Get The App

ફરાર ભંડારી સાથે સાંઠગાંઠ, વાડરાની ધરપકડના ભણકારા

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
ફરાર ભંડારી સાથે સાંઠગાંઠ, વાડરાની ધરપકડના ભણકારા 1 - image


- અત્યારે ચૂંટણીઓ નજીક છે તેથી વાડ્રા ચર્ચામાં છે, એ જોતાં પાછું રાજકીય કારણોસર વાડ્રાનું નામ ઉછાળાયું હોય તેવું બને : ચૂંટણી પછી ફરી પાછા તે ભૂલાઈ જશે

- વાડરાની ધરપકડ થાય તો ખળભળાટ મચે કેમ કે રોબર્ટ વાડરા નહેરૂ-ગાંધી ખાનદાનના જમાઈ છે, કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ છે. નહેરૂ-ગાંધી ખાનદાનનાં સોનિયા અને રાહુલ ગાંધી પહેલાં નેશલ હેરાલ્ડ કેસમાં ફસાયેલાં છે. બંને સામે કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો છે. હવે આ ખાનદાનના જમાઈરાજ પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જાય તો તેની રાજકીય અસરો પણ પડે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ફરાર આર્મ્સ ડીલર સંજય ભંડારીના કેસમાં મૂકેલા પૂરક ચાર્જશીટના કારણે રોબર્ડ વાડરા ફરી ચર્ચામાં છે. ઈડીનો આક્ષેપ છે કે, વાડરાએ સંજય ભંડારી સામેના મની લોન્ડરિંગના કેસમાં તપાસ હેઠળની લંડનની શંકાસ્પદ પ્રોપર્ટીનું રીનોવેશન કરાવ્યું હતું અને તેમાં રહ્યા પણ હતા. ભંડારી  સામે ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ વિદેશમાં જાહેર કર્યા વિનાની સંપત્તિઓ ધરાવવા બદલ કરચોરી અને મની લોન્ડરિંગના આક્ષેપોની તપાસ કરી રહ્યાં છે. 

ભંડારી અને વાડરા ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાની વાતો લાંબા સમયથી ચાલે છે. ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીએ વાડરા સામે બ્લેક મની એક્ટ હેઠળ કેસ કર્યો છે તેમાં પણ આ વાતો કહેવાયેલી પણ ભંડારી સામેના ચાર્જશીટમાં આ પહેલાં વાડરાના નામનો ઉલ્લેખ નહોતો. ઈડીએ પહેલી વાર વાડરાનો ઉલ્લેખ કરતાં વાડરાની પૂછપરછ કરીને તેમની ધરપકડનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાની અટકળો તેજ બની છે. 

ઈડીના ચાર્જશીટમાં વાડરા સામે સીધો કોઈ આરોપ નથી પણ તેનો ઉલ્લેખ છે. ઈડીએ સંજય ભંડારી, સુમિત ચઢ્ઢા અને સી.સી. થંપી સામે ચાર્જશીટ મૂક્યું છે. તેમાં ઉલ્લેખ છે કે, ભંડારી સાથે કામ કરનારા સી.સી. થંપીને વાડરા સાથે ગાઢ સંબંધો છે. બંનેએ ફરીદાબાદ અને રાજસ્થાનમાં સાથે મળીને મોટા પ્રમાણમાં જમીનો ખરીદી હતી. થંપીના કારણે ભંડારી અને વાડરા વચ્ચે પણ ગાઢ સંબંધો થયા. 

આ કેસમાં કોર્ટે ભંડારીની નજીક મનાતા યુકેના નાગરિક સુનિત ચઢ્ઢા સામે બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડયું છે. ભંડારી અને વાડરા વચ્ચે થયેલી કહેવાતી કરોડોની લેવડદેવડમાં ચઢ્ઢા કેન્દ્રસ્થાને હતો એવો ઈન્કમટેક્સ વિભાગે પહેલાં દાવો કરેલો પણ તેને ભારત લાવી શકાય તેમ નથી કેમ કે,ચઢ્ઢા યુકેનો નાગરિક છે. વાડરાના કેસમાં એવી સમસ્યા નથી તેથી વાડરાની ધરપકડ થઈ શકે છે.  

ભંડારી ૨૦૧૬થી ફરાર છે અને ભાગીને યુકે જતો રહેલો. સીબીઆઈ અને ઈડીએ યુકે સરકારને ભંડારીને ભારતને સોંપવા વિનંતી કરેલી કેમ કે ભંડારી શસ્ત્ર સોદાના ભ્રષ્ટાચારનો આરોપી છે. યુકેની સરકારે ભંડારીને ભારતનેં સોપવાની માગને માન્ય રાખી છે. તેની સામે ભંડારી યુકે હાઈકોર્ટમાં ગયો છે. હાઈકોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો છે ને તેનો નિકાલ થાય ત્યાં સુધી ભંડારીને ભારત લાવી નહીં શકાય પણ વાડરા ભારતમાં જ છે તેથી પૂછપરછના બહાને તેને ઈડી ઉઠાવી શકે છે. 

વાડરાની ધરપકડ થાય તો ખળભળાટ મચે કેમ કે રોબર્ટ વાડરા નહેરૂ-ગાંધી ખાનદાનના જમાઈ છે, કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના પતિ છે. નહેરૂ-ગાંધી ખાનદાનનાં સોનિયા અને રાહુલ ગાંધી પહેલાં નેશલ હેરાલ્ડ કેસમાં ફસાયેલાં છે. બંને સામને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો છે. હવે આ ખાનદાનના જમાઈરાજ પણ ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જાય તો તેની રાજકીય અસરો પણ પડે. 

વાડરાનું શું થશે એ ખબર નથી પણ ભાજપ વાડરાના ભ્રષ્ટાચારનો મુદ્દો લાંબા સમયથી ગજવે છે. ૨૦૧૪માં ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાંથી હરિયાણામાં ભૂપિન્દરસિંહ હુડ્ડા અને રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારની મહેરબાનીથી વાડરાએ કઈ રીતે કરોડોની જમીનો સાવ સસ્તા ભાવે પડાવી લીધી તેના આક્ષેપો કરતો હતો. ભાજપના નેતા વ્યંગમાં રોબર્ટ વાડરાને સૂટેડ-બૂટેડ જીજાજી કહેતા. ઉમા ભારતીએ તો ભારતમાં ભ્રષ્ટ જમાઈને હાથીના પગ તળે કચડી નાંખવાની પરંપરા છે એવું પણ કહેલું. એ વખતે લાગતું કે, ભાજપ સત્તામાં આવશે તો વાડરાનું આવી બનશે પણ વાડરાને કશું થયું નથી. 

ભાજપ સત્તામાં આવ્યો પછી ૨૦૧૫માં દેશના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં હરિયાણામાં કોંગ્રેસની હૂડાની સરકારે જમીનોના સોદામાં બિલ્ડરોને લાભ ખટાવવા નિયમોની ઐસીતૈસી કરી હોવાનો દાવો કરાયેલો. રોબર્ટ વાડરાની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી સહિતની કંપનીઓને સરકારે બેઉ હાથે ખેરાત કરીને કરોડોનો ફાયદો કરાવ્યો હોવાનો દાવો કરાયેલો. આ અહેવલાને આધારે વાડરા સામે પગલાં ભરી શકાયાં હોત પણ કશું થયું નહીં. 

રાજસ્થાનમાં પણ અશોક ગેહલોતે  સાવ મફતના ભાવે રોબર્ટ વાડરાને જમીનોની લહાણી કરી હોવાનો રીપોર્ટ અપાયો હતો. પોખરણમાં ભારતીય લશ્કરના જવાનો ગોળીબારની પ્રેક્ટિસ કરી શકે તે માટે બનાવાયેલી મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ બનાવવા જમીનનું સંપાદન કરાયું ત્યારે વિસ્થાપિત થયેલા પરિવારોને બિકાનેર જિલ્લામાં કોલાયત વિસ્તારમાં જમીન ફાળવાઈ હતી. ૧૯૯૨થી ૧૯૯૬ના સમયગાળામાં કરાયેલી આ જમીનમાંથી ૩૭૪.૪૪ હેક્ટર જમીન વાડરાની કંપનીને આપી દેવાઈ હતી. વાડરાએ તાત્કાલિક જમીનો બીજાં લોકોને વેચીને અબજોનો ફાયદો કરી લીધેલો એવો આક્ષેપ ભાજપે જ કરેલો. 

ભાજપ ધારે તો આ અહેવાલોના આધારે જ વાડરાને ઉઠાવીને અંદર કરી શકે તેમ હતો પણ ભાજપે કશું કર્યું નથી. ભાજપ શાસનને દસ વર્ષ પૂરાં થવા આડે ગણતરીના મહિના બચ્યા છે ને રોબર્ટ વાડરા એકદમ સલામત છે. સુબ્રમણ્યમ સ્વામી ભાજપમાં હતા ત્યારે તેમણે એવો દાવો કરેલો કે, વાડરા  વિજય માલ્યાની જેમ ભારતમાંથી ભાગી જવાની ફિરાકમાં છે. વાડરા પૈસા ખર્ચીને બ્રિટનમાં ફાસ્ટ ટ્રેક સિટિઝનશીપ મેળવવાની ફિરાકમાં હોવાનો સ્વામીનો દાવો હતો પણ વાડરા હજુ ક્યાંય ગયા નથી ને ભારતમાં જ છે. 

ભાજપ વાડરાને યાદ કરતો નથી એવું નથી પણ મોટા ભાગે ચૂંટણી નજીક હોય છે ત્યારે જ યાદ કરે છે. અત્યારે પણ ચૂંટણી નજીક છે તેથી પાછા વાડરા ચર્ચામાં છે એ જોતાં પાછું રાજકીય કારણોસર વાડરાનું નામ ઉછાળાયું હોય એવું બને. ચૂંટણી પતતાં વાડરા પાછા ભૂલાઈ જાય એ શક્યતા નકારી ના શકાય. 

વાડરાએ યુકેમાં ભંડારી મારફતે 9 પ્રોપર્ટી ખરીદી?

સંજય ભંડારી અને રોબર્ટ વાડરાની સાંઠગાંઠ અંગે ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ રોબર્ટ વાડરા સામે લાંબા સમયથી તપાસ કરે છે. ૨૦૨૧માં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ રોબર્ટ વાડરાની ઓફિસે જઈને કરચોરીના કેસમાં વાડરાનું નિવેદન પણ નોંધ્યું હતું.  રોબર્ટ વાડરાએ યુ.કે.માં  સંજય ભંડારી મારફતે લીધેલી પ્રોપર્ટી વાડરાને ભંડારીના ભ્રષ્ટાચારમાં મદદ બદલ અપાઈ હોવાનો ઇન્કમટેક્સ વિભાગનો દાવો છે.  

ભંડારી મારફતે વાડરાએ યુ.કે.માં ૧.૧૦ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૧૧૦ કરોડ રૂપિયાની ૯ પ્રોપર્ટી ખરીદી હતી કે જેની કિંમત અત્યારે કરોડો પાઉન્ડમાં છે. આ કેસમાં હાઇકોર્ટે વાડરાની સંપત્તિનું એસેસમેન્ટ કરવાની ઈન્કમટેક્સ વિભાગને મંજૂરી આપી છે. 

ઈન્કમટેક્સ વિભાગના દાવા પ્રમાણે, લંડનના બ્રિસ્ટલ સ્ક્વેરમાં આવેલી પ્રોપર્ટી વાડરાએ ૧૯ લાખ પાઉન્ડમાં ખરીદી હતી. આ સિવાય ૪૦ લાખ પાઉન્ડની બીજી બે પ્રોપર્ટી અને ૫૦ લાખ પાઉન્ડના છ ફ્લેટ પણ વાડરાએ ભંડારી પાસેથી લીધા હોવાનો સરકારી એજન્સીઓનો દાવો છે.  ભંડારીએ ૨૦૦૮થી ૨૦૧૦ના ગાળામાં લીધેલી પ્રોપર્ટી કોંગ્રેસ શાસન વખતે વાડરાએ ભંડારીને કરેલ મદદના બદલામાં ભંડારીએ આપેલી ભેટ હોવાનો દાવો ઈન્કમટેક્સ વિભાગે પહેલાં જ કરેલો છે.  આ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.)એ વાડરા સામે ૨૦૧૮માં કેસ નોંધેલો.  એ પછી તરત ઈન્કમટેક્સ વિભાગે પણ કેસ નોંધેલો પણ આટલાં વરસોમાં કોઈ તપાસ થઈ નહીં. હવે અચાનક સંજય ભંડારી સામેના ચાર્જશીટમાં વાડરાનો ઉલ્લેખ થતાં વાડરા પાછા ચર્ચામાં છે.

ભંડારી લક્ઝુરીયલ કાર વેચતાં વેચતાં આર્મ્સ ડીલર બની ગયો

સંજય ભંડારી ભંડારી ઓફસેટ ઈન્ડિયા સોલ્યુશન્સ નામની કંપનીનો માલિક છે.  સંજયે આ કંપની ૨૦૦૮માં એક લાખ રૂપિયાની મૂડીથી શરૂ કરી એ પહેલાં વિદેશથી લક્ઝુરીયસ કાર્સ લાવીને ભારતમાં વેચવાનો તેનો ધંધો હતો. તેના કારણે રાજકારણીઓ અને સેલિબ્રિટીઝના સંપર્કમાં આવ્યો. તેમની સલાહથી ભંડારીએ આર્મ્સ ડીલ શરૂ કર્યા. શસ્ત્રોના સોદામાં દલાલી તેને ફળી અને બહુ ટૂંકા ગાળામાં ભંડારી કરોડોમાં રમતો થઈ ગયો. 

ભંડારી પર ઈડીએ ૨૦૧૭માં અગસ્ટાવેસ્ટલેન્ડ હૈલિકોપ્ટર્સની ખરીદીના સંદર્ભમાં દરોડા પાડયા પછી દાવો કરેલો કે, ભંડારીએ  ૨૦૦૯થી ૨૦૧૪ના ગાળામાં કોંગ્રેસના શાસન વખતે ૩૫ બોગસ કંપનીઓ બનાવીને કરોડોનાં કૌભાંડ કરેલાં. રોબર્ટ વાડરાની મદદથી ભંડારીઓ આ કૌભાંડ કર્યા હતાં. 

ઈ.ડી.એ  ભંડારીના બ્લેકબેરી ફોન અને કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કબજે કરી હતી. હાર્ડ ડિસ્કની તપાસમાં વાડરાના માણસ અને ભંડારીના એક્ઝીક્યુટિવ આસિસ્ટન્ટ ઈ-મેલ કોમ્યુનિકેશનની વિગતો બહાર આવેલી.  વાડરા-ભંડારી વચ્ચે ઈ-મેલની આપ-લે લંડનમાં પ્રોપર્ટીની ખરીદીના સંદર્ભમાં થઈ હતી એવો પણ ઈડીનો દાવો હતો.

News-Focus

Google NewsGoogle News