના દેશો પોતાની કરન્સી લાવવા વિચારે છે એ મુદ્દે તો સાવ ભડકી ગયા છે. આ મુદ્દે ટ્રમ્પે સોઈ ઝાટકીને કહી દીધું છે કે, 'બ્રિક્સ' કરન્સી લાવવાનું સપનામાં પણ વિચારતા નહીં, બાકી હાલત ખરાબ કરી નાંખીશ.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું હતું કે, અમેરિકા સાથે ધંધો કરવા હોય તો 'બ્રિક્સ'ના સભ્ય તમામ દેશોએ ખાતરી આપવી પડશે કે ભવિષ્યમાં કદી 'બ્રિક્સ' કરન્સી નહીં લાવીએ કે અમેરિકાનો ડોલર નબળો પડે એવું કશું નહીં કરીએ. આ પ્રકારની કોઈ પણ હરકત કરી તો અમેરિકાના અદભૂત અર્થતંત્રને ગુડ બાય કહેવા તૈયાર રહેવું પડશે. ટ્રમ્પે એકદમ ગંદી ભાષા વાપરીને કહ્યું છે કે, આ દેશોએ નવો 'સકર' શોધી લેવો પડશે. ટ્રમ્પે 'બ્રિક્સ'ના સભ્ય નથી એવા દેશોને પણ ધમકી આપી છે કે, 'બ્રિક્સ' વૈશ્વિક વ્યાપારમાં અમેરિકાના ડોલરનના વિકલ્પ બને એવી કોઈ શક્યતા જ નથી તેથી 'બ્રિક્સ'ના રવાડે ચડવાની કોશિશ કરનારે અમેરિકાને અલવિદા કહેવું પડશે. સાઉદી આ ધમકીથી જ ડરી ગયું છે.
'બ્રિક્સ'નું અસ્તિત્વ ખતરામાં, નવા દેશોને જોડવા અઘરા
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા એ પાંચ દેશોના બનેલા સંગઠન 'બ્રિક્સ'નું નામ આ પાંચેય દેશોના નામના પહેલા અક્ષર લઈને 'બનાવાયું છે. હમણાં જ ગુજરી ગયેલા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનન ડો. મનમોહનસિંહના કાર્યકાળમાં આ સંગઠન સ્થપાયું હતું તેથી ભારત તેની સ્થાપનાથી બ્રિક્સનું સભ્ય છે. ૨૦૦૯માં સ્થપાયેલું સંગઠન 'બ્રિક્સ' છેલ્લાં કેટલાંક વરસોથી અમેરિકા-યુરોપની સામે નવી આર્થિક ધરી બનાવવા મથી રહ્યું છે. આ કારણે દુનિયાના ઘણા દેશોને તેમાં રસ પડી ગયો છે પણ ટ્રમ્પના આક્રમક વલણને જોતાં હવે બ્રિક્સ સામે અસ્તિત્વ ટકાવવાનો પણ મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે.
અત્યાર સુધી ચીન સહિતના દેશો દ્વારા એમની હવા જમાવાયેલી કે, બ્રિક્સ બહુ મોટું સંગઠન બનવાનું છે અને અમેરિકાને પછાડી દેશે તેથી 'બ્રિક્સ'ના સ્થાપક સભ્યો ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે.
ગયા વરસે ઈરાન, યુએઈ, ઈથિયોપિયા અને ઈજીપ્ત એમ ૪ નવો સભ્યો લેતાં કુલ સભ્ય સંખ્યા ૯ થઈ હતી પણ સાઉદી ખસી જતાં આ ચાર સભ્યો પણ ટકશે કે કેમ એ સવાલ છે. તુર્કી, અઝરબૈઝાન તથા મલેશિયાએ 'બ્રિક્સ'ના સભ્ય બનવા અરજી કરી છે પણ આ દેશો પણ સાઉદીના રસ્તે જાય એવી શક્યતા નકારી ના શકાય.