Get The App

કોરોના મહામારીના પાપે આર્થિક સંકટનું ભયાવહ ચિત્ર

- રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં કોરોનાના કારણે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાનો ચિતાર રજૂ થયો

- વર્લ્ડ રેટિંગ એજન્સીઓ અને જાણકારોએ લૉકડાઉનના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૦ ટકા સુધીના ઘટાડાનું પૂર્વાનુમાન કર્યું છે, રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર લૉકડાઉનના કારણે ખપતને ગંભીર અસર થઇ છે અને સૌથી ગરીબ લોકોને સૌથી વધારે માર પડયો છે

Updated: Aug 28th, 2020


Google NewsGoogle News
કોરોના મહામારીના પાપે આર્થિક સંકટનું ભયાવહ ચિત્ર 1 - image


કોરોના મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થાની હાલત કથળી ગઇ હોવાના દાવા તો ઘણાં સમયથી થઇ રહ્યાં છે અને હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલે ભારતની અર્થવ્યવસ્થા પર કોવિડ-૧૯ની અસરોનું અસલ ચિત્ર રજૂ કર્યું છે. 

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હાલ જે સંકેત મળી રહ્યાં છે એ જોતાં આર્થિક ગતિવિધિમાં અભૂતપૂર્વ મંદી આવવાના એંધાણ છે. ભારતની કૂદકે ને ભૂસકે વધી રહેલી અર્થવ્યવસ્થા કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પહેલી વખત સંકોચાય એવા સંજોગો ઊભા થયા છે. આ ફટકો એટલો મોટો હશે કે કોરોના મહામારી પહેલાના સ્તરે અર્થવ્યવસ્થાને પહોંચવામાં ઘણો વખત લાગશે. 

વર્લ્ડ રેટિંગ એજન્સીઓ અને જાણકારોએ લૉકડાઉનના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૦ ટકા સુધીના ઘટાડાનું પૂર્વાનુમાન કર્યું છે. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર લૉકડાઉનના કારણે ખપતને ગંભીર અસર થઇ છે અને સૌથી ગરીબ લોકોને સૌથી વધારે માર પડયો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લૉકડાઉન બાદ મે અને જૂનમાં અર્થવ્યવસ્થાએ ગતિ પકડી હતી પરંતુ હજુ પણ ઘણાં રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ વણસી હોવાના કારણે પાછી મંદીના લક્ષણો જણાવા લાગ્યા છે. આનો અર્થ એ કે આર્થિક ગતિવિધિ સંકોચાવાનું બીજા ક્વાર્ટરમાં પણ ચાલુ રહેશે. 

કોરોના મહામારી અને એના પગલે લાદવામાં આવેલા લૉકડાઉને અર્થવ્યવસ્થાને જે રીતે બેહાલ કરી છે એમાંથી બહાર આવતા લાંબો સમય લાગશે. ભારતમાં કરોડો લોકોની રોજીરોટી નાનામોટા વેપાર પર ટકી છે. કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે. માલસામાનનું ઉત્પાદન હજુ પાટે ચડયુ નથી. અનેક નાના મોટા એકમોને ત્વરિત સહાયની આવશ્યક્તા છે.

જોકે ઉદ્યોગોમાં ઉત્પાદન શરૂ કરવા કરતાયે મોટી સમસ્યા માલસામાન અને સેવાઓની માંગ પેદા કરવાની છે. બેરોજગારી કે પગારમાં કપાત પણ દેશની અર્થવ્યવસ્થા માટે ભયાવહ સાબિત થઇ શકે એમ છે. કોરોના મહામારીના કારણે સૌથી મોટો પડકાર બેહાલ ઔદ્યોગિક એકમોને ફરી પાટા પર ચડાવવાનો છે. 

લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થામાં કેટલું મોટું ગાબડું પડયું હશે એ સમજવા માટે અર્થશાસ્ત્રના જાણકાર હોવાની જરૂર નથી. લૉકડાઉનના કારણે આપૂર્તિ સાથે જોડાયેલી વસ્તુઓના ઉત્પાદન અને વિતરણને ગંભીર નુકસાન પહોંચ્યું છે. માંગની કમી, વધી રહેલી બેરોજગારી અને ઓદ્યોગિક ઉત્પાદનમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી જ દબાણમાં રહેલા અર્થતંત્ર માટે આંચકા આવી રહ્યાં છે. વિકાસ દરમાં ઘટાડો થવાના કારણે દેશના કરોડો લોકોની સામાજિક અને આર્થિક સુરક્ષા પણ જોખમમાં મૂકાઇ ગઇ છે. 

કોરોના મહામારીના કારણે માંગ અને પુરવઠાનું ચક્ર તૂટી ગયું છે. લોકો કમાશે શું અને ખાશે શું એ સવાલ છે. અર્થવ્યવસ્થામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ભાગીદારી વધારે છે. સરકારને ટેક્સનો મોટો હિસ્સો આ સેકટરોમાંથી મળે છે. 

એક રિપોર્ટ અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગા અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકોને લૉકડાઉનના કારણે એક લાખ સોળ હજાર કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થશે. કોલસા, વીજળી, લોખંડ, ઉર્જા જેવા મોટા ક્ષેત્રોમાં પણ ઉત્પાદન ઠપ્પ છે. કારખાના બંધ થઇ જવાના કારણે નિર્માણ ઠપ્પ છે જેના કારણે વીજળીની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે.

 પર્યટન, હોટલ, રેસ્ટોરન્ટ અને મનોરંજન જેવા ક્ષેત્રો બંધ પડી ગયાં છે. ભારતમાં પર્યટન ઉદ્યોગથી મોટી આવક થાય છે. વિદેશી પર્યટકોના ધસારાના કારણે અનેક લોકોને રોજી મળે છે પરંતુ પર્યટકો ન હોવાના કારણે અનેક લોકો પાસે કામ નથી. પર્યટન સાથે જોડાયેલા હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગો પણ ખાડે ગયા છે. 

કોરોનાના કારણે સપ્લાઇ પર સૌથી માઠી અસર થઇ છે. આવશ્યક ચીજવસ્તુઓની કેટેગરીમાં ન આવતા ઉત્પાદનોનું વિતરણ સાવ ઠપ્પ થઇ જવાના કારણે અનેક ઉદ્યોગોને માઠી અસર થઇ છે. લૉકડાઉન ક્રમશઃ પૂરું થયા બાદ વેચાણમાં વધારો થઇ રહ્યો છે પરંતુ માંગ અને પૂરવઠાના સ્તરને પહેલાં જેવો થવામાં મહિનાઓ નીકળી જશે.

કોરોના વાઇરસનો ફટકો દેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત ગંભીર સાબિત થઇ રહ્યો છે. જોકે વાઇરસની ચપેટમાં દુનિયાના ઘણાં ખરાં દેશો આવી ગયા છે. પરંતુ ભારતની વિશાળ વસતી અને આર્થિક સ્થિતિને જોતાં લૉકડાઉન અર્થવ્યવસ્થા માટે નુકસાનકારી સાબિત થયું છે.

લૉકડાઉનના કારણે લાખો લોકોએ રોજગાર ગુમાવ્યો છે અને એની સીધી અસર બજાર પર પડવી નક્કી છે. 

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટ અનુસાર કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે દેશમાં આશરે ૧.૮૯ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. લોકોની આવક જ નહીં હોય તો વસ્તુઓ અને સેવાઓની ખરીદીમાં પણ મંદી આવશે. જેના કારણે અર્થવ્યવસ્થાની મંદી ઓર વકરશે. અર્થવ્યવસ્થાની મંદી ઉપરાંત લોકોને પોતાના ઉદ્યોગધંધા ઠપ્પ થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. એ સંજોગોમાં સરકારે નક્કર કાર્યવાહી કરવાની જરૂર રહેશે.

જાણકારોના મતે રિઝર્વ બેંકે હજુ સંપૂર્ણ હકીકત રજૂ નથી કરી તેમ છતાં કોરોનાના કારણે થયેલા નુકસાનની પ્રમાણિક સમીક્ષા કરવાનો પ્રયાસ જરૂર કર્યો છે. કેટલાંક અર્થશાસ્ત્રીઓના મતે તો આર્થિક વિકાસ દર માઇનસ ૩૭.૫ જેટલો નીચો જઇ શકે છે. પરિસ્થિતિ વધારે ન વણસે અને અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢે તો પણ વિકાસ દર માઇનસ ૧૨ ટકા જેટલો નીચો રહેવાની સંભાવના છે. 

આનો અર્થ એ કે અર્થવ્યવસ્થામાં ૭૦ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે. એફએમસીજી, ફાર્મા અને આઇટી ક્ષેત્રને બાદ કરતા તમામ ક્ષેત્રોમાં રોકાણ ઘટશે, ખપત ઘટશે અને સરકારની આવકમાં મોટો ઘટાડો થશે. જીએસટીની આવક પણ અડધી થઇ જશે. નોકરીઓ જવાના કારણે ઇન્કમટેક્સની આવક પણ ઘટશે. કોર્પોરેટ સેક્ટર ખોટમાં જવાના કારણે કોર્પોરેટ ટેક્સની આવક પણ ઘટશે.

ભારતની અર્થવ્યવસ્થા બજારલક્ષી છે કારણ કે બજારની શક્તિ દ્વારા જ આર્થિક માપદંડો નક્કી થાય છે. 

લૉકડાઉનના કારણે ભાંગી પડેલા અર્થતંત્રને ફરીથી ઊભું કરવા માટે બજારમાં રોકડનો પ્રવાહ ચાલુ થવો જોઇએ. આ રોકડ રકમ જ્યાં સુધી જનતાના હાથમાં નહીં આવે ત્યાં સુધી બજારમાં રોકડનો પ્રવાહ નહીં વહે. આંકડા દર્શાવે છે કે દેશમાં ખપત સતત ઘટી રહી છે. 

ખાસ કરીને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના વેચાણમાં થયેલો ઘટાડો દર્શાવે છે કે લોકો જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખરીદવાનું ટાળી રહ્યાં છે. વેચાણના આંકડા તો ઘટી રહ્યાં છે તો સાથે સાથે બચતના આંકડા પણ નીચે આવી રહ્યાં છે. આનો સીધો અર્થ એ કે લોકોની આવક ઘટી છે અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે લોકોને પોતાની બચત સુદ્ધાં ખર્ચવાનો વારો આવી ગયો છે. 

એક તરફ ભયંકર બેરોજગારી છે અને બીજી તરફ સરકાર પાસે સંસાધનોનો અભાવ છે. એવામાં ૧૯૨૯ની ભયંકર મંદી વખતે જ્હોન મેનાર્ડ કીન્સે રજૂ કરેલા રોજગાર સિદ્ધાંત અનુસાર સરકારે પોતાનો ખર્ચ વધારવો જોઇએ. ખર્ચમાં વૃદ્ધિ કરીને બેરોજગારીમાં કમી લાવી શકાય અને અર્થવ્યવસ્થામાં માંગનું સર્જન થઇ શકે. વેચાણમાં ઘટાડાનો સીધો સંબંધ આર્થિક વિકાસ સાથે છે કારણ કે ભારતની જીડીપીનો ૬૦ ટકા જેટલો હિસ્સો અહીંયાથી આવે છે. 

મતલબ સાફ છે કે અર્થવ્યવસ્થાને આ જટિલ દુષ્ચક્રમાંથી બહાર કાઢવા માટે એવા પગલાં લેવા જોઇએ કે લોકોની ખરીદક્ષમતા વધે અને આવક વધે.

સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર બચત, ખપત અને રોકાણના અસંતુલનને દૂર કરવાનો છે. મંદીના મારથી મોટા ભાગના ઉદ્યોગોમાં નોકરીઓ નથી અને લાખો લોકો બેરોજગાર બેઠાં છે. સરકાર માંગ અને ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ સવાલ એ છે કે લોકો પાસે કામ જ નહીં હોય તો ખર્ચ કરવા માટેના પૈસા ક્યાંથી આવશે? ખર્ચ કરવા માટે પૈસા નહીં હોય તો બજારમાં માંગ કેવી રીતે ઊભી થશે? માંગ નહીં હોય તો ફેકટરીઓ અને કારખાનાઓ ઉત્પાદન શું કરશે? ઔદ્યોગિક કામગીરી જ ઠપ્પ થઇ ગઇ હશે તો વિકાસ દર કેવી રીતે વધશે? આ એવું દુષ્ચક્ર છે જેમાંથી બહાર આવવા માટે સત્વરે પગલાં લેવાની આવશ્યક્તા છે.

News-Focus

Google NewsGoogle News