કમલા હેરિસ સામે 'સેક્સ દ્વારા સફળતા'નો આક્ષેપ, જૂનું અફેર ચગ્યું
- કમલા હેરિસ સામે એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન શરૂ થયું છે, કમલા 29 વર્ષનાં હતાં ત્યારે તેમનાથી 31 વર્ષ મોટા રાજકારણી સાથે સંબંધો બંધાયા હતા બંને કપલની જેમ રહેતા હતા
- કમલા માટે 'કોલ ગર્લ' જેવા ગંદા શબ્દો પણ વપરાઈ રહ્યા છે. કમલા હેરિસ નેતાઓની પથારી ગરમ કરીને અને સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એ પ્રકારના ગંદા આક્ષેપો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્રમ્પના સમર્થકોની સાથે મેઈન સ્ટ્રીમ મીડિયા પણ આ કીચડ ફેંકીને ગંધ ફેલાવવામાં સામેલ છે. ટીવીના ટોક શોમાં અને પોડકાસ્ટ્સ પર આ વાતો થઈ રહી છે. વિલિ બ્રાઉન સાથે સેક્સની કિંમત કમલાએ રાજકીય સફળતા મેળવીને વસૂલી એવું અમેરિકામાં મીડિયાનો એક વર્ગ કહી રહ્યો છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાંથી પ્રેસિડેન્ટ જો બિડેન ખસી ગયા અને કમલા હેરિસને પોતાના સ્થાને પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખપદનાં ઉમેદવાર બનાવવાની ભલામણ કરતા ગયા તેના કારણે કમલા હેરિસ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીનું નવું ટાર્ગેટ છે. કમલા હેરિસ હજુ સત્તાવાર રીતે પ્રમુખપદની ચૂંટણીનાં ઉમેદવાર બન્યાં નથી પણ રીપબ્લિકન પાર્ટીએ કમલા સામે એકદમ હલકી કક્ષાનું કેમ્પેઈન શરૂ કરી દીધું છે.
કમલાને રેસિયલ અને એન્ટિ ડેમોક્રેસી કહીને ગાળો અપાઈ જ રહી છે પણ 'કોલ ગર્લ' જેવા ગંદા શબ્દો પણ વપરાઈ રહ્યા છે. કમલા હેરિસ નેતાઓની પથારી ગરમ કરીને અને સેક્સ સંબંધો બાંધીને આગળ આવ્યાં છે એ પ્રકારના ગંદા આક્ષેપો થઈ રહ્યા છે. આઘાતની વાત એ છે કે, સોશિયલ મીડિયા પર ટ્રમ્પના સમર્થકો જ આ ગંદવાડ ફેંકી રહ્યા છે એવું નથી. મેઈન સ્ટ્રીમ મીડિયા પણ આ કીચડ ફેંકીને ગંધ ફેલાવવામાં સામેલ છે. ટીવીના ટોક શોમાં અને પોડકાસ્ટ્સ પર આ વાતો થઈ રહી છે.
કમલાની અંગત જીંદગીમાં કશું વાંધાજનક નથી. કમલા ૨૦૧૪માં ડગ એમહોફને પરણ્યાં એ પહેલાં તેમનાં બે અફેર હતાં. લગ્ન પછી કમલા એમહોફને વફાદાર છે અને બંનેનું લગ્નજીવન સુખમય વિતી રહ્યું છે તેથી કમલા સામે આંગળી ચીંધા શકાય તેમ નથી એટલે કમલા હેરિસના ૨૫ વર્ષ જૂના વિલિ બ્રાઉન સાથેના અફેરને જોરશોરથી ઉછાળવામાં આવી રહ્યું છે.
કમલા હેરિસ ૨૯ વર્ષનાં હતાં ત્યારે ૩૧ વર્ષ મોટા સાન ફ્રાન્સિસ્કોના પાવરફુલ રાજકારણી વિલિ બ્રાઉન સાથે સંબધો બંધાયા હતા. ૬૦ વર્ષના બ્રાઉન પરીણિત હતા પણ કમલા-વિલી પતિ-પત્નીની જેમ જ રહેતાં હતાં. બંને કપલ હોય એ રીતે જાહેરમાં સાથે પણ દેખાતાં હતાં.
અમેરિકાના સૌથી સમૃધ્ધ શહેર સાન ફ્રાન્સિસ્કોના આફ્રિકન અમેરિકન રાજકારણી વિલિ બ્રાઉન સૌથી પાવરફુલ નેતા મનાતા. ૧૯૯૬માં એ સાન ફ્રાન્સિસ્કોના પહેલા બ્લેક મેયર બન્યા અને ઈતિહાસ રચ્યો હતો. ગોરાઓથી વિલિનો વટ સહન થતો નહીં તેથી કમલાના બહાને વિલિને ટાર્ગેટ કરાતા હતા. મીડિયામાં કમલાનો ઉલ્લેખ 'બ્રાઉનની ૨૯ વર્ષની રખાત કમલા' તરીકે કરાતો હતો.
વિલિ બ્રાઉન કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સ્પીકર તરીકે ૧૯૮૦થી ૧૯૯૫ સુધી ૧૫ વર્ષ લગી રહ્યા હતા.
કમલા અને બ્રાઉન વચ્ચે સંબંધો હતા ત્યારે બ્રાઉન પોતાની પત્નીથી અલગ થઈ ગયા હોવાનો દાવો કરાતો હતો પણ બ્રાઉન મેયરપદની ચૂંટણી જીત્યા પછી સન્માન સમારોહમાં તેમની પત્ની બ્લાન્સ મંચ પર સાથે દેખાઈ હતી તેથી કમલાને 'હોમ બ્રોકર' પણ કહેવાતાં આવતાં.
વિલી બ્રાઉન કેલિફોનયા એસેમ્બલીના સ્પીકર હતા ત્યારે કમલા હેરિસને કેલિફોર્નિયાની બે મહત્વની કમિટીમાં વકીલ તરીકે નિમણૂક આપી હતી.
કેલિફોર્નિયા મેડિકલ આસિસ્ટન્સ કમિશનમાં નિમણૂક બદલ કમલાને વરસે ૭૨ હજાર ડોલર મળતા જ્યારે અનએમ્પ્લોયમેન્ટ ઈન્સ્યોરન્સ અપીલ્સ બોર્ડમાં નિમણૂક બદલ વરસે ૯૭,૦૮૮ ડોલર મળતા. ૧૯૯૦ના દાયકામાં વરસે ૧.૭૦ લાખ ડોલરની કમાણી બહુ મોટી હતી. તેના કારણે એવી કોમેન્ટ્સ પણ થતી કે, વિલિ બ્રાઉનની સેક્સભૂખ કેલિફોર્નિયા સ્ટેટને બહુ મોંઘી પડી રહી છે. કમલા સાથે સેક્સની ફી વિલિ કેલિફોર્નિયાની તિજોરીમાંથી ચૂકવી રહ્યા છે.
વિલિ સાન ફ્રાન્સિસ્કોના બેતાજ બાદશાહ હતા. ૧૯૬૪થી ૨૦૦૪ સુધીના ચાર દાયકા દરમિયાન વિલિ બ્રાઉને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સભ્યથી માંડીને સાન ફ્રાન્સિસ્કોના મેયર સુધીના હોદ્દા ભોગવ્યા. સળંગ ૮ વર્ષ તો વિલિ સાન ફ્રાન્સિસ્કોના મેયર હતા. વિલિને રેટિનિટિસ પિગ્મેન્ટોસા નામે રોગ થઈ ગયેલો કે જેનો કોઈ ઈલાજ નથી. આ રોગમાં ધીરે ધીરે આંખોની દ્રષ્ટિ જતી રહે છે. વિલિને ૧૯૯૦ના દાયકામાં જ દેખાવાનું ઓછું થવા માંડેલું છતાં કામ ચાલુ રાખ્યું. આ તકલીફ વધી પછી ૨૦૦૪માં ૭૦ વર્ષની ઉંમરે વિલિ બ્રાઉન સ્વૈચ્છિક રીતે જ રાજકારણથી અલગ થઈ ગયા પછી પણ કેલિફોર્નિયામાં તેમના નામના સિક્કા પડતા.
કમલા હેરિસે વિલિના આ પ્રભાવનો ઉપયોગ કરીને રાજકીય કારકિર્દી બનાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
વિલિ બ્રાઉન સાથે સેક્સની કિંમત કમલાએ રાજકીય સફળતા મેળવીને વસૂલી એવું અમેરિકામાં મીડિયાનો એક વર્ગ પણ કહે છે. વિલિની મદદથી કમલા ૨૦૦૪માં કેલિફોર્નિયામાં ડિસ્ટ્રિક્ટ એટર્ની બન્યાં અને ૨૦૧૧માં કેલિફોર્નિયા સ્ટેટનાં એટર્ની જનરલ બન્યાં.
કમલા ૨૦૧૭માં સેનેટર બન્યાં એ પણ બ્રાઉનની મહેરબાનીથી બનેલાં એવું કહેવાય છે. કમલા સામે ડેમોક્રેટિક પાર્ટીમાંથી લોસ એન્જેલસના મેયર એન્ટોનિયો રેમોન વિલારાયગોસા ઉમેદવાર બનવાની સ્પર્ધામાં હતા. લેટિન અમેરિકનોના સૌથી મોટા નેતા એન્ટોનિયોને વિલીએ સમજાવીને બેસાડી દીધેલા એવું કહેવાય છે.
વિલિ બ્રાઉન અત્યારે ૯૦ વર્ષના છે પણ સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયામાં જોરદાર પ્રભાવ ધરાવે છે. વિલી ડેમોક્રેટિક પાર્ટીને સૌથી વધારે ડોનેશન લાવી આપનારા નેતા મનાય છે તેથી વિલિના કહેવાથી જ જો બિડેને કમલાને પોતાનાં રનિંગ મેટ બનાવેલાં એવું પણ કહેવાય છે. અમેરિકાના પ્રમુખપદની ૨૦૨૦ની ચૂંટણી વખતે કમલાના ચૂંટણી પ્રચારમાં બ્રાઉન સતત તેમની સાથે રહેતા હતા તેથી વિલી અને કમલાની નિકટતાને મુદ્દો બનાવી દેવાયો છે.
કમલા સામેનો ગંદો પ્રચાર અમેરિકાનું રાજકારણનું સ્તર કઈ હદે નીચું જતું રહ્યું છે તેના પુરાવારૂપ છે. ડોનાલ્ડ ટ્રમ્પ બધી વાતે પૂરા છે. પોર્ન સ્ટારથી માંડીને નાની ઉંમરની છોકરીઓ સાથે સેક્સ સંબધોના કારણે વગોવાયેલા ટ્રમ્પ સામે સંખ્યાબંધ સ્ત્રીઓએ બળાત્કારના આરોપ મૂક્યા છે કે જેના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કરચોરીથી માંડીને કોંગ્રેસ પર હુમલા સુધીના કેસો ટ્રમ્પ સામે ચાલી રહ્યા છે. આ બધાં કરતૂતો છતાં ટ્રમ્પ મજબૂત હતા ને ફરી પ્રમુખ બનવાના દાવેદાર મનાતા હતા કેમ કે તેમની સામે માનસિક રીતે નબળા જો બિડેન હતા.
બિડેન ખસ્યા એ સાથે જ બાજી પલટાઈ ગઈ કેમ કે કમલા હેરિસ સામે બોલી શકાય એવું કશું નથી. કમલા ટ્રમ્પ કરતાં યુવાન છે અને માનસિક તથા શારીરિક બંને રીતે વધારે સક્ષમ છે. કમલા આફ્રિકન અમેરિકન છે અને ભારતીય મૂળનાં છે તેથી મતદારોનો મોટો વર્ગ આપોઆપ તેમના તરફ ઢળી જશે એવો ટ્રમ્પને ડર છે. આ કારણે કમલા પર કાદવ ઉછાળવાનું ગંદુ અને હલકું રાજકારણ ડોનાલ્ડ ટ્રમ્પ રમી રહ્યા છે.
કમલાના ભૂતપૂર્વ પ્રેમી વિલી બ્રાઉન કેલિફોર્નિયાના નેતાઓના ગોડફાધર
કમલા હેરિસના ભૂતપૂર્વ પ્રેમી વિલિ બ્રાઉનને કમલાનું ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે. વિલિ કેલિફોર્નિયાના રાજકારણીઓના તો ગોડફાધર મનાય જ છે પણ આખા અમેરિકામાં બહારથી આવીને વસેલા લોકો પર જોરદાર પકડ ધરાવે છે.
એક સમયે કેલિફોર્નિયા રીબપબ્લિકન પાર્ટીનો ગઢ મનાતો પણ એસેમ્બલીના સ્પીકર તરીકે વિલિએ ડેમોક્રેટિક પાર્ટીનો પગપેસારો કરાવ્યો અને તેનો ગઢ બનાવ્યો.
સાન ફ્રાન્સિસ્કોના મેયર તરીકે વિલીએ ગોરાઓને બાજુ પર મૂકીને એશિયન-અમેરિકન્સ, અમેરિકન-આફ્રિક, લેટિનોસ એટલે કે લેટિન અમેરિકાના દેશોના લોકો, સજાતિય સંબંધો ધરાવનારા લોકોને હોદ્દા આપેલા. આ કારણે વિલી બ્રાઉનનો પ્રભાવ બહુ વ્યાપક છે.
સાન ફ્રાન્સિસ્કોનું બજેટ વધારીને શહેરને વધારે ખૂબસૂરત બનાવવાનું શ્રેય પણ વિલીને જાય છે. દુનિયાની સૌથી ધનિક આઈટી કંપનીઓનું હબ સિલિકોન વેલી સાન ફ્રાન્સિસ્કોની પાસે જ છે.
વિલીએ સિલિકોન વેલીના માંધાતાઓ સાથે પણ સંબંધો ગાઢ બનાવીને સાન ફ્રાનિસ્કોમાં રીયલ એસ્ટેટમાં જંગી રોકાણ કરાવડાવ્યું. અમેરિકાના મોટા ભાગના ધનિકોને સાન ફ્રાન્સિસ્કોમાં વસાવ્યા તેથી રીયલ એસ્ટેટ સેક્ટરનો જબરદસ્ત વિકાસ થયો. વિલીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ બેસ્ટ બનાવીને બધી ઝૂંપડપટ્ટીઓ દૂર કરાવી હતી.
કમલા હેરિસ સામે મેગીન કેલી સૌથી આક્રમક
મેઈનસ્ટ્રીમ મીડિયામાં કમલા સામેના મોરચાની આગેવાની મેગીન કેલીએ લીધી છે. લોકપ્રિય ટોક શો અને પોડકાસ્ટ ધ મેગીન કેલી શોમાં કેલીએ કમલા હેરિસના વિલી બ્રાઉન સાથેના સંબંધોનો મુદ્દો સૌથી પહેલાં ઉઠાવેલો. મેગીનનું કહેવું છે કે, રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતી એક ૩૦ વર્ષની યુવતી પોતાનાથી ૩૧ વર્ષ મોટા અત્યંત સફળ રાજકારણી સાથે સેક્સ સંબંધો બાંધે અને પછી રાજકારણમાં ફટાફટ આગળ વધે તેને સેક્સ દ્વારા સફળતા કહેવાય. કમલા હેરિસે એ જ કર્યુ છે અને વિલી બ્રાઉન સાથેના સંબંધોનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.
મેગીન ૫૩ વર્ષની છે અને અમેરિકાની ટોચની પત્રકાર છે. અગાઉ ફોક્સ ન્યુઝ, એનબીસી ન્યુઝ જેવી ચેનલો માટે ટોક શો કરી ચૂકેલી મેગીન ભૂતકાળમાં ટાઈમ મેગેઝિનની વિશ્વમાં સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોની યાદીમાં સ્થાન પામી ચૂકી છે.