Get The App

મસ્કની પુતિન સાથે સાંઠગાંઠનો ધડાકો, હવે કમલા હેરિસની જીત પાકી ?

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
મસ્કની પુતિન સાથે સાંઠગાંઠનો ધડાકો, હવે કમલા હેરિસની જીત પાકી ? 1 - image


- 2016ની ચૂંટણીમાં ટ્રમ્પ પુતિનની મદદથી જીત્યા હોવાનો આક્ષેપ થઈ ચૂક્યો છે, હવે કહે છ કે ટ્રમ્પે જીતવા માટે પુતિનના પગ પકડી લીધા છે

- પ્રમુખપદેથી હટયા પછી ટ્રમ્પે પુતિનને વારંવાર ફોન કર્યા હોવાનો ધડાકો પત્રકાર બોબ વુડાર્ડે કરેલો તેથી ટ્રમ્પ ભીંસમાં હતા જ. હવે આ નવા ધડાકાના કારણે ટ્રમ્પની હાલત વધારે બગડી છે કેમ કે પોતે પ્રમુખપદે ચૂંટાશે તો એલન મસ્કને અમેરિકાની સરકારમાં મહત્વનું સ્થાન આપશે એવું વચન ટ્રમ્પે આપ્યું છે. તેના કારણે એવી કોમેન્ટ થઈ રહી છે કે, ટ્રમ્પની જીતથી અમેરિકાનો વહીવટ રશિયાના ઈશારે ચાલશે. અમેરિકનોને પુતિન અને રશિયાની કઠપૂતળી સરકાર જોઈએ છે ? 

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં દુનિયામાં સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પને ફરી જીતાડીને પ્રમુખ બનાવવા માટે પૂરી તાકાતથી મચી પડયા છે ત્યારે જ જબરદસ્ત ધડાકો થયો છે કે, મસ્ક તો અમેરિકાના સૌથી મોટા દુશ્મન એવા વ્લાદિમિર પુતિન સાથે સાંઠગાંઠ ધરાવે છે. અમેરિકાના ટોચના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રીપોર્ટ પ્રમાણે, મસ્ક પુતિન સાથે ૨૦૨૨થી સંપર્કમાં છે અને બંને વચ્ચે વાતચીત થાય છે, વૈચારિક આદાનપ્રદાન પણ થાય છે. 

અમેરિકનો માટે પુતિન સૌથી મોટા વિલન છે ત્યારે ટ્રમ્પના ખાસ માણસના તેની સાથે સાંઠગાંઠ હોય એ સમાચાર અમેરિકનો માટે બોમ્બ ધડાકાથી કમ નથી. ટ્રમ્પ અને મસ્ક બંને આ ધડાકાથી બઘવાઈ ગયા છે. બંને તરફથી કોઈ ખુલાસો નથી કરાયો કે ચોખવટનો પ્રયત્ન પણ નથી કરાયો તેના કારણે આ વાત સાચી છે એ સ્પષ્ટ છે.  રાજકીય વિશ્લેષકો માને છે કે, પ્રમુખપદ માટે ૫ નવેમ્બરે થનારા મતદાન પહેલાં જ થયેલા ધડાકાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પનું તપેલું ચડી જશે અને કમલા હેરિસની જીતની શક્યતાઓ પ્રબળ બની ગઈ છે. 

૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પ પુતિનની મદદથી જીત્યા હોવાના આક્ષેપો પહેલાં થયેલા તેના કારણે આ વખતે પણ ટ્રમ્પે જીતવા માટે પુતિનના પગ પકડયા હોવાનું પણ કહેવાય છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચે દલાલી કરીને મસ્ક અમેરિકા સાથે ગદ્દારી કરી રહ્યા છે એવો પ્રચાર પણ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે તેથી ટ્રમ્પની હાલત પતલી છે.

આ પહેલાં પ્રમુખપદેથી હટયા પછી ટ્રમ્પે પુતિનને વારંવાર ફોન કર્યા હોવાનો ધડાકો પત્રકાર બોબ વુડાર્ડે કરેલો તેથી ટ્રમ્પ ભીંસમાં હતા જ. હવે આ નવા ધડાકાના કારણે ટ્રમ્પની હાલત વધારે બગડી છે કેમ કે પોતે પ્રમુખપદે ચૂંટાશે તો ઇલોન મસ્કને અમેરિકાની સરકારમાં મહત્વનું સ્થાન આપશે એવું વચન ટ્રમ્પે આપ્યું છે. તેના કારણે એવી કોમેન્ટ થઈ રહી છે કે, ટ્રમ્પની જીતથી અમેરિકાનો વહીવટ રશિયાના ઈશારે ચાલશે. અમેરિકનોને પુતિન અને રશિયાની કઠપૂતળી સરકાર જોઈએ છે ? 

મસ્ક ટ્રમ્પને પડખે છે તેનું કારણ માર્ક ઝુકરબર્ગ સાથેની બિઝનેસની હરીફાઈ પણ છે. ઝુકરબર્ગ ટ્રમ્પ અને મસ્ક બંનેનો દુશ્મન છે અને બંનેનું ભાવિ ઝુકરબર્ગ પર નિર્ભર છે તેથી બંનેએ હાથ મિલાવી લીધા છે. 

માર્ક ઝુકરબર્ગ અત્યારે અમેરિકા જ નહીં પણ આખી દુનિયામાં સોશિયલ મીડિયા કિંગ છે. ઝુકરબર્ગની ફેસબુકનાં વળતાં પાણી છે પણ ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જોરદાર ચાલી રહ્યાં છે. ઝુકરબર્ગે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવવામાં મદદ કરેલી તેથી ટ્રમ્પ સાથે તેને ખુલ્લી દુશ્મનાવટ થઈ ગઈ. ટ્રમ્પે ઝુકરબર્ગને પછાડવા સોશિયલ મીડિયામાં ઝંપલાવ્યું પણ સફળ ના થયો. ઇલોન મસ્ક પણ સોશિયલ મીડિયામાં આવ્યો પણ તેના પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર)નો પહેલાં જેવો દબદબો નથી.  મસ્કની સ્પર્ધા સીધી ઝુકરબર્ગની મેટા સાથે છે. એક્સને આખી દુનિયામાં ટોચનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવું હોય તો મેટાનાં પ્લેટફોર્મને પાછળ છોડવાં પડે પણ મસ્ક માટે આ કામ મુશ્કેલ છે. ટ્રમ્પ ફરી સત્તામાં આવે તો મેટાનાં પ્લેટફોર્મને નાથવાની નીતિઓ બનાવડાવીને એક્સને નંબર વન બનાવી શકાય છે એવું મસ્કને લાગે છે. ટ્રમ્પે પણ મસ્ક સાથેનો હિસાબ સરભર કરવાનો છે તેથી ટ્રમ્પ રાજીખુશીથી ઝુકરબર્ગને નાથવામાં મદદ કરશે. ટ્રમ્પ સત્તામાં આવે તો ઝુકરબર્ગે ભૂતકાળમાં કરેલાં કાળાં-ધોળાંનો ચોપડો ખોલાવીને ટ્રમ્પ તેને ઉઠાવીને જેલભેગો કરી દે એવી પ્રબળ શક્યતા છે. ઝુકરબર્ગ જેલમાં જાય અને મેટા પર તવાઈ આવે તો મસ્કને મોકળું મેદાન મળે તેથી મસ્ક-ટ્રમ્પ એક પંગતમાં બેસી ગયા છે. 

રીપોર્ટ પ્રમાણે, બંને વચ્ચે સંખ્યાબંધ મુદ્દે વાતચીત થઈ છે. મસ્ક અને પુતિન અંગત વાતો કરે છે, બિઝનેસ તથા જીયોપોલિટિક્સને લગતી વાતો પણ કરે છે. એક વાર પુતિને મસ્કને તાઈવાનમાં પોતાની સ્ટાકલિંક સેટેલાઈટ લિંક એક્ટિવેટ નહીં કરવા કહેલું કે જેથી ચીનના સર્વેસર્વા શી જિનપિંગને ફાયદો થાય. અમેરિકનો જિનપિંગને પણ વિલન માને છે. મસ્કે જિનપિંગને મદદ કરી હોય તો એ પણ શરમજનક કહેવાય એવું પણ લોકો કહી રહ્યાં છે. મસ્ક અને ટ્રમ્પ હજુ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં નથી આવ્યાં કેમ કે ડેમેજ કંટ્રોલ કઈ રીતે કરવું એ જ ખબર નથી પડતી. આ સંજોગોમાં કમલા હેરિસ પ્રમુખપદે ચૂંટાશે તો મસ્કનો ઘડોલાડવો થઈ જશે એવું મનાય છે. આ ધડાકાના કારણે મસ્ક માટે હવે પછીના દિવસો કપરા હશે એવું લાગે છે. અમેરિકાના સ્પેસ પ્રોગ્રામમાં મસ્કની કંપની સ્પેસએક્સ કેન્દ્રસ્થાને છે. 

અમેરિકાના નેશનલ સીક્યુરિટી સેટેલાઈટ્સ સ્પેસએક્સ લોંચ કરે છે. યુક્રેન અને રશિયાના યુધ્ધમાં જ નહીં પણ અમેરિકાની સુરક્ષામાં પણ સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન સિસ્ટમ કેન્દ્રસ્થાને છે. મસ્ક પાસે વિશ્વમાં સૌથી પ્રભાવશાળી મનાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પણ છે. એક્સ પર રશિયાના કુપ્રચારને મહત્વ અપાયું હોવાના કિસ્સા પણ લોકો શોધી શોધીને મૂકી રહ્યા છે. આ બધાં પાપના કારણે કમલા પ્રમુખ બનશે તો મસ્કને બધી કંપનીઓમાંથી દૂર કરી દેવાશે. સ્ટારલિંક સેટેલાઈટ સિસ્ટમ અને સ્પેસએક્સ જેવી કંપનીઓનો કબજો અમેરિકાની સરકાર પોતાની પાસે લઈ લે એવી પણ શક્યતા નકારાતી નથી. 

મસ્કની હાલત અત્યારે કફોડી છે અને ટ્રમ્પ ફરી પ્રમુખ બને તો જ મસ્ક બચી શકે તેમ છે. ટ્રમ્પની પ્રમુખ બનવાની શક્યતા અત્યંત નહિવત છે એ જોતાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિનો અંજામ શું હશે એ જોઈએ. 

૫ નવેમ્બરે ચૂંટણી છે ને ૧૦ નવેમ્બર લગીમાં તો પરિણામ આવી જશે તેથી મસ્કનું શું થશે એ ખબર પડી જ જશે.

ટ્રમ્પનાં ખાસ ફિયોના હિલે મસ્ક-પુતિન સંબંધોનો ભાંડો ફોડયો

મસ્ક અને પુતિન વચ્ચેન સંબધોનો ભાંડો ફોડવામાં ફિયોના હિલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે ફિયાનો હિલ વ્હાઈટ હાઉસમાં યુરોપીયન અને રશિયન બાબતોનાં નિષ્ણાત તરીકે કામ કરતાં હતાં.  

અમેરિકામાં યુરેશિયા ગુ્રપ નામે કન્સલ્ટિંગ ફર્મ ચલાવતા ઈયાન બ્રેમરે દાવો કરેલો કે, મસ્કે પોતાને કહેલું કે, પુતિન તથા ક્રેમલિનના અધિકારીઓ પોતાની સાથે સીધી વાતચીત કરે છે. 

મસ્કે આ દાવાને ખોટો ગણાવેલો પણ ફિયાનો હિલે બ્રેમરની વાતને સાચી ગણાવી પછી મસ્કની બોલતી બંધ થઈ ગયેલી. 

કોલોરાડોના આસ્પેનમાં મળેલી કોન્ફરન્સમાં મસ્કે બ્રેમરને આ વાત કરી ત્યારે પોતે હાજર હતાં એવા હિલના દાવાએ મસ્કને ચૂપ કરી દીધેલા. 

ફિયોના હિલ બ્રિટનમાં જન્મેલાં પણ ૨૦૦૦ની સાલથી અમેરિકાનાં નાગરિક છે વિદેશી બાબતોનાં નિષ્ણાત અને લેખિતા તરીકે જાણીતાં ફિયોના સ્કોટલેન્ડમાં યુનિવર્સિટી ઓફ સેંટ એન્ડ્રૂઝમાં રશિયન ભાષાનો અભ્યાસ કરીને તેનાં નિષ્ણાત બન્યાં પછી અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં હિસ્ટરીમાં પીએચ.ડી. થયાં. બ્રિટનની સરકારમાં પણ કામ કરી ચૂકેલાં ફિયોનાને ટ્રમ્પે પોતાની સરકારમાં રશિયા સાથેના સંબધોની જવાબદારી સોંપી હતી. 

હિલે મસ્ક-પુતિનના સંબંધોને સમર્થન આપ્યું તેના કારણે ટ્રમ્પ વિરોધી માહોલ બની ગયો છે કેમ કે ફિયોના એક સમયે ટ્રમ્પની અત્યંત નજીક મનાતાં હતાં. મસ્કની પુતિન સાથેની વાતચીત જો બાઈડેન સરકારે જ પૂરી પાડી હોવાથી આ આખો ખેલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરાયો છે પણ એટલી સિફતથી કરાયો છે કે, અમેરિકાની પ્રજાને આખી વાત પર ભરોસો બેસી જાય.

મસ્ક પાસે અમેરિકાની સરકારના 3 અબજ ડોલરના કરાર છતાં વધારે જોઈએ છે

ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયો તેના કારણે અમેરિકા જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય છે. સામાન્ય રીતે વ્યાપક આર્થિક હિતો ધરાવતા ઉદ્યોગપતિ કે બિઝનેસમેન ખુલ્લેઆમ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા તરફ ઢળવાની હિંમત ના કરે પણ મસ્ક ટ્રમ્પના પ્રચારમાં કૂદી પડયા છે તેનું કારણ ટ્રમ્પે પોતે સત્તામાં આવશે તો મસ્કની કંપનીઓને તોતિંગ ફાયદો કરાવશે એવું ગાજર લટકાવ્યું હોવાનું કહેવાય છે.  

મસ્કનાં આર્થિક અને બિઝનેસ હિતો વ્યાપક છે. અત્યારે મસ્કની કંપનીઓ પાસે અમેરિકાની સરકારના ૧૭ ફેડરલ ગુ્રપના ૧૦૦થી વધારે કોન્ટ્રાક્ટ છે. નાસા સાથે મસ્કની કંપની સ્પેસએક્સનો કરાર સહિતના કરારમાંથી ગયા વરસે મસ્કને ૩.૦૨ અબજ ડોલર (લગભગ ૨૬ હજાર કરોડ રૂપિયા)ની આવક થઈ હતી. મસ્કને વધારે આવક જોઈએ છે પણ જો બાઇડેનની સરકાર બીજા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને પણ ખુશ રાખવા માગે છે તેથી મસ્કને વધારે કોન્ટ્રાક્ટ આપી શકે તેમ નથી.  

મસ્કને ડીફેન્સ ડીપાર્ટમેન્ટના સેટેલાઈટ વર્કમાં વધારે કામ જોઈએ છે પણ આ બાઈડેનની સરકારે તેની માગ સ્વીકારી નથી. મસ્કની આ નારાજગીનો લાભ લઈને ટ્રમ્પે મસ્ક રજૂ કરે એ બધા પ્રોજેક્ટ મંજૂર રાખીને તેને વધારે આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત મસ્કની કંપનીઓને ફાયદો થાય એવી બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી બનાવવા પણ વચન આપ્યું હોવાથી મસ્ક પૂરી તાકાતથી ટ્રમ્પને જીતાડવા મચી પડયો છે.

News-Focus

Google NewsGoogle News