Get The App

જગન- શર્મિલા વચ્ચે 25 હજાર કરોડના શેર માટે કાનૂની જંગ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
જગન- શર્મિલા વચ્ચે 25 હજાર કરોડના શેર માટે કાનૂની જંગ 1 - image


- શર્મિલા કોંગ્રેસમાં જોડાયા અને આંધ્ર વિધાનસભાની ચૂંટણીમાં જગન મોહનની પાર્ટીને કારમી હાર મળી તે જોતાં બંને વચ્ચે સમાધાનની કોઈ શક્યતા દેખાતી નથી

- સરસ્વતી પાવરના એક શેરની કિંમત લગભગ 19,000 રૂપિયા છે.  જગન, તેની પત્ની અને તેમની કંપનીના નામે 1,26,76,294 શેર હતા એ જોતાં શેરની કિંમત જ ૨૫ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. બેંગલુરુના ઉપનગર યેલાહંકામાં કરોડોની 20 એકર જમીન પણ વિજયમ્માના નામે ટ્રાન્સફર કરી દેવાઈ હોવાનો જગને આક્ષેપ કર્યો છે. શર્મિલાએ જગનને લખેલા પત્રમાં આક્ષેપ મૂકેલો કે, જગને સ્વર્ગસ્થ પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીને વચન આપેલું કે, સરસ્વતી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઝના શેર માતા વિજયમ્માના નામે કરશે. વિજયમ્મા અને જગન વચ્ચે ગિફ્ટ ડીડ પણ થયેલું.  હવે જગન કરારનું પાલન કરવા નથી માગતો કેમ કે તેમના મનમાં ચોર છે. 

રાજકારણમાં એક જ પરિવારનાં લોકો સામસામે આવી જાય એ નવી વાત નથી પણ રાજકીય લડાઈ અંગત લડાઈ બને એવું બહુ બનતું નથી. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ વાય.એસ. શર્મિલા અને આંધ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજકીય રીતે સામસામે છે જ પણ હવે અંગત રીતે પણ સામસામે આવી ગયાં છે. શર્મિલા અને જગન વચ્ચે ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધારેના શેર સહિતની સંપત્તિના મુદ્દે જંગ જામ્યો છે. 

જગને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં બહેન શર્મિલા સામે ફરિયાદ કરી છે. જગનનો આક્ષેપ છે કે, શર્મિલાએ સરસ્વતી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પોતાના અને પોતાની પત્ની ભારતીના નામે જે શેર હતા એ પોતાના તથા માતા વિજયમ્માના નામે ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી લીધા છે. જગને ૯ સપ્ટેમ્બરે એનસીએલટીની હૈદરાબાદ બેન્ચ સમક્ષ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે, જગનના ૭૪,૨૬,૨૯૪ ઇક્વિટી શેર, ભારતીના ૪૦,૫૦,૦૦૦ શેર  અને ક્લાસિક રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ સરસ્વતી પાવર ડિરેક્ટર્સના ૧૨,૦૦,૦૦૦ શેર  તેની માતા તેની માતા વિજયમ્માને ટ્રાન્સફર કરી દેવાયા છે. સરસ્વતી પાવરના એક શેરની કિંમત લગભગ ૧૯,૦૦૦ રૂપિયા છે.  

જગન, તેની પત્ની અને તેમની કંપનીના નામે ૧,૨૬,૭૬,૨૯૪ શેર હતા એ જોતાં શેરની કિંમત જ ૨૫ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. આ સિવાય  બેંગલુરુના ઉપનગર યેલાહંકામાં કરોડોની ૨૦ એકર જમીન પણ વિજયમ્માના નામે ટ્રાન્સફર કરી દેવાઈ હોવાનો જગને આક્ષેપ કર્યો છે. જગને સરસ્વકી પાવર એન્ડ ઈનડસ્ટ્રીઝ કંપનીના રજિસ્ટરમાં સુધારો કરીને ફરી પોતાના નામે શેર ટ્રાન્સફર કરીને શેરધારકો તરીકે પોતાનાં  નામ દાખલ કરવા અરજી કરી હતી. 

એનસીએલટીએ શર્મિલાને નોટિસ આપી પછી શર્મિલાએ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ ભાઈ જગન મોહન રેડ્ડીને લખેલા પત્રમાં આક્ષેપ મૂકેલો કે, જગન પિતાને આપેલા વચનમાંથી ફરી જવા માગે છે. શર્મિલાના કહેવા પ્રમાણે,  જગને તેમના સ્વર્ગસ્થ પિતા વાય.એસ. રાજશેખર રેડ્ડીને વચન આપેલું કે, સરસ્વતી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીઝના શેર માતા વિજયમ્માના નામે કરશે. આ અંગે વિજયમ્મા અને જગન વચ્ચે ગિફ્ટ ડીડના કરાર પણ થયા હતા પણ હવે જગન આ કરારનું પાલન કરવા નથી માગતો કેમ કે તેમના મનમાં ચોર છે. 

જગને ગિફ્ટ ડીડ થયો હોવાનું સ્વીકાર્યું છે પણ સાથે સાથે એવી દલીલ પણ કરી છે કે, પોતે આ શેર બહેન પ્રત્યેના શુધ્ધ પ્રેમ અને સ્નેહવશ ભેટમાં આપવા માગતો હતો પણ તેમાં પણ એ શરત હતી કે, ઈડી સહિતની કેન્દ્રીય એજન્સીઓએ જગન તથા તેના પરિવારજનો સામેના કેસોના નિરાકરણ પછી શેર તથા અન્ય મિલકતો ન ટ્રાન્સફર કરવામાં આવશે. જગનના કહેવા પ્રમાણે, હજુ ઈડી સહિતની એજન્સીઓના કેસ તો ઉભા જ છે ત્યાં એ પહેલાં તેમને ૧૯ જુલાઈએ જાણવા મળ્યું કે સરસ્વતી પાવર બોર્ડે ૬ જુલાઈના રોજ જગન અને ભારતીનું સરસ્વતી પાવર કંપનીમાં સમગ્ર શેરહોલ્ડિંગ તેમની માતા વિજયમ્માને ટ્રાન્સફર કરી દીધું છે. 

શર્મિલાના કહેવા પ્રમાણે, જગને અરજીમાં જૂઠાણાં ફેલાવ્યાં છે.  જગને પહેલાં જ તેમની માતા વિજયા લક્ષ્મી ઉર્ફે વિજયમ્માને ગિફ્ટ ડીડ આપીને તેમના નામે તમામ શેર ટ્રાન્સફર કર્યા હતા. એ વખતે જગનને એવું હતું કે, ભવિષ્યમાં એકના એક પુત્ર તરીકે તેમને જ આ બધું મળશે પણ શર્મિલા અને જગન રાજકીય રીતે સામસામે આવી ગયાં પછી જગનને લાગવા માંડયું છે કે, વિજયમ્મા પોતાની બધી સંપત્તિ બહેન શર્મિલાને આપી શકે છે. આ કારણે જગનને ભેટમાં આપેલી સંપત્તી પાછી જોઈએ છે. જગન ગિફ્ટ ડીડની વાતને પણ નકારી રહ્યો છે. 

શર્મિલા એનસીએલટી નોટિસનો જવાબ પુરાવા સાથે આપવાની છે ને તેના આધારે એનસીએલટી શું નિર્ણય લે છે એ જોવાનું રહે છે પણ આ મામલો અબજો રૂપિયાનો છે તેથી જોરદાર જંગ જામશે એ નક્કી છે. શેર જ ખાલી ૨૫ હજાર કરોડ રૂપિયાના છે.  શર્મિલા કોંગ્રેસમાં જોડાયાં અને આંધ્ર વિધાનસભાની ચૂંટણીમાં જગન મોહનનની પાર્ટીને કારમી હાર મળી એ પછી તો બંને વચ્ચે સમાધાનની કોઈ શક્યતા જ નથી રહી એ જોતાં જગન કે શર્મિલા બંનેમાંથી કોઈ નમતું જોખે એવી શક્યતા નથી તેથી જોરદાર જંગ જામશે. 

જગન અને શર્મિલા વચ્ચેનો કાનૂની જંગ ભાઈ અને બહેનની લવ સ્ટોરીમાં એન્ટિ ક્લાઈમેક્સ જેવો છે કેમ કે એક સમયે ભાઈ-બહેન એક થઈને હરીફો સામે લડતાં હતાં. જગન- શર્મિલાના પિતા વાય.એ. રાજશેખર રેડ્ડી આંધ્રમાં કોંગ્રેસી મુખ્યમંત્રી હતા. ૨૦૦૬માં વિમાની દુર્ઘટનામાં રાજશેખર રેડ્ડીના નિધન પછી જગને પોતાને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી હતી પણ કોંગ્રેસે જગનને ના ગણકારતાં જગને બગાવત કરીને ૨૦૧૧માં પોતાની પાર્ટી બનાવી ત્યારે શર્મિલાને વાયએસઆર કોંગ્રેસમાં કન્વીનર બનાવ્યાં હતાં. 

કોંગ્રેસની કેન્દ્ર સરકારે જગનને દબાવવા માટે ૨૦૧૨માં  ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં પૂરી દેતાં તેની પાર્ટી પતી જશે એવું લાગતું હતું પણ માતા વિજયમ્મા અને શર્મિલાએ મોરચો સંભાળીને પાર્ટીની જીવતી રાખી હતી. જગન સાથે કોંગ્રેસ છોડીને આવેલા ૧૮ ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ ત્યારે શર્મિલાએ પ્રચારની કમાન સાંભાળીને ૧૮માંથી ૧૫ વિધાનસભા બેઠકો અને ૧ લોકસભા બેઠક જીતાડીને વાયએસઆર કોંગ્રેસને શાનદાર શરૂઆત કરાવી હતી. 

શર્મિલાએ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ૧૦ મહિના ચાલેલી પદયાત્રા ૧૪ જિલ્લામાં ફરી તેથી વાયએસઆર કોગ્રેેસનું સંગઠન બન્યું.  જગન ૨૦૧૯માં ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ શર્મિલાએ આખા આંધ્ર પ્રદેશની બસ યાત્રા કરી હતી. શર્મિલાએ ચંદ્રાબાબુ નાયડુને ટાર્ગેટ કરીને શરૂ કરેલી 'બાય બાય બાબુ' યાત્રાએ જગનની જીતનો માહોલ બનાવેલો. શર્મિલા આ યાત્રા દરમિયાન પોતાના ઓટોગ્રાફ સાથેની કેપ આપતાં એ લેવા લોકો પડાપડી કરી મૂકતાં હતાં.  

જો કે શર્મિલાએ તેલંગાણામાં પાર્ટીનો વિસ્તાર કરવાનું કહ્યું પણ જગન ના માન્યો તેમાં વિખવાદ શરૂ થયો. ગયા વરસે શર્મિલા કોંગ્રેસમાં જોડાતાં ભાઈ-બહેન સામસામે આવી ગયાં ને હવે કાનૂની જંગમાં સામસામે છે.

શર્મિલાએ બ્રાહ્મણ અનિલને લગ્ન માટે ખ્રિસ્તી બનવાની શરત મૂકેલી

શર્મિલાએ ૧૯૯૫માં બ્રાહ્મણ પરિવારમાંથી આવતા મોરુસુપલ્લી અનિલ કુમાર સાથે લગ્ન કરેલાં. રાજશેખર રેડ્ડી પરિવાર ખ્રિસ્તી હોવાથી શર્મિલા ખ્રિસ્તી ધર્મ પાળતી હતી તેથી બ્રાહ્મણ અનિલ પણ શર્મિલાને પરણવા લગ્ન પહેલાં ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયો હતો.  શર્મિલાએ લગ્ન માટે ખ્રિસ્તી બનવાની શરત મૂકી હોવાથી અનિલે ધર્માંતરણ કર્યું હોવાની વાતો ચાલી હતી. 

ખ્રિસ્તી બન્યા પછી બ્રધર અનિલ કુમાર તરીકે ઓળખાતો શર્મિલાનો પતિ એવાંગેલિસ્ટ એટલે કે ખ્રિસ્તી ધર્મ પ્રચારક તરીકે કામ કરે છે. અનિલ ધર્માંતરણ માટે અનિલ વર્લ્ડએવાન્ગેલિઝમ મિશન ચલાવે છે અને પ્રવચનો આપીને અન્ય ધર્મનાં લોકોને ખ્રિસ્તી બનાવે છે. હૈદરાબાદમાં જીસસ ક્રાઈસ્ટ બ્લેસિંગ નામે થતી અનિલની પ્રાર્થનાસભામાં હજારો લોકો ઉમટી પડતાં. 

હવે અનિલ ઓનલાઈન પ્રચાર વધારે કરે છે. 

શર્મિલા અનિલનો દીકરો વાય.એસ. રાજા રેડ્ડી અમેરિકામાં ટોપ આઈટી કંપનીમાં નોકરી કરે છે. રાજાએ આંધ્રમાં ટોચના બિઝનેસ ફેમિલીની દીકરી પ્રિયા અતલુરી સાથે લગ્ન કર્યાં છે. કમ્મા જ્ઞાાતિના અતલુરી પરિવારના ચંદ્રાબાબુ નાયડુ સાથે ગાઢ સંબંધો છે કેમ કે ચંદ્રાબાબુ પણ કમ્મા છે.

 પ્રિયાના દાદા અતલુરી રામારાવ આંધ્ર પ્રદેશમાં મંત્રી જ્યારે કાકા અતલુરી શ્રીનિવાસ સાંસદ હતા. પ્રિયા અમેરિકામાં ફાયનાન્સ એનાલિસ્ટ છે. અમેરિકામાં ભણતી હતી ત્યારે રાજાના પ્રેમમાં પડેલી.

જગન પાસે 3 લાખ કરોડની સંપત્તિ, દેશમાં સૌથી ધનિક રાજકારણી

જગન અને શર્મિલાના વિવાદે ભારતમાં રાજકારણીઓના ચાવવાના અને બતાવવાના જુદા જુદા હોય છે તેનો પુરાવો છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જગન મોહન રેડ્ડીએ પોતાની તથા પોતાના પરિવારની કુલ સપંત્તિ ૭૫૭ કરોડ રૂપિયા દર્શાવી હતી પણ તેની બહેન સાથે સંપત્તો વિવાદ જ ૨૫ હજાર કરોડ રૂપિયાથી વધારેનો છે એ જોતાં જગન પાસે ખરેખર કેટલી સંપત્તિ હશે એ કહેવું મુશ્કેલ છે. 

જગન પાસે કુલ ૩ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. ૨૦૨૩માં ટીડીપીના નેતા યાનામાલા રામકૃષ્ણાડુએ આક્ષેપ કર્યો હતો કે, જગને મુખ્યમંત્રી બન્યા પછી લગભગ ૨.૫૦ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પૈકીની મોટા ભાગની સંપત્તિ બેનામી છે તેથી તેને શોધવી મુશ્કેલ છે પણ જગન પાસે ૩ લાખ રોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહી શકાય. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ચૂંટણીની એફિડેવિટમાં ૧૪૧૩ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. શિવકુમાર ભારતના સૌથી ધનિક ધારાસભ્ય મનાય છે પણ જગન પાસે તેમના કરતાં અનેક ગણી સંપત્તિ હશે. જગનના બિઝનેસનો પથારો બહુ મોટો છે. આંધ્ર પ્રદેશમાં સાક્ષી ટીવી અને સાથી અખબાર ઉપરાંત ભારતી સીમેન્ટ સહિતની ઘણી કંપનીઓ જગનના નામે બોલે છે.

News-Focus

Google NewsGoogle News