સેક્સ કાંડોના કારણે બદનામ નિત્યાનંદ પર બોલિવિયામાં પણ તવાઈ
- નિત્યાનંદના 20 જેટલા ચેલકાઓ અલગ અલગ દેશોની નાગરિકતા ધરાવે છે એમાંથી ત્રણ લોકો પાસે ભારતની નાગરિકતા પણ છે તેમને ભારત મોકલી દેવાયા છે
- નિત્યાનંદ બદનામ ઘર્મગુરૂ હતો ને ખરાબ ધંધાઓના કારણે ભારત છોડીને ભાગવું પડેલું. રંજીથા સાથેની સેક્સ સીડી ઉપરાંત બીજા પણ કેસ થયેલા. સ્વામી નિત્યાનંદ સામે 2010માં એક અમેરિકન યુવતીએ પણ બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીનો આક્ષેપ હતો કે, નિત્યાનંદે પાંચ વર્ષમાં તેની પર અમેરિકા અને ભારતમાં વારંવાર પરાણે સેક્સ સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં નિત્યાનંદે જેલમાં જવું પડયું હતું. નિત્યાનંદ સામે તેમની બીજી એક અનુયાયીએ પણ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. બીજી એક અનુયાયી યુવતી સાથે નિત્યાનંદ કામક્રિડામાં મગ્ન હતા ત્યારે તેનો પતિ આવી જતાં ભારે ભવાડા થયા હતા. યુવતીને પતિએ તેની પત્ની અને સ્વામી સામે વ્યભિચારનો કેસ ઠોકી દીધો હતો.
સેક્સ કાંડ અને બળાત્કારના કેસોના કારણે વગોવાઈને ભારતથી ભાગી જનારા સ્વામી નિત્યાનંદ ફરી વિવાદમાં છે. ભારતથી ભાગેલા નિત્યાનંદે 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ' નામના કહેવાતા સ્વાયત્ત દેશની સ્થાપના કરી હતી. નિત્યાનંદે બોલિવિયાના એમેઝોન રેઈનફોરેસ્ટની મૂળ પ્રજા એવા આદિવાસીઓ સાથે લગભગ ૪.૮ લાખ હેક્ટર જમીન ભાડાપટ્ટે લેવા માટે લીઝ કરાર કર્યા હતા. બોલિવિયાએ આ કરારને જમીન કૌભાંડ ગણાવીને નિત્યાનંદના 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસ'ના ૨૦ હોદ્દેદારોને બોલિવિયામાંથી તગેડી મૂક્યા છે.
નિત્યાનંદ પોતે ક્યાં છે એ બોલિવિયાની સરકારને ખબર નથી તેથી તેની સામે કાર્યવાહી કરી શકાઈ નથી એવું તેમના ચેલકા કહે છે. નિત્યાનંદ વિશે બોલીવિયાની સરકારે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી પણ નિત્યાનંદને ઉઠાવીને જેલમાં નાંખી દેવાયા હોવાની પણ ચર્ચા છે. આ વાતને સત્તાવાર સમર્થન નથી મળતું પણ બોલીવિયાની સરકારે નિત્યાનંદને જેલભેગો કર્યો હોય તો આજે નહીં તો કાલે તેને ભારતને સોંપાશે. ભારતે નિત્યાનંદનો પાસપોર્ટ રદ કરી દીધો છે તેથી સત્તાવાર રીતે નિત્યાનંદ ભારતનો નાગરિક નથી પણ તેની સામે બળાત્કાર સહિતના ગુના નોંધાયેલા છે તેથી તેને ભારતને સોંપાય એવું બને. નિત્યાનંદનો ભારતમાં બહોળો અનુયાયી વર્ગ છે તેથી નિત્યાનંદને પાછો ભારત લાવીને કેસ ચલાવાય તો ધમાધમી તો થાય જ.
નિત્યાનંદના ૨૦ ચેલા અલગ અલગ દેશોની નાગરિકતા ધરાવે છે તેથી તેમને પોતપોતાના દેશમાં પાર્સલ કરી દેવાયા છે. તેમાંથી ત્રણ લોકો પાસે ભારતની નાગરિકતા પણ છે તેથી ભારત મોકલી અપાયા છે. ભારતમાં તેમની સામે કોઈ કેસ નથી એટલે અહીં રહી શકશે પણ આ કાર્યવાહીએ નિત્યાનંદ કેવટો મોટો ફ્રોડ છે એ ફરી સાબિત કર્યું છે.
ભારતમાં સેક્સ કાંડ કરી કરીને વગોવાયેલો નિત્યાનંદે ડીસેમ્બર ૨૦૧૯માં કૈલાશ નામના નવા દેશની સ્થાપનાની જાહેરાત કરી ત્યારે કોઈએ તેને ગંભીરતાથી લીધો નહોતો. ડિસેમ્બર ૨૦૧૯માં, નિત્યાનંદે દાવો કર્યો હતો કે, પોતે એક સ્વાયત્ત હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરી છે કે જેનું નામ કૈલાસ છે. નિત્યાનંદે આ દેશને શ્રી કૈલાસ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા તરીકે પણ ઓળખવામાં આવશે એવું એલાન કરેલું.
નિત્યાનંદે દાવો કરેલો કે, કૈલાસ વિશ્વનું એકમાત્ર સાર્વભૌમ હિન્દુ રાષ્ટ્ર છે અને આ 'હિન્દુ રાષ્ટ્ર' બહુ જલદી પોતાનો પાસપોર્ટ, ચલણ અને અન્ય દસ્તાવેજો બહાર પાડશે. કૈલાસ એશિયા, યુરોપ અને અમેરિકા એ ત્રણ ત્રણ ખંડોમાં ફેલાયેલા બિન-સરકારી સંગઠનોનું નેટવર્ક હોવાનો દાવો પણ કરાયો હતો.
નિત્યાનંદ બદનામ ધર્મગુરૂ હતો ને ખરાબ ધંધાઓના કારણે ભારત છોડીને ભાગવું પડેલું. રંજીથા સાથેની સેક્સ સીડી ઉપરાંત બીજા પણ કેસ થયેલા. સ્વામી નિત્યાનંદ સામે ૨૦૧૦માં જ એક અમેરિકન યુવતીએ પણ નિત્યાનંદ સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતીનો આક્ષેપ હતો કે, નિત્યાનંદે પાંચ વર્ષમાં તેની પર અમેરિકા અને ભારતમાં વારંવાર પરાણે સેક્સ સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ અમેરિકાના મિશનગમાં કેસ કરેલો પણ પોલીસે કશું ના કરતાં યુવતીએ બેંગલુરૂ આવીને પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં નિત્યાનંદે ફરી જેલમાં જવું પડયું હતું. આ કેસમાં નિત્યાનંદ સામે ૨૦૧૮માં આરોપો ઘડાયા હતા. નિત્યાનંદે ભારતથી ભાગી જવું પડયું તેના માટે આ કેસ પણ જવાબદાર છે.
નિત્યાનંદ સામે તેમની બીજી એક અનુયાયીએ પણ બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. બીજી એક અનુયાયી યુવતી સાથે નિત્યાનંદ કામક્રિડામાં મગ્ન હતા ત્યારે તેનો પતિ આવી જતાં ભારે ભવાડા થયા હતા. યુવતીને પતિએ તેની પત્ની અને સ્વામી સામે વ્યભિચારનો કેસ ઠોકી દીધો હતો.
આ રેકોર્ડના કારણે નિત્યાનંદની વાતનો કોઈએ ગંભીરતાથી નહોતી લીધી. કૈલાસ રાષ્ટ્ર ઈક્વેડોર પાસેના ટાપુ પર આવેલું હોવાનો દાવો કરાયો હતો પણ ખરેખર આ ફેક નેશન ક્યાં આવેલો છે તેની જ કોઈને ખબર નહોતી. ભારતીય મીડિયાએ તો નિત્યાનંદ ભાગી ગયો એ પછી તેનું પુરાણ જ બંધ કરી દીધેલું. કૈલાસના નામે નિત્યાનંદ લોકોને ખંખેરવાની નવી સ્કીમ લઈને આવ્યો છે એવું સૌ માનતાં હતાં પણ નિત્યાનંદે આવો મોટો ખેલ કર્યો છે એવી કોઈને કલ્પના નહોતી.
નિત્યાનંદે એકદમ છૂપી રીતે આખો ખેલ પાડેલો પણ બોલિવિયાના મીડિયાને ગંધ આવી ગઈ તેમાં તેનો ભાંડો ફૂટી ગયો. બોલિવિયન અખબાર એલ ડેબરે તપાસ શરૂ કર્યા તેમાં ખુલાસો થયો કે, નિત્યાનંદે તો બોલિવિયાનું જંગલ પચાવી પાડવાનો જ ખેલ કરી નાંખ્યો છે. નિત્યાનંદના કહેવાતા દેશ કૈલાસે બોલિવિયાનાં ત્રણ મોટા આદિવાસી કબિલા બૌરે, કૈયુબાબા અને એસે એજ્જા સાથે સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે લગભગ ૪.૮ લાખ હેક્ટર જાહેર જમીન માટે કરાર કર્યા હતા. કૈલાસે આ ૪.૮ લાખ હેક્ટર જમીન એક હજાર વર્ષના ભાડાપટ્ટે લીધી હતી. બૃહન્મુંબઈનો આખો વિસ્તાર ૬૦ હજાર હેક્ટર જમીનમાં ફેલાયેલો છે એ જોતાં નિત્યાનંદે ૮ મુંબઈ બને એટલી જમીન આદિવાસીઓ પાસેથી પડાવી લીધી હતી.
બોલિવિયામાં આદિવાસીઓ પોતાની જમીન વેચી ના શકે પણ તેનો વહીવટ કરવાનો તેમને અધિકાર છે. આ છટકબારીનો લાભ લઈને નિત્યાનંદે ખેલ પાડી દીધો હતો. જો કે કૈલાસ કોઈ દેશ નથી એટલે બોલિવિયાની સરકારે આ કરારને રદ કરી દીધો છે.
નિત્યાનંદ આ જમીનમાં શું કરવા માગતો હતો એ ખબર નથી પણ એક માન્યતા એવી છે કે, વિશાળ આશ્રમ ઉભો કરીને અય્યાસીનો અડ્ડો બનાવવાની તેની યોજના હતી.
આચાર્ય રજનીશે અમેરિકામાં ઉભો કરેલો એવો આશ્રમ ઉભો કરવાની નિત્યાનંદની યોજના છે કે જ્યાં દુનિયાભરમાંથી લોકો આવીને મુક્ત અને સ્વચ્છંદી જીવન જીવી શકે.
નિત્યાનંદના અનુયાયીઓમાં મહિલાઓની સંખ્યા મોટી છે ને તેમાં પણ યુવતીઓ તો બહુ જ છે. નિત્યાનંદ તેમને પોતાન આશ્રમમાં કશું પણ કર્યા વિના રહેવા પ્રોત્સાહન આપે છે. કામ-ધંધો કર્યા વિના જલસા કરીને રહેવાનું કોને પસંદ ન પડે ? નિત્યાનંદની યોજના તેમનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવાની હતી પણ હાલ પૂરતું તો બોલિવિયાની સરકારે તેના ઈરાદા પર ઠંડું પાણી રેડી દીધું છે.
અમદાવાદમાં બે શિષ્યાઓ સાથેના સંબધોના વિવાદના કારણે નિત્યાનંદે ભારત છોડીને ભાગવું પડેલું
સ્વામી નિત્યાનંદનો અમદાવાદના હાથીજણમાં આવેલો આશ્રમ પણ મોટા વિવાદમાં સપડાયો હતો. આ વિવાદના કારણે નિત્યાનંદે ભારત છોડીને ભાગી જવું પડયું હતું.
નિત્યાનંદના આશ્રમમાં રહેતી નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદા નામની બે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની બે દીકરીઓને નિત્યાનંદ ભોળવીને ભગાડી ગયો છે. હાથીજણ નજીક આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની સર્વાંગ્ય પીઠમ આશ્રમમાં યુવતીઓને રખાઈ હોવાના આક્ષેપ શર્માએ કર્યા હતા. અમદાવાદ પોલીસે તપાસ કરી તેમાં યુવતીઓ નહોતી મળી પણ નિત્યાનંદના ગોરખધંધાના ઘણા પુરાવા પોલીસને મળ્યા હતા. પોલીસે આશ્રમની સંચાલિકા બે યુવતીઓની ધરપકડ કરી હતી જ્યારે નિત્યાનંદ વિદેશ ભાગી ગયા હતા.
નિત્યાનંદ સાથે નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદા પણ વિદેશ જતી રહી હતી. નિત્યાનંદ સાથે રહીને વિદેશમાં જલસા કરતી બંને યુવતીએ નિત્યાનંદનો પક્ષ લેતાં ગુજરાત હાઈકોર્ટે નિત્યંનાદ સામેનો કેસ કાઢી નાંખ્યો હતો. નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદાએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને આક્ષેપ કરેલો કે, તેમના પિતા નાણાંકીય હેરફેરના કેસમાં સંડાવાયેલા હોવાથી પોતાના બચાવ માટે પોતાના અપહરણની ખોટી વાતો ઘડી કાઢી છે. તેમણે પોતે નિત્યાનંદ સાથે પોતાની મરજીથી રહેતી હોવાનું ખુલ્લેઆમ કહ્યું હતું.
બંનેએ આક્ષેપ કરેલો કે, તેમની માતાને બીજા પુરૂષ સાથે સંબંધો હતા પણ પિતા તેને કશું કરી શકતા નહોતા તેથી પોતાના પર આધિપત્ય જમાવતા. નિત્યાનંદિતા અને તત્વાપ્રિયા આનંદા સાથે નિત્યાનંદના ગાઢ સંબંધો હતા એ કહેવાની જરૂર નથી.
નિત્યાનંદની એક્ટ્રેસ રંજીથા સાથેની સેક્સ સીડીએ ખળભળાટ મચાવેલો
સ્વામી નિત્યાનંદ છાપેલું કાટલું છે અને પહેલાં પણ અનેક વિવાદોમાં તેમનું નામ આવેલું છે. ૨૦૧૦માં સ્વામી નિત્યાનંદની કહેવાતી એક સેક્સ સીડીનું સન ટીવીએ ટેલીકાસ્ટ કર્યું હતું. આ કથિત સીડીમાં નિત્યાનંદ રંજિથા નામની અભિનેત્રી સાથે પોતાના બેડરૂમમાં રંગરેલિયાં મનાવતા હોય અને શારીરિક સુખ માણતા હોય એવું સ્પષ્ટ દેખાતું હતું.
રંજિથા મલયાલમ ફિલ્મોની અભિનેત્રી હતી અને નિત્યાનંદની અનુયાયી હતી. રંજિથા અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ નિત્યાનંદના આશ્રમમાં જતી અને રાત રોકાતી તેથી બંનેના સંબંધો અંગે શંકા જતાં સ્ટિંગ ઓપરેશન કરાયેલું. નિત્યાનંદ અને રંજિથાએ આ સીડીને બનાવટી ગણાવી હતી અને ટીવી ચેનલો સામે કેસ કરી દીધો હતો.
સન ટીવીએ બતાવેલી સીડી ફૉરેન્સિક લેબમાં મોકલાઈ હતી. ફોરેન્સિક લેબે આ સીડી સાચી હોવાનો રીપોર્ટ આપ્યો હતો. નિત્યાનંદના આશ્રમે બચાવમાં આ સીડીનો કોઈ અમેરિકન ફોરેન્સિક લેબોરેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રીપોર્ટમાં સીડી સાથે ચેડા થયા હોવાનો દાવો કરાયો હતો પણ નિત્યાનંદનમી મેલી મથરાવટીના કારણે આ વાત માનવા કોઈ તૈયાર નહોતું.
રંજીથા સાથેની સેક્સ સીડીના કેસમાં નિત્યાનંદની ધરપકડ થઈ હતી. એ વખતે બેંગલુરુમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં દરોડા પડયા ત્યારે હજારોની સંખ્યામાં કોન્ડોમ અને ગાંજો પણ મળી આવ્યાં હતાં. આ કેસમાં નિત્યાનંદ માંડ માંડ જામીન પર છૂટયા હતા.