કંગના ખેડૂત આંદોલનમાં થયેલાં રેપ-મર્ડર વિશે કેમ ચૂપ રહી?
- ભાજપ સાંસદ કંગના રનૌતે અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે કે, ખેડૂતોના આંદોલન દરમિયાન મહિલાઓ પર રેપ થયા હતા અને હત્યાઓ પણ કરાઈ હતી. જેમને મારી નંખાયા તેમની લાશો લટકાવી દેવાતી હતી. ખેડૂતોનું આંદોલન લગભગ સવા વરસ ચાલ્યું હતું. આ દરમિયાન આંદોલનકારીઓએ કોઈની હત્યા કરી હોય કે મહિલા પર બળાત્કાર કર્યા હોય એવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી તો કંગના આ માહિતી ક્યાંથી લઈ આવ્યાં તેનો ખુલાસો ભાજપે માગવો જોઈએ. કોઈ પણ પ્રકારના પુરાવા વિના આ પ્રકારનો આક્ષેપ ના કરી શકાય. તેમાં પણ એક સાંસદ આવા આક્ષેપો કરે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે.
એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના રનૌતે એક ઈન્ટરવ્યૂમાં ખેડૂત આંદોલન અંગે કરેલા લવારાના કારણે બખેડો થઈ ગયો છે. કંગનાના દાવા પ્રમાણે ભારતમાં કેન્દ્રની નેતાગીરી મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે થયું એ ભારતમાં પણ થતાં વાર ના લાગી હોત. કંગનાના દાવા પ્રમાણે, ૨૦૨૦-૨૧માં થયેલું ખેડૂત આંદોલન ભારતમાં બાંગ્લાદેશ જેવી અંધાધૂંધી અને અરાજકતા સર્જવાના કાવતરાના ભાગરૂપે થયેલું અને ખેડૂતો વિદેશી પરિબળોના ઈશારે વર્તતા હતા.
કંગનાએ અત્યંત ચોંકાવનારો દાવો એ કર્યો કે, ખેડૂતોના આંદોલન દરમિયાન મહિલાઓ પર રેપ થયા હતા અને હત્યાઓ પણ કરાઈ હતી. જેમને મારી નંખાયા તેમની લાશો લટકાવી દેવાતી હતી. કંગનાએ દાવો કર્યો કે, ખેડૂતો માટે લાભકારી ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાયા ત્યારે આખો દેશ ચોંકી ગયો હતો. આંદોલનકારી પણ ચોંકી ગયેલા કેમ કે તેમણે કદી વિચાર્યું જ નહોતું કે, આ બિલ પાછાં લઈ લેવાશે. એ લોકો બાંગ્લાદેશની જેમ લાંબું આયોજન કરીને આવેલા ને આજે પણ ત્યાં જ બેઠા છે. આ પ્રકારનાં કાવતરાં અમેરિકા અને ચીન જેવા દેશો કરી રહ્યા છે અને આ વિદેશી પરિબળો અહીં સક્રિય છે જ.
કંગનાએ ઈન્ટરવ્યૂમાં સર્વજ્ઞાતા હોય એમ બહુ બધું જ્ઞાન પિરસ્યું છે. સામાન્ય લોકોને તો આ જ્ઞાન હજમ થાય એમ નથી જ પણ કંગનાની પોતાની પાર્ટી ભાજપને પણ આ જ્ઞાનથી આફરો ચડી ગયો. ભાજપે કંગનાના લવારાથી હાથ અધ્ધર કરીને જાહેર કરી દીધું છે કે, આ કંગનાનું અંગત નિવેદન છે અને ભાજપને આ બકવાસ વાતો સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી.
ભાજપના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટે સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ખેડૂતોના આંદોલન અંગે કંગના રનૌતે આપેલા નિવેદન સાથે ભાજપ સહમત નથી. કંગનાને ભાજપની નીતિવિષયક બાબતો પર બોલવાનો અધિકાર કે મંજૂરી નથી. ભાજપે કંગનાને આદેશ આપ્યો છે કે, આ પ્રકારના કોઇ નિવેદન ભવિષ્યમાં ન આપે.
ભાજપનું વલણ શરમજનક છે કેમ કે આડકતરી રીતે ભાજપે કંગનાના આક્ષેપો સમર્થન આપ્યું છે. કંગનાના આક્ષેપો અત્યંત આઘાતજનક છે અને ગંભીર છે. ખેડૂતોનું આંદોલન લગભગ સવા વરસ ચાલ્યું હતું. આ સવા વરસ દરમિયાન આંદોલનકારીઓએ કોઈની હત્યા કરી હોય કે મહિલા પર બળાત્કાર કર્યા હોય એવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી તો કંગના આ માહિતી ક્યાંથી લઈ આવ્યાં તેનો ખુલાસો ભાજપે માગવો જોઈએ. કોઈના પર પણ બળાત્કાર કે હત્યાનો આક્ષેપ કરવો બહુ મોટી વાત છે. કોઈ પણ પ્રકારના પુરાવા વિના આ પ્રકારનો આક્ષેપ ના કરી શકાય. તેમાં પણ એક સાંસદ આવા આક્ષેપો કરે ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. રાજકીય આક્ષેપો કરવા અલગ બાબત છે અને રેપ-મર્ડરના આક્ષેપ અલગ વાત છે.
આ પ્રકારના ગંભીર આક્ષેપો અંગે ભાજપે કંગના પાસે જવાબ માગવો જોઈએ. ખેડૂત આંદોલન દરમિયાન રેપ કે બળાત્કાર થયા તો ક્યાં થયા ? રેપ-મર્ડરની ફરિયાદો કેમ ના નોંધાઈ ? રેપનો ભોગ બનેલી મહિલાઓ કે મર્ડર થયાં તેમના પરિવારજનો કેમ ચૂપ છે ? ખેડૂત આંદોલનની અસર સૌથી વધારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હતી. આ ત્રણમાંથી બે રાજ્યોમાં ભાજપની સરકાર હતી તો પછી મર્ડર-રપ સામે સરકારો ચૂપ રહી ? અને સૌથી મહત્વનો સવાલ એ છે કે કંગના આ રેપ-મર્ડર વિશે કેમ ચૂપ હતી ? આંદોલન સમેટાઈ ગયું તેના ત્રણ વર્ષ સુધી કેમ આ મુદ્દો ના ઉઠાવ્યો ?
આ બહુ મહત્વના સવાલો છે ને કંગના આ સવાલોના સંતોષકારક જવાબ ના આપી શકે તો પક્ષમાંથી તગેડી મૂકવાં જોઈએ. તેના બદલે કંગનાના લવારાને અંગત નિવેદન ગણાવીને ભાજપ હાથ ખંખેરી લે કે કંગનાને ભવિષ્યમાં આવાં નિવેદન નહી કરવાની સૂફિયાણી સલાહ આપે એ બહુ નાની વાત થઈ.
ભાજપે કંગનાના નિવેદન મુદ્દે હાથ ખંખેરવાનું નાટક કર્યું તેનું કારણ એ છે કે, મહિના પછી હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી છે ને કંગનાના લવારાથી હરિયાણામાં ભડકો થઈ ગયો છે. ખેડૂત સંગઠનોના નેતા તો બગડયા જ છે પણ ભાજપના નેતા પણ ખફા છે. હરિયાણામાં છેલ્લાં ૧૦ વર્ષથી સત્તા ભોગવતા ભાજપ માટે સત્તા ટકાવવી મુશ્કેલી લાગી રહી છે ત્યારે કંગનાના બકવાસથી ભાજપની હાલત વધારે ના બગડે એટલે આ સ્પષ્ટતા કરાઈ પણ ભાજપ કંગના સામે બીજાં કોઈ પગલાં લેવાના મૂડમાં નથી તેનો અર્થ એ થયો કે, ભાજપ આડકતરી રીતે કંગનાની વાતને ટેકો આપે છે.
ભાજપનું આ વલણ નવું નથી. ખેડૂત આંદોલન વખતે ભાજપના નેતા આક્ષેપ કરતા કે, કોંગ્રેસ સહિતના વિપક્ષો ખેડૂતોને ભડકાવી રહ્યા છે. પછી ભાજપના નેતા નવું લઈ આવેલા કે, ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાનવાદીઓએ ભડકાવ્યું છે. આંદોલનકારીઓને વિદેશથી નાણાં મળી રહ્યાં છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાનવાદીઓ થોકબંધ નાણાં મોકલી રહ્યાં છે. ભાજપના નેતાઓએ સત્તાવાર રીતે ગૃહ મંત્રી અમિત શાહને આવેદનપત્ર આપીને આ રજૂઆત કરી હતી.
ભાજપના નેતાઓએ પંજાબના કલાકારોને પણ ખાલિસ્તાનવાદીઓના દલાલ ગણાવીને તેમની સામે ફરિયાદ નોંધવા પણ કેન્દ્રને કહેલું. હરભજન માન, દીપ સંધુ, સિધુ મૂસેવાલા, એમ્મી વિર્ક, રણજીત બાવા, રેશમસિંહ અનમોલ વગેરે કલાકારો આંદોલન કરવા એકઠા થયેલા ખેડૂતો વચ્ચે જઈને તેમનું મનોરંજન કરતા હતા.
ભાજપના નેતાઓએ આક્ષેપ કરેલો કે આ કલાકારોને ખાલિસ્તાનવાદીઓ તરફથી ભારત વિરોધી લાગણી ભડકાવવા માટે નાણાં મળી રહ્યાં છે તેથી તેમને જેલમાં પૂરવા જોઈએ. સોશિયલ મીડિયા પર ભાજપના ચમચા આ જ વાતો કરતા ને કંગના તેમાં મોખરે હતાં. કંગનાએ તો આંદોલનમાં ભાગ લેનારી મહિલાઓ સો-સો રૂપિયામાં ઉપલબ્ધ હોવાનું પણ કહેલું. કંગના અત્યારે એ જ બકવાસ દોહરાવી રહ્યાં છે.
કંગનાએ ચીન અને અમેરિકાના ઈશારે ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર કરાઈ રહ્યું છે એવો આક્ષેપ પણ કર્યો છે. મોદી સરકારે આ વિશે પણ સ્પષ્ટતા કરવી જોઈએ. અમેરિકા અને ચીન બંને ભારતના સૌથી મોટા બિઝનેસ પાર્ટનર છે. આ બંને દેશો ભારતને બાંગ્લાદેશ બનાવવા માગતા હોય તો આપણે તેમની સાથે બિઝનેસ શું કરવા કરી રહ્યા છીએ ? ભારતની વિદેશ નીતિ અમેરિકાતરફી છે.
મોદી સરકારે આ સવાલનો જવાબ આપવો જોઈએ.
કંગનાએ ગાંધીજીને ભિખારી, રાહુલને ડ્રગ્સ એડિક્ટ ગણાવેલ
કંગના વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે પંકાયેલાં છે. કંગનાએ થોડાં વરસો પહેલાં એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહેલું કે, દેશને અસલી આઝાદી ૨૦૧૪માં મળી જ્યારે ૨૦૧૭માં મળેલી આઝાદી તો ભીખ હતી. ૧૮૫૭માં આઝાદીની પહેલી લડાઈ લડાઈ હતી કે જેને દબાવી દેવાઈ હતી. એ પછી બ્રિટિશ શાસને અત્યાચાર અને ક્રૂરતાને વધારી દીધાં. પછી એક સદી પછી ગાંધીના ભીખના કટોરામાં આઝાદી આપી દીધી.....જાઓ અને રડયા કરો.
કંગનાએ સાંસદ બન્યા પછી સંસદના સત્ર દરમિયાન રાહુલ ગાંધી ડ્રગ્સ એડિક્ટ હોવાનો આક્ષેપ કરેલો. રાહુલ ગાંધીએ શિવ અને મહાભારતની કથાના ચક્રવ્યૂહનો ઉલ્લેખ કર્યો પછી કંગનાએ કહેલું કે, રાહુલ જે પ્રકારની બકવાસ વાતો કરે છે તે જોતાં તેમનો ટેસ્ટ કરવામાં આવે કે તેઓ કોઈ ડ્રગ્સ લે છે કે નહીં.
લોકસભાની ચૂંટણી પહેલાં કંગનાએ જવાહરલાલ નહેરુને નહીં પણ સુભાષચંદ્ર બોઝને ભારતના પહેલા વડા પ્રધાન ગણાવ્યા હતા. કંગનાએ દાવો કર્યો કે, ૧૯૪૩માં સુભાષચંદ્ર બોઝે દેશની પહેલી સરકાર બનાવી હતી.
ખેડૂત આંદોલનના કારણે ભાજપ યુપી, પંજાબ હરિયાણામાં ધોવાઈ ગયો
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતા અને ચમચાઓ મોદી સરકાર સામે ઉઠતા કોઈ પણ અવાજને દેશદ્રોહમાં ખપાવી દેતા, મોદી સરકાર સામે બોલનારાં દરેકને હિંદુ વિરોધી ચિતરી દેતા. ખેડૂત આંદોલન વખતે પણ ભાજપના નેતાઓએ એવું જ કરેલું ને તેની બહુ મોટી કિંમત ભાજપે લોકસભાની ચૂંટણીમાં ચૂકવી.
ખેડૂત આંદોલનમાં સૌથી વધારે સક્રિય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો હતા. ભાજપના નેતાઓએ તેમના પર ખાલિસ્તાનવાદી, વિદેશી એજન્ટ વગેરે લેબલ લગાવ્યાં તેનો બદલો તેમણે લોકસભાની ચૂંટણીમાં લીધો. મોદી સરકારે ખેડૂતોને ટટળાવ્યા તેનો જવાબ ભાજપને હરાવીને આપ્યો. હરિયાણામાં ભાજપ લોકસભાની ૧૦માંથી ૫ બેઠકો જ જીત્યો શક્યો. પંજાબમાં ૨ બેઠકો પરથી ઘટીને ઝીરો પર આવી ગયો ને ચંદીગઢ લોકસભા બેઠક પણ ગુમાવી. ઉત્તર પ્રદેશમાં તો સીધો ૬૨ બેઠકો પરથી ૩૩ પર આવી ગયો.
આ કારમી પછડાટ પછી પણ કંગના જેવાં લોકો કોઈ બોધપાઠ શીખ્યાં નથી. કંગના હવે ખેડૂત આંદોલનકારીઓને વિદેશી એજન્ટ-દેશદ્રોહી, બળાત્કારી અને હત્યારા ગણાવે છે. આ વાતોના કારણે ભાજપને રાજકીય નુકસાન થશે જ.